Shraddha - the lord of twelve seeds in Gujarati Short Stories by જયદિપ એન. સાદિયા books and stories PDF | શ્રધ્ધા - બાર બીજના ધણીની

Featured Books
Categories
Share

શ્રધ્ધા - બાર બીજના ધણીની

[અસ્વીકરણ]
" આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "

*******

સર્વે વ્હાલાં,
વાચકમિત્રોને મારાં જયશ્રી કૃષ્ણ

આ નવું વર્ષ આપ સર્વેને તન મન ધન થી ખુશ રાખે. આપ અન્ય લોકોની તન મન ધન થી પ્રમાણિક સેવા કરી શકો એવી પ્રાર્થના સાથે ખૂબ ખૂબ નવાં વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું.

- જયદીપ એન. સાદીયા ( સ્પર્શ )

*******


" લીલાં પીળા તારાં નેજાં ફરકે ધણી
લીલાં પીળા તારાં નેજાં ફરકે
લીલે નેજે પાટે પધારો મારાં રણુજાના રામદેવ...."

" કહું છું જો ત્યાં રામદેવ પીરનાં મંદિરે મારે આરતી શરૂ થઇ ગઈ હવે હું આ સોંપેલું કામ આવીને કરીશ નહીંતર આરતી પૂરી થઇ જશે હું જાવ છું." એમ કહી જીવનભાઈ મંદિર જાય છે.

બહુ જ સીધા, સરળ સ્વભાવનાં, ભગવાનનાં ભક્ત અને સૌ કોઈને સદાય ઉપયોગી થનાર, સ્વભાવે લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતાં જીવનભાઈ સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતાં. તેમનાં પત્ની ગીતાબેન પણ જીવનભાઈની જેમ ભક્તિમય જીવન અને સ્વભાવે સરળ સાથે સાથે લાગણીશીલ પણ ખરાં.

સંતાનમાં તેમને એક દીકરી જેનું નામ મીરાં. સ્નાતકની પદવી લેવા માટે તે શહેર ભણતી હતી. બે - ત્રણ મહિને ઘરે આવી જતી અને સૌ જોડે ચાર પાંચ દિવસ રોકાય ફરી સ્નાતકનાં અભ્યાસ અર્થે તે શહેર ચાલી જતી.

જીવનભાઈ એક શ્રેષ્ઠ શિક્ષક હોવાની સાથે એક સારાં જીવનસાથી અને રામદેવ પીરનાં ભક્ત. હંમેશા બીજને દિવસે તે મંદિરે સેવા કરવા જતાં સૌ કોઈને મદદ, દાન ભેટ કરતાં સાથે સાથે મંદિરનાં વહીવટી કાર્યોમાં પણ મદદ કરતાં. અગિયારસ, ઉપવાસ, બીજ બધું ખૂબ શ્રધ્ધાથી રહેતાં હતાં.

ગામમાં પણ સૌ તેને સાહેબ કરતાં વધુ " જીવન ભગત "કહી ને જ બોલાવે. એક દિવસ તે કરિયાણાની દુકાને થોડો સામાન લેવા ગયાં, બધી વસ્તુ યાદી મુજબ છે એ જોઈને દુકાનદારને રૂપિયા આપ્યાં બન્યું એવું કે સાતસો રુપિયાનું બિલ બન્યું અને ભૂલથી સો રૂપિયાની એક નોટ વધુ દુકાનદાર પાસે આવી ગઈ. દુકાનદાર કશું બોલ્યો નહીં અને એને સીધા રૂપિયા ગલ્લાંમાં નાખી દીધાં. જીવન ભગત ઘરે આવીને ગીતાબેનને બધું સોંપે છે અને રસોઈઘર માં તેમને મદદ કરાવવા લાગે છે. હાથ લૂછવા તે રૂમાલ કાઢે છે સાથે રૂપિયા પણ આવી જાય છે અચાનક એને થાય છે કે મારાં ખિસ્સામાં હજાર રૂપિયા હતાં અને આ ખાલી બસો રૂપિયા કેમ..! લાગે છે દુકાનદારને ત્યાં એક નોટ વધુ વહી ગઈ છે. ચાલ પેલા ત્યાં જતો આવું એમ વિચારી તે દુકાનદાર પાસે જઈ ને વાત કરે છે પણ હોંશિયાર અને લાલચુ દુકાનદાર એ વાત નો અસ્વીકાર કરે છે.

