Koobo Sneh no - 53 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 53

Featured Books
Categories
Share

કૂબો સ્નેહનો - 53

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 53

આટલા બધા વખત પછી કોમામાં સરી પડેલો વિરાજ ભાનમાં આવતા અમ્મા અને દિક્ષાની ખુશીઓ સમાતી નહોતી, પણ આવી ખુશીની ઘડીએ દિક્ષાને કશુંક મનોમન સતાવી રહ્યું હતું.. સઘડી સંઘર્ષની......

❣️કૂબો સ્નેહનો❣️

અમ્માના મનમાં હરખ ઝરમર ઝરમર થતો હતો. મનમાં અંદર બેઠેલા કિરદારોયે ગીત ગુણગુણાવી વિરાજની આંગળી ઝાલી એના બાળપણ સાથે ગોષ્ઠિ કરવા લાગ્યા હતાં.

આટલા વખતથી વિરાજ કોમામાં હોવાથી શરીરની માંસપેશીઓ અક્કડ થઈ ગઈ હતી. એને હલનચલનમાં તકલીફ પડી રહી હોવાથી, ડૉકટરે આવી ઇન્જેક્શન આપી જણાવ્યું હતું, "હમણાં આરામ જ કરવો પડશે, એક્સરસાઇઝ અને માલીશ કરવાથી ધીરે ધીરે માંસપેશીઓ ખુલતી જશે.."

અને દિક્ષાને પોતાની ઑફિસમાં આવીને મળવાનું કહીને ડૉક્ટર નીકળી ગયા. અમ્માને કહીને વિરાજની ફાઈલ લઈ દિક્ષા ડૉક્ટરને મળવા પહોંચી ગઈ.

ડૉક્ટરે, દિક્ષાને જણાવ્યું હતું કે, "હમણાં વિરાજને કોઈજ પ્રકારનો માનસિક તણાવ આવે એવી કોઈ જ પ્રકારની વાત ન કરવી. એને હજુ પણ આરામની ખાસ જરૂર છે. નહિતો ફરી કોમામાં જતાં વાર નહીં લાગે, એની પરિસ્થિતિ હજુ ઘણી નાજુક છે." દિક્ષાની આંખોમાં આસું આવી ગયાં હતાં.

"ડૉક્ટર પણ હવે કેટલા સમય પછી વિરાજ હરતા ફરતાં થશે?"

"આટલી ધીરજ ધરી છે, એમાં હવે થોડી વધારે.. આમ પણ હવે રિકવરી થવા લાગી છે એટલે જલ્દીથી હરતા ફરતાં પણ થશે જ. મસાજ કરવાથી ધીમે ધીમે અક્કડ થઈ ગયેલા હાડકાંમાં બળ આવતું જશે.. તમારે ફક્ત એમના મગજ પર કોઈ બોજો ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે."

ને એ વખતે જ દિક્ષા, નતાશાના વિચાર સાથે જ ક્ષણિક ખળભળી ઊઠી હતી. ભારે હૈયે એ વિરાજ પાસે આવી. અમ્મા સમજી ગયાં હતાં કે, 'દિક્ષાને પેલી છોકરી નતાશા પડકાર આપી ગઈ છે, એની ચિંતા સતાવતી લાગે છે. દિક્ષા માટે ખરી કસોટી હવે શરું થઈ રહી છે.' એમણે દિક્ષાને માથે હાથ ફેરવી આશ્વાસન આપતાં કહ્યું,

"દિક્ષા વહુ માથે આટલો બધો ભાર રાખવાની જરૂર નથી. એ છોકરી કંઈજ કરી નહીં શકે. ઈશ્વર પર ભરોસો રાખ. સહુ સારા વાના થશે."

દિક્ષા પોતાના મસ્તિષ્કમાં થઈ રહેલું કંપન શાંત કરવા મથી રહી. થોડોક સમય જતા વિરાજ ઊઠી ગયો અને એની આંખોમાંથી પ્રાયશ્ચિતનું ઝરણું વહેવા લાગ્યું. એણે કરેલી ભૂલોનો ભારોભાર પશ્ચાતાપ હતો. અમ્મા વિહ્વળ થઈ ગયાં હતાં. એમની ચિંતાતુર આંખો વિરાજના ચહેરા પર દોડાદોડ કરી રહી હતી. વિરાજે કસીને અમ્માનો હાથ પકડી લીધો હતો, જાણે કોઈ એને ખેંચી રહ્યું હતું. એણે આજુબાજુ નજર ફેરવી દિક્ષાને પોતાની નજીક આવવા બીજો હાથ લંબાવ્યો. દિક્ષા એની નજીક આવી હાથમાં હાથ આપતાં જ નાનું બાળક રડે એમ, એને પકડી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

"થેંક ગોડ.!!. તમે આજે કોમામાંથી બહાર આવ્યા છો. મને બીજું કશુંય નથી જોઈતું વિરુ.. તમે બીજી કોઈ ચિંતા ન કરો અને મગજને કોઈ જોર ન આપશો. તમે પહેલાં દોડાદોડ કરતા થઈ જાઓ, પછી બીજી વાત. આયુષ અને યેશા કેટલા મિસ કરે છે, ખબર છે તમને? જલ્દી સાજા સારા થઈ જાઓ, ઘરે એ તમારી રાહ જોવે છે.." એમ કરી દિક્ષાએ વિરાજને પોરસાવી બીજી વાતોમાં વળગાડ્યો હતો. પણ એનું ઝરણું આજે રોકાવાનું નામ નહોતા લેતાં.

