શ્રુતિ ખૂબ ઉદાસ હતી, પણ એણે વિચાર્યું કે જે થશે એ જોયું જશે. હાલ એ બાબતો વિચારવી જ નથી. જે માણસના હાથમાં ન હોય. એમ વિચારી એ પોતાના રૂમમાં આવી સુઈ ગઈ.
વહેલી સવારે એ ઉઠી ત્યારે, સવારનો કુમળો તડકો એના ચહેરા પર રમત રમી રહ્યો હતો. બારી તો વૉર્નિંગ માસીને કારણે બંધ હતી, પણ એમાંથી સૂરજના કિરણો આવી એની સાથે રમત રમી રહ્યા હતા. શ્રુતિ ખૂબ આનંદ અને ઉમળકા સાથે ઉઠી. માસી તો પહેલાથી જ બાથરૂમમાં સ્નાનાત્યાદિ ક્રિયાઓ માટે ઉઠી ગયા હતા. એ ઉઠી ત્યારે કુમળા તડકા સાથે એણે બીજું પણ કંઈક અનુભવ્યું. એવું કંઈક જે હાલ પૂરતું એને એટલી મોટી મુસીબત લાગી રહ્યું નહતું. એનું નાક બંધ થઈ ગયું હતું અને ગળામાં થોડી બળતરા હતી. પણ એની તરફ ધ્યાન ન દોરતા એ બહાર ગેલેરીમાં ગઈ અને વહેલી સવારના 6 વાગ્યાનો કુમળો તડકો અને ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો. એટલામાં એની પાછળ દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો. એની પહેલા કે માસી દ્વારા સારા એવા શબ્દો સાંભળવા મળે, શ્રુતિ તરત અંદર નહાવા જતી રહી. પોતાની ક્રિયાઓ પુરી કરી એ બહાર આવી અને સીધી જ પોતાનો ફોન લઈ બહાર જતી રહી. ખુલ્લા વાળ, સાદા રાઉન્ડ બ્લેક ચશ્માં, એક લોન્ગ સ્લીવવાળી ટી-શર્ટ, નીચે એક ટ્રેક પેન્ટ અને હાથમાં સેમસંગનો સ્માર્ટ ફોન લઈ એ જાતે જ પોતાની સેલ્ફી લેવા લાગી.
ગેલેરીની પાળી 2 ફૂટની જ હતી, એ હોટેલનો છેલ્લો માળ હોઈ ત્યાંથી દેખાનાર નજારો સુંદર હતો. શ્રુતિ કંઈક એ રીતે ઉભી હતી કે એના પાછળના બેકગ્રાઉન્ડમાં પર્વત, એક ખૂણામાં સૂરજ, નદી અને ખીણ બધું એકસાથે જ દેખાય. એનું ફોટોસેશન પત્યું કે માસીનું ફોટોસેશન ચાલુ થયું. એ સાથે જ ઉપર એના માતા-પિતા પણ ફોટા જ પડાવી રહ્યા હતા. ત્યારબાદ બધાએ સાથે ફોટા પડાવ્યા. અને એક વીડિયોમાં શ્રુતિએ થોડીક કમેન્ટરી પણ કરી. આ બધું પૂરું કરી 8 વાગ્યે ઉપર ડાઇનિંગ રૂમમાં નાસ્તો કરવા ગયા. ત્યારબાદ એમને સામાન પેક કરી 9 વાગ્યે ગંગોત્રી માટે નીકળવાનું હતું.
યમનોત્રીથી ગંગોત્રીનો રસ્તો કંઈક સવા બસ્સો કિલોમીટરનો થાય છે. અને રસ્તામાં ઉત્તરકાશી જેવું મોટું શહેર પણ આવે છે. એ બધા અહીંથી છેલ્લી વાર પહાડોનો નજરો જોઈ બસમાં બેસી ગયા. લગભગ 11 વાગ્યા હશે કે બસ એક જગ્યાએ ચા-પાણી માટે રોકવમાં આવી.
