રાતના 1:50 થયા કે આ પ્રવાસના મેનેજર મિ. શ્રીકાંત પ્રવાસના દરેક વ્યક્તિ જે રૂમમાં રોકાયા હતા, એમનો દરવાજો ખખડાવી આવ્યા અને બધાને સામાન સાથે નીચે આવવા જણાવ્યું. એક પછી એક બધા આવી ગયા. નીચે આવ્યા તો દરેકે જોયું કે 27 સીટની એક મીની લક્ઝરી સિવાય બીજી કોઈ બસ ત્યાં નહતી.
"હવે અહીંથી આપણે આ બસમાં આગળ જઈશું." બધાનો મુંઝવણ ભરેલો ચહેરો જોઈ મિ. શ્રીકાંત નજીક આવી બોલ્યા. એમણે જાતે જ બધાનો સામાન બસમાં મુકવામાં મદદ કરી. સામાન ખૂબ હતો, પણ વ્યવસ્થિત ગોઠવણથી બધો સામાન આવી શક્યો. છેવટે 2 વાગ્યે બસ ઉપડી અને બધા બસમાં જ જેમ-તેમ કરી સુઈ ગયા.
સવારે 7:30 વાગ્યે આંખ ખુલી તો એક નયનરમ્ય નદી રસ્તાની બાજુમાં દેખાઈ. શ્રુતિએ પૂછ્યું તો જાણમાં આવ્યું કે, એ નદી ગંગા હતી. હિન્દૂ ધર્મની સૌથી પવિત્ર માનવામાં આવતી નદી. જેનું જળ કદાચ દરેક હિન્દુના ઘરમાં મળી રહે. શ્રુતિ એને જોઈ રહી. આ નયનરમ્ય નજારો એ માણવા ઇચ્છતી હતી. એટલામાં બસ ઉભી રાખવામાં આવી. બધા નીચે ઉતર્યા.
મિ. શ્રીકાંત એમની નજીક આવ્યા અને એમનું નાનું સરખું ભાષણ શરૂ કર્યું, "જુઓ આપણે હરિદ્વાર પહોંચી ગયા છીએ. પણ અહીં રોકાવાનું નથી. આપણી હવે પછીની જર્ની નદીની સાથોસાથ ચાલતી રહેશે. આપણી 'ચારધામ યાત્રા'ની ખરી શરૂઆત ઋષિકેશ પછી થશે. હાલ અહીં આગળ એક પે&યુઝ છે. ત્યાં તમે સ્નાન વગેરે પૂરું કરી અહીં આવશો એટલે ચા-કોફી અને નાસ્તો તૈયાર મળશે. જલ્દી જાઓ અને જલ્દી પાછા આવો. અને હા એની જોડે જ ગંગા નદી પણ છે તો જેને નદીમાં નહાવું હોય એ પણ જલ્દી કરે."
એક પછી એક બધા એ બાજુ નીકળવા લાગ્યા. શ્રુતિ એના મમ્મી અને પપ્પાનો સામાન અને એક જોડ કપડાં લઈ ફટાફટ એ બાજુ ભાગી. બસમાં 26 પેસેન્જર હતા પણ બાથરૂમ અને સંડાસ ઓછા હોઈ બધાને થોડી રાહ જોવી પડે એમ હતી. શ્રુતિની મમ્મી અને પપ્પા પણ પોતાની બધી ક્રિયા પતાવવા અંદર ગઈ. એટલે સમય પસાર કરવા શ્રુતિ નદી આગળ ગઈ, બુટ કાઢ્યા અને ઠંડા પાણીમાં પગ મૂક્યો. હરદ્વારથી નજીક હતી આ જગ્યા, અહીં પણ એક સુંદર ઘાટ બનેલો હતો અને ઘાટની બીજી સીડી પાણીમાં ડૂબેલી હતી. એણે જેવો પાણીમાં પગ મૂક્યો કે એક ચીસ પડાઈ ગઈ એનાથી, "મમ્મીઇઈઈઈ........"
બધા આસપાસના લોકો એની સામે જોવા લાગ્યા, અને શું થયું છે એ જાણવા એના માસી નજીક આવ્યા.
"શ્રુતિ, શુ થયું???"
"કઈ નહિ માસી આ પાણી.... સસસસસ બહુ ઠંડુ છે."
