ભાગ-3
મન્વયે તે ડોન જાનભાઇની તપાસ કરવાની શરૂ કરી દીધી હતી.તે યુનિફોર્મ વગર સાદા કપડામાં તેને ખબર મળી હતી તે દરેક જગ્યાએ તપાસ શરૂ કરી.તેમ જ સાંજના સમયે તે શહેરના જુના ગેરેજની તપાસ કરી રહ્યો હતો.
બરાબર તે જ સમયે ઓફિસથી પાછી ફરી રહેલી મનસ્વીનું એકટીવા બંધ થઇ ગયું.તે સાઇડમાં ઊભી રહી અને એકટીવા ચાલું કરવાની કોશીશ કરી.
"અરે યાર,મારો તો સમય જ ખરાબ ચાલી રહ્યો છે.પહેલા પ્રમોશન ગયું પછી મારો બેડરૂમ ગયો અને હવે આ એકટીવા પણ.હે ભગવાન.મે શું બગાડ્યું છે કોઇનું તો મારી સાથે આવું થાય છે.
મારો એક માત્ર સપોર્ટ મારી મમ્મી પણ મારાથી દુર થઇ ગઇ.પેટ્રોલ તો બરાબર છે અને હવા પણ છે ટાયરમાં.તો પ્રોબ્લેમ શું છે?"મનસ્વી પોતાની કિસ્મતને દોષ દેતા એકટીવા ધસડી રહી હતી.તેણે આજુબાજુ જોયું પણ કોઇ તેની મદદ કરવા નહતું આવી રહ્યું.
બરાબર તેજ સમયે મન્વય પણ તે જ સ્થળેથી પસાર થઇ રહ્યો હતો.તેનું ધ્યાન અચાનક એકટીવા ધસડીને જઇ રહેલી છોકરી પર પડી.તેણે બ્લુ કુરતી અને વ્હાઇટ ચુડીદાર પહેરેલ હતું.તેના વાળ ખભાથી નીચે સુધીના હતા, જેને તેણે પોનીમાં બાંધેલા હતા.આગળ રહેલી લટ તેના ગોરા ગાલ સાથે ચોંટી ગઇ હતી.કપાળ પર નાનકડી લાલ બિંદી અને આંખો પર ચશ્મા.તે ખુબ જ સુંદર લાગી રહી હતી.
મન્વય તેને જોતો જ રહી ગયો.મનસ્વી હવે થાકી ગઇ હતી.તે વધારે એકટીવા ખેંચી શકે તેમ નહતી.તે એકટીવા પાર્ક કરીને સાઇડમા બેસી ગઇ.મન્વય તેની પાસે ગયો અને બોલ્યો,
"એક્સકયુઝ મી મિસ,હું તમારી હેલ્પ કરું? આઇ થીંક તમારું એકટીવા બંધ થઇ ગયું છે.થોડે દુર એક ગેરેજ છે.તમને વાંધો ના હોય તો આપણે ત્યાં જઇને તમારું એકટીવા ઠીક કરાવી શકીએ."મન્વયે તેને મદદ ઓફર કરી.મન્વય અહીં બધા ગેરેજની જ તપાસ કરવા નિકળ્યો હતો જેમા છેલ્લુ નામ પ્રકાશ ઉર્ફે પકિયાના ગેરેજનું હતું.
"ના થેંક યુ,હું જતી રહીશ."મનસ્વીએ અજાણ્યા પુરુષ સાથે વાત કરવાનું અને તેની મદદ લેવાનું ટાળવાનું નક્કી કર્યું.
"જુવો,સાંજ થઇ ગઇ છે અને થોડીવારમાં અંધારું થઇ જશે.તમે આમપણ તેને ખેંચીને થાકી ગયા છો.જુવો હું કોઇ ગુંડો કે મવાલી નથી.ચિંતા ના કરો તમને સુરક્ષિત તમારા ઘરે પહોંચાડવાની જવાબદારી મારી."મન્વયે તેને વિશ્વાસ અપાવતા કહ્યું.
મનસ્વીએ મન્વયની આંખોમાં જોયું તેને સચ્ચાઈ દેખાઇ,તેણે માથું હલાવીને હા પાડી.મન્વયે પોતાનું બાઇક સાઇડમાં પાર્ક કર્યું અને એકટીવા ખેંચવાનું શરૂ કર્યું.
"હું મન્વય દેસાઇ,ઓફિસર છું."મન્વયે તેનો પરિચય આપતા કહ્યું.
"મનસ્વી."મનસ્વીએ ટુંકાણમાં જવાબ આપી તેની સાથે વાત કરવાનું ટાળ્યું.
"લાગે છે તમે તમારી મમ્મીની વાત ખુબ જ માનો છો."મન્વયે કહ્યું.