જીવન ભગત માથાકૂટ કર્યા વગર ઘરે આવી જાય છે અને ગીતાબેનને કહે છે, સ્વભાવ એ ભલે લાગણીશીલ પણ જીવન ભગતની જેટલાં શાંત નહીં તરત જ કહ્યું આ તમે જરાય માથાકૂટ નો કરો એ જ રૂપિયા પડાવી લીધા છે એની પાસે જ છે જોજો એને એમ કે સરકારી શિક્ષક છે એક નોટ ઓછી થાય તો શું ફેર પડે પણ તમે જરાય માથાકૂટ કરો નહીં આપણાં હકનો રૂપિયો છે અને તમે આમ નરમાશ રાખો એ મને નો ગમે હો એમ કહી જીવન ભગતને ખિજાઈ છે.

જીવન ભગત હસતાં ચહેરે કહે છે, " તમે પેલાં શાંત થઈ જાવ તમારો ગુસ્સો સાચો છે હું છું સરળ અને નરમાશ સ્વભાવનો મને આ માથાકૂટ માં પડવું નથી ગમતું. એ મારો રણૂજાનો રામદેવ બેઠો છે એને જે કર્યું હશે એ સારું કર્યું હશે કદાચ મારાં ગયા જન્મે સો વધુ નીકળતાં હશે ( હસે છે) જો મારાં રામદેવ પર મને વિશ્વાસ છે મારી નીતિ સાચી છે મારાં રૂપિયા ખોટાં નથી તો મારો ધણી મને આપશે નહિતર એ ગયા જન્મ નું લેણું માનીને જતું કરી દેવાનું. "

તમને ખબર છે હું તમને ગુસ્સે થવાં દઉં છું....ત્યાં વચ્ચે ગીતા બેન બોલ્યાં, અને તમે ચૂપચાપ સાંભળો છો ખબર છે મને. ત્યાં જીવન ભગત બોલ્યાં એ તમારો ગુસ્સો મારાં પ્રત્યે નો પ્રેમ અને કાળજી દર્શાવે છે અને હું વિદ્યાર્થીને એમની ભૂલ કે સારી શિખામણમાં ખિજાવ છું સાથે સાથે ગુસ્સે પણ થાવ છું એટલે તમારાં આ ગુસ્સાને હું સમજી શકું છું. ગીતા મેડમ અમને માફ કરી દો પણ આ તમારો ગુસ્સો બહુ જ ગમે છે હો ભલે અઠવાડિયે એક વાર પણ કરજો (બંને સાથે હસે છે) ગીતાબેન કહે છે તમે પણ હજી એવાં ને એવાં જ છો મને કેમ શાંત કરવી કેમ મનાવી બધું જ તમને ખબર છે કા..

બંને વાતો કરતાં કરતાં જમી લે છે.

એક દિવસ પેલો દુકાનદાર માલની વહેંચણી માટે આવેલાં ટેમ્પા માંથી પોતાનો બધો કરિયાણાનો સામાન લઈ દુકાનમાં મૂકે છે ગ્રાહકો વસ્તુ લેવા માટે રાહ જોતા હોવાથી એ ઝટપટ રૂપિયા લઇ ગણી તે ટેમ્પાવાળાને આપે છે અને ફરી પાછો ગ્રાહકોને સામાન આપવામાં મશગુલ થઈ જાય છે.

બીજે દિવસે જ્યારે દુકાનદાર વહેલી સવારે દુકાન ખોલતો હતો ત્યાં એ ટેમ્પાવાળો ભાઈ આવે છે એમને જોઈ દુકાનદાર કહે છે મેં આજે કશું નથી મંગાવ્યું. પેલો ટેમ્પા વાળો ભાઈ કહે છે હા મને ખબર છે તમે કશું નથી મંગાવ્યું પણ જે તમારું છે એ તમને આપવાં આવ્યો છું.

દુકાનદાર કહે, શું આપવાનું છે..?
કાલે જ્યારે તમે સામાન અંદર મૂક્યો પછી જલ્દીમાં રૂપિયા આપ્યા ત્યારે ભૂલથી તમારે પાંચસો રૂપિયા વધુ આવી ગયાં હતાં એટલે એ આપવાં આવ્યો છું.
આ સાંભળતાં દુકાનદારને તેની અને જીવન ભગત વચ્ચે બનેલી ઘટના યાદ આવી.
ટેમ્પા વાળા ભાઈનો આભાર માની દુકાન ખોલવાને બદલે તે સૌથી પહેલાં જીવન ભગતનાં ઘરે જાય છે અને તેની સાથે બનેલી ઘટના વિશે જણાવે છે.

