શબ્દોને તોડું મરોડું છતાં નામ તારું જ હૈયે સદા,
કનૈયા..! કેમ કરી ભૂલું તને, રાખું મુજ હૈયે સદા.
એક તારી ધૂનમાં ભૂલી બેઠી હું ભાન,
ના કશી ચિંતા મને, છો ને આવે વિપદા.
નથી જોઈતી કોઈ ધનદોલત મને અહીં,
પરિવાર તણી તારી સોગાત જ ખરી સંપદા.
નથી જોઈ કોઈ સરહદ તારા પ્રેમની,
તુજ પ્રીત સામે કરી રહી હું સજદા.
મક્કમ બની હું પથ્થરો કાપી ઝરણું બનું,
દુઃખોને કહી દીધું છે ભલે થજો સાબદા.
મઝધાર ભલે ને હો, ' રાહી ' તુફાનોથી કેમ ડરે..?
કિનારો મળી જશે ને તુફાન ભાંગી પડશે બધા.
- પરમાર રોહિણી " રાહી "
==================================================
જિંદગી શું છે એ મને નથી ખબર,
બસ જાણે જન્મથી મૃત્યુ સુધીની સફર.
ક્યારેક પ્રેમ તો ક્યારેક મળશે ઘૃણા અહીં,
પણ એક યત્ન હશે કે ન ભૂલાય કદી ડગર.
ખરે જ ઘણાં ખેલ છે આ દુનિયાના તો,
શું હોય હકીકત ને બતાવે શું નજર..!
' રાહી ' ચાલ્યા કરજે રોકાયા વગર,
કારણ અહીં મળે નહીં કોઈ હમસફર.
પ્રેમના તાંતણે બંધાયેલાને તોડે છે નફરત,
જે વિખાય છે એને મન શું જિંદગી ને કબર.
- પરમાર રોહિણી " રાહી
==================================================
લાગતા તો લાગી જ જશે ને મનડું,
શું ખબર કોણ હશે એ ચિત્તચોર.
સ્થિર સ્થિતિ ને હતો એક સન્નાટો,
ખબર નહિ કયું પંખી કરી ગયું કલશોર.
મૃત્યુ સુધી સાથે જીવવાનું હતું વચન,
ને ચકોરી પાસેથી કાળીરાત હરી ગઈ ચકોર.
ઘણાં ઘૂંટાયા શબ્દો છતાં રહ્યા મૌન,
ને અસહનીય લાગે એ મૌનનો શોર.
યાદની વર્ષાનું ઝાપટું ઉમટ્યું, ને
હીબકે હીબકે ટહુકી રહ્યો આ મોર.
યાદોના વમળમાંથી છૂટી ' રાહી ', ને
ફરી ફરી વળ્યું ઝાકળ બની અંધારું ઘનઘોર.
- પરમાર રોહિણી " રાહી "
==================================================
ફૂલ મૂરઝાય ત્યાં લગી એ ફૂલ પર ભ્રમર ગણગણે
કોણ જાણે એ ફૂલ જીવન છે, ને કોણ ભ્રમર ને મૃત્યુ જાણે.
જિંદગી અને મોતના સફરમાં ઘણાં ગમગીન ફર્યા હશે,
જીવી તો એ જાણે જે જીવન ઉત્સવ સમું માણે.
તૂફનોથી ડરીને સફર તો કાયર અધૂરી મૂકે,
ખરો લડવૈયો એ જે હલ સાથે મુસીબત આણે.
' રાહી ' રાહબર તો જાણીતાં મળશે સફરે,
પણ મંજિલ સુધીનો હમરાહ મળે અજાણે.
આ તો થઈ કથા જન્મથી મરણની સફરની,
જીવનના ફૂલને મૃત્યુના ભંવરથી બચાવ્યું છે કોણે?
- પરમાર રોહિણી " રાહી "
==================================================
આંખો ઉઘડી તો ખબર પડી કે એ સમણું હતું,
જેવું હતું તેવું, આ હકીકતથી તો બમણું હતું.
