વહેલી સવારે રિષભની ઊંઘ મોબાઇલની રિંગ સાથે જ ઉડી. મોબાઇલ ઉપાડતા જ રિષભને શુભ સમાચાર મળ્યા. કબીરને લઇ હેમલ અને અભય હેડક્વાર્ટર પહોંચી ગયા હતા તેની જાણ કરવા માટે જ હેમલે ફોન કર્યો હતો. આ સાંભળી રિષભ બોલ્યો “વેલડન બોય્સ. ગુડજોબ. તેની બધી જ લીગલ પ્રોસીઝર પતાવી તમે લોકો ઘરે જઇ ફ્રેસ થઇ જાવ. ત્યાં સુધીમાં હું પણ સ્ટેશન પર આવી જાવ છું.”
સવાર સવારમાં સારા સમાચાર મળતા રિષભ ઉત્સાહમાં આવી ગયો. જો કે રાત્રે જ હેમલે ફોન કરી મુંબઇથી નીકળતી વખતે જાણ કરી દીધી. પણ રિષભને હતુ કે તે સુરત પહોંચશે ત્યાં સુધીમાં કોઇ પોલીટીકલ પ્રેશર આવશે. પણ એવુ કશુ બન્યુ નહોતુ અને કબીર સુરત પહોંચી ગયો હતો એટલે રિષભને રાહત થઇ ગઇ હતી. કબીર કોઇ સામાન્ય માણસ નહોતો આઇ.ટી ઇન્ડસ્ટ્રીઝમાં કબીર એક સફળ બીઝનેસ મેન હતો. નાની ઉંમરે તેણે જે રીતે સફળતા મેળવી હતી તે કાબીલે દાદ હતી. ઘણીવાર ટીવી પર તેના ઇન્ટરવ્યુ આવતા હતા. આટલો સફળ અને પૈસાદાર માણસ શિવાની જેવી પરણેલી સ્ત્રી સાથે શુ કામ લગ્ન કરવા માંગતો હશે? તેના જેવા બિઝનેસમેન તો જે ધારે તે છોકરી મેળવી શકે તો પછી કબીર શિવાની સાથે શુ કામ? આ પ્રશ્ન રિષભને આ પહેલા પણ ઘણીવાર થયો હતો. આજે આવા ઘણા સવાલના જવાબ મેળવવા માટે તેણે મહેનત કરવાની હતી. કબીર કોઇ પણ જાતનો વિરોધ કર્યા વિના પોલીસ સાથે આવ્યો આ વાત પણ એક કોયડા સમાન હતી. શું કામ તેણે તેના કોન્ટેક્સનો ઉપયોગ ના કર્યો? આવા ઘણા સવાલ રિષભના મનમાં ઉઠતા રહ્યા. તે આ વિચારોમાં જ નિત્યકર્મ પતાવીને ઓફિસ જવા તૈયાર થઇ ગયો. રિષભે ઉમરા પોલીસ સ્ટેશન પર પહોંચી પહેલુ કામ કમિશ્નરને કોલ કરી જાણ કરવાનુ કહ્યું. રિષભ જાણતો હતો કે તેણે જે બે વ્યક્તિને અટકાયતમાં લીધી છે તે ખૂબ ઉંચી પહોંચ ધરાવે છે. એટલે જ તે દરેક પગલે કમિશ્નરને ઇન્વોલ્વ કરતો જતો હતો. કેમકે રિષભ જાણતો હતો કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સારા કામનો જસ મોટા અધીકારીને મળે છે અને ખરાબ કામમાં બલી નાના અધીકારીઓની ચડે છે. એટલે તે પોતાની સાઇડ સેફ કરી લેતો હતો. તે કમિશ્નર શક્શેના સપોર્ટથી ખુશ હતો પણ તે એ પણ જાણતો હતો કે આ કમિશ્નર એકદમ ખંધો માણસ છે. રિષભે કમિશ્નરને બધી વાત કરી ફોન મૂક્યો ત્યાં પી.આઇ વસાવા ઓફિસમાં દાખલ થયા અને બોલ્યાં “સર, પેલા કબીરનુ શુ કરવાનું છે?”
તેને હેમલ અને અભય આવે પછી પૂછપરછ માટે લાવવાનો છે. હમણા તમે એક કામ કરજો કે બહાર કોઇને પણ એવો ખ્યાલ ન આવવો જોઇએ કે આપણે શિવાની અને કબીરની અટકાયત કરી છે. આ સાંભળી વસાવા ઊભા થતા બોલ્યો “નો પ્રોબ્લેમ સર, એ હું સંભાળી લઇશ.” ત્યારબાદ વસાવા ત્યાંથી જતા રહ્યાં.
