Darkhart - the story of sword - 6 in Gujarati Thriller by Heena Pansuriya books and stories PDF | ડાર્કહાર્ટ - the story of sword - 6

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

Categories
Share

ડાર્કહાર્ટ - the story of sword - 6




Part 6

હેન્ડ્રીક જેક, એલેના અને સ્ટીવને લઈને પ્રોફેસર ફ્રેન્ક પાસે જઈ રહ્યો હતો. થોડે આગળ ચાલીને તે એક દિવાલની સામે ઊભો રહ્યો. તેને જોઈને જેક, એલેના અને સ્ટીવ પણ તેની પાછળ ઊભા રહી ગયાં. આજે હેન્ડ્રીકનો ગરમ મિજાજ જોઈને તેને આગળ કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત ત્રણેય માંથી કોઈ ન કરી શક્યું.

હેન્ડ્રીક તે દિવાલ સામે ઊભો રહ્યો અને તેનાં ગળામાં રહેલું લોકેટ હાથમાં પકડીને દિવાલ સામે ધર્યું. તેમ કરતાં જ દિવાલ પર એક બંધ દરવાજો દ્રશ્યમાન થયો. જેક જ્યારથી હેન્ડ્રીકને મળ્યો ત્યારથી જ આવી ન કલ્પના બહારની કે ધારી પણ ન શકાય તેવી ઘણી ઘટનાઓ જોઈ હતી. ધીમે ધીમે તે આ બધી વસ્તુઓને સહજતાથી સ્વીકારવાની કોશિશ કરી રહ્યો હતો. માટે તેને એટલું બધું આશ્ચર્ય ન થયું જેટલું એલેના અને જેકને થયું.

" સપનું છે કે શું..? " દિવાલ પર અચાનક દરવાજો દેખાતાં જેક બોલી પડ્યો.

" આ ગુપ્ત ઓરડો છે. કિંગ આલ્ફ્રેડોની..." હેન્ડ્રીકે કહ્યું અને થોડીવાર રોકાઈને ઉમેર્યું, "...હતી, હવે પ્રોફેસર ફ્રેન્કની છે. " કહીને તેણે દરવાજો ખોલ્યો અને ત્રણેયને ઈશારો કરીને અંદર આવવા કહ્યું. જેક, એલેના અને સ્ટીવે પહેલાં તો એક બીજા તરફ જોયું અને પછી હેન્ડ્રીકની સાથે એ ગુપ્ત ઓરડામાં પ્રવેશ્યાં.

અંદર પ્રવેશતા જેકની નજર સામે ખુરશી પર બેઠેલાં પ્રોફેસર ફ્રેન્ક પર પડી. એલેના અને સ્ટીવે પહેલાં ક્યારેય પ્રોફેસર ફ્રેન્કને જોયાં નહોતાં. પણ તે અંદાજો લગાવી શક્યાં કે તે ખુરશી બેઠેલાં જ પ્રોફેસર હશે. તેની લાકડી તેની ખુરશીની બાજુમાં ટેકવીને રાખેલ હતી. પ્રોફેસર ફ્રેન્ક ટેબલ પર ડાયરી રાખીને તેનાં પર કાંઈક લખી રહ્યાં હતાં. બીજી જ ક્ષણે તેની નજર આખા ઓરડા પર ગઈ. એક ખૂણામાં અનેક દ્રાવણોથી ભરેલી અલગ અલગ પ્રકારની બોટલો ગોઠવાયેલી હતી. અમુક દ્રાવણો પ્રકાશ ફેલાવીને કાચની બોટલને ચમકાવી રહ્યાં હતાં. ઓરડામાં ક્યાંયથી પણ સૂર્ય પ્રકાશ દાખલ થઈ શકે તેમ હતો નહીં. તે દ્રાવણો દ્વારા ઉત્પન્ન થતો પ્રકાશ તેની સામે ઊગાવેલાં નાના નાના છોડવાં પર પડી રહ્યો હતો. અને તે પ્રકાશ થી છોડવાઓ લીલાછમ થઈ ગયાં હતાં, નવાં નવાં પાંદડાઓ ઊગી રહ્યાં હતાં અને તેની વૃધ્ધિ સામાન્ય છોડ કરતાં ઘણી વધારે હતી. સાથે બીજા ઘણાં સાધનો પણ રહેલાં હતાં. તે જોઈને જેકે અંદાજો લગાવ્યો કે કદાચ અહીં કોઈ પ્રયોગો કરવામાં આવતાં હશે. બીજી તરફ પુસ્તકોથી ભરેલું ખાનું હતું. ઓરડાની એકદમ વચ્ચે લાકડાઓ સળગી રહ્યાં હતાં. તેનાથી ઉત્પન્ન થતી ગરમી આખા ઓરડાનું તાપમાન જાળવી રહી હતી. તેનો થોડો થોડો પ્રકાશ સામેની બાજુએ આવેલી દિવાલ પર પડી રહ્યો હતો. ત્યાં અમુક ચિત્રો મુકવામાં આવેલાં હતાં. તેમાં ફક્ત એક ચિત્રને તે ઓળખી શક્યો અને તે હતું કિંગ આલ્ફ્રેડોનું. પણ આ ચિત્રમાં તેની બાજુમાં કોઈ સ્ત્રી પણ હતી. જેક તેની થોડી નજીક આવ્યો અને તે ચિત્રને નીરખીને જોવા લાગ્યો. તેની બાજુમાં બીજા ઘણા વ્યક્તિનાં ચિત્ર હતાં પણ જેકની નજર વારે વારે તે સ્ત્રી પર આવીને જ અટકી જતી.

