Strange story Priyani ... - 7 in Gujarati Fiction Stories by Parul books and stories PDF | અજીબ કહાની પ્રિયાની... - 7

The Author
Featured Books
Categories
Share

અજીબ કહાની પ્રિયાની... - 7

કમલેશભાઈ અને માયાભાભીનાં બહાર ગયાં પછી સુશીલને પ્રિયા સાથે વાત કરવાની સરખી છૂટ મળી ગઈ હોય એવું લાગ્યું. એણે પોતાનું ગળું જરા ખંખેર્યું. સ્વસ્થ થયો. વાત કરવાની શરૂઆત કરી...

"બ્યૂટીફૂલ."

"હં"

"યો..ર..ડ્રેસ ઈઝ સો બ્યૂટીફૂલ."

"થેન્ક યૂ." પ્રિયા જરા શરમાતા બોલી.

"તમારાં શોખ વિશે જણાવો."

"મને વાંચવાનો, સંગીત સાંભળવાનો ઘણો શોખ છે."

"ઓહ...અચ્છા..."

"ને તમારાં શોખ?" પ્રિયાએ પૂછ્યું.

"વેલ....મ્યૂઝિક સાંભળવાનો શોખ તો મને પણ છે. ઉપરાંત મને પેન્ટિંગ કરવાનો પણ શોખ છે."

"અચ્છા.." પ્રિયા માથું હલાવતી બોલી.

"તમારી પસંદ, નાપસંદ વિશે પણ મને સાંભળવાનું ગમશે." સુશીલ બોલ્યો.

પ્રિયાએ પોતાની પસંદ વિશે કહ્યું પછી નાપસંદ વિશે બોલવા લાગી.
"મને રસોઈ કરવી પસંદ છે, મને ભણવાનું પસંદ છે, સ્વચ્છતા પસંદ છે, વગેરે, વગેરે. નાપસંદગીમાં એણે કહ્યું કે એને વધારે ભપકો પસંદ નથી, ખોટું બોલવું પસંદ નથી, વગેરે, વગેરે. એની સામે જોઈને સાંભળી રહ્યો હતો. છેલ્લે એણે પૂછ્યું, "અને હું?"

"શું?" ચમકીને પ્રિયાએ સામે પૂછ્યું.

"એ જ કે હું તમારી પસંદ છું કે નાપસંદ?"

"પસંદ..." પ્રિયાએ શરમાઈને જવાબ આપ્યો.

આ જવાબ સાંભળી સુશીલ ખુશ થઈ ગયો. એણે પ્રિયાને પણ કીધું કે , "મને પણ તું ઘણી પસંદ આવી ગઈ છે. તું ઘણી જ સુંદર છે. તારાં વિચારો ઉત્તમ છે. સ્વભાવ સરળ છે. વાતોમાં સાદગી છે. "

પોતાના વિશે આટલું બધું સાંભળી પ્રિયા મનોમન ઘણી જ હરખાય રહી હતી. મોઢાં પર શરમ અને હાસ્ય બંને ભાવ એકસાથે છલકતાં હતાં.

થોડીક જ વારમાં બંને એકબીજાં સાથે એવી રીતે વાતો કરવા લાગ્યાં હતાં કે જાણે વર્ષોથી એકબીજા સાથે પરિચિત હોય. સુશીલ એને પોતાની જિંદગીનાં એવાં રમૂજ કિસ્સાઓ સંભળાવી રહ્યો હતો જે સાંભળી પ્રિયા વારે -વારે હસી રહી હતી.

"એવું તો સુશીલકુમાર શું કહી રહ્યાં છે કે પ્રિયાને આટલું બધું હસવું આવી રહ્યું છે." બહારથી અંદર આવતાં આવતાં કમલેશે કહ્યું.

"ઓહ! આવી ગયાં તમે?" કમલેશ અને માયાની સામે જોઈ સુશીલ બોલ્યો.

"હા.., જરા જલ્દી આવી ગયાં, એવું લાગે છે નઈ?" કમલેશ સોફા પર બેસતાં - બેસતાં બોલ્યો.

"શું તમે પણ. મજાક કરો છો, સુશીલકુમાર સાથે." એવું બોલી માયા થેલી સાથે અંદર કિચનમાં ગઈ. પ્રિયા પણ ઉભી થઈ એની પાછળ અંદર કિચનમાં ગઈ.