"શું?"મનસ્વીને આશ્ચર્ય થયું.
"એ જ કે બેટા અજાણ્યા સાથે વાત નહીં કરવાની બેટા."મન્વયની વાત પર મનસ્વી હસી પડી.
"એવું નથી તમે સજ્જન લાગો છો,પણ હું ખુબ જ થાકી અને કંટાળી ગઇ છું."મનસ્વીએ હળવા નિસાસા સાથે કહ્યું.
આમ જ સામાન્ય વાતો કરતા કરતા તે લોકો પકિયાના ગેરેજ પર આવી પહોંચ્યા.તેમણ એકટીવા ત્યાં હાજર માણસને આપ્યું.ચેક કરીને તે બોલ્યો,
"સર એક પાર્ટ ખરાબ થઇ ગયો છે બદલી નાખીશ એટલે ચાલું થઇ જશે.અડધો કલાક લાગશે."
"સારું અમે અહીં જ છીએ."મન્વયે કહ્યું.
"મનસ્વી,તમને વાંધોના હોય તો ચા પીએ અહીં કોઇ કેફે નથી પણ હા આ કિટલી સારી લાગે છે."મન્વયે કહ્યું .તે મનસ્વી સાથે વધારે સમય પસાર કરવા માંગતો હતો.
તે લોકો ચા પીવા કિટલીએ બેસ્યા.મનસ્વી અને મન્વય જાણે એકબીજાની કંપની એન્જોય કરી રહ્યા હતા એવી રીતે જાણે કે વર્ષો જુના મિત્ર હોય.તેટલાંમાં જ જાનભાઇના માણસો ગાડી વિશે વાત કરવા આવ્યાં.તેમને જોઇને મન્વયની સિક્થ સેન્સ કામ પર લાગી હોય તેમ તે સર્તક થઇ ગયો.મનસ્વીનું એકટીવા ઠીક થઇ ગયું હતું.
"થેંક યુ મન્વય, આજે તમે ના મળ્યા હોત તો હું હજી એકટીવા ખેંચી રહી હોત.હું નિકળું?"મનસ્વી મન્વયનો આભાર માનતા બોલી.
"યુ આર મોસ્ટ વેલકમ.મને લાગે છે રાત થઇ ગઇ છે તમારે ઘરે પહોંચી જવું જોઇએ.આ મારો નંબર છે ઘરે જઇને પહોંચી ગયાનો મેસેજ કરી દેજો.સોરી મને એક જરૂરી કામ આવી ગયું નહીંતર તમને હું મુકવા આવત."મન્વય બોલી રહ્યો હતો પણ તેનું ધ્યાન જાનભાઇના માણસ પર હતું.
મનસ્વી ત્યાંથી નિકળી ગઇ.મન્વય અંદર ગયો.તે વાત સાંભળી શકે તેના માટે તે અંદર ગયો.
"સાંભળ જાનભાઇને પેલી લાલ ગાડી જોઇએ છે.પકિયા જોજે કોઇ મિસ્ટેક ના થવી જોઇએ.ભાઇ એક ફોન કરે અને તે ગાડી આવી જવી જોઇએ."મન્વયે આ બધી વાતો ધ્યાનથી સાંભળી અને તેણે પોતાનો એક માણસ તેની પાછળ લગાવી દીધો
**********************
અહીં અક્ષત અક્ષરાને ગૃહઉદ્યોગના કામમાં મદદ કરવા લાગ્યા હતા.અક્ષરા જુની વાતોને તો ક્યારની ભુલી ચુક્યા હતાં,પણ અક્ષતના મનમાં એક ખટકો હતો કે તેણે અક્ષરાને ત્યારે પણ દગો આપ્યો હતો અને આજે પણ તે તેના સ્વાર્થના કારણે અક્ષરાને દગો આપશે.
અક્ષતે નક્કી કર્યું કે તે અક્ષરાને સત્ય જણાવશે.એક વખત સાંજના સમયે તે અક્ષરાને પાછળ આવેલા ગાર્ડનમાં વોક માટે સાથે આવવા કહ્યું.
અક્ષરાને અક્ષતની કંપની ખુબ જ ગમવા લાગી હતી.તેની સાથે ઇવનીંગ વોક કરવી,વાતો કરવી અને ચા પીવી તેને ખુબ જ ગમતું.
"અક્ષરા,આજે મારે તને કશુંક કહેવું હતું." અક્ષતે ચાલતા ચાલતા કહ્યું.
"હા બોલ અક્ષત."
"અક્ષરા,જ્યારે તે મને કહ્યું હતું કે હું તારા પપ્પાને મળવા આવું ત્યારે તને ખબર નથી મારા મનમાં કેવી ઉલઝન ચાલી રહી હતી.
