Remarriage in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | પુનર્લગ્ન

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

પુનર્લગ્ન

લગ્નની પહેલી રાતે ભાર્ગવ જોષી પોતાની નવોઢા પત્ની સાથે સંવનન કરવાના બદલે ઊંડા વિચારમાં ખોવાઈ ગયો હતો. ભાર્ગવ 48 વર્ષનો હતો અને આ એના પુનર્લગ્ન હતાં. દોઢ વર્ષ પહેલાં જ એની પ્રેમાળ પત્ની નેહા નું અચાનક હાર્ટ એટેકમાં અવસાન થઈ ગયું હતું. મોટી દીકરી આરોહી 16 વર્ષની હતી અને નાનો દીકરો વત્સલ 13 વર્ષનો.

ભાર્ગવ ને તો બીજી વાર લગ્ન કરવાની કોઈ ઇચ્છા જ નહોતી. નેહા ના અવસાન પછી ઘરમાં રસોઈની બહુ મોટી તકલીફ થઈ ગઈ હતી. ભાર્ગવ ની મમ્મીનું દસ વર્ષ પહેલા અવસાન થઈ ગયેલું એટલે ઘરમાં રસોઈ કરનાર કોઈ ન હતું.

આરોહી બિચારી ભણતા ભણતા દાળ ભાત શાક કે ખીચડી બનાવી લેતી. રોટલી ભાખરી કે બીજી કોઈ વાનગી એને ફાવતી નહોતી. થોડી ઘણી મદદ ભાર્ગવ પોતે દીકરીને કરતો પણ આવું ક્યાં સુધી ચાલે ? એના પપ્પા પણ 75 વર્ષના થયા હતા. પિતાના અને દીકરીના આગ્રહને કારણે નાછૂટકે એને કિરણ સાથે લગ્ન કરવા પડ્યા. કિરણના ડિવોર્સ થયેલા હતા.

આ જ બેડરૂમમાં 23 વર્ષ પહેલા નેહા સાથે એણે સુહાગરાત માણી હતી. ત્યારે આ રૂમ કેટલો મઘમઘતો હતો ! એના યુવાન મિત્રોએ ભેગા થઈને બેડરૂમને ગુલાબ અને મોગરાના ફૂલોથી થી સજાવ્યો હતો. પલંગ ઉપર પણ ગુલાબના ફુલોથી ' દિલ ' ની ડિઝાઇન બનાવી હતી. આખાય બેડરૂમમાં એર ફ્રેશનેર નો છંટકાવ કર્યો હતો !! કેટલો બધો ઉનમાદ હતો એ રાત્રે !!!

બેડરૂમ એનો એ જ હતો પણ ન કોઇ સુગંધ હતી ન કોઈ સજાવટ !! બસ પલંગ માં ડબલ બેડ ની ચાદર નવી નકોર હતી. એ નશીલી રાત્રે નેહાને પોતાના આલિંગન માં લેવાના ઉભરા આવતા હતા જ્યારે આજે બાજુમાં સોળ શણગાર સજીને કિરણ બેઠી હતી તોપણ એ સાવ શૂન્યમનસ્ક હતો ! કામવાસના ના આવેશો સંપૂર્ણ શાંત હતા !! બસ એ પલંગ ની સામે લટકાવેલી નેહાની વિશાળ તસ્વીર સામે તાકી રહ્યો હતો.

કિરણ ની હાલત પણ કંઇક એવી જ હતી. એની ઉંમર 38 વર્ષની હતી. વિકૃત વાસના ધરાવતા એના પહેલા કામાંધ પતિએ આઠ આઠ વર્ષ સુધી એને ચૂંથી નાખી હતી. શરૂઆતના પાંચ વર્ષ તો એણે પોતાની યુવાનીના કારણે શાંતિથી સહન કર્યું પણ પછી એના માટે આ બધું ત્રાસ જનક બનતું ગયું. એ પોતે મા બની શકી નહોતી એટલે એનો પતિ તમામ ગુસ્સો કિરણ ઉપર ઉતારતો. છેલ્લે છેલ્લે તો એણે કિરણ ઉપર હાથ ઉપાડવાનું પણ ચાલુ કર્યું. નાછૂટકે પતિનું ઘર છોડી એ પિયર ચાલી ગઇ અને ડિવોર્સ ફાઇલ કરી. એનો પતિ પણ બીજી કોઈ છોકરી ના ચક્કરમાં પડી ગયો હતો એટલે આસાનીથી ડિવોર્સ મળી ગયા.

