ગામલોકોની વાતો સાંભળીને તો હમીરભા અને ભીખુભાની આંખોના ખૂણા લાલ થવા લાગ્યા. અનેક વિચારો મગજ સાથે અથડાવવા લાગ્યા. કોઈ માણસ આટલો નિર્દય અને બુદ્ધિહીન કેવી રીતે હોઈ શકે ? આ વિચારે શરીરના નવ્વાણું હજાર રૂંવાડા બેઠા કરી દીધા. શ્વાસો ઝડપ અચાનક જ વધી ગઈ. બેયના નેત્રોમાંથી તો ઝાળો વછૂટવા લાગી. કોઈ પાડોશીના ઘેરથી પાણી લાવીને શામજીભાઈને પાયું. પહેલાના સમયમાં પિયરીયાવાળા દીકરીના ઘરનું પાણી પણ નો'તા પીતા. પણ હમીરભા અને ભીખુભાના લાલચોળ બનેલા ચહેરા જોઈને કોઈ પાણીનું એમને પૂછી શકતું નહિ. રાતના નવેક વાગ્યા હશે. એ કાળી રાતમાં જાણે કોઈનો કાળ ભમતો હોય એવું લાગી રહ્યું હતું. એ રાત આજ આ બે બળુકાથી ડરતી હોય એવું લાગી રહ્યું હતું. આ બે અસવાર શામજીને ત્યાં જ બેસાડીને કરણુભાની ડેલી તરફ જવા નીકળી ગયા. ઘોડીઓ પર પલાણ કરીને જેવી લગામ ખેંચી ત્યાં તો એ પાણીદાર અને જાતવાન ઘોડીઓ હાલતી થઈ જઈ. પણ એ તોખારની ચાલ સામાન્ય હતી. જ્યાં બેય અસવારે પોતાના પગની એડી મારી ત્યાં તો ઘોડીઓની ચાલ ફરી ગઈ. જાણે રણમેદાનમાં જુદ્ધ ખેલવા જવાનું હોય એવી શૂરાતનવાળા પગના ડાબલા ગાજવા લાગ્યા. કહેવાય છે ને કે 'તેજીને ટકોર જ હોય.' એના બેઠેલા બેય અસવાર યોદ્ધા જેવા લાગતા હતા. રાતના અંધારામાં એમની ચાર આંખો અંગારાની માફક ઝગારા મારતી હતી. એમને જોવા નીકળેલી બાઈઓ તો મનથી એમના ઓવારણાં લેતી હતી. ઘણી દીકરીઓને સામૈયા લેવાનું મન થયું હતું પણ હમીરભા અને ભીખુભા સામે જવાની હિંમત થતી નહોતી.
ગામના દરવાજામાંથી દાખલ થયેલા એ યોદ્ધાઓને જોઈને લોકોને તો ભણક આવી ગઈ હતી કે આજે કશું નવાજુની થશે. આ બન્ને વિકરાળ ચહેરા અને કાઠી કાયા જોઈને સુલતાનપુરના લોકોના તો હૈયાં બેસી ગયાં હતાં. તો ય અમુક યુવાનો હિંમત કરીને બોલ્યા
" જો આ મેં'માન સે તો માન આપશું. બાકી ઘોડાની જેવી હાલ સે એવી દાનત હશે તો આપડેય ચ્યાં બંગડીઓ પે'રી સે !! "
" આવી વાતું કરે શું વળશે ? હાલો હટ લઈ લો લાકડીઓ ઇમનેય ખબર પડે ચ્યાં ભરાણા સી. " બીજો એક જુવાન બોલ્યો.
" અલા ! સોકરાઓ, ઉતાવળ નૉ કરશો. આ વખતે આપડે વાંકમાં સી ઇ તો ખબર સે ને !! કરણુભાનો પ્રશ્ન સે તો ઇ કૂટી લેશે. તમે કાં અધરાયા થાવ ? " એક વડીલ બોલ્યા.
