અહી કેટલાક પ્રેમ કાવ્યો ગઝલ - કવિતા રૂપે રજૂ કરું છું.
આશા રાખું છુ કે...
મારી મૌલિક રચનાં આપને પસંદ આવશે.
આભાર
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
સાગરનો પ્ર્રેમ
વાત આવે જો પ્રેમની તો
દરેકના હૈયા હરખાય છે.
માનવ દિલ તો કરે જ પ્રેમ
પ્રકૃતિને પણ પ્રેમ થાય છે.
આડુ અવળુ સીધુ સવળું
જેમ ફાવે તેમ જાય છે.
મન એનું મારતું ઉછાળા
જ્યારે સાગરને પ્રેમ થાય છે.
વાટ નિરખતું કિનારે કોણ?
મળવા આવે અને જાય છે..
આ બધી દોડાદોડીમાં જ
તો ભરતી-ઓટ સર્જાય છે.
અવિરત ચાલતી મુસાફરીનો
એના વદને થાક વરતાય છે
છતાં કિનારે પહોંચીને એ
મનમાં ને મનમાં હરખાય છે.
અવર જવર હંફાવે એને
અને મોઢે ફીણા થાય છે.
ખાલી અમથા મોજા ક્યાં
એ તો હૈયે હેત ઊભરાય છે.
ઉતારવાને થાક સઘળો
થોડી જ વાર લંબાય છે.
પ્રિયતમ નો ખોળો સમજી
એ રેતી પર પથરાય છે.
થોડી જ ક્ષણોનું મિલન
અને ફરી જુદા થાય છે.
વળી મળવાના વાયદા સાથે
હસતા મુખે રજા મંગાય છે.
પૂછે કોઈ જો અર્થ એનો
આ પ્રેમ કોને કહેવાય છે?
પ્રેમની તો વ્યાખ્યા ઘણી ' અંજુ '
આવી રીતે પણ પ્રેમ થાય છે.
- વેગડા અંજના એ.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
લોકો શું કહેશે?
ક્ષણે ક્ષણે વિચારું છું કે લોકો શું કહેશે?
મનને માંડ મનાવું છું કે લોકો શું કહેશે?
સ્નેહથી ઝંખતું એક રણ ભીતર મારી
બહાર કાંઇક બતાવું છું લોકો શું કહેશે?
જાતને મારી છેતરાવું છું કે લોકો શું કહેશે?
ખુદને હું સમજાવું છું કે લોકો શું કહેશે?
તરસે છે નયન ચહેરો એમનો નીરખવા
નજર નીચે નમાવું છું કે લોકો શું કહેશે?
ઊર્મિઓને અટકાવું છું કે લોકો શું કહેશે?
મૂંઝવણમાં મૂકાઉં છું કે લોકો શું કહેશે?
હસીને સામે આવે છે પ્રેમ છે બતાવે છે
પણ હું ક્યાં જણાવું છું કે લોકો શું કહેશે?
ભીતર ભીતર મુંજાઉં છું કે લોકો શું કહેશે?
હૃદયને રોજ રીઝાવું છું કે લોકો શું કહેશે?
સાવ એવું નથી કે હ્રદય નથી કાયા મહી
બસ મને મન જતાવું છું કે લોકો શું કહેશે?
લાગણી મારી છુપાવું છું કે લોકો શું કહેશે?
અંતરની ઇચ્છા દબાવું છું કે લોકો શું કહેશે?
તૈયાર છે એતો પ્રાણ ન્યોછાવર કરવા ' અંજુ '
એ તો હું જ પ્રેમ ઠુકરાવું છું કે લોકો શું કહેશે?
- વેગડા અંજના એ.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
બાહેંધરી
દિલ નો કાગળ પ્રેમ ની કલમ
સાથે એક બાહેંધરી આપું છું.
સઘળી મિલકત હૃદય તણી
બસ તારા નામે કરી આપું છું.
થોડા ફૂલો શું આખું ચમન
પ્રાણ પણ પાથરી આપું છું.
તસ્વીર મારા ધબકાર તણી
તુજ શ્વાસમાં ચિતરી આપું છું.
આ જન્મ ને આવતો જન્મ
સમક્ષ તારી ધરી આપું છું.
અમૂલ્ય ક્ષણો જીવનની તણી
હિસાબે હિસાબ ગણી આપું છું.
વારંવાર લીધી છે મેં કસમ
વિશ્વાસ એ જ ફરી આપું છું.
મુજ પર તારા અધિકાર તણી
અંગૂઠા સાથે સહી આપું છું.
- વેગડા અંજના એ.
હું શું કરું?
સમણે મઢેલી રાતમાં
હાથ લઈ એનો હાથમાં
લહેરથી ફરતાં ફરતાં
એ જ સામે મળે તો હું શું કરું?
એની મીઠી વાતોમાં
આંખ પરોવી આંખમાં
એકીટશે જોતાં જોતાં
એ ઈશારો કરે તો હું શું કરું?
એને લઈને સાથમાં
નીકળું જો હું વાટ માં
રસ્તે ચાલતાં ચાલતાં
એ જ નજરે ચડે તો હું શું કરું?
જીવું છું હું ભ્રમમાં
ખાલી ખોટા વ્હેમમાં
એમ જ અમથા અમથા
પ્રણય અમારો ફળે તો હું શું કરું?
- વેગડા અંજના એ.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ઉપરોક્ત પ્રેમ કાવ્યો વાંચવા બદલ આભાર વ્યક્ત કરું છું. આપને આ મારી રચનાં કેવી લાગી પ્રતિભાવ જરૂરથી આપશો.
સહકારની અપેક્ષાસહ
વેગડા અંજના એ.