હું તને ખુબ જ પ્રેમ કરતો હતો પણ તે અચાનક જ લગ્નની વાત કરી.એવું નહતું કે હું લગ્ન નહતો કરવા માંગતો.તે વખતે હું કશુંજ કમાતો નહતો,હું પોતે મારા માતાપિતાના સહારે જીવતો હતો.હું મારો પોતાનો વ્યવસાય કરવા માંગતો હતો.હું લગ્ન માટે તૈયાર નહતો.
એવું નહતું કે મને કોઇ બીજી પસંદ હતી,હું તારા ઘરે તે દિવસ આવવાનો હતો પણ તેના આગલા દિવસે મારા મુંબઇવાળા મામા આવ્યાં અને મને બિજા દિવસની સવારની ટ્રેનમાં જ તેમની સાથે લઇ ગયાં.
હું તને ફોન પણ કરવા માંગતો હતો,પણ અચાનક મમ્મીપપ્પાએ અને મામાએ જે મને મુંબઇ મોકલવાનો નિર્ણય લીધો તેના કારણે હું તે પણ ના કરી શક્યો.
સાચું કહું કદાચ તે વખતે હું છટકવા જ માંગતો હતો તે પરિસ્થિતિમાંથી એટલે જ મારી પાસે પછી તને ફોન કરવાનો કે લેટર લખવાનો ચાન્સ હતો પણ મે ના લખ્યો.વિચાર્યું તું મને ભુલીને કોઇની સાથે લગ્ન કરી ચુકી હોઇશ.
હું ડરપોક હતો સંબંધમાં બંધાવા માટે ડરતો હતો.એવું નહતું કે તને પ્રેમ નહતો કરતો.તને ખબર છે ખુબ રૂપિયા કમાયા ઘણીબધી સ્ત્રીઓએ કોશીશ કરી મારા જીવનમાં આવવા માટે,પણ તારું સ્થાન મારા હ્રદયમાં અકબંધ રહ્યું.
આજે અહીં આવ્યો તને જોઇને તો ફરીથી એ જ પ્રેમ તાજો થઇ ગયો.મારા જીવનમાં બધું જ બદલાઇ ગયું પણ મારા હ્રદયમાં હજી તું તો એ જ મારી અક્ષરા છે."અક્ષત આજે મનની વાત બોલી ગયો.
અક્ષરા નીચે જોઇ રહી હતી તે ખુબ જ સીરીયસ હતી.
"આ બધી વાતનો હવે કોઇ અર્થ નથી.મે તને અર્ણવ મારા જીવનમાં આવ્યાં ત્યારે જ માફ કરી દીધો હતો કેમકે અગર તું ના ગયો હોત તોમને તેઓ ક્યારેય મળત.એમણે જ મને જીવન જીવતા શીખવાડ્યું."
"તો પણ મને માફ કરી દે.એક વાર કહી દે કે તે મને માફ કર્યો."અક્ષતે બે હાથ જોડી માફી માંગી.
"હા મે તને માફ કર્યો અને હવે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે.ખુશ?"અક્ષરા હસીને બોલી.
અક્ષતે અક્ષરાનો હાથ પકડી લીધો.અત્યારે ગાર્ડન ખાલી હતું કેમકે જમવાનો સમય થઇ ગયો હતો.
"અક્ષરા આઇ લવ યુ.મે તને જ પ્રેમકર્યો હતો ,કરું છું અને કરતો રહીશ.મારી પત્ની બનીશ?મારી સાથે લગ્ન કરીશ?"અક્ષતે ઘુંટણીયે બેસીને પ્રપોઝ કર્યું.
અક્ષતના અચાનક પ્રપોઝ કરવાથી અક્ષરા ચોંકી ગઇ અને તેણે તેનો હાથ અક્ષતના હાથમાંથી છોડાવી દીધો.
"તું પાગલ થઇ ગયો છે.આ ઉંમર છે લગ્ન કરવાની?"અક્ષરાને જે પણ બહાનું સુઝયુ તે બોલી ગઇ.
"ઓ હો હો.હવે તું આ વાત કરે છે.ભુલી ગઇ તારા છોકરાઓએ તને અહીં કેમ મોકલી દીધી કેમકે તું ત્યાં રહેત તો તું બીજા લગ્ન કરી લેત તો તેમને મુસીબત થાત.તારા અર્ણવની પણ અંતિમ ઇચ્છા તો એ જ હતી ને કે તું બીજા લગ્ન કરી લે.
એક સાદું ગણિત સમજાવું?તું અત્યારે ૬૦ વર્ષની છે.માની લે આપણે હજી ૭૫ વર્ષ સુધી જીવીએ.તો પણ શું ૧૦ કે ૧૫ વર્ષ આપણે સાવ એકલા જીવવાનું?
