રોહિણી માટે હવે સાસુના મહેણાં અને પતિનો ગુસ્સો રોજનું થઇ ગયું હતું. લગ્ન જીવનના જે શરૂઆતના વર્ષોમાં પ્રેમ હતો, તે હવે દૂર દૂર સુધી ક્યાંય જોવા મળતો નહોતો. નવા-નવા લગ્ન થયા ત્યારે મોટી ભૂલો પણ માફ થઇ જતી અને આજે તો નાની એવી ભૂલ અને ક્યારેય કોઈ ભૂલ વગર પણ ગુસ્સાનો શિકાર બનવા ઉપર મજબુર કરી દેતી હતી.
યાદ હતો તેને એક દિવસ, લગ્નના ત્રણ ચાર મહિના જ વીત્યા હતા અને રસોડામાં તેના હાથમાંથી તેલ ભરેલી તપેલી નીચે પડી ગઈ હતી. તેના સાસુ ફટાફટ રસોડામાં આવ્યા અને તરત કહ્યું: "વાગ્યું તો નથી ને બેટા, ભલે તેલ ઢોળાયું, તું ચિંતા ના કર, તું આ બાજુ આવી જા, હું સાફ કરી લઉં છું."
અને હવે પરિસ્થિતિ સાવ અલગ હતી, થોડા દિવસ પહેલા જ મૈત્રીને દૂધ આપવા માટે ફ્રિજમાંથી તપેલી કાઢતાં સમયે દૂધની તપેલીમાંથી સહેજ છાલક વાગતા એક ઘૂંટડા જેટલું દૂધ ઢોળાયું ત્યારે સાસુ ત્યાં બાજુમાં જ ઉભા હતા અને જોતા જ બોલ્યા: "સત્યાનાશ કરી નાખ્યું, મારો દીકરો આખો દિવસ મહેનત કરી અને પૈસા કમાય અને તમારે કોઈ વાતની ચિંતા જ નહીં, તારા બાપાના પૈસાથી દૂધ નથી આવતું. ધ્યાન રાખીને કામ કર, પૈસા કઈ ઝાડ ઉપર નથી ઉગતા."
તે દિવસે પણ રોહિણીને ઘણું જ લાગી આવ્યું હતું, પરંતુ સંબંધો નિભાવવા માટે તે ચૂપ રહી, પોતાના રૂમમાં આવી અને બરાબર રડી લીધું અને પોતાની જાતે જ હળવી થઇ ગઈ. ઊંચા અવાજે ના તેને ક્યારેય પોતાના પિયરમાં વાત કરી હતી ના ક્યારેય પોતાના સાસરીમાં.
રોહિણીના પિતા તેને ખુબ જ પ્રેમ કરતા હતા અને આ પ્રેમના કારણે જ તેને વિશ્વાસ તરફના સંબંધને પરિવારની મરજી ના હોવાના કારણે છોડી દીધો હતો. તુષારના મળ્યા પછી તેને એમ પણ લાગ્યું કે "જે થયું છે એ સારું થયું છે, વિશ્વાસના રૂપમાં જ તેને તુષાર મળ્યો" પરંતુ આજે તેને વિશ્વાસની ખોટ વર્તાઈ રહી હતી. પોતાના લગ્ન બાદ તેને એ જાણવાનો ક્યારેય પ્રયત્ન ના કર્યો કે "વિશ્વાસ ક્યાં છે ? શું કરતો હશે?" પરંતુ આજે તેને વિશ્વાસની જરૂર લાગી રહી હતી.
વિશ્વાસ પણ કેવો ખુદ્દાર માણસ, રોહિણીના લગ્ન બાદ ક્યારેય તેને પણ રોહિણીનાં જીવનમાં ડોકિયું ના કર્યું, રોહિણી સાથેનો સંબંધ તૂટી ગયો હોવા છતાં પણ તેને ક્યારેય રોહિણી ઉપર એક આંગળી પણ નથી ઉઠાવી.
મૈત્રીને સુવડાવ્યા બાદ રોહિણીએ પોતાનો ફોન લીધો, લગ્ન બાદ ખાસ કરીને કોઈના નંબર રાખ્યા નહોતા, તેની બહેનપણીઓ પણ બધી પોત પોતાના સાસરે ચાલી ગઈ હતી, કોને ફોન કરવો અને કોની સાથે વાત કરવી તેની મૂંઝવણ ચાલી રહી હતી. 15-20 મિનિટ સુધી ફોન મચેડવા છતાં પણ તેને કોઈ યોગ્ય નંબર ના મળ્યો વાત કરવા માટે એટલે તેને ફોનને બાજુ ઉપર મુક્યો.