અડધા કલાક પછી હેમલ આવ્યો એટલે રિષભે કહ્યું “ઓકે ચાલ કબીરને ઇન્ટરોગેશન રુમમાં લઇલે.”
રિષભ પહોચ્યો ત્યારે કબીર એક ખુરશી પર બેઠો હતો તેની સામે એક ટેબલ પડેલુ હતુ. આ ટેબલની બીજી બાજુ બે ખુરશી પડી હતી. ટેબલની એકદમ ઉપર એક બલ્બ લટકતો હતો. આખા રુમમા એકદમ સન્નાટો હતો. કબીરની સામે જ હેમલ ઊભો હતો. રિષભ રુમમાં દાખલ થયો અને સામે પડેલી એક ખુરશી પર બેઠો અને હેમલને પણ બીજી ખુરશી પર બેસવાનો ઇશારો કર્યો. રિષભે કબીર સામે જોયુ અને બોલ્યો “હેલ્લો મિસ્ટર કબીર.”
રિષભે પહેલી જ નજરમાં કબીરનુ નિરીક્ષણ કરી લીધુ. લંબગોળ ચહેરો અને ચહેરા પર આછી આછી એકદમ સેટ કરેલ ડાઢી, બ્રાઉન કલરની આંખો. આંખો જોતા જ સમજાઇ જાય કે આ આંખ પાછળ એકદમ શાતિર દિમાગ છે. ચહેરા પરથી જ એક પાવર ફુલ માણસ હોવાની સાબિતી મળી જતી હતી. આ જગ્યાએ પણ તે એકદમ આરામથી બેઠો હતો. તેના ચહેરા પર કોઇ જાતના ડર કે મુશ્કેલીના ચિહ્નો નહોતા. તેના દિમાગની શાંતિ તેના ચહેરા પર દેખાતી હતી. રિષભને તેનુ અવલોકન કરતા સમજાઇ ગયુ કે આ માણસ સાથે કામ પાર પાડવુ એટલુ સહેલુ નહી હોય. રિષભે વાતની શરુઆત કરતા કહ્યું “સોરી અમારે તમને આ રીતે અહીં લાવવા પડ્યા.”
“ઇટસ ઓકે ઓફિસર, એવી કોઇ ખોટી ફોર્માલીટીની જરુર નથી. તમે મને વધુ સમય અહી નહી રાખી શકો એટલે તમારે જે કામ હોય તે પુરુ કરી લો.” એકદમ ઠંડા મગજથી બોલાયેલા કબીરના શબ્દોમાં રિષભને ખુલ્લી ચેલેન્જ હતી.
“કોઇ વાંધો નહી. અમારા માટે એટલો સમય પૂરતો હશે. અને આ અમે અમારા માટે નહી પણ તમારા માટે કરીએ છીએ.” રિષભે પણ સામે એકદમ ઠંડકથી કહ્યું.
“ઓફિસર તમે ખોટી પહેલીઓ કરવાનુ રહેવા દો અને સિધા મુદ્દા પર આવો.” કબીર તોછડાઇથી કહ્યું.
“ઓકે, તો મિસ્ટર કબીર મુદ્દાની વાત એ છે કે તમારા બે મિત્રો વિકાસ અને દર્શનમાંથી એકનું અપહરણ થઇ ગયુ છે અને બીજાનું ખૂન થઇ ગયુ છે. એવુ તો શુ છે કે તમારા બંને મિત્રો સાથે આવુ થયું.”
રિષભે પૂછપરછની શરુઆત કરતા કહ્યું.
આ સાંભળી કબીરના ચહેરા પર ખંધુ સ્મિત આવી ગયુ અને તે બોલ્યો “ એ શોધવાનુ તો તમારુ કામ છે? આ પ્રશ્ન મારે તમને પૂછવાનો હોય.”
કબીરની એકદમ ઉપહાસથી વાત કરવાની રીત જોઇ રિષભને ગુસ્સો આવ્યો અને તે બોલ્યો “હા હું પણ એ જ કહું છું કે તમારે અમારી પાસે સામેથી આવવાનુ હતુ તેના બદલે અમારે તમને લેવા માટે છે ક મુંબઇ ધકો ખાવો પડ્યો. તમારે આ વિશે કંઇ કહેવાનુ છે?”
આ સાંભળી કબીર થોડો ઢીલો પડ્યો અને બોલ્યો “ હું તેના ઘરના સભ્યોને મળ્યો હતો.”