" આમાં શું ઘરડા ગાડાં વાળે. લો બેહી ગ્યા પાણીમાં. અલા ડોહા ! ગામમાં કંઈક બની જાય તો આબરૂ કોની જાય ? ગામની જ ને ! કે બે જણ આવી મારીને જતા રયા. અમારે તો વેવઇ-વરોટમાં હેઠે જોવાનું ને. .. હાલો એય... લઈ લો ધોકા !! " પાછો એક જુવાન બોલ્યો. અને હમીરભા, ભીખુભા પાછળ આઠ-દશ જુવાનિયા હાલતા થઈ ગયા.
બેય ઘોડીઓની તેજ ચાલે ઝડપથી એમને કરણુભાની ડેલીએ પુગાડી દીધા. ડેલી ખુલ્લી હતી. અંદર ડાયરાની રમઝટ બોલતી હતી. મોટે મોટેથી હસવાનો અવાજ આવતો હતો. ડેલીની બહાર પહોંચેલા બેય અસવાર ચોકમાં જેમ બે સિપાહીઓ ચોકી પે'રો કરે એમ ઘોડીઓ રમાડતા હતા. એમનાથી લગભગ પચાસેક મિટર દૂર અંધારામાં છુપાઈને દશેક જુવાનિયા બેઠા હતા. અને એ વિચારતા હતા કે જો કશી માથાકૂટ થાય તો હુમલો કરી દેવો. જેનો ખ્યાલ ભીખુભાને આવી ગયેલો. એ પણ તૈયારીમાં હતા કે જો વાતાવરણ ગરમ થઇ જાય તો સૌથી પહેલા એ લોકોને મારવા છે.
" એય કરણુ, બા'ર નીકળ. મડદા ઉપર દાંત કાઢતા શરમાતો નથી. " પહેલો બોલ હમીરભાએ કર્યો. આ સાથે જ તલવારને મ્યાનથી થોડી અળગી કરી લીધી. ભીખુભાએ પોતાનો જામૈયો વ્યવસ્થિત કરી લીધો. ડેલી અંદર તો આ સાંભળી કરણુભા ઢોલિયામાંથી ઊભા થઈ ગયા. શંકરો પણ પગ દબાવતો ઊભો થઈ ગયો. ડાયરાના લોકો તો બેબાકળા બની ગયા. અમુક તો ઢીલા પોચા હૈયાવાળા તો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા 'કશું બને નહિ તો સારું.' પણ અવાજ કોઈથી કળાયો નહોતો. કરણુભા તો ફટાફટ મોજડી પહેરીને ડેલીએ આવી ગયા. પાછળ પાછળ શંકરો પણ આવી ગયો. અને સૌથી પાછળ હતા એ બધા મફતનું અફીણ પીને કરણુભાની વાહ... વાહ... કરવાવાળા હતા.
કરણુભાએ જોયું ત્યાં જાણે બે ભૂખ્યા સાવજ ડેલી આગળ ઊભા હોય એવું લાગ્યું. એમને જોઈને બે ઘડી તો એમનો ગુસ્સો પણ વધી ગયો. પણ સમય જોઈને ચાલવાવાળા કરણુભા પહેલા તો થોડી નરમાશથી બોલ્યા.
" આવ ! મારા ભઈ હમીર, આવ ભીખુ.. મારા તો અહોભાગ્ય કે ડાયરા સમયે સેજકપરનો રાજવંશ મારા આંગણે આયો. આવો.. આવો.. કહૂંબા ત્યાર જ સે. "
" બોલતા શરમાતો નથ. તારે ને મારે બાપ દાદા વખતનું વેર હાલ્યું આવે સે. ઈનું તો હજુ સમાધાન નથી થયું અને તું કહૂંબાની વાત કરેશ. બે વખત ગામતરે તારી હારે વાત શું કરી લીધી તું તો હાવ ભૂલી ગયો. હું તારી હારે સમાધાન કરી લેવા પણ ત્યાર હતો પણ હવે નહિ. તારા કરતા તો હું કહાઈવાડે કહૂંબા પીવાનું પસંદ કરીશ. "
" હમીર ! હવે તું હદ વટાવેશ. " આટલું બોલતા તો કરણુભાએ ડેલી પાસે પડેલી તલવાર ઉપાડી મ્યાનમાંથી કાઢી લીધી. હમીરભાએ પણ તલવાર કાઢી લીધી. શંકરો હવે ભાગવાની તૈયારી કરતો હતો. છુપાઈને બેઠેલા યુવાનો હવે ધ્રૂજવા લાગ્યા હતા. એ તો બહાર નીકળવાની હિંમત પણ નહોતી કરી શકતા. ભીખુભા તો જામૈયો હાથમાં લઈને શંકરા પર નજર રાખી બેઠા હતા.