"ના દિક્ષુ.. આજે મને રોકીશ નહીં.. મને મનમાં છે કહી દેવા દે.. નહિંતર વધારે ગુંગળામણ થશે.."

"કેટલાક અપરાધભાવ સમયાંતરે વ્યક્ત થઈ જવા જોઈએ દિક્ષા વહુ!! નહીંતર કાળની થપાટે તમારી સાથે રાત દિવસ ધબકતી વ્યક્તિના ધબકારા વધી જાય અને બીજી ઉપાધિનો સામનો કરવાનો વખત આવે છે, એ પછી માત્ર પારાવાર પસ્તાવો જ રહે છે ! કહી દે વિરુ દીકરા.. તારે જે કહેવું હોય કહી દે.. મન હળવું ફૂલ થઈ જશે.."

"નતાશાએ મારા મનોભાવ પર એવી તે શું જાદુઈ અસર કરી હતી કે હું એની દરેકે દરેક વાત માની લેતો હતો.. એ કહે એમજ કરતો.."

વિરાજના પારાવાર પસ્તાવાથી દિક્ષાને મનમાં થોડી ટાઢક વળી હતી અને ચહેરા પર અષાઢી વાદળોએ જાણે ડોકિયું કર્યુ હોય એમ ચહેરો ખીલી ઊઠ્યો હતો. મનમાં તો કઈ કેટલાય નતાશા નામની બલાનો શિકાર થઈને કરોળિયાના જાળાઓ ગૂંથાઈ ચૂક્યા હતા એ હટી ગયાં.. એ મનોમન હાશકારો અનુભવી રહી હતી કે, 'વિરુ મારા જ છે અને કોઈ પણ વ્યક્તિ હવે અમારા બેઉંની વચ્ચે આવી શકવા સક્ષમ નથી.'

ત્યાંજ માલિશ અને એક્સરસાઇઝ કરાવવા એક ભૂરાં માણસની "હાય.." સાથે એન્ટ્રી પડી. વિરાજને જે કહેવું હતું અધુરું રહી ગયું હતું. દિક્ષાએ "હાય.." કહીને આવકારો આપ્યો.. આમ ધીમે ધીમે વિરાજની બૉડી ચુસ્ત થતી ગઈ અને ચાર પગુ ઘોડીને સહારે ડગ ભરવાના શરું કર્યા હતા. એક દિવસ અમ્મા ત્યાં આજુબાજુ ફરતાં હતાં ત્યારે વિરાજે વાતો કરવાના મૂડ સાથે કહ્યું હતું,

"અમ્મા, તમે એ તો કહો કે અહીં આવ્યા પછી તમે શું શું જોયું? કશેય ફર્યા કે નહીં!?"

અમ્માનેય વિરાજ સાથે વાતો કરવી ગમતી. એય ગોઠવાઈ ગયાં વાતોના વડા કરવા.
"અહીંયા તો માણસ સમયને જીવે છે કે સમય એમને જીવાડે છે, એ જ સમજાતું નથી. ભાગાભાગ ને દોડાદોડ.. ઘડિયાળને કાંટે ભાગમભાગ નહીં ભાગવાનીયે, અજબ એક નિરાંત હોય છે !! પણ અહિયાં તો કોઈની પાસે સમય જ નથી.. સૌ કોઈ પોતપોતાના કામમાં વ્યસ્ત છે. ચોતરફ ગાડીઓ જ ગાડીઓ.. અહીંયા કોઈ લગીરેય ચાલતું જ નથી!?!"

"પણ અમેરિકા દેશ કેવો લાગ્યો એ તો કહો અમ્મા!" દિક્ષાનેય અમ્માની બધી વાતો સાંભળવાની મજા આવી રહી હતી.

"આમ તો મજાનો છે આ દેશ. રહેવાની પણ મજા આવે. ચોખ્ખો ચણાક.. અચંબામાં નાખી દે, એટએટલી અવનવી માનવસર્જિત કરામતો, ઉપરા-ઉપરી, લાંબે-લાંબા પુલની માયાજાળ, માથું ઊચું કરીને વાદળો સાથે ગોષ્ઠી કરી હવામાં રમતી ઈમારતો.. પણ આપણે ત્યાંના જેવા હવા પાણી અને ખોરાક નહીં હો!!"

એવાંમાં ત્યાં સવારના પહોરમાં જ એમની મજાની વાતોમાં ભંગ પડાવવા નતાશાનું આગમન થઈ પડ્યું.

"હેલો વિરાજ.. કેસે હો?!"

વિરાજ એકીટશે એને તાકી રહ્યો. એક શબ્દ ઉચ્ચારી ન શક્યો અને દિક્ષાને જોરદાર ધ્રાસકો પડ્યો.

"આપ તો ઘૂમને ફીરને લગે વિરાજ! હમે ખબર તક નહીં દી..?" નતાશા એની નજીક જઈને હાથ પકડી બોલવા લાગી.

વિરાજ અને નતાશાને, અમ્મા, દિક્ષા તો બસ જોઈ જ રહ્યાં.©

વધુ આવતા પ્રકરણ : 54 માં વિરાજ કેમ દિક્ષાથી નજરો ચોરી રહ્યો હતો.?. ડહોળાયેલા જળમાં સ્પષ્ટ પ્રતિબિંબ ન જ જડે..

-આરતી સોની©