સુઈ જવાનો વિચાર કરતી હતી ત્યાં જ તેના સાસુએ બુમ પડતા કહ્યું: "રોહિણી, નીચે આવ, અને મારુ કબાટ સરખું કરી નાખ, કોઈ વસ્તુ મને મળતી જ નથી."
રોહિણી તરત ઊભી થઇ અને નીચે તેના સાસુના રૂમમાં ગઈ. કબાટ ખોલી અને સરખું કરવા લાગી, તેના સાસુ શારદાબેન ખુરશીમાં બેઠા બેઠા "આ વસ્તુ આ જગ્યાએ મૂક, પેલું ત્યાં મૂક"નો ઓર્ડર આપી રહ્યા હતા. રોહિણી પણ ચુપચાપ તેમના કહ્યા અનુસાર બધું જ કામ કરવા લાગી, 15 મિનિટનું કામ તેના સાસુએ એક કલાક સુધી જાણી જોઈને લંબાવ્યું. કામ પૂરું થઇ ગયું ત્યારે રોહિણીએ ઘડિયાળમાં જોયું તો જમવાનું બનાવવાનો સમય થઇ ગયો હતો.
પોતાના રૂમમાં જઈને તેને મૈત્રીને ઉઠાડી. નીચે લાવી દૂધ અને રમકડાં આપી રમવા માટે બેસાડી અને પોતે રસોડામાં સાંજનું જમવાનું બનાવવાના કામમાં લાગી ગઈ. સાંજે જમતી વખતે પણ રોહિણીની ના કરેલી ભૂલોની પણ ફરિયાદો આવ્યા કરતી, સાથે જમવાનું ગમે તેટલું સારું જ કેમ ના બન્યું હોય, પરંતુ ભૂલો તો અંદરથી નીકળતી જ. તો પણ રોહિણી ક્યારેય સામે જવાબ ના આપતી.
તુષારને પણ હવે તેના માટે કોઈ લાગણી કે પ્રેમ નહોતો રહ્યો, રોજ રાત્રે એક વાસનાના ભૂખ્યા પતિની જેમ રોહિણીની ઈચ્છા હોય કે ના હોય તે છતાં પણ પોતાની હવસ સંતોષતો. રોહિણીને પણ હવે તો તુષારનું શરીર તેના ઉપર ભાર સમાન લાગી રહ્યું હતું. હવે તુષારનો સ્પર્શ તેને ઉત્તેજના નહોતો આપતો, પરંતુ જાણે તેની તરફ શરીર સુખ પામવા માટે ઉઠતા હાથ કોઈ અજાણી વ્યક્તિના હોય અને તેની ઈચ્છા ના હોવા છતાં પણ તેને સ્પર્શી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું. રોહિણીને હવે પોતાના જ પતિ દ્વારા પોતાનો બળાત્કાર થઇ રહ્યો હોય તેવી અનુભૂતિ થતી હતી. તે છતાં પણ ચૂપ હતી.
પોતાની હવસ સંતોષીને તુષાર તો શાંતિથી સુઈ જતો, પરંતુ રોહિણી ખુલ્લી આંખે મોડા સુધી જાગ્યા કરતી, એક એવી આશાએ કે આજે તો તુષાર તેની સાથે પ્રેમથી વાત કરશે, આજે તો તે તેના હાલચાલ પૂછશે, આજે તો તેને એના પ્રત્યે પ્રેમ જાગશે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ માત્ર એક ઈચ્છા બનીને રહી જતું. રોહિણીની આંખમાંથી નીકળતા તેના આંસુઓને તુષારના જોઈ શકતો હતો ના તેના ડૂસકાંને સાંભળી શકતો હતો.