કિરણ ને તો લગ્ન જીવનમાંથી રસ જ ઊડી ગયો હતો પણ એના માબાપ એની સતત ચિંતા કરતા હતા. છોકરીની જાત ને ક્યાં સુધી ઘરે બેસાડી રાખવી ? અમે હયાત નહીં હોઈએ ત્યારે એકલી એ જિંદગી કેવી રીતે ગુજારશે ? અને હવે જમાનો પણ કેવો ખરાબ આવી રહ્યો છે ?

એટલે નાછૂટકે કિરણ કોઈ સારું પાત્ર મળે તો લગ્ન કરવા સંમત થઈ. અને છ મહિના રાહ જોયા પછી એને સારું પાત્ર મળી પણ ગયું. નજીકના એક સગા દ્વારા ભાર્ગવ ની વાત આવી. ભલે દસ વર્ષ મોટો છે પણ માણસ સારો છે. આમ પણ એને કોઈ સંતાન નથી તો ભાર્ગવ ના સંતાનો પણ એને મળશે. અને એણે લગ્ન માટે હા પાડી. સાવ સાદાઈથી લગ્ન પતી ગયા.

ફરી પાછી સુહાગરાત આવી અને એને પોતાના પહેલા વિકૃત પતિનો ત્રાસ યાદ આવી ગયો. ખબર નહી ભાર્ગવ કેવા હશે !! ભાર્ગવ ની પડખે જ બેસીને એ પણ આવું બધું વિચારી રહી હતી અને થોડી ડરી પણ રહી હતી. આટલી ઉંમરે બીજા પતિનું પડખું સેવવું થોડુંક વિચિત્ર લાગતું હતું એને. ખૂબ જ શરમ અનુભવતી હતી કિરણ. યુવાન વયનો કોઈ જ પ્રકારનો ઉનમાદ એનામાં નહોતો.

" મારી એક વાત સ્વીકારશો ? " ભાર્ગવે પોતાની બાજુમાં બેઠેલી કિરણને ધીમેથી કહ્યું.

" જી કહો ને !! તમારો હક છે મારી ઉપર "

" ના.. ના... એવી કોઈ વાત નથી. તમે મારા વિશે એવું કંઈ નહીં વિચારતા. હું કંઈક બીજું જ કહી રહ્યો છું. "

" જી ..બોલો "

" હું જાણું છું કે સુહાગરાતે દરેક સ્ત્રીના પોતાના પણ કેટલાક અરમાન હોય છે. સ્ત્રી સહજ આવેશો હોય છે. તમે પોતે પણ યુવાન છો. પણ તમને જો વાંધો ના હોય તો આપણે આ સુહાગરાતને થોડા દિવસો પછી ઉજવીયે તો !! "

" સોરી કિરણ... મારી વાતનો કોઈ બીજો અર્થ ના તારવશો. તમારું મન હોય તો હું તમને નિરાશ નહીં કરું પણ માનસિક રીતે હું પૂરેપૂરો તૈયાર નથી આજે !!"

કિરણ ને તો કલ્પના પણ નહોતી કે આવા પુરુષો પણ જગતમાં હોય છે !! પોતાની પડખે ભર યુવાન સુંદર નવોઢા સુહાગરાતની રોમાંચક પળો નો ઇંતજાર કરતી બેઠી હોય અને કોઈ પુરુષ આગળ વધવાની ના પાડે ખરો ?

પણ કિરણ માટે તો ભાર્ગવ ની આ વાત એને પોતાને ભાવતી વાત હતી. એને પોતાને પણ ક્યાં કોઈ મન હતું ? એ તો ક્યારની ય ડરી રહી હતી કે ભાર્ગવ હવે કેવી રીતે આગળ વધશે અને શું કરશે એની સાથે !! એના પહેલા વિકૃત પતિનો ગંદો ત્રાસ અને એણે આપેલી વેદનાઓ એ ભૂલી શકતી નહોતી. ભાર્ગવ ની વાત એને પરમ શાંતિ આપી ગઈ.

" તમારી વાત સાચી છે ભાર્ગવ. સાવ સાચું કહું તો તમે મારા મનની વાત કરી. હું પણ એના માટે એટલી બધી તૈયાર નહોતી ! શારીરિક સંબંધો લગ્નજીવનનો એક ભાગ છે પણ મન અને તન બંન્ને સાથે મળે તો જ લગ્ન જીવનની મજા છે. મને આજે બહુ સારું લાગ્યું. થેન્ક્યુ ભાર્ગવ !! "

" માય પ્લેઝર " કહી ભાર્ગવે કિરણ નો મહેંદી વાળો હાથ હાથમાં લીધો. મહેંદીને રસપૂર્વક જોઈ અને હાથ ઉપર એક દીર્ઘ ચુંબન કર્યું.