ઉતરાખંડ આખું પર્વતો વચ્ચે સમાયેલું રાજ્ય છે અને એમાંય ચારધામ તો પર્વતોમાં જ આવેલા છે. એટલે બધા જ રસ્તાઓ પહાડોને કોતરીને બનાવેલા જ હોય. એ ઉપરાંત બાજુમાં ખીણ અને એની વચ્ચે નદી તો પસાર થતી જ હોય. આ આખો રસ્તો જ એવો હતો. બપોરે 2 વાગ્યે આવા જ કોઈ રસ્તા પર બસ રોકવામાં આવી અને ત્યાં જ જમવાનું બનાવવામાં અને પીરસવામાં આવ્યું. પાછું જ્યાં સુધી જમવાનું બને ત્યાં સુધી આસપાસના નજારાની મજા માણવી એ એક અનેરી અનુભૂતિ છે.
જમ્યા બાદ બસમાં એ લોકો બેઠા. હજુ માંડ એક કલાક જેવો સમય પસાર થયો હશે કે બસની કેબિનમાં બેઠેલા મેનેજર બહાર આવ્યા અને બધાને એક ચેતવણી આપતા બોલ્યા, "હવે અહીંથી ટીહરી બંધની શરૂઆત થાય છે. આ આખો બંધનો વિસ્તાર આર્મીની સર્વિલિયન્સ હેઠળ છે. બંધ જે રોડ પરથી પસાર થવાની છે એ આખો રોડ સી.સી.ટી.વી. નિગરાનીમા છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પોતાનો ફોન કે કેમેરા વ્યુ કેપ્ચર કરવા નીકાળતા નહીં. નહિતર બધું જપ્ત થઈ જશે."
આટલી ચેતવણી પુરી થઈ કે સામે એક મોટો લોખંડનો ગેટ આવ્યો. એની બંને તરફ આર્મીના જવાન ઉભા હતા. એ વ્યુ ખૂબ સુંદર હતો, જો ચેતવણી ન અપાઈ હોત તો બધા જ એના ફોટા લેત. ભારતનો સૌથી મોટો બંધ, પાછળ એક મોટું સરોવર અને કરોડો ગેલન પાણીને સાચવીને બેઠેલા પહાડો. કોઈ પણ જાતની નકારાત્મક એક્ટિવિટી રોકવા માટે જ કદાચ આવી વ્યવસ્થા થઈ હતી. નહિતર આ પાણી આખું ઉત્તરાખંડ બરબાદ કરવાની ક્ષમતા ધરાવતું હતું. છેવટે બીજા એક ગેટથી એ લોકો બહાર નીકળ્યા અને સેન્સેટિવ જોન પૂરો થયો.
સાંજના 4 વાગ્યાનો સમય થયો કે એમની બસ ઉત્તરકાશી પહોંચી. ત્યાં એમણે ત્યાંના પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા. અને ત્યાં થોડાક સમય પૂરતો ફરવાનો આંનદ લીધો. એટલી વારમાં તો પ્રવાસના મેનેજર બજારમાંથી બીજા 2 દિવસનો ખાણી-પીણીનો સામન લઈ આવ્યા. ત્યારબાદ બસ ઉપાડવામાં આવી અને ઉત્તરકાશીથી 15 કિલોમીટર દૂરના એક ગામના ગેસ્ટહાઉસમાં એમનો ઉતારો ગોઠવવામાં આવ્યો. અહીંથી ગંગોત્રી બીજા 80-90 કિલોમીટર થતું હતું. પણ અહીંથી આગળ કેદારનાથ જવામાં સરળતા રહે તે માટે આ જગ્યા પસંદ કરવામાં આવી.
