Wasp ... in Gujarati Women Focused by DINESHKUMAR PARMAR NAJAR books and stories PDF | ભમરી...

Featured Books
Categories
Share

ભમરી...

ભમરી............... વાર્તા... .... દિનેશ પરમાર નજર

***********************************************
કાચનું છે ઘર અને છે શોખ પથ્થરનો મને
ને પરિચય પણ નથી એકેય બખ્તરનો મને.

રોજ પરપોટો નિહાળું જળ સપાટીની ઉપર,
રોજ પાછો થાય છે આ શ્ર્વાસ અધ્ધરનો મને.
- ધૂની માંડલિયા

***********************************************
અનસૂયા ને શરૂઆતમાં તો ભ્રમ લાગ્યો, પણ બીજીવાર કોલ બેલ વાગી ત્યારે તે પથારીમાંથી ઉઠી.
" અત્યારે બપોરે કોણ હશે?" ના વિચાર કરતા ધીરે ધીરે તે દરવાજા પાસે ગઈ. દરવાજો ખોલતા જ બહાર પોતાના મોટાભાઈ સીતારામ ને જોતા જ, " અરે...! ભાઈ.. તમે... અત્યારે ભર બપોરે...?" નો ઉદ્દગાર નીકળી ગયો.
અંદર આવી ખુરશી પર બેસતા જ સીતારામ બોલ્યા, " બેન... કોઈ જમવાનું ટેન્શન લેતી નૈ,ગામથી હું જમીને સાડા-બારની લોકલ એસ. ટી. પકડી અહીં બસ-સ્ટોપ પર ઉતરી સીધો જ આવ્યો છું".
"આમ તો મારે હિંમતનગર એ.પી.એમ.સી. માં કામ હતું એટલે આવવાનું જ હતું. પરંતુ માર્કેટમાંથી દલાલનો ફોન આવેલો કે બપોર પછી તે ફ્રી છે એટલે બપોર હાથમાં લેવી પડી. "
અનસૂયા સીતારામ માટે પાણી લાવ્યા અને બાજુની ખુરશીમાં બેઠી. સીતારામ એક સાથે પાણી ગટગટાવી ગયા અને ગ્લાસ ટીપોય પર મુકતા બોલ્યા," બેન કેમ આજે ઘરે? નોકરીની શિફ્ટ બદલાઈ છે કે શું? "
અનસૂયા બોલી," અરે ભાઈ આજે સવારથી માથું દુઃખતું હતું, શરીર પણ કળતુ હતું. એટલે નોકરી નથી જઈ શકી પણ આરામ કર્યો એટલે સારું લાગે છે " પછી ચા બનવું છું તેવો ઈશારો સીતારામ તરફ કરી અનસૂયા રસોડામાં ચાલી ગઈ..

**********

અરવલ્લીની પહાડીઓમાંથી નીકળેલી સાબરમતી... જેના નામ પરથી જિલ્લાનું નામ પડ્યું તે સાબરકાંઠા જિલ્લાના .., હિંમતનગર-ભિલોડા વિસ્તારમાં, હાથમતી તરીકે વહેતી ઉપ-નદીના ડાબે કાંઠે વસેલું નરસોલી ગામ.
તે અનસૂયાનું પિયર અને સીતારામનું વતન...
તેમના પિતા મંગળદાસ ભિલોડાથી નવી નવી પરચુરણ વસ્તુઓ લાવી ગામની પંચાયત પાસે નીચે પાથરણા પર વેચતા હતા. તેમના મરણ પછી તે કામ સીતારામ કરતા હતા. પણ તેમાં મજા ન આવતા, તેમણે અનાજ અને શાકભાજીને જિલ્લા મથકે પહોંચાડવાનો ધંધો શરૂ કર્યો હતો.
અનસૂયા પંચાયત શાળામાં ભણેલી પણ ભણવા કરતા તેને બહેનપણીઓ સાથે ખેતરમાં કામ કરવાની અને ફુરસદમા, હાથમતીમાં ન્હાવાને નામે , તરવાનો આનંદ લેવાની ખુબ મજા લેતી હતી.
સીતારામને આ પસંદ નહતું. પણ પિતાજીના ગયા પછી તે વડીલ હતા અનસૂયા તેમનાથી ચાર વર્ષ નાની હતી. તેથી તેને દુઃખ થાય તેવું કશું કહેતા ન હતા.
પરંતુ..
એકવાર નદીમાં આવેલા પૂરથી ગાંડીતૂર બનેલી નદીમાં અનસૂયા બહેનપણીઓએ ના પાડતા એકલી ન્હાવા ગઈ હોવાના સમાચાર સીતારામ ને ગામમાં મળ્યા ત્યારે તેનો જીવ ઉંચો થઈ ગયો. તે તાત્કાલિક નદી તરફ ગયો અને ઊંચાણવાળા દેરી ટેકરા પર જઈ ચિંતા અને ધડકતા હ્રદયથી નદીમાં જોવા લાગ્યો.
અચાનક નદીમાં તેનું ધ્યાન ગયું તો દૂર તે દેખાઈ...
તેનું હ્રદય ધબકારો ચૂકી ગયું.. ત્યાં થી થોડે દૂર જ ભમરી હતી. અનસૂયાને ભમરી ખેંચી લઈ ડુબાડી દેશે ની દહેશતથી ગભરાઈ જોરથી બૂમ પાડી.
અનસૂયાએ તે સંભાળી અને તુરંત પૂરી તાકાતથી કાંઠા તરફ પછી ફરી. બહાર આવતા જ સીતારામ તેને બાઝી પડ્યો. તેની આંખો ભરાઈ આવી. તે અનસૂયાને બાથમાં ઝાલી ઘરે લઈ આવ્યો.
ઘરે પહોંચી તેને મીઠો ઠપકો આપી ખખડાવી, " આ શું કરે છે અનસૂયા.. તને ખબર છે નદીમાં પૂર આવ્યું છે? તું જ્યાં હતી ત્યાં ભમરી છે અને ગમે તેટલી તાકાત લગાડો તોયે તે ગળી જાય. કશુંજ હાથમાં ના આવે. તારા સિવાય મારું કોણ છે? તને કંઈ થઈ ગયું હોત તો? ખા મારી સોગન , હવે પછી તુ, નદીએ ન્હાવા જઈશ નહીં."
ત્યાર પછી તેના લગ્ન હિંમતનગર રહેતા ગૌત્તમ ભગવાનદાસ સાધુ સાથે થયા ત્યાં સુધી, અને ત્યાર બાદ પણ ક્યારેય તે
નદીમાં નહાવાનો વિચાર સુદ્ધાં કર્યો નહીં.