એલેના અને સ્ટીવ પણ આ નાના અમથા ઓરડાની અજાયબીઓ જોઈ રહ્યાં હતાં. સ્ટીવની નજર બાજુમાં પડી. ત્યાં નાની મોટી અલગ અલગ પ્રકારની અનેક તલવારો ગોઠવેલી હતી. તેની આસપાસથી સતત ધુમાડો નીકળી રહ્યો હતો. સ્ટીવ તેની તરફ બે ડગલાં ચાલ્યો. તે બધી તલવારો જોઈ રહ્યો હતો. તેમાંથી એક તલવાર જેક પાસે રહેલાં લોકેટ જેવાં જ આકારની હતી. સ્ટીવે તેને અડવા હાથ આગળ કર્યો પરંતુ તે હજુ તેની નજીક પહોંચે તે પહેલાં જ કીટીએ ઉછળીને સ્ટીવનાં હાથ પર તરાપ મારી.

" આહહ... " અચાનક કીટીના તરાપ મારવાથી સ્ટીવ ડરી ગયો અને કીટીના નખ સહેજ હાથમાં ખૂંચ્યાં. સ્ટીવનો અવાજ સાંભળી જેકની નજર તે ચિત્ર પરથી હટી અને સ્ટીવ પર પડી. તે ઝડપથી સ્ટીવ પાસે આવ્યો અને સાથે એલેના પણ આવી.

" શું થયું સ્ટીવ? આ.. હાથમાં કેમ કરતાં વાગ્યું? " જેક સ્ટીવનો હાથ પોતાનાં હાથમાં લઈને બોલ્યો. હાથમાંથી થોડું લોહી પણ નીકળી રહ્યું હતું.

" આ.... કીટી... " સ્ટીવે કીટી તરફ ઈશારો કર્યો અને બોલ્યો.

જેક અને એલેનાએ તેની તરફ જોયું. કોઈ આગળ કંઈ બોલે તે પહેલાં પ્રોફેસર ફ્રેન્ક ઊભા થયાં. તે જુદાં જુદાં દ્રાવણોથી ભરેલી કાચની બોટલો પાસે ગયાં. તેમાંથી એક બોટલ લીધી અને સ્ટીવ પાસે આવ્યાં. સ્ટીવની સામે હળવી સ્માઈલ આપી અને હળવેકથી તેનો હાથ, કે જેમાં કીટીને કારણે વાગ્યું હતું તેને પોતાનાં હાથમાં લીધો અને તે બોટલમાં રહેલ પ્રવાહીનાં બે-ત્રણ ટીપાં તે ઘાવ પર પડયાં. સ્ટીવ, જેક અને એલેના ત્રણેય અસમંજસની પરિસ્થિતિમાં મુકાઈ ગયાં. જેવાં તે ટીપાં ઘાવ પર પડ્યાં, એવાં તરત જ તે મટી ગયાં. તે જોઈને ત્રણેયની આંખો પહોળી થઈ ગઈ. થોડીવાર પહેલાં લોહી નીકળી રહ્યું હતું તે આટલું ઝડપથી કઈ રીતે મટી શકે..!!