આ જગ્યા કોઈપણને જોતા જ ગમી જાય. આ ગેસ્ટહાઉસ લગભગ નદીના કિનારે જ હતી. પાછળ જ ગંગોત્રીમાંથી નીકળતી ગંગા નદી પોતાના પુરજોશમાં વહી રહી હતી. અને કિનારો હોવાથી અહીં સળંગ ગેસ્ટહાઉસ બાંધવામાં આવ્યા હતા. અને વચ્ચે અમુક જગ્યાએ નદી સુધી પહોંચવાના રસ્તા આપવામાં આવ્યા હતા.
શ્રુતિ સૌપ્રથમ પોતાના રૂમમાં ગઈ અને ત્યાનું ગીઝર ચેક કર્યું. ચારધામ પર્વતોની વચ્ચે આવેલા હોઈ ત્યાં જૂન મહિનામાં પણ ઠંડક હતી. ઉપરથી પાછળની ગંગા નદીના પાણીનો સીધો ઉપયોગ ત્યાંના લોકો પોતાની રોજિંદી ક્રિયાઓમાં કરતા હતા. અને એ પાણી એક રીતે આપણા ફ્રીજના પાણી કરતા પણ ઠંડુ હતું. એટલે ગીઝરની આવશ્યકતા ત્યાં સૌથી વધુ હતું. એ વાત શ્રુતિ પોતાના ગંગોત્રીના ગેસ્ટહાઉસના અનુભવ પરથી શીખી ગઈ હતી. એ ચેક કરી એ તરત ફ્રેશ થઈ ગઈ અને નદીએ જવા તૈયાર થઈ ગઈ. હજુ સાંજના 6 વાગ્યા હતા અને આગળ જણાવ્યું તેમ પહાડોમાં સવાર જલ્દી પડે છે અને સાંજ મોડા પડે છે. એટલે હજુ એકદમ અંધારું નહતું. શ્રુતિ એનો પરિવાર, એની સાથે આવેલા એના પપ્પાના ભાઈબંધ એમનો પરિવાર, ઉપરાંત બસના બીજા અમુક ઉતારુઓ બધા ભેગા થઈને નદીકિનારે એ ઠંડા પાણી અને સમી સાંજની મજા માણવા લાગ્યા.
કલાક અથવા દોઢ કલાકનો સમય ત્યાં નદીના કિનારે ઠંડા પાણીમાં ક્યારેક પગ બોળી તો ક્યારેક એની સાથે સેલ્ફી લઈ અને કેટલોક સમય ગ્રૂપ ફોટા પડાવ્યા. આમ સમય પસાર થયો કે હવે 7:30 થતા બધા જ ગેસ્ટહાઉસ તરફ ફર્યા.
શ્રુતિ ધીમે-ધીમે પોતાની મમ્મીનો હાથ પકડી નદીથી ગેસ્ટહાઉસ તરફ જવાના પગથિયાં ચઢી રહી હતી. એની મમ્મીનું વજન અને શારીરિક સમસ્યાઓ વધુ હોઈ મોટાભાગે શ્રુતિ અને એના પિતા આ રીતે જ એની માતાનો હાથ પકડીને લઈ જતા. નદીથી ગેસ્ટહાઉસનું અંતર 500 થી 700 મીટરનું હશે. બધા લોકો આગળ નીકળી ગયા છતાં શ્રુતિ અને એના માતા-પિતા ધીમી ગતિએ આગળ જઈ રહ્યા હતા. કેટલોક સમય ચાલ્યા બાદ એ લોકો ગેસ્ટહાઉસ પર પહોંચ્યા. ગ્રાઉન્ડ ફ્લોર પર એના માતા-પિતાને એમના રૂમ પર મૂકી શ્રુતિ એના રૂમ પર પહેલા માળે ગઈ. એના આશ્ચર્ય વચ્ચે માસી વહેલા નીકળી ગયા હોવા છતાં રૂમ પર પહોંચ્યા નહતા. એણે દરવાજો ખોલ્યો અને અંદર ગઈ, બાથરૂમના દરવાજા સિવાય એક અન્ય દરવાજો ખોલી એ બહાર ગઈ. એ બાલ્કનીમાં ખૂલતો હતો. ત્યાંથી પાછળ વહેતી નદી અને એને સમાંતર રસ્તો ચોખ્ખો દેખાતો હતો. એ નજારો જોઈ ખુશ થઈ ગઈ. એટલાંમાં નીચે નજીકમાં જ શ્રુતિએ એના માસી અને વૉર્નિંગ માસીને વાત કરતા જોયા. એ લોકો ખૂબ ધીમે વાત કરી રહ્યા હતા એટલે કઈ સંભળાયું નહિ. પણ શ્રુતિની જિજ્ઞાસા વધી ગઈ. એમની વચ્ચે થતી વાતો જાણવાની.
