Operation Chakravyuh - 1 - 30 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 30

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 30

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-30

રાવલપિંડી,પાકિસ્તાન

બલવિંદરની ડાયરી મેળવવાની સાથે માધવ અને નગમા ડાયરીની અંદરથી એક એવો ઇમેઇલ આઈડી મેળવવામાં સફળ રહ્યા હતાં જેનું સીધું કનેક્શન ગુજરાતમાં લશ્કર એ તોયબા દ્વારા થનારા હુમલા સાથે હતું. એ ઇમેઇલ આઈડી અંગે માધવ અને નગમા વધુ કંઈ માહિતી મેળવે એ પહેલા એમને જાણવા મળ્યું કે લશ્કરના આતંકવાદીઓની સાથે પાકિસ્તાન ગુપ્તચર સંસ્થા આઈ.એસ.આઈ અને રાવલપિંડી પોલીસ પણ એમની શોધમાં હતી ત્યારે એમનાં જોડે એક જ રસ્તો વધ્યો હતો..જે હતો તાત્કાલિક રાવલપિંડી છોડીને ભાગી જવું.

આવી કોઈ ઘટના બને તો કઈ રીતે પાકિસ્તાનમાંથી બચીને નીકળવું એની યોજના રૉ ચીફ રાજવીર શેખાવત માધવ અને નગમાને મિશન પર મોકલ્યા પહેલા આપી ચૂક્યા હતાં. એ યોજના મુજબ એ લોકોએ આવી કોઈ વિકટ પરિસ્થિતિ સર્જાય તો રાવલપિંડીથી બ્લુચીસ્તાનનાં મુખ્ય શહેર કવેટા પહોંચી જવાનું હતું. કવેટામાં અસદ આઝમ નામક એક ડૉક્ટર માધવ અને નગમાની આવા સંજોગોમાં મદદ કરશે એવું શેખાવતે જણાવ્યું હતું.

એ લોકોને રાવલપિંડીમાંથી નીકળવામાં સરળતા રહે એ હેતુથી નાથને દિલાવર અને માધવને નકલી દાઢી અને વિગ ધારણ કરવા કહ્યું જ્યારે નગમાને બુરખો. આ સાથે બે મશીનગન પણ એ લોકોને આપી. નાથનની સહાયતા માટે એનો આભાર માની માધવ અને નગમા નાથનના ઘરેથી નીકળીને બહાર આવ્યાં.

એ સમયે મુસ્તફા ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. પોતાના વેશને બદલીને આવેલા માધવ, નગમા અને દિલાવર જેવા ગાડીમાં બેઠાં એ સાથે જ મુસ્તફાએ ગાડીને નગમાના કહેવાથી કવેટા તરફ ભગાવી મૂકી. દિલાવર અને મુસ્તફા બંને BLAના સભ્યો હતાં અને કવેટા BLAનો ગઢ હતું આથી એમને પણ આ પરિસ્થિતિમાં એમના માટે કવેટાથી વધુ યોગ્ય જગ્યા બીજી ના લાગી.!

બિલાલ ખાન રાવલપિંડીની બધી પોલીસને શહેરની નાકાબંધીમાં લગાવી ચૂક્યો હતો. બિલાલને હતું કે આમ કરી એ મસૂદના દુશ્મનોને શહેરમાં રોકવામાં સફળ થશે પણ એની આ ગણતરી ખોટી નીકળી. હજુ તો રાવલપિંડી પોલીસ નાકાબંધીની તૈયારીઓ કરી રહી હતી ત્યારે મુસ્તફા ખૂબ જ ચાલાકી સાથે પોતાની ગાડીને એવા રસ્તેથી શહેરની બહાર હંકારી ગયો જ્યાં ના કોઈ નાકાબંધી હતી, ના એમને રોકનાર કોઈ વ્યક્તિ!