માયાએ અંદર જઈ કમલેશ સામે જમવા બેસી જવા માટે ઈશારો કર્યો. કમલેશે હાથ દેખાડી માથું હલાવ્યું.

"ચાલો આપણે જમવા બેસી જઈએ." કમલેશે સુશીલને કીધું.

"હા..હા.." વિનમ્રતાથી સુશીલ બોલ્યો.

હાથ ધોઈ બંને જમવા માટે બેસી ગયાં. પ્રિયા અને માયાએ જમવાનું ટેબલ પર લાવી મૂકી દીધું. પ્રિયા અંદર ફૂલકા રોટલી બનાવવા લાગી અને માયાએ આ લોકોની થાળી પીરસવાનું શરૂ કર્યું. થાળીમાં બે જાતનાં શાક એક સુકૂં ભીંડાનું, બીજું રસાવાળું વટાણા - બટેટાનું, રસ - ગુલ્લા, ખમણ, પાતરા, સલાડ, ચટણી, અથાણું વગેરે પીરસાઈ ગયું. પ્રિયા ગરમ - ગરમ ફૂલકા રોટલી આપી ગઈ.

"આટલી બધી ધમાલ કરવાની જરૂરત ન હતી. કંઈપણ સાદું બનાવી લીધું હોત." સુશીલે થાળી જોઈને કીધું.

"વધારે ધમાલ કરી જ નથી. રસ -ગુલ્લા ને ખમણ બહારથી લાવ્યાં છે ને બીજું બધું સાદું જ તો બનાવ્યું છે. " માયા ફૂલકા રોટલી મૂકતાં - મૂકતાં બોલી.

"વાહ માયાભાભી, જમવાનું બહુ જ સરસ બનાવ્યું છે." ખાતાં - ખાતાં સુશીલ બોલ્યો.

"આજે જમવાનું પ્રિયાબેને ખાસ તમારાં માટે બનાવ્યું છે." જરા હસીને માયાભાભી બોલ્યા.

"ખૂબ જ ટેસ્ટી છે." સુશીલે ઉમેર્યુ.

થોડીક રોટલી ખાઈ લીધાં પછી સુશીલ બોલ્યો, "બસ હવે."

"શું બસ હવે. હજી તો દાળ - ભાત ખાવાના બાકી છે." કમલેશ બોલ્યો.

માયાએ થાળીમાં દાળ - ભાત પીરસ્યા.

"બસ, બસ, ભાભી થોડાંક જ મૂકો."

"હા" માયાભાભીએ કીધું.

દાળ - ભાતનો કોળિયો મોઢાંમાં મૂકતાં જ સુશીલનાં મોઢાંમાંથી નીકળી ગયું, "આહા...,લાજવાબ દાળનો સ્વાદ છે."

સુશીલ અને કમલેશે જમી લીધું એટલે એ લોકો સોફા પર આવી બેઠાં. આડી - અવળી વાતોએ વળગ્યા. માયા અને પ્રિયા જમવા બેઠાં. જમી લીધાં પછી વાસણ અને કિચનનું કામ પતાવી એ લોકો પણ હૉલમાં આવી બેઠાં. થોડીક વાતો કરી. અચાનક સુશીલ ઉભો થયો.

"ચાલો હવે હું રજા લઉં છું. અહીં આવી ઘણો જ આનંદ થયો. તમારી સાથે વાતો કરવાની ઘણી જ મજા આવી. પ્રેમથી મને જમાડ્યો એ બદલ આભાર." બે હાથ જોડી વિવેકથી બોલ્યો.

"અરે , આમાં આભાર માનવાનો ના હોય સુશીલકુમાર. તમે આવ્યા એ અમને ઘણું ગમ્યું. " સુશીલનાં હાથમાં એક ગિફ્ટ આપતાં કમલેશ બોલ્યો.

સુશીલે પહેલાં તો ગિફ્ટ લેવાની ના પાડી. પણ પછી કમલેશભાઈ અને માયાભાભીનાં અતિ આગ્રહને કારણે સ્વીકારી લીધી. ને બધાને "આવજો " કરી જતો રહ્યો.

(ક્રમશ:)