સમય પસાર થયો અને શ્રુતિએ થોડો સમય પસાર કર્યો ત્યાં સુધી માસી પાછા રૂમમાં આવી ગયા હતા. શ્રુતિ એમની પાસે આવી અને બોલી, "આવી ગયા!! મને લાગ્યું જલ્દી નીકળ્યા છો નદીકિનારેથી તો તમે રૂમ પર જલ્દી પહોંચશો. મને તો ચાવીની ચિંતા થવા લાગી. પણ તમે તો મારા કરતાં પણ મોડા આવ્યા. ક્યાં રોકાઈ ગયા હતા???"
માસી આવીને સીધા પોતાની સાઈડના બેડ પર બેઠા, અને બોલ્યા, "એ તો તારા વૉર્નિંગ માસી મને એમની જીવનકથની સંભળાવી રહ્યા હતા."
"મતલબ.." શ્રુતિએ એમની તરફ આશ્ચર્ય પામતા પૂછ્યું.
માસી હસતા-હસતા બોલ્યા, "એ તો આપણને નદીએ જતા જોઈ એમને પણ આવવાની ઈચ્છા થઈ, પણ એમના પતિએ એમને આવવાની ચોખ્ખી ના પાડી દીધી. એટલે એ બસ જોઈ રહ્યા હતા."
શ્રુતિ બોલી, "માસી એ તો હશે એમને કઈક તકલીફ, થાક ના લાગે એટલે ના પાડતા હશે."
માસી તરત બોલ્યા, "અરે ના ના... એ તો એમ કહેતા હતા કે એમના ઘરવાળાની નજર બહુ સારી નથી. અને પોતાની પત્ની પર વ્હેમ પણ બહુ કરે છે. એટલે એને આવવા ના દીધી..."
શ્રુતિએ તરત પૂછ્યું, "આવું એ વૉર્નિંગ માસીએ કહ્યું???"
"હા હવે... હું થોડી બધું બનાવીને બોલવાની.. એટલે જ તો એ માસી તને ચેતવણી આપવા આવ્યા હતા..." એના માસી ગુસ્સે થઈ બોલ્યા.
"માસી આવા લોકો ચારધામ શુ કરવા જતાં હશે?? મનમાં પાપ અને ચહેરા પર ભક્તિ... કોને બતાવવા આવું કરતા હશે???" શ્રુતિ પણ ખૂબ ગુસ્સે થઈ ગઈ હતા.
"શાંત થા. થાય. દુનિયામાં આવા લોકો પણ હોય. આપણે એમની તરફ ધ્યાન નહિ આપવાનું." માસી શાંતિથી બોલ્યા.
આ બધી વાતચીત પુરી થઈ કે નીચેથી જમવા માટે બોલાવવા આવ્યા. એ બંને નીચે જઈ જમી આવ્યા. ઉપર આવી તરત એ લોકો સુઈ જ ગયા.