પોતાના સહીસલામત રાવલપિંડીથી બહાર નીકળી જવાની ખુશી નગમા, મુસ્તફા, માધવ અને દિલાવર ચારેયના ચહેરા પર સાફ વર્તાય રહી હતી. રાવલપિંડીથી કવેટાને જોડતા ઇન્ડસ હાઈવે પર જવાનાં બદલે મુસ્તફાએ ઈન્ડસ હાઈવેને સમાંતર ગ્રામીણ રસ્તેથી કવેટા જવાનું નક્કી કર્યું, જે એમની સોળ કલાકની સફરને વીસ કલાકની કરવાનું હતું. આમ છતાં આ રસ્તો હાઈવે કરતા વધુ સુરક્ષિત હોવાથી મુસ્તફાના આ વિચારને સૌ એ વધાવી લીધો.

એક તરફ જ્યાં નગમા અને માધવ રાવલપિંડીમાંથી બહાર નીકળી ચૂક્યા હતાં ત્યાં બીજી તરફ બિલાલ ખાન એમને રાવલપિંડીમાં જ રોકી દેવા પોતાની તમામ ઉર્જા વેડફી રહ્યો હતો. આઈ.એસ.આઈ પણ બાઘાની માફક માધવ અને નગમાને પિંડીમાં જ શોધી રહી હતી. આ બધાં પરથી એ સાફ હતું કે માધવ અને નગમા સરળતાથી એમની આંખોમાં ધૂળ નાંખી પાકિસ્તાનમાંથી ફરાર થઈ જશે.

પણ, એક વ્યક્તિ હતો જેની આંખોમાં ધૂળ નાંખવી અશક્ય હતી..જેનું નામ હતું ઈકબાલ મસૂદ.

જુનેદ મલિક જોડે પોતાનું ધાર્યું કરાવવા છતાં મસૂદના જીવને કળ નહોતી વળી. મિર્ઝાની પ્રાથમિક સારવાર થઈ ચૂકી હતી, એ હજુ પણ મસૂદના ગુપ્ત સ્થાને જ હતો.

"મિર્ઝા, તે કહ્યું કે એ ચાર લોકો દોડીને એક કારમાં જઈને બેઠા.!" કંઈક યાદ આવતા મસૂદે મિર્ઝાને પૂછ્યું.

"હા ભાઈ, એ લોકો એક સફેદ રંગની ઈનોવામાં બેસીને ત્યાંથી ભાગ્યા હતાં." મિર્ઝાએ કહ્યું.

"એ ગાડીનો નંબર તે જોયો હતો?"

"નંબર જોવાની કોશિશ તો કરી હતી પણ પૂરો નંબર જોઈ ના શક્યો." મિર્ઝાએ કહ્યું. "પણ એની નંબર પ્લેટ પરથી એ ગાડીનું પાસિંગ ક્યાંનું છે એ હું જાણી શક્યો હતો."

"ક્યાંની હતી એ ઈનોવા કાર?" મસૂદના અવાજમાં વ્યગ્રતા ભળી ચૂકી હતી.

"કવેટા, બ્લુચીસ્તાન." મિર્ઝાએ સપાટ સુરમાં કહ્યું.

મિર્ઝાનો જવાબ સાંભળી મસૂદ અડધી મિનિટ સુધી છત પર લગાવેલા પંખાની તરફ તાકી રહ્યો..અચાનક કંઈક અંતઃસ્ફુરણા થતાં એને મિર્ઝા અને મિર્ઝાની નજીક ઊભેલા પોતાના અન્ય એક ખાસ માણસ ઈબ્રાહીમને આદેશાત્મક સ્વરે કહ્યું.

"ફટાફટ માણસો તૈયાર કરો, આપણે દસ મિનિટમાં કવેટા જવા નીકળવાનું છે.!"

