A glimpse of you - 2 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | તારી એક ઝલક - 2

Featured Books
Categories
Share

તારી એક ઝલક - 2

તારી એક ઝલક

બિરજુને જીગ્નેશ મારી રહ્યો હતો. તેજસ, કાળું, જાદવ અને લખન બિરજુને બચાવવાં આવ્યાં હતાં. ત્યારે જીગ્નેશની બહેન અર્પિતા સાથે ઝલક પણ ત્યાં આવી. ઝલકને જોતાં જ તે તેજસના દિલમાં વસી ગઈ.


ભાગ-૨

તેજસ તેનાં બધાં મિત્રો સાથે તેની ઘરે આવ્યો. વિશાળકાય બે માળનો બંગલો, મોંઘુદાટ ફર્નિચર, બહાર ભવ્ય બગીચો, તેમાં દેશ-વિદેશના અનેક પ્રકારના ફુલો, કેરીનું ઝાડ, જામફળી, લિંબુડી જેવાં જાતજાતના વૃક્ષોથી બગીચો શોભાયમાન હતો. બંગલાની બીજી તરફ એક ઓરડીની અંદર ત્રણ કાર, એક સ્પોર્ટ્સ બાઈક અને એક એક્ટિવા પડી હતી.

બિરજુને જીગ્નેશે સારો એવો માર્યો હતો. તેને મલમપટ્ટીની અને દવાની જરૂર હતી. તેજસ તેનાં રૂમમાં બિરજુની મલમપટ્ટી માટેની વસ્તુઓ લેવાં ગયો.

"આજે કોની સાથે મારામારી કરીને આવ્યો??" તેજસને જોતાં જ જગજીવનભાઈએ પૂછ્યું.

તેજસ અને જગજીવનભાઈને બહું બનતી નહીં. જેનાં લીધે તેજસ તેમની સાથે બને ત્યાં સુધી બોલવાનું ટાળતો. આજે પણ તેજસ જગજીવનભાઈની વાતનો જવાબ આપ્યા વગર જ પોતાનાં રૂમમાંથી એક બોક્સ લઈને જતો રહ્યો. તેજસે નીચે જઈને બિરજુને જે-જે જગ્યાએ લાગ્યું હતું. એ જગ્યાને સાફ કરીને ત્યાં ટ્યૂબ લગાડીને, પટ્ટીઓ બાંધી દીધી.

"મેં તને પૂછ્યું!! આજે કોની સાથે મારામારી કરીને આવ્યો??" જગજીવનભાઈએ ફરી નીચે આવીને તેજસને પૂછ્યું.

"મારે દરેક વાત તમને જણાવવાની જરૂર નથી." તેજસ ગુસ્સામાં એમ કહીને બહાર જતો રહ્યો. તેનાં બધાં મિત્રો પણ તેની પાછળ પાછળ ગયાં.

જગજીવનભાઈ કોઈ વાતનો જવાબ નાં મળે. ત્યાં સુધી ચૂપ રહેવાવાળામાંથી નહોતાં. તેઓ પણ તેજસની પાછળ જવા માટે દરવાજા તરફ આગળ વધ્યાં.

"તેની નારાજગી વર્ષો જૂની છે. જે એટલી જલ્દી દૂર નહીં થાય. તમે થોડું ધીરજથી કામ લો." તેજસના મમ્મી અને જગજીવનભાઈના પત્ની જીવદયાબેને જગજીવનભાઈનો હાથ પકડી, તેમને રોકતાં કહ્યું.

"આખરે ક્યાં સુધી ધીરજ રાખું?? છેલ્લાં કેટલાંય વર્ષોથી આ જ કરતો આવ્યો છું. તેનો મારાં પ્રત્યેનો ગુસ્સો ઘટવાને બદલે દિનપ્રતિદિન વધતો જાય છે." જગજીવનભાઈ માથાં પર હાથ મૂકીને, સોફા પર પછડાઈને બોલ્યાં.