" હદ તો તે વટાવી સે. માવસંગભા જેવા પૂનશાળી માણહના ન્યાં આવો કપાતર વસ્તાર પાક્યો. મારા ગામની સોડી તારી પાંહે એક આશા લઈને આવી તું ઈને ન્યાય નૉ આપી એ..કો. ધૂળ પડી તારા વંશમાં. " આવા શબ્દો સાંભળીને કાશીબા બહાર આવી ગયા. અગિયાર વર્ષનો શમશેર પણ કાશીબા પાછળ પાછળ આવી ગયો.
" તું કયા ન્યાયની વાત કરેશ. ઇ હલકી ઝમકુડીની ? "
" બોલતા પહેલા વિચાર કર. અને આ ખોટા ચીંથરા ફાડવા રવા દે. " ભીખુભાનો અવાજ એકદમ ઊંચો થઈ ગયો.
" મોઢું હંભાળીને બોલ હમીરના પાલતુ કૂતરા. " કાશીબા વચ્ચે જ બોલી પડ્યા.
" બેન, આદમીની વાતમાં તમે નો બોલો તો હારું ! " હમીરભાએ કાશીબાને વાળવાની કોશિશ કરી.
" ચમ નો બોલું, મારા ધણીનું અપમાન સાંભળી લવ ઇમ ! "
" તમને ખબર સે પુરી વાતની. " આટલું બોલી હમીરભાએ તલવાર કાશીબા સામે લાંબી કરી દીધી. અવાજ પહેલા કરતા વધુ ઊંચો થઈ ગયો.
" ઝમકુને મારવામાં મોટો હાથ કરણુ તારો સે. પસી આ ઊભો ઇ શંકરાનો. " વાતાવરણ ગરમ થતું જતું હતું.
" જો હમીર તું હવે મારા પર ખોટું આડ લગાવેશ. મેં તો ઈને જે હોય ઇ હાચુ કીધું હતું. "
" અરે મુરખા ! શું હાચુ કીધું હતું ? ભર બજારે અમારી સોડીની આબરૂ લીધી ઇ ઓસી હતી. અને પુસ આ શંકરાને અમે ઈને શુ કામ માર્યો હતો ? તને બધા જવાબ મળી જશે. "
" ઇ તો મને ખબર સે. તમારી સોડીએ જ ઈને .. જવા દે ને હવે મને બોલતા જીભ નથી ઉપડતી. "
" બસ હવે...! બંધ આંખ અને કાન વગરના બળદીયો. તું શું ગામ હંભાળતો હતો ? આ તો હારું સે કે સરકારે અધિકાર લઈ લીધા સે બાકી તારા જેવો ગામધણી હોય એટલે આવા તો ગામમાં કંઈક મરી જાય. " આટલું બોલી હમીરભાએ કરણુભાને શંકરાવાળી પુરી વાત કરી. આ સાંભળી કરણુભાએ શંકરા તરફ નજર કરીને આંખ કરડી કરી.
" બોલ હાચુ શું સે ? " કરણુભાએ થોડા ગુસ્સે થઈને પૂછ્યું. બીકનો માર્યો શંકરો પોપટની જેમ બધી વાત કરવા લાગ્યો. આટલું બોલી વિચાર કરી લીધો કે હવે ભાગીને નીકળી જાવ. બીજા કોઈપણ ગામમાં જીવી લઈશ પણ અહીં નહિ રહેવાય.