★★★★★★★★

હેંગસા આઈલેન્ડ, શાંઘાઈ, ચીન

ભારતને ચીનનો દુશ્મન દેશ ગણતા જિયોન્ગ લોન્ગે કઈ રીતે ભારતને સબક શીખવાડવાની શું યોજના ઘડી હતી એ જાણવાની બેતાબી અર્જુન અને નાયકના ચહેરા પર સાફ વર્તાતી હતી.

"અમારી ડ્રગ્સ બનાવતી લેબમાં ડઝનેક મોટા વૈજ્ઞાનિકો પણ કામ કરે છે જેમને હું ખૂબ મોટું આર્થિક વળતર આપુ છું." લોન્ગે પોતાની વાત કહેવાની શરૂ કરી. "એમાં એક વૈજ્ઞાનિક છે કેલીન વાંગ, જે વિવિધ કેમિકલ શોધી કાઢવામાં એક્સપર્ટ છે."

"કેલીને એક એવું કેમિકલ શોધી કાઢ્યું જે ભૂલથી પણ કોઈ વ્યક્તિના શરીરમાં જાય તો એની અસર નીચે એ વ્યક્તિ પાંચ દિવસથી સાત દિવસ વચ્ચે મૃત્યુ પામે, આ કેમિકલની બીજી ખાસિયત એ છે કે એના શરીરમાં હોવાના કોઈ લક્ષણો હોતા નથી અને ચાર દિવસ પછી આ કેમિકલની અસરમાં આવનાર વ્યક્તિ પોતાની ત્રણ મીટરની રેન્જમાં આવનાર વ્યક્તિને આ બાયો કેમિકલનો ભોગ બનાવી શકે છે."

"તો તો પછી આ કેમિકલ ખૂબ જ ઘાતક નીવડે એ નક્કી છે." અર્જુને ટાપસી પૂરી.

"હા, આ કેમિકલનું ડિફ્યુઝન ખૂબ મોટા વિસ્તારમાં લોકોને પોતાની અસર નીચે લઈ શકે છે અને એની અસર નીચે આવનાર લોકો ધીરે-ધીરે મોટો વિસ્તાર ધરાવતા ભારત જેવા દેશને એની ભીંસમાં લઈ શકે છે." લોન્ગના ચહેરા પર શૈતાની ચમક પથરાઈ ગઈ હતી. "ચીનની સરકારના કહેવાથી મેં આ કેમિકલ બૉમ્બ બનાવીને એના ગંતવ્ય સ્થાને મોકલાવી પણ દીધા છે."

લોન્ગે ભલે જગ્યાનો ઉલ્લેખ નહોતો કર્યો પણ નાયક અને અર્જુન સમજી ચૂક્યા હતાં કે લોન્ગનું ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા સાથે શું કનેક્શન હતું. લોન્ગ જે કહી રહ્યો હતો એ સત્ય હતું તો સાચેમાં ગુજરાતની સાથે આખો ભારત દેશ મોટી આફતમાં મૂકાઈ જવાનો હતો એમાં કોઈ શંકાને સ્થાન નહોતું.

લોન્ગને હાથો બનાવી, લશ્કર એ તોયબાની મદદ લઈ ચીનની સરકારે ભારતને બરબાદ કરી દેવાની જે ભયંકર યોજના અમલમાં મૂકી હતી એ સાંભળી હતપ્રભ બનેલા અર્જુન અને નાયકે આ અંગે બને એટલી ઝડપે શેખાવતને માહિતગાર બનાવવાનું મન બનાવીને ત્યાંથી જવા માટે લોન્ગની રજા માંગતા કહ્યું.

"તમારા જેવી વિચારધારાના લીધે જ ચીન આટલો આગળ છે અને નજીકમાં વિશ્વની મહાસત્તા બનવાની હોડમાં છે."

"મને અને મારા ભાઈને તમારા જેવા વ્યક્તિ સાથે કામ કરીને ઘણો આનંદ થશે. સારું તો હવે અમે રજા લઈએ, બે દિવસ પછી દુબઈ જવાનું હોવાની બાકી રહેલું કામ ફટાફટ નિપટાવવાનું છે." અર્જુનના અવાજમાં લોન્ગને મળવાનો ઉમળકો હતો.

"ચોક્કસ, તમે જઈ શકો છો." લોન્ગ બોલ્યો. "જેવો જ સ્નેક વેનમ ડ્રગ્સનો પૂરતો જથ્થો તૈયાર થાય એટલે તમારો સંપર્ક કરીશ."

લોન્ગ અને લીને ગળે મળી અર્જુન અને નાયકે એ હાવભાવ સાથે વિદાય લીધી જાણે પોતાના જૂનાં મિત્રથી અલગ થઈ રહ્યાં હોય. પોતાની આવી અદાકારી માટે તો એ બંનેને બેસ્ટ એક્ટરનો ઓસ્કાર આપવો પડે!

યાંગ લી અર્જુન અને નાયકને છેક ફેક્ટરીની બહાર સુધી છોડી ગયો, ત્યાંથી અર્જુન અને નાયક જે ગાડીમાં આવ્યા હતાં એમાં સવાર થઈને પાછા બોટ તરફ નીકળી ગયાં. ત્યાંથી બોટમાં સ્પીડ બેસીને તેઓ ચુવાંગજિયાંક્ષુ જવા નીકળી પડ્યા, જ્યાં શાહિદ મર્શિડીઝ લઈને એમની રાહ જોતો ઊભો હતો.

આખરે કેમિકલ બોમ્બની મદદથી લશ્કરના આતંકવાદીઓ ગુજરાતના કોઈ સ્થળે આતંકવાદી હુમલો કરવાના છે એ જાણી ગયેલા અર્જુન અને નાયક ચીનમાંથી સત્વરે નીકળી જવાનું નક્કી કરી ચૂક્યાં હતાં. લોન્ગને ઈન્ટરપોલના હાથે પકડાવવાની યોજના સ્વરૂપે અર્જુન લોન્ગની ફેકટરીમાં ખૂબ જ સાવચેતી સાથે ત્રણ જી.પી.એસ સેન્સર ચીપ લગાવતો આવ્યો હતો.

આમ તો અર્જુન જાતે જ લોન્ગ જેવા વ્યક્તિને સબક શીખવાડવાની મંછા ધરાવતો હતો પણ આ સમયે જોશમાં કામ લેવાની નહીં પણ હોશમાં કામ લેવાની જરૂર હતી એટલે અર્જુને લોન્ગને ઈન્ટરપોલના હવાલે કરી નાયક સાથે પાછા ભારત પહોંચી જવાનું નક્કી કરી લીધું હતું.

અર્જુન અને નાયક ચુવાંગજિયાંક્ષુ પહોંચી જેવા કારમાં બેસી હોટલ પેરેડાઈઝ જવા નીકળ્યા ત્યાં લોન્ગનો મોબાઈલ રણક્યો.

"હેલ્લો કોણ?" ફોન રિસીવ કરતા જ લોન્ગે પૂછ્યું.

"હું બોલું છું લોન્ગ..તારો દોસ્ત પેનિંગ..!"

"અરે, પેનિંગ તું..પણ આ નંબર તો.."

"હા ભાઈ, આ નંબર તો દુબઈનો છે એમ જ ને." પેનિંગના અવાજમાં લાંબા સમય બાદ મિત્ર સાથે વાત કરવાનો ઉમળકો મોજુદ હતો. "હવે હું એક વર્ષથી દુબઈમાં જ સેટ છું, અહીં મારે ક્રૂડ અને સોનાની બ્રોકરેજનો બિઝનેસ ખૂબ સરસ ચાલે છે."