જીવદયાબેન પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો. જેનાં લીધે તેઓ મૌન જ રહ્યાં. જેમ જગજીવનભાઈ તેજસના એવાં સ્વભાવથી પરેશાન હતાં. એમ જીવદયાબેન એ બંને વચ્ચેની લડાઈમાં રોજ પીડાતાં હતાં.

પોતાનો જ દીકરો જ્યારે તેનાં પિતાને સરખાં જવાબ નાં આપે. ત્યારે એક પિતાને ખૂબ જ દુઃખ થાય છે. પરંતુ તેનો ઉકેલ કોઈ પાસે હોતો નથી. એવી જ હાલત અત્યારે જગજીવનભાઈની હતી. તેમણે તેજસને મનાવવાના ઘણાં પ્રયત્નો કર્યા હતાં. પણ તેજસનો સ્વભાવ પહેલેથી આકરો હતો. સામે જગજીવનભાઈ પણ એવાં જ સ્વભાવનાં હતાં. અગ્નિ સામે અગ્નિ ટકરાય, ત્યાં ભડાકા જ થાય. જેનાં લીધે લડાઈ ખતમ થવાને બદલે રોજેરોજ મોટું સ્વરૂપ ધારણ કરી રહી હતી.

તેજસ તેનાં પિતાનાં એવાં સ્વભાવને લીધે જ્યારે પણ લડાઈ થવાની હોય. એવું લાગે ત્યારે ઘર છોડીને એક-બે દિવસ લખનની ઘરે જતો રહેતો. આજે પણ તે બધાં મિત્રોની સાથે ત્યાં જ આવ્યો હતો.

તેજસ તેનાં બધાં મિત્રો સાથે લખનના ઘરની અંદર જઈને બેઠો. લખનની બહેન ગંગા બધાં માટે પાણી લઈને આવી. તેજસ ગુસ્સામાં લાલઘૂમ થઈ ગયો હતો. તેણે પાણી પણ નાં પીધું. ગંગા તેજસનો ચહેરો જોઈને જ જાણી ગઈ કે, આજે ફરી એ તેનાં પિતા સાથે લડીને આવ્યો છે.

"તેજસભાઈ તમે ક્યાં સુધી અંકલ સાથે આવું વર્તન કરશો??" ગંગાએ તેજસને એકદમ નરમ અવાજે પૂછ્યું.

"બસ, મને એ વાત પર કાંઈ નાં કહેતી. હું શું કરું છું?? શાં માટે કરું છું?? એ તમને બધાંને ખબર છે. તો મને આ બાબતે કોઈ પણ સલાહ નાં આપતાં."

તેજસનો આ જવાબ પહેલેથી ફિક્સ જ હતો. જ્યારે કોઈ તેનાં પિતાની અને પોતાની લડાઈ બાબતે કાંઈ કહેતું. ત્યારે તેજસ આ જ જવાબ આપતો. આજે પણ એવાં જવાબને લીધે ગંગા બાજુમાં રહેતાં મંજુકાકીની ઘરે જતી રહી.

તેનાં જતાંની સાથે જ તેજસ પોકેટમાંથી સિગરેટ કાઢીને, સિગારેટના ક્રશ ખેંચવા લાગ્યો.

"યાર, જૂનું બધું છોડ. આજ કંઈક નવું બોલ. શું વિચાર છે?? ઝલક અંગે!!" જાદવ તેજસ સામે આંખ મારીને બોલ્યો.

"અબે ઓય, આપણો એવો કોઈ વિચાર નથી હો!! આપણે પ્રેમનાં ચક્કરમાં પડવાનું જ નથી." તેજસ આરામથી ખુરશીને ટેકે બેઠો બેઠો સિગારેટના ક્રશ ખેંચતો ખેંચતો બોલ્યો.

"આહા!! બોલ્યાં સંન્યાસી તેજાનંદ સ્વામી!! તારો ચહેરો જોયો હતો?? ઝલકને જોઈને તું તેની ખૂબસૂરતીનો દીવાનો બની ગયો હોય. એમ તેની સામે ટગર ટગર જોતો હતો."