*********

હિંમતનગર ખાતે, ઈડર તરફ જતા આગળ આવતી હજરત ગુલાબઅલીની દરગાહની ડાબી તરફ જતા રસ્તા પર આગળ આવતા નગરપાલિકાના ગાર્ડન થી સહેજ આગળ આવેલી પ્રહલાદનગરની ચાલ માં રહેતા ગૌત્તમના પિતા જીવતા હતા ત્યારે શામળાજી જવાના રોડ પર નગરની હદે હનુમાનજીની ડેરીએ પૂજા પાઠનું કામ કરતા હતા. જોકે ગૌત્તમ તો લગ્ન થયા તે અગાઉ થી જ રીક્ષા ચલાવવાનું કામ કરતો હતો. તે સવારે ચા નાસ્તો કરી નીકળી જતો અને છેક સાંજે ઘરે આવતો. તેને પૂજા પાઠના કામમાં કોઈ રસ નહતો. ઘર સારી રીતે ચાલે અને શાક-દૂધ નો ખર્ચ નીકળે તે માટે, તેમની બાજુમાં રહેતી ચંપાબેને તેની માસિયાઈ બહેન નર્મદાને અનસૂયાની નોકરીની વાત કરી હતી.
નર્મદા હિંમતનગર શામળાજીના વિકસિત રોડ પર બનેલા સુફલામ કોમ્પ્લેક્ષમાં નોકરી કરતી હતી. એજ કોમ્પ્લેક્ષના બીજા માળે ડો. ઈન્દ્રકુમાર ગગનવાલાની અમૃતમ્ ગાયનેક હોસ્પિટલ આવેલી હતી. તેમાં ઘણા સમયથી એક સ્ત્રી સ્ટાફની જરૂર હતી. જે વાત નર્મદાના ધ્યાને આવતા તેણે ભલામણ કરીને હોસ્પિટલમાં અનસૂયાને લગાડી દીધી.

અનસૂયા છેલ્લા સોળ વર્ષથી ત્યાં આયા તરીકે કામ કરતી હતી. તે સમયની ખુબ ચોક્કસ હતી. તથા કામની ચીવટ અને ચોકસાઈને કારણે માનીતી હતી. ઓપરેશનના દિવસે તે બધા કરતાં વહેલી આવી જતી અને ઓપરેશન માટે જરૂરી સીઝર અને અન્ય આનુષંગિક સાધનોની તૈયારી કરવી, દર્દીને તૈયારી કરાવવી વિગેરે તે ખૂબ કુશળતાથી કરતી. ઓપરેશન માં અન્ય સ્ટાફ અને ડોક્ટર તેમજ નર્સને કોઈ તકલીફ ન પડતી.
પણ દરેક ક્ષેત્રમાં સમય સમય પર સારું અને નરસું થયા કરતું હોય છે.
છેલ્લા ચાર વર્ષથી એટેન્ડન્ટ તરીકે આવેલ ભીખો, બીજે નોકરી કરી આવેલો ખુબ હોશિયાર અને કાબેલ, એટલે સાહેબનો એ ખાસ થઈ પડેલો.
ઘણા સમયથી એની વર્તણૂક શંકાસ્પદ જણાઈ હતી. પણ કોઈ નર્સ કે આયા કે અન્ય સ્ટાફની, ડોક્ટર સાહેબને કહેવાની હિંમત નહોતી. વળી જે એકાદ ફરિયાદ કરવા ગયું તો તેની પર જ શંકા કરી, ફરિયાદીને પાણીચું પકડાવી દેવામાં આવેલ. ક્યારેક તો ડોક્ટર પર પણ તેની સાથે હશે કે શું? તેવી શંકા જતી.
એકવાર એક યંગ અને સુંદર નર્સ, ડયુટી પત્યા પછી ઘરે જવા, ચેન્જ રૂમમાં કપડા બદલતી હતી ત્યારે, તે રૂમની બરાબર પાછળ એક નાના છિદ્રમાંથી, ભીખો વીડિયો ઉતારતો હતો તે અનસૂયા જોઈ ગયેલી. ત્યારથી જ અનસૂયા ચેતી ગયેલી અને ખુબ જ સાવધાની રાખતી તથા પોતાના કામ પૂરતી જ માથાકૂટ કરતી.
તેને ગુસપુસમાં એ પણ જાણવા મળેલું કે ભીખો, સ્ટાફ અને સુંદર દર્દીની પણ વિડીયો ઉતરી, તેને વાઈરલ કરવાની ધમકી આપી શારીરિક લાભ લેતો. અને સ્ટાફનો તો વારંવાર લાભ લેતો. બદલા માં તેને દવાખાના અને સાહેબ તરફથી ઘણા લાભ આપી, અપાવી ખુશ કરતો હતો.