"આખરે તને ક્યાંક તો ફાવટ આવી." લોન્ગ બોલ્યો. "થોડા સમય પહેલા કોલ કર્યો હોત તો હું તને દુબઈના બે શેખ જોડે વાત કરાવત, જે નજીકમાં મારા બિઝનેસને મિડલ ઈસ્ટમાં વિસ્તારવામાં મદદ કરશે."

"ખૂબ સરસ, આમ પણ અહીં સારી ક્વોલિટીનું ડ્રગ્સ ભાગ્યે જ મળે છે." પેનિંગે કહ્યું. "શું નામ હતાં એ બંને શેખનાં એ જાણી શકું.?"

"એ બંને આર.એસ એન્ટરપ્રાઈઝ નામક ક્રૂડ અને સોનાની કંપનીના માલિક છે, અને એમનાં નામ છે રહેમાન અલ હુસેની અને સલમાન બિલ રહેમાની." પ્રત્યુત્તર આપતા લોન્ગે કહ્યું.

"મને જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી દુબઈમાં આવી કોઈ કંપની છે જ નહીં, ક્રૂડ અને સોનાનો બિઝનેસ કરતા બધા લોકો મારી સંપર્કમાં છે પણ હુસેની અને રહેમાની નામક કોઈ વ્યક્તિને હું ઓળખતો નથી."

પોતાની જોડે મોટી રમત રમાઈ ગઈ છે એવો અંદાજો આવતા લોન્ગે પોતાના હાથને જોરથી ટેબલ પર પછાળ્યો. પોતે શાંતિથી ફોન કરશે એવું પેનિંગને જણાવી લોન્ગે એનો કોલ ડિસ્કનેક્ટ કર્યો.

અર્જુન અને નાયક પોતાની પકડમાંથી છટકી જાય એ પહેલા એમને ધર દબોચવા લોન્ગે ફટાફટ પોતાના મોબાઈલમાંથી એક નંબર ડાયલ કર્યો.

★★★★★★★

અમદાવાદ

આખરે કેવિન અને રાજલની ગજબની હિંમતનાં લીધે અફઝલ પાશા પોલીસની ગિરફતમાં આવી ચૂક્યો હતો. અફઝલની ધરપકડથી ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલાને ખાળી શકાય એમ હતું.

અમદાવાદ પોલીસ કમિશનર વણઝારાની ઓફિસની નીચે આવેલા ગુપ્ત રૂમમાં વણઝારા, ડીઆઈજી શર્મા, રૉ ચીફ રાજવીર શેખાવત, એસીપી રાજલ દેસાઈ અને કેવિન જોસેફ હાજર હતાં. કેવિનને ખભે સાત ટાંકા આવ્યા હતાં પણ એ અત્યારે સંપૂર્ણ સ્વસ્થ હતો. એ લોકોની સામે લશ્કર એ તોયબાનાં કમાન્ડર ઈન ચીફ અકબર પાશાનો ભાઈ અને ગુવાહાટી બૉમ્બ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ અફઝલ પાશા અસહાય હાલતમાં એક ખુરશી સાથે બંધાયેલો હતો. એના સાથળ પર એક પાટો બંધાયેલો હતો, જે રાજલ દ્વારા છોડવામાં આવેલી ગોળી ના ઘા ને છુપાવવામાં અસમર્થ હતો.

"તો તને શું લાગ્યું કે તું તારા મનસૂબાને સરળતાથી પૂરા કરી શકીશ.?" અફઝલના માથાના વાળને જોરથી ખેંચી શેખાવતે ક્રુદ્ધ સ્વરે કહ્યું. "અમને માલૂમ છે કે તું ગુજરાતમાં કોઈ મોટા આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યો છે."

"ખૂબ સરસ!" અફઝલે પોતાની આંખો પોતાની સામે ઊભેલા પાંચેય ઓફિસર સામે ઘુમાવતા કહ્યું. "તમને જાણકારી હોવા છતાં જો આતંકવાદી હુમલો થશે તો કેવી મજા આવશે."