શું તને મન નથી થતું કે તું,હું અને તારી દિકરી આપણે એક સુખી જીવન જીવીએ?તેના લગ્ન કરાવીએ અને પછી રોડ ટ્રીપ કરીને ફરવાનું,સવારસાંજ ચાની ચુસ્કી સાથે અવનવી વાતો,હાથમાં હાથ પકડીને ઇવનીંગ વોક અને સાજે માંદે એકબીજાનું ધ્યાન રાખવું."અક્ષતની દલીલે તેને ચુપ કરી દીધી.
"મારા છોકરાઓ ક્યારેય નહીં માને અને અમારા સમાજના વડિલો તે પણ ક્યારેય નહીં માને મારા બીજા લગ્ન માટે એ પણ આ ઉંમરે."અક્ષરા પોકળા બહાના બનાવી રહી હતી.
" હા તો તું બિમાર પડે,અહીં એકલી પડે અને આ વૃદ્ધાશ્રમમાં કઇ હાલતમાં છે તે જોવા પણ તેમાથી કોઇ આવ્યું અત્યાર સુધી?"અક્ષતે ધારદાર દલીલ કરી.
"હા પણ મને ભુખ લાગી છે ચલ ટાઇમ જતો રહેશેને તો ભુખ્યા સુવુ પડશે."અક્ષરા તેને હાથ પકડીને જમવા લઇ ગઇ.
રાત્રે તે સુઇ જ ના શકી.તેને વારંવાર અક્ષતના વાક્યો સંભળાતા હતા.તે પણ તો આ જ ઇચ્છતી હતી ને કે તે બીજા લગ્ન કરી તેના પતિની અંતિમ ઇચ્છા પુરી કરે.તો હવે શું થયું, તે કેમ અક્ષતને ના પાડી રહી હતી?તે કારણ તે પણ નહતી સમજી શકતી.
આ અચાનક આવેલા તોફાનને કારણે તે પુરી રાત સુઇ ના શકી.તેણે પુરી રાત જાગીને પોતાનો નિર્ણય લઇ લીધો હતો.સવારે પોણા સાત વાગ્યે ઉઠવા વાળા અક્ષરા આજે છ વાગ્યામાં તૈયાર હતા.પોતાના નિર્ણય સાથે તે અક્ષતના સ્પેશિયલ રૂમ તરફ આગળ વધ્યા.
*******
ઘરે પહોંચીને કામમાં વ્યસ્ત થઇ ગયેલી મનસ્વી મન્વયને મેસેજ કરવાનું ભુલી ગઇ.રાત્રે સુવા માટે પલંગમાં આડી પડેલી મનસ્વીને અચાનક જ યાદ આવતા તેણે મન્વયને મેસેજ કર્યો.
"હાઇ."સાથે એક સ્માઇલી પણ મોકલ્યું .
"થેંક યુ.આજે તમારી મદદ વગર હું સમયસર ઘરે ના પહોંચી શકત.ફરીથી થેંક યુ.
સોરી હું કામમાં લાગી ગઇ તો તમને મેસેજ કરવાનું ભુલી ગઇ."
મન્વય મનસ્વીનો મેસેજ જોઇને ખુશ થઇ ગયો.
"ઓહ હાય.
વેલકમ.
કોઇ વાંધો નહીં.તમે સમયસર પહોંચી ગયા.તે મોટી વાત છે મારા માટે.
જે થયું તે સારા માટે થયું.મને તમારા જેવી એક સુંદર ફ્રેન્ડ મળી.
મનસ્વી તમે ખુબ જ સુંદર છો."
મન્વયનો મેસેજ વાંચીને મનસ્વી આશ્ચર્ય પામી.તે થોડુંક શરમાઇ.મન્વય તેને પણ ખુબ જ હેન્ડસમ લાગ્યો હતો.એક નવા જ સંબંધની અહીં પણ શરૂઆત થઇ રહી હતી.
મન્વય ખુશ હતો.તે વિચારી રહ્યો હતો.
"કેમ મને મનસ્વી માટે આવી અલગ જ લાગણી થાય છે?આવું પહેલા ક્યારેય કોઇ છોકરીમાટે નથી અનુભવ્યું.શું મને લવ એટ ફર્સ્ટ સાઇટ થઇ ગયો.
તેને મારા પોલીસ ઓફિસર હોવાની વાત જાણ થશે અને ખબર પડશે કે મે આજદિન સુધીમાં આટલા દુશ્મનો બનાવ્યા છે તો શું તે મારી સાથે મિત્રતા રાખશે?"
અક્ષરાનો નિર્ણય શું હશે?શું મન્વય પોતાના નવા સંબંધની શરૂઆત સત્યથી કરશે કે અસત્યથી?
જાણવા વાંચતા રહો.