ભાર્ગવે નાઈટ બલ્બ ચાલુ કરી મેઇન લાઈટ બંધ કરી. બંને જણા પોત પોતાના વિચારોમાં ઊંઘવાની કોશિશ કરવા લાગ્યા.

એકાદ મહિનામાં તો કિરણે ઘરમાં બધાનું દિલ જીતી લીધું. એ ખુબ સારી રસોઈ બનાવતી અને નવી નવી ડિશ બનાવવાનો એને શોખ હતો. એટલે બાળકોને તો મજા પડી ગઈ. સસરાનું પણ એ ખૂબ જ ધ્યાન રાખતી અને રોજ રાત્રે એમના પગ પણ દબાવતી.

ભાર્ગવ કિરણના આ વ્યવહારથી ખૂબ જ ખુશ હતો, ખૂબ જ સંતુષ્ટ હતો. દરેક સ્ત્રીમાં પોતાના પ્લસ-માઇનસ પોઇન્ટ હોય છે. ગુણ દોષ હોય છે. ભાર્ગવ ઘણીવાર નેહા અને કિરણ ની સરખામણી કરી બેસતો.

નેહાને શોપિંગનો બહુ જ શોખ હતો એ અવારનવાર ભાર્ગવ પાસે ખર્ચા કરાવે રાખતી. નવી નવી ફેશનના કપડા સાડીઓ દાગીના વગેરેનો નેહાને શોખ હતો. ત્રણ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં આજ સુધી કિરણે કોઈ પણ વસ્તુની માગણી કરી નહોતી. ઘણીવાર ભાર્ગવ પોતે કોઈ નવો ડ્રેસ ખરીદવાની વાત કરતો તો કિરણ પોતે જ ના પાડી દીધી.

" તમારે તમારા માટે જે પણ ખરીદવું હોય તે ખરીદો. મારે ડ્રેસ ઘણા છે. તમે લગ્નમાં મને આટલા બધા ડ્રેસ આપ્યા છે તો મારે તો બે ત્રણ વર્ષ ચાલશે. મને દાગીનાનો પણ બહુ શોખ નથી. તમારે કંઈ ખરીદવું હોય તો આરોહી અને વત્સલ માટે ખરીદો." કિરણ કહેતી.

કિરણ આખો દિવસ ઘરની સાફ-સફાઇ માં અને સારી સારી રસોઈ બનાવવામાં વ્યસ્ત રહેતી. ઘરને એણે એક સ્વચ્છ મંદિર જેવું બનાવી દીધું હતું. ઘરની ઘણી બધી ગોઠવણી એણે બદલી નાખી હતી.

આ તમામ બાબતોની ભાર્ગવ મનમાં નોંધ લેતો અને એક પ્રકારનો ગર્વ પણ અનુભવતો કે પાત્ર પસંદગીમાં એણે કોઈ ભૂલ નથી કરી. કિરણ પોતાની કલ્પના કરતાં પણ સારી પત્ની પુરવાર થઇ હતી. કિરણ રોજ રાત્રે ભાર્ગવ ના પગ દબાવતી અને ક્યારેક ક્યારેક માથામાં તેલ પણ ઘસી આપતી. નેહા માં આ સેવાનો અભાવ હતો.

કિરણ પોતાના આ નવા પતિ માટે ખૂબ જ ગર્વ અનુભવતી હતી. કેટલા બધા સમજદાર છે ભાર્ગવ !! મારુ કેટલું બધું ધ્યાન રાખે છે. મને શું ગમે છે મારે શું જોઈએ છે એ વગર કહે એ સમજી જાય છે. રસોડામાં ગેસ નું લાઈટર બરાબર કામ નહોતું કરતું એ એમણે જોયું તો તરફ નવું લાઇટર લાવી દીધું. ઠંડી જરા વધારે પડી રહી હતી તો તરત જઈને મારા માટે મોંઘુ લેડીઝ જેકેટ લઈ આવ્યા.

તે દિવસે જરાક મને શરદી-તાવ જેવું હતું તો સાંજે ફેમિલી ડોક્ટર ઘરે આવી ગયા. મેં ઘણી ના પાડી તો પણ લેબોરેટરીમાં લઈ જઈને બ્લડ ટેસ્ટ પણ કરાવી દીધો. મારે કંઈ કહેવું જ નથી પડતું. ક્યારે પણ ઊંચા અવાજે વાત નથી કરતા અને મને તમે તમે કહીને સંબોધે છે. - કિરણ વિચારી રહી હતી.