**********

ચા પીધા પછી સીતારામે ઘડિયાળમાં જોયું.
" બેન.. હું નીકળુ ત્યારે..?" કહી બેનને વ્યવહારમાં સોની નોટ આપી ઉભા થયા.
દરવાજાની બહાર નીકળી યાદ આવતા ગાજવામાંથી પચાસની નોટ કાઢી બોલ્યા, " અરે બેન લો આ ભાણી બેન ના, હું તો ભૂલી જ ગયો. ઉર્મિલા હજુ કોલેજ થી આવી નથી?"
હજુ અનસૂયા કાંઈ બોલે તે પહેલાં વળી કઈં યાદ આવ્યું.
" બેન એક વાત તો કહેવાની રહી ગઈ, આ જન્માષ્ટમી એ ભણી બા મોસાળ આવ્યા હતા ત્યારે મારી જાણ બહાર મારી પુષ્પા અને પુષ્પાની બહેનપણી સાથે બહાર નદીએ ગયેલી.
મને તારી યાદ આવી ગઈ અને હું ભાગ્યો, સદનસીબે તે ભમરી થી દૂર હતી ને પુષ્પા નું ધ્યાન જતા તેણે બુમ પાડી કાંઠા તરફ બોલાવી લીધી. પુષ્પાને ધમકાવી, ભાણીબેન તો આ નદીથી અજાણ છે તે કેમ ધ્યાન ના રાખ્યું. બંને એ માફી માગી હતી કે હવે ભૂલ નૈ થાય "
ફરી પાછુ કઇંક યાદ આવતા, ઘડિયાળમાં જોઈ સીતારામ" ચાલો જયશ્રી કૃષ્ણ " કહી વિદાય લીધી.
પરંતુ અનસૂયાને હવે રહી રહીને યાદ આવ્યું...
એકાદ બે વાર તેની હાજરીમાં ઉર્મિલા હોસ્પિટલ આવેલી અને કામમાં મદદ કરેલી એટલે તેના કામથી ડોક્ટર સાહેબ સંતુષ્ટ હતા.
આજે બે મોટા ઓપરેશન હતા અને તેની હાજરી આવશ્યક હતી એટલે પોતાનું માથું દુઃખતુ હોવાથી, ડોક્ટર સાહેબને ફોન કરી અનસૂયાએ તેની જગ્યાએ ઉર્મિલાને મોકલી હતી.
પરંતુ......
ભીખો અને તેની ગંદી હરકતો યાદ આવતાજ ઘરને તાળું મારીને રીક્ષા પકડી હોસ્પિટલ તરફ ભાગી.

***************
ઓપરેશન પતી ગયા હતા. હોસ્પિટલ શાંત જણાતી હતી. અનસૂયા સીધી જ કપડા બાદલવાના રૂમ તરફ ગઈ.
તેની શંકા સાચી હતી, ભીખો છિદ્રમાંથી, કપડા બદલતી ઉર્મિલાનો વિડીયો ઉતરતો હતો. તેની પીઠ પાછળ અનસૂયા ઉભી હતી.
તેણે ગુસ્સાથી ભીખાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો અને ટાઈલ્સ પર પટકી પોતાના પગ વડે ટીચી ટીચી ભૂક્કો કરી નાખ્યો.
ભીખો કાંઈ સમજે અને વિચારે તે પહેલા એક સણસણતો તમાચો તેના ગાલ પર ઝીંકી દીધો.
ભીખાને તમ્મર આવી ગયા.
બીજી ક્ષણે બહાર આવેલી ઉર્મિલાનો હાથ ખેંચતી તે હોસ્પિટલથી દૂર દૂર લઈ ગઈ....
ઉર્મિલા અવાક બની માની પાછળ ખેંચાતી રહી......

**********************************************
દિનેશ પરમાર ' નજર '