"જો અફઝલ, આતંકવાદી હુમલો તો અમે કોઈપણ ભોગે રોકીને જ રહીશું." અફઝલની વાત સાંભળી ચિડાયેલા કેવિને એના ગાલ પર એક જોરદાર ઝાપટ રસીદ કરતા કહ્યું. "પણ જો તું જલ્દી તારું મોં નહીં ખોલે તો અમે એ હદે તને ટોર્ચર કરીશું કે તું અમારી સમક્ષ મરવાની દુવાઓ માંગીશ."

"તને લાગે છે હું એવું કરીશ.." કેવિનની વાત સાંભળી કટુ સ્મિત વેરીને અફઝલે કહ્યું. "દમ હોય તો અજમાવી જો..તને સમજાઈ જશે કે ટોર્ચર આપવમાં તું થાકે છે કે સહન કરવામાં હું.!"

અફઝલની આવી તોછડાઈ ભરી વાણી સાંભળી ગુસ્સે ભરાયેલો કેવિન અફઝલના ચહેરા પર જોરથી એક મુક્કો મારવા જતો હતો પણ એને યોગ્ય સમયે શેખાવતે અટકાવી દીધો, ઈશારાથી શાંત રહેવા જણાવ્યું.

"લાગે છે અફઝલ તારો કોઈ સાચા હિન્દુસ્તાની જોડે પનારો નથી પડ્યો." શેખાવતે અફઝલની વાતનો પ્રત્યુત્તર આપતા કહ્યું. "અને એવું ના થયું હોય તો સન. 65, સન. 71અને સન.99માં તમારા જે હાલ થયા હતાં એ વિશે વિચારી લે."

"સત્ય તો તારે કહેવું જ પડશે, તમને આતંકવાદી બનવા જે ટ્રેઈનિંગ અપાય છે એમાં તમારી સહનશક્તિની આકરી કસોટી લેવાય છે, છતાં હું તને વચન આપું છું કે મારી સામે તારી સઘળી સહનશક્તિ ઘૂંટણિયે પડી જશે."

શેખાવતના અવાજમાં રહેલો તાપ અને વિશ્વાસ ઓળખી ગયેલા અફઝલના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ઉપસી આવ્યાં. એમાં પણ જ્યારે એને જાણ્યું કે એના ચારેય સાગરીત મરી ગયાં છે ત્યારે એનું વર્તન થોડું નરમ પડી ગયું હતું.

"બોલ હવે ફટાફટ પોપટની માફક બધું બકી દે નહીં તો.." આટલું બોલતા જ શેખાવતે અફઝલનો જમણો કાન પોતાના જમણા હાથની મુઠ્ઠીમાં બરાબરનો ભીંસીને આમળી નાંખ્યો; અફઝલનો કાન થોડો ચિરાઈ ગયો અને ત્યાંથી લોહીની ટશર ફૂટી નીકળી. શેખાવતની આવી ક્રૂરતા જોઈ ત્યાં હાજર અન્ય ચારેય ઓફિસરો હતપ્રભ બની ગયાં.

"કેવિન, કટર આપ." અફઝલના મક્કમ મનોબળને કાયમ જોઈને શેખાવતે કેવિન તરફ જોઈને કહ્યું.

કેવિને તુરંત પોતાના ખિસ્સામાંથી એક કટર નીકાળી પોતાના સિનિયરને આપ્યું. કટર હાથમાં લેતા જ શેખાવતે કેવિનની ડાબા હાથની ટચલી આંગળીને વચ્ચેથી કાપી નાંખી. અફઝલ હજુ પોતાના દર્દ અંગે વધુ વિચારે એ પહેલા તો એના જમણા હાથની બીજી આંગળી પણ જમીન પર કપાઈને પડી હતી.

અસહ્ય પીડાથી ચીસો પાડતો અફઝલ સમજી ગયો હતો કે શેખાવત એના મોંઢેથી સત્ય કઢાવવા છેલ્લી હદ સુધી ક્રૂર બનવાનો છે.