13 જૂન, 2019
શ્રુતિ સવારે 6 વાગ્યે ઉઠી, આજે એની મમ્મીનો જન્મદિવસ હતો. નિત્યક્રિયા પતાવી શ્રુતિ એની મમ્મીને શુભકામનાઓ આપવા ગઈ. ત્યારબાદ નાસ્તા પછી બસના બધા મુસાફર બહાર આવી ઉભા રહ્યા. હવે 7 વાગ્યે એમનો અહીંથી નીકળવાનો સમય હતો. શ્રુતિ બહાર આવી ત્યાં જ એને એક કાળું-ભૂરું મિશ્રિત રંગનું કૂતરું દેખાયું. એ એની પાસે ગઈ અને એને રમાડવા લાગી. કૂતરું ભૂખ્યું છે એ જોઈ એને બિસ્કિટ ખવડાવ્યા. પછી આવીને બસમાં પોતાની સીટ પર માસી સાથે બેસી ગઈ.
ઉત્તરકાશીથી ગંગોત્રી 85 થી 90 કિલોમીટરના અંતરે હતું. અને પહાડી રસ્તો હોઈ 1 કે 2 કલાકમાં કપાતું અંતર 3 કે 4 કલાક જેટલો સમય સહેજે લઈ લે છે. ગંગોત્રી જતા રસ્તામાં 45 કિલોમીટર પછી હર્ષિલ નામની એક જગ્યા આવે છે. જે એની પહાડોની ખૂબસૂરતી, ઝરણાં અને લીલોતરીને કારણે ખૂબ પ્રખ્યાત છે. અહીં અમુક રિસીર્ટ અને ટ્રેકિંગ સાઈટ પણ આવેલી છે. ચારધામ જનાર વર્ગ અહીં થોડા સમય પૂરતું રોકાઈ ત્યાંની ખૂબસૂરતી માણી આગળ વધે છે. શ્રુતિની બસ હર્ષિલ 9 વાગે પહોંચી. ત્યાં ઝરણાં અને પહાડના સંગમ અને આડાઅવળા રસ્તા વચ્ચે ઉભા રહી બધાએ ત્યાં ફોટા પડાવ્યા. 20-25 મિનિટના બ્રેક પછી પાછા બધા બસમાં આવી બેસી ગયા. અને આગળ ગંગોત્રી જવા ઉપડ્યા. દોઢ કલાકની મુસાફરી બાદ એ લોકો ગંગોત્રીના બસ પાર્કિંગમાં પહોંચી ગયા.
ગંગોત્રીનું વાતાવરણ ખુશનુમા હતું. ખૂબ તડકો કે ખૂબ વરસાદ નહિ. પણ પાર્કિંગમાંથી તો બીજું કેટલું જોઈ શકાય! અહીંથી મંદિર હજુ 500મીટર દૂર હતું. બસના અમુક લોકો ચાલતા જતા રહ્યા અને બાકીના ધીમે-ધીમે વધી રહ્યા હતા. પણ શ્રુતિની મમ્મીની શારીરિક પરિસ્થિતિ આટલું ચાલવા માટે સક્ષમ નહતી. અને ઉપરથી ત્યાંની પાતળી હવા - જેના કારણે 10 ડગલાં ચાલ્યા બાદ એમને શ્વાસ ચઢવા લાગ્યો.
પાર્કિંગમાંથી મંદિરમાં જવા માટે વહીલચેરની પણ સુવિધા હતી. તો શ્રુતિના પિતાએ એની મમ્મી માટે વહીલચેર કરવાનું વિચાર્યું. શ્રુતિ પાસે એની બેગપેક, એના પિતા પાસે પોતાની બેગપેક અને એ સિવાય શ્રુતિની મમ્મી વહીલચેર પર. એ ત્રણ ધીમે-ધીમે જઇ રહ્યા હતા. વહીલચેર ખેંચનાર માણસ આમ તો દુબળો-પાતળો હતો પણ એ આટલું વજન ખેંચવા સક્ષમ હતો. છેવટે એ લોકો વહીલચેર જ્યાં ઉતારે ત્યાં આવી પહોંચ્યા.