"ચૂપ મરને જાદવ!! કોઈ છોકરી ખૂબસૂરત હોય. તો તેની સાથે પ્રેમ કરવો, એવું જરૂરી નથી."

"ઓકે, એ તો જોશું અમે!!"

"શું જોઈશ હે?? બોલ તો!!" તેજસ ઉભો થઈને જાદવને મારવાં તેની પાસે ગયો.

જાદવ ઉઠીને દોડવા લાગ્યો. તેજસ પાછળ ને જાદવ આગળ!! આ બધું આ લોકોનું રોજનું હતું. મજાક મસ્તી કરીને બિન્દાસથી જીવતાં.

જાદવ તેજસથી બચવા અને તેજસ જાદવને મારવાં રોડ ઉપર દોડાદોડી કરતાં હતાં. બરાબર એ જ સમયે ગંગા ઝલક સાથે આવતી દેખાઈ.

"તેજસભાઈ, આ ઝલક છે. આ ખાસ અહીં અષાઢી બીજનો મેળો કરવાં આવી છે. આ વખતે આ પણ આપણી સાથે મેળામાં આવશે‌." ગંગાએ તેજસને કહ્યું.

"શું?? તું આ લોકો સાથે મેળામાં જવાની છે??" ઝલકે ગંગા સામે આંખો પહોળી કરીને, ઉંચા અવાજે પૂછ્યું.

"કેમ?? તને અમારી સાથે આવવામાં કોઈ તકલીફ છે??" તેજસ ઝલક સામે જોઈને બોલ્યો.

"હાં, એક નહીં. હજારો તકલીફ છે. તારાં જેવાં ગુંડા સાથે આવવા કરતાં હું એકલી જ મેળો કરી લઈશ." ઝલક તેજસ સામે મોઢું બગાડીને ચાલવા લાગી.

"હાં, તો કરી લેજે એકલાં મેળો!! હું પણ જોવ તું એકલી કેવી રીતે મેળો કરે છે?? આમ પણ આ તેજસનુ તેજ તારાથી સહન નહીં થાય." તેજસ ઝલકને સંભળાય એમ ઉંચા અવાજે બોલ્યો.

ઝલક ક્યાંય દૂર નીકળી ગઈ હતી. પણ તેજસની એવી વાતો સાંભળીને એ ફરી તેજસ પાસે આવી. તેજસ ઝલક સામે જોઈને હસવા લાગ્યો.

"ઓ મિસ્ટર, હસવાની કોઈ જરૂર નથી. તારી એવી વાતોથી હું ઉશ્કેરાઈને તારી સાથે મેળો કરવાં આવીશ. એ વાત તો તું ભૂલી જ જાજે. આ વખતનો‌ મેળો તારાં માટે એવો યાદગાર બનાવી દઈશ કે, આ મેળા પછી તું ક્યારેય કોઈ મેળો નહીં કરી શકે." ઝલક તેજસને રીતસરની ધમકી આપીને જતી રહી.

દરવાજાની બહાર ઉભા કાળું, લખન અને બિરજુ, ઝલક અને તેજસની વાતો સાંભળી રહ્યાં હતાં. ઝલકના ગયાં પછી બધાં તેજસ પાસે આવ્યાં.

"ભાઈ, એ તમને રીતસરની ધમકી આપીને ગઈ. છતાં તમે કાંઈ બોલ્યાં કેમ નહીં??" કાળુંએ તેજસને પૂછ્યું.

"એ આપણને ગુંડા સમજે છે. લંડનથી આવી છે, તો થોડો ત્યાંની રહેણીકરણીનો નશો પણ ચડ્યો છે. જે તેની પાસે એ બધું બોલાવી રહ્યો હતો. તો હવે તેની સામે બોલવાનો કોઈ મતલબ નથી. તેજસ બોલવામાં નહીં. કરી દેખાડવામાં માને છે. હવે એ મેળો પણ આપણી સાથે કરશે, અને આપણે કોઈ ગુંડા નથી. એ પણ ખુદ જ ખુદનાં મોંઢેથી બોલશે."