"હજુ તને એમ છે કે તું અમારું ટોર્ચર સહન કરી શકીશ.!" ક્રુદ્ધ સ્વરે અફઝલની તરફ જોઈને શેખાવતે કહ્યું.

શેખાવતને હતું કે અફઝલ હવે તો સત્ય જણાવી જ દેશે કે આખરે એ લોકોની યોજના શું હતી. પણ અચાનક અફઝલ જોરજોરથી હસવા લાગ્યો. સળંગ બે-ત્રણ મિનિટ સુધી એકધાર્યું હસ્યા બાદ અફઝલે શેખાવત ભણી જોયું અને બોલ્યો.

"તને એમ છે કે તું અમારી યોજના અંગે મારી જોડેથી જાણી શકીશ."

"યા અલ્લાહ હું તારી પાસે આવી રહ્યો છું..યા અલી મદદ." શેખાવત કે ત્યાં મોજુદ અન્ય લોકો કંઈ સમજે એ પહેલા તો અફઝલે પોતાના ચહેરાને જોરથી પોતાને જ્યાં બાંધ્યો હતો એ લાકડાની ખુરશીના હેન્ડલ સાથે અફળાવ્યું.

આમ થતાં જ અફઝલના ત્રણ ચાર દાંત એકસાથે તૂટી ગયાં અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું..બીજી જ ક્ષણે અફઝલના પૂરા શરીરમાં ખેંચ આવવા લાગી. શેખાવત કંઈ કરે એ પહેલા તો અફઝલનો ચહેરો એક તરફ ઢળી પડ્યો, એનું જડબું અકડાઈ ગયું અને આંખોનાં ડોળા પહોળા થઈ ગયાં.

શેખાવતે દોડીને અફઝલની સમીપ પહોંચ્યો અને એના નાક તથા મોં આગળ આંગળી મૂકીને એના શ્વાસોશ્વાસ તપાસી જોયા.

"હી ઈઝ નો મોર!" અફઝલ જીવિત નથી રહ્યો એની જાહેરાત કરતા શેખાવતનો અવાજ તરડાઈ ગયો હતો.

રાજલ, કેવિન, વણઝારા અને રુદ્ર પ્રતાપ શર્મા માટે પણ અફઝલની અણધારી મોત વજ્રાધાત સમી નીવડી હતી એવું એમના મુરઝાયેલા ચહેરા જોઈ પ્રતીત થતું હતું.

હવે આતંકવાદી હુમલો રોકવાનો બીજો કોઈ ઉપાય નથી વધ્યો એવો મનોમન અણસાર આવતા રાજવીર શેખાવતનો તેજસ્વી ચહેરો નિસ્તેજ બની ચૂક્યો હતો.

અફઝલ મૃત્યુને ભેટીને પણ વિજયી બની ગયો હતો જ્યારે એના જોડેથી સત્ય જાણવાની ઈચ્છા ધરાવનાર લોકો પરાજિત.!

************

સિઝન 1 સમાપ્ત

તો દોસ્તો આ સાથે જ ઑપરેશન ચક્રવ્યૂહની પ્રથમ સિઝનને અહીં પૂર્ણ જાહેર કરું છું. નજીકમાં બીજી સિઝન લઈને આપ સમક્ષ રજૂ થઈશ.

જે હદે વાચકો એ આ નવલકથાને વધાવી છે એ ખરેખર આનંદપ્રેરક છે. આખરે ગુજરાતમાં થનારો આતંકવાદી હુમલો રોકવાના રૉ અને ગુજરાત પોલીસ સફળ થશે કે એમની સામે આવેલી મુશ્કેલીઓ એમનું મનોબળ તોડી નાંખશે એ જાણવા બીજી સિઝન અવશ્ય વાંચજો.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)