જીવન ભગત આ સાંભળી કહે છે, એ માણસ સાચો, પ્રામાણિક અને નીતિમત્તા રાખનારો હશે એટલે તેણે બીજા દિવસે જ આવીને તમને તમારાં રૂપિયા આપ્યાં. મારો રામદેવ તેની રક્ષા કરે એવી પ્રાર્થના. આ સાંભળી દુકાનદાર એ જીવન ભગતનાં સો રૂપિયા પોતાની પાસે આવી ગયાં હતાં એ કબૂલ્યું અને કહ્યું હું આટલો મોટો દુકાનદાર મેં સો રૂપિયામાં લાલચ કરી અને પેલો ટેમ્પાનો ડ્રાઇવર જે પગારદાર છે એને તો રૂપિયા સીધા માલિક ને સોંપી દેવાના હોય છે જો એ વધુ આવેલા રૂપિયા પોતે રાખી લે તો ખબર પણ શું પડે. પણ નહીં..! તેણે તેની નિષ્ઠા અને પ્રમાણિકતા બતાવી મારી આંખો ખોલી છે.

જીવન ભગત મને માફ કરી દો હું તમારી સજાને પાત્ર છું મારાં થી બહું મોટી ભૂલ થઈ ગઈ છે મારી આંખો પેલા ટેમ્પાવાળા ભાઈએ ઉઘાડી છે. મને માફ કરી દો જીવન ભગત.. હું તમારાં હકનાં આ સો રૂપિયા પાછાં આપવાં આવ્યો છું વ્હાલા એમ બોલતાં બોલતાં ભાવુક થઈ રડવાં લાગે છે ત્યારે જીવન ભગત એને છાનો રાખે છે. અને જણાવે છે કે જે દિવસે આ ઘટના બની ત્યારે તમારાં ભાભી એ મારાં પર ખૂબ ગુસ્સો કર્યો અને ખિજાઈ ગયાં હતાં. પણ મેં તેમણે કહ્યું હતું કે મારું ગયા જન્મ નું લેણું હશે તો ચૂકતે થયું હશે નહિતર મારાં કરતાં વધુ તેને જરૂર હશે એમ માની હું આ વાત ને ભૂલી ગયો હતો.

મેં મારાં અલખધણી એવાં રામદેવ પીર ને મનોમન પ્રાર્થના કરી હતી કે જે ઘટના બની એમાં સહુને તું સદબુદ્ધિ આપજે પણ તેને કોઈને નુકશાન ના થાય બસ એવી પ્રાર્થના અને જો આ તમારી ઘટના એ મને મારાં રામાપીર પર ની શ્રદ્ધા ખૂબ વધારી દીધી છે. આ ઘટના થી મને ખબર એ ખબર પડી છે કે મારો બાર બીજનો ધણી મારી સાથે છે.

" લીલાં પીળા તારાં નેજાં ફરકે ધણી
લીલાં પીળા તારાં નેજાં ફરકે
લીલે નેજે પાટે પધારો મારાં રણુજાના રામદેવ...."

ચાલો , શેઠ મંદિર એ સવારની આરતી શરૂ થઈ ગઈ સાથે મળીને દર્શન કરીએ અને મારી માફી ના માગો અને રામદેવ પીર નો આભાર માનો કે એણે આ ઘટનાથી તમને એક પ્રમાણિક માણસ બનાવ્યાં અને તમારાં હકનાં રૂપિયા પાછા મળ્યાં. "

અમે આરતી માં જતા આવીએ તમે આપણાં સૌ માટે ચા- પાણી બનાવી રાખો ત્યાં અમે આવીએ." ગીતાબેન ને જણાવીને જીવન ભગત અને શેઠ મંદિર તરફ જવા પ્રયાણ કરે છે.

"બાર બીજના ધણી ને સમરુ
સમરે વહેલા આવે રે મારાં રણુજાના રામદેવ...
લીલાં પીળા તારાં નેજાં ફરકે
લીલે નેજે પાટે પધારો મારાં રણુજાના રામદેવ...."

બંને આરતી દર્શન કરી રામદેવ પીર નો આભાર વ્યક્ત કરે છે અને ઘરે આવી સાથે ચા - પાણી પીવે છે. દુકાનદાર સદાય પ્રમાણિક અને નિષ્ઠાવાન રહીશ એવો જીવન ભગતની હાજરીમાં સંકલ્પ લઈ સૌ છૂટા પડે છે.

સમાપ્ત.

સાર : ભગવાન પર રાખેલી સાચી શ્રદ્ધા અને પોતાની શુદ્ધ નીતિમત્તા અને પ્રમાણિકતા કોઈ દિવસ તમને હાનિ નથી પહોંચાડતી.

આશા રાખું છું કે આપ સૌને આ ધાર્મિક વાર્તા ગમી હશે..!

આપનો પ્રતિભાવ આપ મને ( Star Rate & comment) દ્વારા આપી શકો છો આપનો પ્રતિભાવ મને લેખન કાર્ય પ્રત્યે પ્રોત્સાહન આપશે.
આપના પ્રતિભાવ ની રાહ રહેશે.

જયશ્રી કૃષ્ણ

- જયદીપ એન. સાદીયા ( સ્પર્શ )