"વાહ ભાઈ, માની ગયાં તમને!! તમારી વાતો પરથી લાગે છે કે, તમે કાંઈ જોરદાર વિચાર્યું છે." જાદવ તેજસના વખાણ કરતાં બોલ્યો.

તેજસ ફરી લખનની ઘરે ગયો. ત્યાં જઈને તેણે કોઈકને કોલ કર્યો. કોલમાં વાત કર્યા પછી પોકેટમાંથી સિગારેટ કાઢીને ફરી સિગારેટના ક્રશ ખેંચવા લાગ્યો. તેજસની પાછળ તેનાં બધાં મિત્રો પણ આવ્યાં.

"ઓય, જા આપણો માલ લઈ આવ. આજે તો મોટાં પાયે ઉજાણી થાશે. કાલ અષાઢી બીજ છે. રાતે અષાઢી બીજનો ચંદ્ર દેખાય. એ પહેલાં શહેરી ઝલકને પૂરી રીતે ભેંસાણના રંગે રંગવાની છે." તેજસ તેનાં અસલી અંદાજમાં બોલ્યો.

તેજસનો હુકમ મળતાં જ જાદવ અને લખન ઘરની બહાર નીકળીને, જાદવની બાઈકમા દારૂ લેવાં નીકળી ગયાં. કાળું પોતાનું મોઢું લટકાવીને ખુરશીમાં બેઠો હતો.

"કાં અલ્યા, તને શું થયું?? હમણાં તો બહું ઉછાળા મારતો હતો." તેજસ કાળુંના ખંભે હાથ મૂકીને બોલ્યો.

"ઝલકે તમારી સાથે એવી રીતે વાત કરી. એ મને જરાયે નાં ગમ્યું." કાળું ઉદાસ થઈને બોલ્યો.

"લે કરો વાત!! હમણાં તો તું તેને તારી ભાભી બનાવવાં તૈયાર હતો. એટલીવારમાં એની વાતનું ખોટું પણ લાગી ગયું??" તેજસ કાળુંની થોડીવાર પહેલાંની વાત યાદ કરાવતાં બોલ્યો.

કાળું કાંઈ કહે એ પહેલાં જ જાદવ અને લખન દારૂની બોટલ લઈને આવી ગયાં. તેજસ અને કાળુંએ ઝલકની વાત આગળ વધાર્યા વગર દારૂ ગ્લાસમાં ભરવાનું ચાલું કરી દીધું. બધાંએ દારૂની મહેફિલ જમાવી.

ગંગાને આ બધાં દારૂ અને સિગારેટ પીતાં. એ બિલકુલ પસંદ નહોતું. આ બધાં જ્યારે ભેગાં થતાં ત્યારે આવી જ મહેફિલ જામતી. એ વાતની જાણ હોવાથી બધાં જ્યારે લખનની ઘરે આવતાં ત્યારે ગંગા ઘરની બહાર જ રહેતી. ગંગાની સામે આ ટોળકી સિગારેટ અને દારૂ પીવાનું ટાળતી. પણ આવી મોજમજા કરવી. એ આ લોકોનો શોખ હતો. કોઈ ક્યારેય વધું દારૂ નાં પીતાં. એ વાતથી વાકેફ એવી ગંગા આ બાબતે તેમને રોકટોક પણ નાં કરતી.

બધાં દારૂની મહેફિલ પૂરી થતાં ઘરે જતાં રહ્યાં. લખન અને તેજસ લખનના રૂમમાં જઈને સૂઈ ગયાં. ગંગા બધાનાં ગયાં પછી ઘરે આવીને પોતાનાં રૂમમાં જઈને સૂઈ ગઈ.


(ક્રમશઃ)