બારી દરવાજા વગરનું મકાન હોઈ શકે નહિ... એવી કોઈજ ગુફા નથી જેનું દ્વાર ના હોય.. એમ દરેક સમસ્યામાંથી બહાર નીકળવા માટે મારા વ્હાલા પ્રભુએ "બારી" આપેલી જ હોય છે, આ..બારી શોધીને બહાર નીકળી જવાનું કામ આપણે કરવાનુ છે,કોઈ પણ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો હોય જ છે ફકત વિકલ્પ શોધી લેવાનું કામ આપણે કરવાનું છે, ઘનઘોર જંગલ માં ફસાઈ ગયા હોઈએ ત્યારે પ્રકાશ નું એક કિરણ તમને રસ્તો બતાવી શકે છે,એક નાનો દીવો પણ માર્ગદર્શક બની શકે છે, એવી કોઈ જ સમસ્યા નથી જેનો વિકલ્પ ના હોય, કોઇ પણ ગૂંચ...પેચીદો પ્રશ્ન...સમસ્યા...ઝઘડો...અપરાધ...નો ઉકેલ સમાધાન જ છે...વાતચીત જ છે,અને તેનું નિરાકરણ પણ સમાધાન- વાતચીત થી જ આવી શકે,પરંતુ એવું સમાધાન શું કામનું કે સમસ્યા નું નિરાકરણ જ ના આવે, દરેક નવું સમાધાન નવી ગૂંચ ઉભુ કરતું હોય છે, સમાધાન ઉપર બીજું સમાધાન...વળી પાછું એની ઉપર ત્રીજું સમાધાન... સમાધાન નો આ સિલસિલો સમસ્યા ને વકરાવી દે છે.. વંઠવી નાખે છે...આખરે બને છે એવું કે સમસ્યા જે શરૂઆત માં નાની હોય છે તે વિરાટ વૃક્ષ જેટલી મોટી અને ગંભીર બની જાય છે, જે રીતે નાનુ ગૂમડું ઘણી બધી દવાઓની આડઅસર ને કારણે ઘણું મોટું ગૂમડું થયી જાય છે પછી કોઈ જ દવા કામ આવતી નથી આખરે એ ગૂમડાં વાળા અંગ ને કાપવું જ પડે છે ક્યારેક એવું બને છે કે અંગૂઠા માં થયેલું નાનકડું ગૂમડું આખે આખો પગ કપાવે છૂટકો કરે,કારણ એટલું કે દરેક સમસ્યા વકરી જાય તે પહેલાં તેને ઉગતી જ ડામવી પડે, કુદરતે પણ..કોઈ પણ પ્રશ્ન સમસ્યા કે મુશ્કેલી નું નિરાકરણ આપેલું જ હોય છે, નિષ્કપટ થઇને..શુદ્ધ દાનત થી ન્યાયિક પ્રણાલી ને અનુસરીને કરવામાં આવેલું કોઈ પણ સમાધાન સમસ્યાને જડ મૂળ થી ઉખાડી ફેંકે છે અને એવા સમાધાન ની સફળતા નો આંક ઘણો ઉંચો હોય છે
ધુમ્મસ જોઈ ને એવું માની ના લેવાય કે આગળ રસ્તો નથી,એતો જેમ જેમ ધીમે પગલે આગળ વધતા જશો તેમ તેમ રસ્તો ખૂલતો જશે, ટોચે પહોંચતા પહેલા રસ્તામાં કંઈ કેટલાય ધુમ્મસ પહાડ બનીને ઉભા હોય છે,જ્વાળામુખી નું નાનકડું મુખ જોઈને એની સંહારક ક્ષમતાનો અંદાજ ક્યારેય લગાવી ના શકાય, એ જ રીતે માણસનું કદરૂપું મોઢું જોઈને તેની કાર્યક્ષમતા નો અંદાજ ક્યારેય ના લગાવી શકાય,જેઓ શારીરિક રીતે નબળા છે તેઓએ પણ વિશ્વ ને તેમની ક્ષમતાનો પરિચય આપી દિશા બતાવી છે, તરસ્યા માટે ઝાંઝવા મૃગજળ આશાનું કિરણ હોય છે અને આજ આશા તેને રસ્તો કાપતા કાપતા જીવંત રાખે છે,ફરી સારો સમય આવશે,એ આશામાં માણસનું દુઃખ કપાય છે અને માણસ જીવંત રહે છે,એક સારું સ્વપ્ન, એક સારો આનંદ દાયક વિચાર, એકાદ સુખદ અનુભવ તમારી લાઈફને મઠારી દેતો હોય છે,આવતી કાલે જે સૂરજ ઉગશે તે મારા ભવિષ્ય ની સુખદ અનુભૂતિ સાથે ઉગશે આ વિચાર જ માણસને જીવન જીવવાનું બળ અને તાકાત આપે છે
દરેક નવી સવાર ઉજ્જવળ ભવિષ્ય સાથે આવતી જ હોય છે,ભૂતકાળ ની કેટલીક દુઃખદ ઘટનાઓ- સંસ્મરણો- યાદો ને વાગોળ્યા કરતા તેને ભૂતકાળમાં જ ભંડારી દઈ ઉગતા સૂર્ય ના દર્શન કરી આવનાર ઉજ્જવળ ભવિષ્યની સુખદ પળોની કલ્પના કરો,ભૂતકાળ માં બનેલી ઘટનાઓમાં તમે કોઈ જ ફેરફાર કરી શકતા નથી તો પછી ભૂતકાળ ને વારંવાર ઉદેળવા થી જખમ ઉઝરડા સિવાય કંઇ જ પ્રાપ્ત નહિ થાય,તમારા હાથમાં જે છે તે વર્તમાન છે,તેમાં તમે જે ધારો અને જે ઈચ્છો તે બધું જ કરી શકશો..તમારી કલ્પના મુજબ તમે બધો જ ફેરફાર વર્તમાન માં કરી શકો છો
નવી સવાર,નવું પ્રભાત એક અલગ જ ઉમંગની અનુભૂતિ લઈને આવે છે,કુદરતે સર્જેલી તમામ જીવસૃષ્ટિ આનંદિત થઈને પોતાની મસ્તીમાં નીકળી પડે છે,દુર દુર ઝાડ ઉપર બેઠેલી કોયલનો મીઠો ટહુકો અને કબૂતર નું ઘુ..ઘું..હવા માં પ્રાણ પૂરી દે છે,નવી તાજી કુંપણો ફૂટી રહી હોય છે,નવા ફૂલો પણ હવાને સુગંધિત કરી પોતાના આગમન નો સંકેત આપે છે,દરેક જીવસૃષ્ટિ વાતાવરણ માં પોતપોતાની ઉર્જા રેડી પોતાનું યોગદાન આપે છે,એક માણસ જ એવો જીવ છે કે જેને આ હરી ભરી સૃષ્ટિની હકારાત્મક અસર થતી નથી અને ઉદાસ મનને શરણે જતો રહે છે, જ્યાં જીવંતતા હશે ત્યાં જ સમસ્યા નું નિર્માણ સંભવ છે,નિર્જીવ સુષુપ્ત વસ્તુમાં સમસ્યા હોઈ શકે નહિ,સ્મશાન ની શાંતિ સ્મશાન માં જ શોભે, માનવ વસાહત માં તો ચહલ પહલ અને હલ ચલ રહેવાની, કબ્રસ્તાન ની શાંતિ માનવ વસાહત માં હોઈ શકે નહિ,નદી જીવંતતા થી ભરપૂર છે,દરિયાને મળવાનો ઉત્સાહ ઉમંગ તેને ધસમસતી વેગવાન બનાવે છે,રસ્તામાં આવતા અંતરાયો કાંટાળા વૃક્ષો,કાળમીંઢ પથ્થરો તેનો રસ્તો રોકી ઉભા રહે છે છતાં નદીના વેગવાન પ્રવાહ ને રોકી શકતા નથી,નદી જીવંતતા થી ભરપૂર છે માટે જ તેના રસ્તામાં કેટલાય અંતરાયો આવવાના જ તે નિર્વિવાદ છે
આપણી આસપાસ બનતી નાની મોટી સુખદ અને દુઃખદ બન્ને ઘટનાઓને સ્વીકૃત કરી લો, accept કરી લો,એમાં જે કંઈ સારું નરસું છે તેને સ્વીકારી લો, જે કંઈ બને તેમાં તમે કંઇ ફેરફાર કરી શકો તેમ હોવ તો જરૂરથી કરો પરંતુ જો તમે ફેરફાર કરવા સમર્થ નથી તો સાક્ષી ભાવે તટસ્થ બની ઘટનાઓ ને નિહાળ્યા કરો, આપણી જોડે ભગવાને આપેલું ઘણું બધું છે તેની કલ્પના કરો, જે નથી તેના માટે દુઃખી ના થાવ,ઇચ્છાઓનો અંત નથી,ફરિયાદો કરી કરી ને આપણે આપણા મનને શા માટે સતત સંઘર્ષમય રાખવું?? કે વિચલિત કરવું! આપણા માટે કુદરતે જે નિર્માણ કર્યું છે તે જ સુખ આપણી જોડે છે એથી વધારે સહેજ પણ નહિ,દુઃખી થવાના સો રસ્તા છે એકાદ રસ્તો સુખ નો પણ કંડારીએ આપણી જોડે અણનમ અડીખમ હમેંશા!!
જે ઘટના બની નથી તેમજ જે ઘટના બની ગઈ છે તેની ચિંતા ના કરવી જોઈએ,ખરેખર જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે જ તેના વિશે વિચાર કરવો યોગ્ય રહેશે,ઘણી એવી ઘટનાઓ આપણા જીવનમાં આપણે વિચારી હોય છે કે આમ બનશે..તેમ બનશે... આવું થશે તો હું આવું કરીશ પરંતુ બને છે એવું કે આપણી ધારણા ઓ કલ્પનાઓ ખોટી પડે છે અને આપણે જે વિચાર્યું હોય છે તેમાંનું કંઇ જ બનતું નથી,કોઈ પણ નેગેટિવ વિચાર આપણા મન મસ્તિક નો કબજો લઈ લે એ પહેલાં એવું વિચારો કે મારા વ્હાલા પ્રભુ એ "બારી" સ્વરૂપે કોઈક રસ્તો રાખ્યો જ હશે, જેમ મૃત્યુ છે તો જીવન પણ છે... અંધારું છે તો પ્રકાશ હોય જ....ગુફા છે તો તેનું દ્વાર પણ હોય જ..મકાન છે તો તેની બારી પણ હોય જ..એમ સમસ્યા છે તો તેનું સમાધાન પણ હોય જ..જીવનમાં હમેંશા વિકલ્પ શોધીને આગળ વધતા રહો તે જ જીવનનું અણમોલ સત્ય છે.
રસિક પટેલ "નિર્વિવાદ"