અહીંથી બે રસ્તા ફંટાતા હતા. એક બ્રિજ પર થઈને ભાગીરથી નદીને કિનારે જતો હતો જ્યારે બીજો એક નાનકડા બજારમાં થઈને મંદિર તરફ લઈ જતો હતો. "પહેલા મંદિરમાં જઉં છે." એમ વિચારી શ્રુતિ એની મમ્મીને લઈ મંદિર તરફ ગઈ. પાછળ એના પપ્પા ધીમે-ધીમે આવી રહ્યા હતા. મંદિર પાસે ગયા તો એમાં દર્શન કરવા માટે અલગ 500 જણની લાઇન. અહીં ઉભા રહીશું તો ક્યારે નંબર આવશે એમ વિચારી શ્રુતિના પપ્પાએ વી.આઈ.પી. ટીકીટ લેવાનું વિચાર્યું. 1100 રૂપિયાની એ ટિકિટમાં 6 જણ જઈ શકતા. પણ અહીં તો માસી સહિત 4 જણા જ થતા. છેવટે ભલે 4 તો 4. એમ માની એમણે ટીકીટ લઈ લીધી. અને 5 મિનિટમાં દર્શન કરી બહાર આવી ગયા.
બહાર મંદિર પાસે ફોટા પડાવ્યા બાદ એ લોકો નદીકિનારે જવા વિચાર્યું. મંદિરના મોટા મોટા બે પ્રાંગણ પસાર કરી છેવટે એ લોકો કિનારે આવ્યા. અહીંનો ઘાટ યમનોત્રી જેવો નહતો. અહીં ઘાટ બાંધેલો હતો. એટલે કે અહીં સિમેન્ટ અને પત્થરથી ઘાટનું બાંધકામ કરવામાં આવ્યું હતું. કેટલાક લોકો અહીં પોતાના પરિવાર અને પિતૃઓની શાંતિ માટે પૂજા કરાવતા. અને બાકીના કેટલાક અહીં નાહવાનો આનંદ માણી રહ્યા હતા.
ભાગીરથી નદી પહાડોમાંથી ઊછળતી કૂદતી નીકળી રહી હતી. અને અહીં આવી જાણે બંધાઈ ગઈ હોય એમ વર્તી રહી હતી. એનું પુરજોશમાં જતું પાણી એની મસ્તીનું વર્ણન કરી રહ્યું હતું. પણ આ મસ્તી કિનારા બંધાઈ જતા મર્યાદાની બહાર નીકળી શકતી નહતી. જાણે કે એક સ્ત્રીનું જીવન બતાવતી હોય. પિયરમાં જન્મ પછી અલહડ મસ્ત જીવન અને લગ્ન પછી કિનારા સાસરી સુધી બંધાઈ જાય એમ. એમાં પણ અહીં તો પૂજાપા અને અન્ય વસ્તુઓનો કચરો તો નદીમાં ભેળવાઈ જ રહ્યો હતો.
કિનારે બેઠા-બેઠા દૂર પહાડો તરફ નજર કરીએ તો લાગે કે સાક્ષાત ભાગીરથી અવકાશમાંથી શિવજીની જટા પર પડતી હોય. ત્યારબાદ પોતાનો રસ્તો બનાવી મનુષ્યોનો ઉદ્ધાર કરવા આગળ વધતી હોય. અહીંનો નજારો એવો હતો કે જો કલાકો સુધી બેસી રહો તોપણ સમયનું ભાન ન રહે. પણ પ્રવાસીઓ રોકાવા માટે નહીં ફરવા માટે યાત્રાઓ કરતા હોય છે. શ્રુતિ પણ એના પિતા અને માતા સાથે પૂજામાં ભાગ લઈ પ્રકૃતિનો સાક્ષાત્કાર કર્યો. નદીને નમન કરી, માથે પાણી ચઢાવી એ લોકો હવે ત્યાંથી નીકળ્યા.