શંકરો જેવો ભાગવા ગયો અને ભીખુભાની પાસેથી દોડીને નીકળતો જ હતો ત્યાં તો જેમ બાજ ઉડતા ચકલાને નથી છોડતો એમ થોડા નમીને દોડતા શંકરાને પેટ પર હાથ મારીને ઊંચો કરી લીધો. અને અચાનક જ ભીખુભાના હાથ પર લોહીની ધાર રેલાવા લાગી. જોવાવાળા તો બધા વિચાર જ કરતા હતા કે આ લોહી ક્યાંથી નીકળે છે ? "મરણ ટાણે શામજી આગળ આગ લઈને હાલનારો કોઈ દીકરો નથી. એવા એકલા અટૂલા માણહની છેલ્લી આશા પર પાણી ફેરવી દીધું " આટલું બોલી ભીખુભાએ જ્યાં શંકરાનો ઘા કર્યો ત્યાં ભીખુભાના હાથમાં લોહીથી તરબોળ થયેલો જામૈયો બધાએ જોયો. શંકરાનો જીવ થોડીક જ વારમાં નીકળી ગયો. સંતાયેલા જુવાનિયા તો આ દ્રશ્ય જોઈને જ ઘર તરફ મુઠ્ઠીઓ વાળી નીકળી ગયા. ભીખુભા તો ઘોડી પરથી નીચે ઉતરી ગયા અને શંકરાની લાશ પર પગ મૂકીને ઊભાં રહી ગયા. "છે કોઇનામાં તાકાત કે આવે સામે." એ માણસ આજે ખરા અર્થમાં રાક્ષસ લાગતો હતો. કરણુભાએ તલવાર કાઢી અને એ ભીખુભા તરફ આવતા જ હતા ત્યાં હમીરભા પણ ઘોડી પરથી ઉતરી ગયા અને તલવાર કાઢી દીધી. પણ થોડા લોકોના સમજાવવાથી વાતાવરણ શાંત થઈ રહ્યું હતું.
" આપમહેનતથી ઉદર ભરતી અમારી સોડીને ભર્યા ઉદરે તે મારી નાંખી પણ હવે જાગતો રે'જે. ભૂખ્યા દુઃખીયાની જમીનો હડપીને જીવતા કૂતરા આ તારી મોટી ભૂલ હતી. " હમીરભા આટલું બોલી ભીખુભાને ઈશારો કરી ઘોડીઓ પર સવાર થઈને બંને ભાગી નીકળ્યા. કારણ કે પારકી જમીન હતી. વધુ સમય ત્યાં ઊભું રહેવું યોગ્ય નહોતું. ઉતાવળા જ શામજીને લઈને નીકળી ગયા. સવાર પડતા જ સેજકપર પહોંચી ગયા.
ત્યારબાદ સમય સાથે આ વેર વધુને વધુ ગાઢ બનતું જતું હતું. કરણુભા પોતે જાણતા હતા કે પોતે ખોટા છે પણ પોતાનો અહમ્ છોડી માફી નહોતા માંગી શકતા. એકવાર તો કોઈ પ્રસંગમાં કરણુભા સેજકપર આવ્યા હતા ત્યારે હમીરભા ઘેર નહોતા પણ એમના ઘેર ધમકી આપવા ગયા હતા. અને સેજલબાને કહ્યું પણ હતું કે હમીરને કે'જો ચેતીને હાલે. એ સમયે જ એમને કાલુ ઘેલું બોલતી દેવલને જોઈ હતી. બેઘડી એમના મનને પીગળાવી દીધેલું એટલું મીઠું દેવલ બોલતી હતી. આ આખી ઘટના જાણે ફરીવાર જોઈ હોય એવું લાગ્યું. હુક્કાની કસ ખેંચવાનું મન થતા. કરણુભા ઊભા થયા અને હુક્કાની નળી ઉપાડી.
નોંધ : હવે વાર્તા વર્તમાનમાં પ્રવેશ કરશે. મુખ્ય નાયિકા 'દેવલ' ની જિંદગીની શરૂઆત થશે. લગ્નના બે જ દિવસ થયા છે... અને એનો ત્રીજો દિવસ ઉગશે. હવે બહુ જ જલ્દી મળીયે દેવલ, કાશીબા, સરસ્વતી, શામશેરસિંહ, અને કરણુભાના પુરા પરિવાર સાથે.....
ક્રમશ: ............
લેખક : અરવિંદ ગોહિલ