આ તકનો લાભ લઇ રિષભે સીધો ફ્ટકો મારતા કહ્યું “ઘરના સભ્યો નહીં તમે માત્ર શિવાનીને જ મળ્યા હતા. અને એ પણ દર્શનનું ખૂન થયુ તે રાત્રે જ.”
આ સાંભળી કબીર ચોંકી ગયો પણ તરત જ તેણે હાવભાવ બદલીને કહ્યું “હા તો તેમા કોઇ ગુનો છે?”
“ના કોઇ ગુનો નથી પણ અમને એ જાણવામાં રસ છે કે એવુ શુ કામ હતુ કે શિવાની તમને મળવા એકલી હોટલમાં આવી હતી?” રિષભે ધીમે ધીમે ફસાવવાનું ચાલુ કર્યુ.
“એ મારી પર્સનલ મેટર છે.” કબીરના ચહેરા પર હવે થોડો ફેરફાર થયો હતો. આ જોઇ રિષભે આગળ કહ્યું “જ્યારે મિત્રનુ ખૂન થયુ ત્યારે તમે તેની પત્ની સાથે હોટલમાં હતા. એટલે હવે સીધી રીતે બોલો કે તમે શિવાનીને મળવા શું કામ ગયા હતા?” રિષભે થોડા કડક અવાજમાં કહ્યું.
“હા, હું શિવાનીને મળવા ગયો હતો. પણ તેને આ ખૂન સાથે શુ લેવાદેવા છે?” કબીર હવે ગુસ્સામા દલીલ કરતો હતો.
“ તમે માત્ર જવાબ આપો શુ લેવાદેવા છે એ અમે નક્કી કરી લઇશું?” રિષભે એકદમ સપાટ સ્વરે કહ્યું.
“હા, શિવાની મને હોટલમાં મળવા આવી હતી. હું અને શિવાની એકબીજાને પસંદ કરતા હતા.” કબીરે કબૂલાત કરતા કહ્યું.
“તમે અને શિવાની લગ્ન કરવાના હતા અને તે માટે તમે તેને દર્શન સાથે ડીવોર્સ લેવડાવવાના હતા બરાબરને?” આ સાંભળી કબીર ચોંકી ગયો પણ તરત જ બોલ્યો “ તો એમાં શુ ગુનો છે?”
“ગુનો એ નથી પણ ગુનો એ છે કે દર્શને શિવાનીને ડીવોર્સ આપવાની ના પાડી તો તમે તેનુ ખૂન કરી નાખ્યુ.” રિષભે કબીરની નાક દબાવ્યુ હવે કબીરને મોઢુ ખોલ્યા વિના છુટકો નહોતો.
“ઓફિસર તમે મને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમને એમ લાગતુ હોય કે હું ગભરાઇને પૈસા આપી દઇશ. પણ તમે મને ઓળખતા નથી હું તમને સસ્પેન્ડ કરાવી નાખીશ.” કબીર એકદમ ગુસ્સાથી બોલતો હતો.
“મારી વાત જવા દો. અત્યારે તો તમારી વાત કરો. મારી પાસે એટલા પૂરાવા છે કે હું ધારુ તો તમને આ કેસમાં ફસાવી શકુ એમ છું. કેમકે મને ખબર છે કે જે રાત્રે દર્શનનું ખૂન થયુ હતુ તે રાત્રે તમે દર્શનના ફાર્મહાઉસ પર ગયા હતા. મારી પાસે તેના સબૂત છે.” રિષભે છેલ્લો ઘા મારી કબીરની હિંમત ધરાશય કરી નાખી. આ વાત પોલીસને કેમ ખબર પડી તે કબીરને સમજાતુ નહોતુ. હવે કબીર પાસે શરણાગતી સિવાય કોઇ છુટકો નહોતો આમ છતા કબીર આટલી આસાનીથી હાર માને એમ નહોતો.
“ઓફિસર તમે ખોટું બોલો છો? હું દર્શનના ફાર્મ હાઉસ પર ગયો જ નથી.” કબીરે છેલ્લો પ્રયાસ કર્યો.
આ સાંભળી રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે બોલ્યો “મિ. કબીર તમે ખોટો પ્રયાસ કરી રહ્યા છો. અમારી પાસે તે રાત્રે તમે સુરત છોડ્યુ ત્યાં સુધીની બધી જ વિગત પૂરાવા સાથે છે. શિવાનીએ તમારી બધી જ માહિતી અમને આપી દીધી છે. હવે તમે સીધી રીતે બધુ બોલવા માંડો નહીતર આડી રીત તમે સહન નહી કરી શકો.” રિષભે ધમકી આપતા કહ્યું.