" અહીં બધું શક્ય છે... " પ્રોફેસર ફ્રેન્ક ફરીથી હળવી મુસ્કાન સાથે બોલ્યાં, જાણે કે તે ત્રણેય મિત્રોના મનની વાત જાણી ગયાં હોઈ.

" પણ... એ કીટી.. કેમ અચાનકથી... " જેક કટકે કટકે બોલ્યો.

જવાબમાં પ્રોફેસર ફ્રેન્ક કાંઈ પણ બોલ્યાં નહીં. તે ફરીથી તે ટેબલ પાસે ગયાં અને ત્યાં પડેલ એક કાગળ લઈને તે તલવારો પાસે આવ્યાં. ત્રણેય મિત્રો તે જોઈ રહ્યાં હતાં. પ્રોફેસર ફ્રેન્કે તે કાગળનો ટુકડો તે તલવારો કે જ્યાંથી સતત ધુમાડો નીકળી રહ્યો હતો તેનાં પર નાખ્યો. જેવો કાગળ તેની પર પડ્યો તેવો તરત જ સળગીને ખાખ થઈ ગયો. સ્ટીવને સમજતાં વાર ન લાગી કે કીટીએ તેનો હાથ બચાવવા તરાપ મારી હતી. જો કદાચ તેણે એવું ના કર્યું હોત તો તે કાગળની જેમ તેનો હાથ પણ સળગી ગયો હોત. તેણે મનોમન હેન્ડ્રીક અને તેની કીટીનો આભાર વ્યક્ત કર્યો.

" આ જે વચ્ચે તલવાર છે ને.. " પ્રોફેસર ફ્રેન્કે તલવાર સામે ઈશારો કરીને કહ્યું, " ...તે કિંગ આલ્ફ્રેડોની છે. "

જેક, સ્ટીવ અને એલેના ત્રણેયે તે તલવાર તરફ નજર ફેરવી. તે એ જ તલવાર હતી જે લોકેટ જેવાં આકારની હતી અને જેને સ્ટીવ અડવા જઈ રહ્યો હતો.

" વાસ્તવમાં આ તલવાર કિંગ આલ્ફ્રેડો પછી જે કિંગ બનશે તેનાં માટે છે. પણ તેનાં ગયાં પછી હજું સુધી તેનું પદ ખાલી છે. " પ્રોફેસર ફ્રેન્ક બોલ્યાં અને પછી જેક તરફ નજર કરીને બોલ્યાં, " પણ કદાચ થોડાં સમયમાં એલસ્ટોનનાં એ પદને સંભાળનાર મળી જશે. "

જેક, સ્ટીવ અને એલેના ત્રણેય સાંભળી રહ્યાં હતાં.

" આ તલવારનો આકાર પણ લોકેટ જેવો જ છે. એવું શા માટે? એ તલવાર પણ આ લોકેટની જેમ જાદુ કરતી? " સ્ટીવ આખરે તેનાં મનમાં ચાલી રહેલ વાત પૂછ્યાં વગર રહી ના શક્યો.

" હા, તે તલવાર એલસ્ટોનની ખાસ નિશાની છે. તે એક સામાન્ય તલવાર જ છે. જે ફક્ત એલસ્ટોનનાં કિંગે નિશાની રૂપે બનાવેલ છે. આ એલસ્ટોનની અસલી અમાનત એક એવી શક્તિશાળી તલવાર છે જે હંમેશા કિંગ આલ્ફ્રેડો માટે, એલસ્ટોનને બચાવવા માટે મદદ કરતી આવી છે, પોતાની શક્તિઓ દ્વારા... " પ્રોફેસર ફ્રેન્ક ભૂતકાળને યાદ કરીને બોલી રહ્યાં હતાં.

" શક્તિશાળી તલવાર? " જેકએ સામો પ્રશ્ન પૂછ્યો.

" હા, તે તલવાર.. ડાર્કહાર્ટ... " પ્રોફેસર ફ્રેન્ક બોલ્યાં.

***

વધુ આવતાં ભાગમાં...

વધુ જાણવા બન્યા રહો.
તમારાં અમુલ્ય પ્રતિભાવોની આશા સહ.. રાધે રાધે..