રોહિણી હવે આ બધામાંથી છૂટવા માંગતી હતી, પરંતુ તેની પાસે કોઈ એવો રસ્તો નહોતો કે આ બધામાંથી તે બહાર નીકળી શકે. ના તે પોતાના પિયરમાં આ બાબતે કઈ વાત કરી શકે તેમ હતી, કારણ કે તેના પિયરિયાં સામે તો તુષારનું એક અલગ જ રૂપ દેખાતું હતું. લગ્ન સમયે તુષાર જેવો રોહિણીના પરિવાર સામે આવ્યો હતો, તેમજ આજે પણ દેખાઈ રહ્યો હતો. માટે રોહિણીની વાત ઉપર કોઈ વિશ્વાસ કરી શકે કે નહીં એ જ મોટો પ્રશ્ન હતો.
તેને બહુ હિંમત કરી અને સવારે તુષારના ઓફિસ જતા પહેલા તેના સાસુના હાજરીમાં જ કહ્યું, "હું બે દિવસ મૈત્રીને લઈને મારા પપ્પાના ઘરે જવા માંગુ છું, એક વર્ષ થવા આવ્યું પપ્પાના ઘરે, પપ્પા પણ અવાર નવાર કહ્યા કરે છે તો હું જઈ આવું?"
તુષાર ઓફિસ જવાની ઉતાવળમાં હતો, પહેલા તો તેને તરત ના કહી દેવાનું મન થઇ ગયું, પણ પછી તેને જાતે જ વિચાર્યું કે "બે દિવસ રોહિણી જશે તો શાંતિ, તે બે દિવસ બહાર પણ જઈ શકશે, આમ પણ તે બહાર જવા માટે અને થોડી શાંતિની શોધમાં કેટલાય દિવસથી છું." એટલા માટે તેને જવાની પરવાનગી આપી.
રોહિણીના સાસુનું મોઢું જોવા જેવું થઇ ગયું હતું, પરંતુ તે પણ હવે આ વખતે ના કહી શકે તેમ નહોતા, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેને પિયરમાં જવા માટે ના જ પાડવામાં આવી હતી અને આ વખતે તો તુષારે પણ હા કહ્યું હતું.
ઘણા દિવસો બાદ રોહિણીના ચહેરા ઉપર એક ખુશી આવી, પરંતુ એ ખુશીને જોઈ શકનાર તે પોતે જ હતી. તે પોતાના રૂમ તરફ જવા જતી હતી ત્યારે જ તેના સાસુએ ગુસ્સા સાથે કહ્યું: "જતા પહેલા ઘરના બધા કામ પતાવીને જજે, તારા પિયરમાંથી અહીંયા કોઈ કામ કરવા નહિ આવે."
રોહિણીને એ સમયે "નથી જવું મારે" એમ કહેવાનું મન પણ થયું છતાં આટલા બધા દિવસ બાદ તેને ઘરની બહાર જવા મળતું હોવાના કારણે "સારું"નો જવાબ આપી અને બધા જ કામ પૂર્ણ કરવામાં લાગી ગઈ.
બપોર સુધી તેને ઘરના બધા જ કામ પુરા કરી લીધા. મૈત્રીને પણ તૈયાર કરી અને તેના પપ્પાને ઘરે આવતી હોવાના સમાચાર પણ આપી દીધા. રોહિણી ખુશ હતી. ઘરમાંથી બહાર નીકળતી વખતે પણ તેના સાસુના મોઢા ઉપર તો બાર જ વાગેલા હતા, છતાં આ વખતે રોહિણીએ એ બધાની ચિંતા કર્યા વગર જ પોતાના રસ્તે ચાલવાનું નક્કી કર્યું.
ઘરની બહારથી જ તેને રીક્ષા કરી અને બસ સ્ટેન્ડ પહોંચી. પિયર જવા માટે આમ તો તેને બે કલાકનો જ સમય લાગતો તે છતાં પણ પિયર પહોંચવામાં તેને એક વર્ષ લાગી ગયું. ઘણા સમય બાદ તે આ રીતે એકલી ઘરની બહાર નીકળી હતી. બધું જ તેના માટે એકદમ નવું-નવું લાગી રહ્યું હતું, જાણે કોઈ પંખી પીંજરામાંથી આઝાદ થયું હોય તેવી અનુભૂતિ થઇ રહી હતી.
(રોહિણી આ પરિસ્થતિમાંથી છૂટી શકશે? શું વિશ્વાસ વિશે તે જાણવામાં સફળ રહેશે? પોતાના પિતાના ઘરે જઈને રોહિણી પોતાની તકલીફો વિશે જણાવી શકશે? જાણવામાં માટે વાંચતા રહો "હું પારકી કે પોતાની ?" ભાગ-3.)