શિવાનીનુ નામ આવતા જ કબીરને સમજાઇ ગયુ કે આ ઓફિસર પાસે પૂરતા સબૂત છે એટલે તે બોલ્યો “ઓકે, ઓફિસર મારે તમારી સાથે એકાંતમાં થોડી વાત કરવી છે.”
આ સાંભળી રિષભે હેમલ સામે જોયુ એટલે હેમલ ઊભો થઇને બહાર જતો હતો ત્યાં રિષભે કહ્યું “હેમલ અમારા માટે બે કૉફી મોકલાવજે.”
“ઓકે સર.” હેમલે કહ્યું અને બહાર જતો રહ્યો.
હેમલ જતા જ રિષભે કબીરને કહ્યું “હા બોલો શું કહેવા માગો છો?”
આ સાંભળી કબીર થોડો રોકાયો અને બોલ્યો “ઓફિસર આ કેસમાંથી મને બચાવી લો. તમે જે રકમ કહેશો તે જે જગ્યાએ કહેશો ત્યાં મળી જશે.” આ સાંભળી રિષભ હસી પડ્યો અને બોલ્યો “મિસ્ટર કબીર તમે ઓફર તો બરાબર જ કરી છે પણ માણસ ખોટો પસંદ કર્યો છે. કદાચ તમે મને ઓળખતા નથી કેમકે જો તમે મારા વિશે જાણતા હોત તો આ ઓફર તમે ના કરી હોત.”
રિષભની વાત સાંભળી કબીર પણ હસી પડ્યો અને બોલ્યો “ઓહ કમઓન ઓફિસર. આ પોલીસની નોકરીમાં આખી જીંદગીમાં જેટલુ કમાશો તેના કરતા અનેક ગણુ હું આપી શકુ એમ છું. પ્લીઝ તમે મને આ કેસમાંથી બહાર કાઢી લો.” આ સાંભળી રિષભ બોલ્યો “તમે મને સમજતા જ નથી. હું તમને આ કેસમાંથી બચાવવા માટે જ મહેનત કરી રહ્યો છું. તમને ફસાવવા માટે તો મારી પાસે પૂરતા સબુત છે. જો તમે ગુનો કર્યો છે તો તમને કોઇ બચાવી શકશે નહી પણ, જો તમે ગુનો નથી કર્યો તો તમે બધી વાત કહો હું તમને બચાવવા માટે મહેનત કરીશ. હવે નક્કી તમારે કરવાનું છે.” રિષભની એકદમ ઠંડા કલેજે કહેવાયેલી વાત સાંભળી કબીર ધ્રુજી ગયો. કબીરને સમજાઇ ગયુ હતુ કે આ ઓફિસર કંઇક અલગ મિજાજનો છે. તેણે તો આવા ઓફિસર માત્ર ફિલ્મમાં જ જોયા હતા. રિયલ લાઇફમાં તો પૈસા ફેંકી તેણે ઘણા ઓફિસરને ખરીદ્યા હતા. કબીર હજુ કંઇ આગળ કહેવા જાય તે પહેલા અભય અને હેમલ ઝડપથી રુમમાં દાખલ થયા અને રિષભ પાસે આવીને બોલ્યા “સર, તમે બે મિનિટ બહાર આવશો? થોડુ અરજન્ટ કામ છે.” કબીરનું મોઢુ ખુલે એમ જ હતુ ત્યારે આ વિક્ષેપ રિષભને ગમ્યો નહી પણ રિષભ જાણતો હતો કે કોઇ ખૂબ અગત્યની બાબત હશે તો જ હેમલ અને અભય આ રીતે મિટીંગ અડધી છોડીને આવવાનુ કહેતા હશે. રિષભ ઊભો થયો અને રુમની બહાર નીકળ્યો એટલે અભયે કહ્યું “સર, અત્યારે આપણા કેસ પર બ્રેકીંગ ન્યુઝ આવી રહ્યા છે.” આ સાંભળી રિષભે ઓફિસમાં જઇ ટીવી ચાલુ કર્યુ અને ન્યુઝ જોયા એ સાથે જ તેના મોઢામાંથી ગાળ નીકળી ગઇ.
----------***********------------**********---------------********-------------
મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.
મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.
--------------------*****************------------***************--------------------------
HIREN K BHATT
MOBILE NO:-9426429160
EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM