છપ્પન
“પણ કેમ?” વરુણ રીતસર સોનલબા પાછળ દોડ્યો અને એમની આગળ જઈને બરોબર દરવાજા વચ્ચેજ ઉભો રહ્યો.
“એમને ખબર તો પડવી જોઈએને?” સોનલબા વરુણ સામે આવી જતાં રોકાઈ ગયાં.
“શેની?” વરુણ એકદમ અચંબિત હતો.
“એ જ કે મારો ભઈલો જેવો તેવો છોકરો નથી જેવો એ માની રહ્યાં છે.” સોનલબાએ દાંત ભીંસીને કહ્યું.
“એવું એમને કહેવાની કશીજ જરૂર નથી બેનબા. આગળ જે થવાનું હશે એ થઈને જ રહેશે, પછી આપણે ગમે તેટલી મહેનત કરીએ.” વરુણ પણ પોતાની જગ્યાએ જ ઉભો રહીને બોલી રહ્યો હતો.
“વરુણની વાત સાચી છે સોનલબેન. મને તો આ રિલેશનનું કોઈજ ભવિષ્ય દેખાતું નથી, પહેલાં પણ નહોતું જ દેખાતું પણ હવે જ્યારે બધો ખુલાસો થઇ જ ગયો છે ત્યારે આ બધું કરવું નકામું છે, તમે રહેવા જ દો.” કૃણાલે વચ્ચે ટાપશી પુરાવી.
“આપણે હવે ચોળીને ચીકણું નથી કરવું બેનબા, પ્લીઝ રોકાઈ જાવ.” વરુણે સોનલબા સામે હાથ જોડ્યા.
“ભઈલા, તું વિશ્વાસ કર, હું એમને એવું કશું જ નહીં કહું જેનાથી બગડેલી વાત વધુ બગડે.” સોનલબાએ વરુણને કહ્યું.
“ક્યાંક તમારી વાત પર ખાર રાખીને તમને ઇન્ટરનલના માર્કસ ઓછા ન આપે.” કૃણાલે શંકા જતાવી.
“હું એમને મળી છું કૃણાલભાઈ, એ એવા નથી. ભઈલા,મારા પર વિશ્વાસ કર. હું એવું કશુંજ નહીં કરું જેનાથી તારા આજના નિર્ધાર પર કોઈ અસર પડે. કદાચ તમે લોકો અચાનક ક્યાંક મળી જાવ તો એટલીસ્ટ એ તારી પ્રત્યે કોઈ નફરતની લાગણી ન ધરાવે એટલું કહેવા જ હું જઈ રહી છું. છેવટે હું પણ એક છોકરી છું અને એટલેજ એ કદાચ મારી વાત માનશે.” સોનલબા આટલું કહીને બે ડગલાં મક્કમતાથી આગળ વધ્યા.
સોનલબાના મક્કમ ડગલાં પારખીને વરુણ ખસી ગયો.
“પણ તમારે ઘેરે જવાનું મોડું નહીં થાય? બસ જતી રહેશે.” વરુણે છેલ્લું પણ નબળું પાસું ફેંકી જોયું.
“ના ભઈલા, આજે હું અમસ્તીયે પપ્પાને ઘેરે જવાની હતી. તું અને કૃણાલભાઈ ઘેર જાવ, હું તને પછી કૉલ કરું છું.” સોનલબાએ સ્મિત કર્યું અને અમુક ડગલાં ચાલીને કોલેજના ગ્રાઉન્ડના દરવાજાની બહાર નીકળી ગયાં.
“ચલ તો આપણે જઈએ.” સોનલબાના કોલેજના બિલ્ડીંગમાં અલોપ થતાં જ કૃણાલ બોલ્યો.
વરુણને સોનલબાની વાત પર વિશ્વાસ તો હતો પરંતુ તેને ચિંતા એ હતી કે સુંદરી સમક્ષ વરુણનો પક્ષ રાખવા જતાં સોનલબા ક્યાંક સુંદરીના ગુસ્સાનો ભોગ ન બની જાય. એને ત્યાં જ ઉભા રહેવું હતું જ્યાં સુધી સોનલબા બહાર આવીને તેને સંપૂર્ણ રિપોર્ટ ન આપે, પરંતુ સોનલબાએ તેને કૃણાલ સાથે જવા માટે બાંધી લીધો હતો એટલે એણે ત્યાંથી રવાના થવું જ પડે એમ હતું. પણ સાથેસાથે હવે છેક ઘર સુધી કૃણાલની કટકટ અને સલાહો સાંભળવી પડશે એવી બીક પણ કૃણાલને લાગી રહી હતી.
“હા, પણ આ બાબતે તું આખો રસ્તો કશું જ નહીં કહે, તું અમસ્તો પણ આમાં ન હતો એટલે હવે જ્યારે મને સેટબેક મળ્યો છે એટલે એની મજા લેવા પૂરતો અંદર ન આવતો.” વરુણે કૃણાલ સામે પોતાના જમણા હાથની પહેલી આંગળી ચીંધીને કયું.
“મારે તને કેટલીવાર કહેવાનું કે હું તારો ફ્રેન્ડ છું દુશ્મન નહીં. ચલ જવા દે, વળી પાછું એનું એ જ ચાલુ થઈ જશે. નીકળીએ?” કૃણાલે બસ સ્ટેન્ડની દિશા તરફ હાથ લાંબો કરીને વરુણને પૂછ્યું.
વરુણ કશું બોલ્યા વગર ચાલવા લાગ્યો અને કૃણાલ તેની પાછળ દોરવાયો.
==::==
“મારો ભઈલો એવો નથી જેવો તમે વિચારી રહ્યાં છો.” સોનલબાએ કોલેજ નજીકના રેસ્ટોરન્ટમાં પોતાની સામે બેસેલી સુંદરીને કહ્યું.
“બસ? તમે આટલું કહેવા માટે મને અહીં બોલાવી? આ તો તમે મને કોલેજના પેસેજમાં જ કહી શક્યાં હોત!” સુંદરીના અવાજમાં રોષ હતો.
“ના, મેડમ અમુક વાતો અમુક જગ્યાએ જ સારી લાગે એવું તમને નથી લાગતું? જો એવું ન હોત તો ભઈલાએ જેમ ખોટી જગ્યાએ તમને ખોટી વાત કરીને હવે તેનું પરિણામ ભોગવી રહ્યો છે એવું જ કદાચ તમારી સાથે પણ થઇ શક્યું હોત, જો પેસેજમાં આપણી વાત કોઈ સાંભળી ગયું હોત તો? પરીક્ષા પહેલાં કોલેજમાં આ બાબતે ઘણી ચર્ચાઓ અને અફવાઓ ફેલાઈ હતી એની તમને અને મને બંનેને ખબર છે જ.” સોનલબાએ સુંદરીને સમજાવતાં કહ્યું.
“ઓકે, તમે તમારી વાત કરી દીધી અને મેં તમારી વાત સાંભળી લીધી, હવે હું જાઉં? મારે મોડું થાય છે, પપ્પા માટે રસોઈ બનાવવાની બાકી છે.” સુંદરીએ બાજુની ખાલી ખુરશીમાં મુકેલું પોતાનું પર્સ ઉપાડ્યું.
“મેડમ, મારો ભઈલો તમને...” સોનલબા આગળ કશું જ બોલી ન શક્યાં.
“જુઓ સોનલ, તમે અને કિશન અંકલે મને શ્યામભાઈ વખતે ખૂબ મદદ કરી છે એ હું સમજું છું, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે મારી સાથે કોઇપણ વાત કરો? એણે પણ કદાચ એવું જ વિચાર્યું હતું કે એણે મારા માટે અત્યાર સુધી જે કર્યું એનાથી હું એના ઉપકારના ભાર તળે દબાઈ ગઈ છું એટલે એ મને કશું પણ કહેશે, ઇવન પ્રપોઝ પણ કરશે એટલે મારે માની લેવાનું. સોનલ દુનિયા એમ નથી ચાલતી, દરેકને પોતાની પસંદગી હોય છે અને નાપસંદગી પણ. તમને ગમે એ મને ન પણ ગમે.” સુંદરી બોલી.
“અને જે તમને ન ગમે એ મારા ભઈલાને ગમતું પણ હોયને?” સોનલબાએ તરતજ જવાબ આપ્યો.
“હા, પણ વાત અત્યારે એની નથી. એણે જે કર્યું એ મને નથી ગમ્યું.” સુંદરીના અવાજમાં વરુણ પ્રત્યે રહેલો ગુસ્સો જવાનું નામ નહોતો લઇ રહ્યો.
“તમને એ નથી ગમ્યું એટલેજ એણે આજે અમને પૂછ્યાં વગર જ એક એવું કામ કરી દીધું જે અમને નથી ગમ્યું.” સોનલબા બોલ્યાં.
“શું?” સુંદરીની સુંદર આંખો મોટી થઇ ગઈ.
“કેમ તમને ડીપાર્ટમેન્ટ હેડ, જયરાજ સરે કશું કહ્યું નહીં?” સુંદરીના પ્રશ્નથી સોનલબાને પણ નવાઈ લાગી.
“ના તો? હું પ્રોફેસર્સ રૂમમાં અંદર આવી ત્યારે એ મને ક્રોસ થયા હતા, પણ મને લાગ્યું કે જયરાજ સર સાથે કશું કામ હશે. મેં એને તે દિવસે કહ્યું હતું કે હું તમારા ક્લાસને આવનારા બંને વર્ષ નહીં ભણાવું એ હું ચોક્કસ કરી લઈશ એટલે કદાચ એ જયરાજ સરને સમજાવવા જ આવ્યા હશે...” સુંદરી વિચારીને વાત કરી રહી હતી.
“હમમ.. હવે મને ખબર પડી કે ભઈલાએ આવું કેમ કર્યું. એનીવેઝ, એવું તમારે કશું જ નહીં કરવું પડે. તમને તકલીફ ન પડે એટલે ભઈલાએ આજે જ કોલેજ છોડી દીધી છે અને એ નિર્ણય લીધા પહેલાં તેણે મારો કે કૃણાલભાઈનો ઓપિનિયન પણ નથી લીધો. એટલુંજ નહીં પણ વરુણભાઈએ હજી પોતાના મમ્મી-પપ્પાને પણ આ વાત નથી જણાવી. કેમ? ફક્ત તમારી માટે એણે આ કોલેજ છોડી દીધી છે અને હવે એ કઈ કોલેજમાં એડમીશન લેશે એ પણ એણે નક્કી નથી કર્યું.” સોનલબાએ બાઉન્સર નાખ્યો.
“શું?” સુંદરીના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું.
“હા મેડમ. હું પણ એક છોકરી છું, જો હું તમારી જગ્યાએ હોત તો હું એટલું તો વિચારત કે કોઈ વ્યક્તિ જો મને એક હદથી પણ વધુ ચાહતો હશે તો જ એ આવું અવિચારી પગલું લઇ શકે જેનાથી ફાયદો ફક્ત મારો જ હોય અને એનો નહીં.” સોનલબાના અવાજમાં વરુણ પ્રત્યે ભારોભાર માન છલકાતું હતું.
સોનલબાની વાતનો સુંદરી પાસે કોઈજ જવાબ ન હતો એટલે એ મૂંગીમૂંગી બેઠી રહી.
“મેડમ, મારો ઈરાદો આ બધું કહીને તમારું અપમાન કરવાનો બિલકુલ નથી, અથવાતો મેં જે કહ્યું એ તમારું અપમાન નથી. આ જુઓ...” આટલું કહીને સોનલબાએ પોતાનો મોબાઈલ પર્સમાંથી કાઢ્યો અને તેની ગેલેરીમાંથી પોતાના ભાઈ વરુણરાજનો ફોટો ખોલ્યો અને સુંદરીની સામે ધર્યો.
સુંદરી ફાટી આંખે સોનલબાના મોબાઈલ સામે જોઈ રહી. વરુણરાજ બિલકુલ વરુણની જ પ્રતિકૃતિ હતો.
“આ?” ફોટો જોઇને સુંદરી ફક્ત એટલુંજ બોલી શકી.
“આ મારો સગો ભાઈ વરુણરાજ. વરુણભાઈ આર્મીમાં હતાં અને આતંકવાદીઓ સામે લડતાં લડતાં શહીદ થઇ ગયા. કોલેજના પહેલા જ દિવસે મેં વરુણભાઈને જોયા કે તરતજ મને લાગ્યું કે એમને મેળવવામાં ભગવાનનો કોઈ ખાસ સંકેત છે. બસ તે જ દિવસથી અમે બંને ભાઈ-બહેન બની ગયા. એક વાત હું તમને આજે કહું છું એ મેં આ વરુણભાઈને પણ નથી કીધી. જ્યારથી કોલેજમાં વરુણભાઈ મળ્યા છે એમણે મને મારા વરુણરાજભાઈની ખોટ જરાય સાલવા દીધી નથી. એટલે તમે સમજી શકો છો કે અત્યારે જો હું મારા ભઈલાનો પક્ષ રાખી રહી છું તો મારી ખરી લાગણીઓ પણ તેની સાથે જોડાઈ છે.” સોનલબા સહેજ ગળગળા થઇ ગયાં.
“તો તમે એમ કહેવા માંગો છો કે હું...” સુંદરી હજી આગળ બોલે ત્યાંજ...
“... ના ભઈલાની વાત માનવાની તમારે કોઈજ જરૂર નથી. તમારી સ્વતંત્ર લાઈફ છે અને તેના નિર્ણય તમારે જ લેવાના હોય. મારી તમને બે હાથ જોડીને ફક્ત એટલીજ વિનંતી છે મેડમ, કે ભઈલા પ્રત્યે જો તમારા મનમાં કોઇપણ મેલ રહી ગયો હોય તો પ્લીઝ એને કાઢી નાખો. એ ખરાબ છોકરો નથી, બિલકુલ નથી. હા રમતિયાળ છે, પણ તમારી સાથે જોડાયા બાદ એનામાં મેચ્યોરીટી ઘણી આવી ગઈ છે. એનાથી એક ભૂલ થઇ ગઈ અને પહેલી ભૂલ તો ઉપરવાળો પણ માફ કરી દેતો હોય છે એવું લોકો કહેતાં હોય છે ને? તમે બસ એને પ્રેમ ન કરો પણ એક વખત માફ કરી દો એટલે એ ગુનાની લાગણીમાંથી મુક્ત થઇ જાય. અને હવે તો એ તમને એ રોજ મળવાનો પણ નથી.” સોનલબાએ છેવટે સુંદરી સામે બે હાથ જોડ્યા.
સુંદરીએ તરતજ સોનલબાના બંને હાથ પકડી લીધા.
“એણે જે કર્યું એ કદાચ એની ઉંમરની અસર હેઠળ કર્યું. એ મેચ્યોર છે એનો મને બરોબર અનુભવ છે, પણ એ જે ઈચ્છી રહ્યા છે એ મારા માટે શક્ય નથી. મેં એમને માફ કરી દીધા બસ? હા એક મિત્રને મેં તે દિવસે ગુમાવ્યો છે, પણ લાગે છે આજે મને એક સમજદાર સખી મળી ગઈ છે. તમારા બંનેના ભાઈ-બહેનના સબંધની મજબૂતીથી હું પહેલેથી જ પ્રભાવિત હતી એની હું ના નહીં પાડું સોનલ. આજે મને તું તારી સખી માની લે, મને ગમશે તારી ફ્રેન્ડ બનવાનું. પણ પ્લીઝ તું મને વરુણની બાબતે કોઈજ ફોર્સ નહીં કરે એનું વચન આપ.” સુંદરીની બંને હથેળીઓ વચ્ચે સોનલબાએ જોડેલા હાથ હતા.
સુંદરીની વિનંતી સાંભળીને સોનલબાની આંખ ભીની થઇ ગઈ અને એમણે હકારમાં ડોકું હલાવીને સુંદરીએ માંગેલું વચન સ્વીકાર્યું.
==:: પ્રકરણ ૫૬ સમાપ્ત ::==