ગુસ્સામાં રાતી એ આંખોમાં દર્દનું એક આંસુ,
ને છતાં રડતી મુસ્કાનમાં મુખડું લમણું હતું.
જડ એવી શિલાઓની તો હારમાળા હતી ત્યાં,
પણ એમાં એક મલકાતું ફૂલ નાજુક નમણું હતું.
ખબર નહિ ક્યાં પહોંચી હતી દિશાહીન ' રાહી ',
અંધારપટમાં તો માત્ર બે બાજુ, ડાબું ને જમણું હતું.
એક તરફ દર્દ તો બીજી બાજુ મુસ્કાન, ને
ક્યાંક અંધિયારામાં સમણું ને બસ સમણું હતું.
- પરમાર રોહિણી " રાહી "
=================================================
અધરની મુસ્કાન જરૂરી છે હર હૈયા હસાવવા,
કાફી છે એક મૌન અસંખ્ય આંખોને રડાવવા.
સર્જન તો કરતા કરી નાખ્યું એ પ્રેમકવિતાનું,
પણ એનું વિસર્જન કર્યું છે જીવી બતાવવા.
આ હાથની ક્ષમતા નહીં પૂછો તો ચાલશે સાહેબ,
કારણ, એટલું સામર્થ્ય ધરી રાખ્યું છે સાગર સમાવવા.
આ દુનિયામાં ઘણા સ્વાર્થના સંબંધો બન્યા હશે,
પણ હું તો જીવું છું નિઃસ્વાર્થ સાથ નિભાવવા.
આ જન્મથી મૃત્યુની યાત્રા કંઈ નાનો સફર તો નથી,
દરેક 'રાહી' ને રાહબર જરૂરી છે જીવન વિતાવવા.
- પરમાર રોહિણી " રાહી "
==================================================
આ દુનિયાનો ખેલ છે, ધ્યાનથી નિહારજે,
ઘણાં ધિક્કારશે તને, પણ તું સ્વીકારજે.
ક્યારેક પોતાના પારકા ને પારકા પોતાના થશે,
બધા સગપણ સ્થિર નથી, આત્માથી વિચારજે.
આફતો તો આપણને શોધીને ઘેરી વળશે,
પણ હર સંકટમાં ખુદને અડગ બનાવજે.
અરે..! કહેવું શું એ રૂપના નજારાઓ વિશે,
બસ માત્ર પ્રેમથી સર્વેઅંતરને સંવારજે.
કંટકની કેડી પર કંટકો તું ના લે તો કંઈ નહીં,
પણ કોઈ ત્યાંથી ચાલીને આવે તો જરા પંપાળજે.
જોયા છે લોકોને રોજનીશીમાં બંધાયેલા,
છતાં વિશ્વમાં તું આઝાદ પંખી બની વિહારજે
લોકો તો અતીતથી છૂટીને ભાવીમાં બંધાશે,
પણ " રાહી " તું ભૂલનારને પણ સંભારજે.
- પરમાર રોહિણી " રાહી "
==================================================
હે કાન્હા..! રંગ વગર રંગાઈ જવું છે,
ને વરસાદ વગર ભીંજાઈ જવું છે.
શ્યામ તું વાંસળી વગાડી તો જો,
એ લયના સૂર બની રેલાઈ જવું છે.
ફક્ત એક વાર ફૂલ તો બની જો,
પછી તો ફોરમ થઈ પ્રસરાઈ જવું છે.
આવવાનાં એંધાણ તો આપી જો,
રાહ પર પુષ્પ બની પથરાઈ જવું છે.
તું શબ્દોની અભિવ્યક્તિ તો કરી જો,
'રાહી'ને તો કવિતા બની છવાઈ જવું છે.
સંતાકૂકડીની રમત તો એક વાર રમી જો,
ફરી ક્યારેય ન મળું એ રીતે છુપાઈ જવું છે.
- પરમાર રોહિણી " રાહી "
==================================================
Thank you 🙏