" એક વાત પૂછું કિરણ ? " એક રાત્રે ભાર્ગવે પલંગમાં સૂતા સૂતા કિરણ ને સવાલ કર્યો.

" હા હા બોલોને " કિરણ ભાર્ગવ ની સામે પડખું ફરી.

" તમે મારાથી ખુશ તો છો ને ? એક પતિ તરીકેની મારી કેટલીક ફરજો હું નિભાવી રહ્યો નથી. "

" તમે એવું જરા પણ ના વિચારશો. મને તમારાથી કોઈ પણ જાતનો અસંતોષ નથી. તમને પામીને તો હું ધન્ય થઈ ગઈ છું. મારા કોઈ પુણ્યનો ઉદય થયો હશે તો જ તમારી સાથે મારા લગ્ન થયા. "

" હા તો પણ આપણા લગ્નજીવનમાં કશુંક ખૂટે છે એવું મને લાગે છે. " ભાર્ગવે કહ્યું.

" કિરણ આપણે એક કામ કરીશું ? લગ્ન પછી હું તમને ક્યાંય પણ બહાર લઈ ગયો નથી. આપણે હવે એક હનીમૂન ટ્રીપ બનાવીશું ? નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. આપણે કાશ્મીર ફરી આવીએ. હિમ વર્ષા નો પણ નજારો માણીશું "

" તમારી ઈચ્છા હોય તો જઈ આવીએ પણ બાળકોને પણ સાથે લઈ જઇશું. આરોહી અને વત્સલ ને મૂકીને જવાનું મને ના ગમે "

" કિરણ આ આપણી હનીમૂન ટ્રીપ છે. 3 4 દિવસ નો સવાલ છે. તેમની વ્યવસ્થા આપણે કરી લઈશું. આવતા શનિવાર ની ટિકિટ કરાવી દઉં છું. મેક માય ટ્રીપ માં કાલે જ મળી આવું છું જેથી ત્યાં આપણે કોઈ દોડાદોડી કરવી ન પડે. "

શનિવાર નજીક આવતા જ કિરણે બાળકો માટે જાતજાતના નાસ્તા બનાવવાના ચાલુ કર્યા. થેપલા પુરી સુખડી વગેરે બનાવી દીધા તો સાથે સાથે મૅગી અને ઇન્સ્ટન્ટ ફૂડ ના પેકેટ પણ લઈ આવી જેથી પાંચ મિનિટમાં જ ખમણ ઢોકળા જેવી આઈટમ બનાવી શકાય.

" તમને ખબર છે કિરણ...હું અહી કાશ્મીર તમને કેમ લઈ આવ્યો છું ? આપણો બેડરૂમ નેહા ની યાદો થી ભરેલો છે. નેહા મને ખૂબ જ પ્રેમ કરતી હતી કિરણ "

શ્રીનગરની એક ભવ્ય હોટેલના ડીલક્સ રૂમ માં ડબલ બેડના એક સુંદર પલંગ ઉપર કિરણ અને ભાર્ગવ વાત કરી રહ્યા હતા. કિરણ ભાર્ગવ ના ખોળા માં માથું મૂકી ને સુતી હતી. ભાર્ગવ એના વાળમાં હાથ ફેરવતા ફેરવતા કહી રહ્યો હતો.

" નેહા મને ઘણીવાર કહેતી કે કાલે કદાચ હું ના હોઉં તો તમે સો ટકા બીજીવાર લગ્ન કરી જ લેવાના. અને હું એને કહેતો કે - ' તારા વગર હું જીવી ના શકું નેહા. અને બીજા લગ્નની વાત તો વિચારી પણ ન શકું !!' - કેટલો ખોટો હતો હું ?

" લાગણીઓના આવેશમાં ક્યારેક આપણે એવા એવા વચનો આપી દેતા હોઈએ છીએ કે જે વાસ્તવિકતાથી ઘણા દૂર હોય છે...... સમયની સાથે ઘણું બધું બદલાઈ જાય છે કિરણ..... યાદો પણ ધૂંધળી બનતી જાય છે."

" મને પેલા ઇન્દિવર ની ગીતરચના ઘણીવાર યાદ આવી જાય છે.-- કસમે વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોં કા કયા !! "

કિરણ ભાર્ગવ નું આ નવું સ્વરૂપ જોઇ રહી હતી. એને વહાલથી ભાર્ગવ નો હાથ પોતાના હાથમાં લીધો.

" તમે આવું બધું નહીં વિચારો હવે. નેહાબેન ને ભૂલીને આપણે છેક કાશ્મીર સુધી આવ્યા છીએ. હવે મારી ઈચ્છા પણ તમારો સહવાસ ઝંખે છે " કહીને કિરણે શરમના માર્યા પોતાના બંને હાથ ચહેરા ઉપર ઢાંકી દીધા.

ભાર્ગવ કિરણનો ઈશારો સમજી ગયો. હવે અત્યારે આ ક્ષણે નેહા ના વિચારો કરવાનો કોઈ અર્થ નથી. આજે તો બસ કિરણમાં ખોવાઈ જવું છે.

અને એ રાત્રે ભાર્ગવ અને કિરણની મધુરજની ઉજવાઇ ગઈ. સાચો પ્રેમ અને સાચું કામસુખ કોને કહેવાય એનો કિરણે એ રાત્રે પહેલીવાર અનુભવ કર્યો. એનો પહેલો પતિ જનાવર જ હતો. સંતોષની લાગણીઓ સાથે થાકીને બંને નિદ્રાધીન થયા.

ચાર દિવસ સુધી બંને જણા એકબીજામાં ખોવાયેલા રહ્યા. કાશ્મીર માં ફરવા કરતા અત્યારે પ્રેમી પંખીડા બનવાનું એમને વધારે પસંદ હતું. આમ જોવા જઈએ તો ત્રણ-ચાર મહિના પછી સાચા અર્થમાં તો હજુ હવે જ એમના પુનર્લગ્ન થયા હતા.

ઘરે પાછા ફર્યા ત્યારે બંને વચ્ચેની દિવાલ દૂર થઇ ગઇ હતી અને એક અદમ્ય આકર્ષણ નો જન્મ થયો હતો. સાચા અર્થમાં દાંપત્યજીવન હવે શરૂ થયું હતું. નવા પરણેલા યુગલો જેમ રાત ની પ્રતીક્ષા કરે એમ એ બંને જણા પણ ક્યારે રાત પડે એની રાહ જોતા હતા.

લગભગ દોઢેક મહિના પછી કિરણ ને લાગ્યું કે પોતે કદાચ પ્રેગ્નેન્ટ થઈ હતી !!! ચક્કર અને ઉલટી ના ચિન્હો શરૂ થઈ ગયા હતા. શરીરમાં એક વિચિત્ર ફેરફાર એ અનુભવતી હતી.

આટલા વર્ષો પછી માતૃત્વ નો અનુભવ એના માટે એક રોમાંચક ઘટના હતી તો સાથે સાથે આરોહી અને વત્સલ પોતાના માટે શું વિચારશે એની થોડી શરમ પણ હતી. ભાર્ગવ આ પ્રેગ્નન્સીથી ખુશ થશે કે નહીં એ સૌથી મોટું ટેન્શન હતું !! કારણકે લગ્ન વખતે જ એના મા-બાપ તરફથી એવું કહેવામાં આવેલું કે કિરણ ક્યારે પણ પ્રેગ્નેન્ટ નહીં થઈ શકે.

તેણે રાત્રે ભાર્ગવ ને આ સમાચાર આપ્યા ત્યારે ભાર્ગવે માત્ર એટલું જ કહ્યું

" કિરણ આવનારું બાળક એ આપણા બન્નેના પ્રેમનું પ્રતીક છે અને હું તો ખુશ જ છું. તું આરોહી અને વત્સલની ચિંતા પણ કરીશ નહિ. એ પણ નવા મહેમાન ને વધાવવા ખુશ જ થશે. અને બીજી વાત. તું મા નથી બની શકતી એવું મહેણું પણ આજે દૂર થઈ ગયું છે. વાંક તારા પહેલા પતિ નો હતો... તારો નહીં. "

" ઘરમાં સાસુ નથી એટલે તારું વધારે ધ્યાન તો કોઈ નહીં રાખી શકે પણ આજથી તારે ખુબ જ સંભાળવાનું છે. આપણે એક બાઈ પણ રાખી લઈશું જે રસોઈ અને કામકાજ બંને કરે."

ભાર્ગવ કિરણ ને પ્રેગ્નન્સીમાં સાચવવાની એક પછી એક સૂચનાઓ આપતો જતો હતો અને કિરણ પોતાના પુનર્લગ્ન ના આ દેવ જેવા પતિ સામે મોહક નજરે તાકી રહી હતી !!!

અશ્વિન રાવલ (અમદાવાદ)