ફરીથી પાણીમાં પગ નાંખતા એના મોંમાંથી એક સિસકારો નીકળી ગયો.
"તું તો બહુ પોચી નીકળી, જો આમ પગ મુક. થોડીવાર પછી તને કઈ જ નહીં થાય."
શ્રુતિ એના માસીને જોઈ રહી, હાલ આવ્યા હતા તો પણ એમના પગે એવી કોઈ ઠંડક કે બીજી કંઈ અસર થઈ નહતી. આટલું ઠંડુ પાણી હોવા છતાં એ એટલા આરામથી બેઠા હતા કે જાણે કઈ જ ન હોય. શ્રુતિએ ત્રીજો પ્રયત્ન કર્યો. પણ એ 30 સેકન્ડથી વધુ સમય માટે પાણીની અંદર પગ ન મૂકી શકી.
ત્યારબાદ આવ્યો ફોટોસેશનનો ટાઇમ. પાણી ઠંડુ તો હતું જ. પણ ફોટો પડાવવાની તક થોડી જતી કરાય... પાણીને નમન કરતા અને માથે જળ ચઢાવતા ઘણા-બધા ફોટોસ લીધા એ બંન્નેએ. ત્યારબાદ વારો આવ્યો શ્રુતિના મમ્મી-પપ્પાનો. સેમ પોઝ લઈ એણે એ બંનેના ફોટા પાડ્યા. અને એ બધા એના ભાઈને મોકલી આપ્યા.
જ્યારે બધા ફ્રેશ થઈ બસ નજીક આવ્યા. ત્યાં સુધીમાં ચા અને નાસ્તો તૈયાર કરી દેવામાં આવ્યો હતો. બધાનો નાસ્તો થઈ ગયો હતો પણ શ્રુતિ એના મમ્મી - પપ્પાને બધું પૂરું પાડવામાં રહી એટલે એમા મોડું થયું અને એ સૌથી છેલ્લે ચા પીવા બેસી. એ હજુ ચા અને નાસ્તો કરી રહી હતી, એટલામાં એના બસનો ડ્રાઈવર કોઈને સંભળાવી રહ્યો હોય એવું એને લાગ્યું. એણે એ તરફ નજર કરી. એ બીજી કોઈ બસના ડ્રાઈવર પર ખિજાઈ રહ્યો હતો, "ક્યાં બે, ઇતના પાની કયો બરબાદ કર રહે હો, માલુમ ભી હે પાની કિતના મહંગા હૈ. ચલ અબ નલ-વલ સબ બંદ કર. બાલટી મેં પાની લે ઔર બસ સાફ કર."
એ ભાઈ સમજી ગયો ને એમ જ કર્યું. પછી એ શ્રુતિ તરફ ગયો ચા પીવા માટે, ચા ની કીટલી અને નાસ્તાની ડિશ એની બાજુમાં જ મુકવામાં આવી હતી. બાજુમાં જ એના પપ્પા ઉભા હતા. એમણે એ ડ્રાઈવરને એટલા ગુસ્સાનું કારણ પૂછ્યું તો એમણે કહ્યું, "અરે હમ ભી ઘાટી મેં હી પેદા હુએ હૈ લેકિન કામ કી વજહ સે દિલ્હી જાના પડા. ઔર વહા પે પાની કે હાલાત તો આપ કો પતા હી હૈ. બસ અબ જભ ભી કિસી કો એસે પાની બરબાદ કરતે દેખતા હું તો ઉસકો સુના દેતા હું."
આ પરથી શ્રુતિ અને એના પપ્પાને એક વાત તો સમજાઈ ગઈ કે જ્યારે કોઈ વસ્તુની અછતમાં જીવીએ ત્યારે જ એનું અસલી મૂલ્ય સમજાય છે.
ચા-નાસ્તો પૂરો થયા બાદ બધા બસમાં બેઠા. અને બસ હરદ્વારથી ઉપડી. ત્યારબાદ 15 વર્ષથી બનતા પુલને કારણે વાહનવ્યવહાર ખોરંભે ચઢ્યો ને હરદ્વારથી નીકળતા જ 10:30 થઈ ગયા. આટલું ઓછું હોય એમ હરદ્વારમાં હજુ ગરમીને કારણે બધાનો હાલ બેહાલ થઈ ગયો. એમની બસ 5 કે 10 મીટરથી વધુ ખસી રહી નહતી. અને એનો લાભ કેટલાક ફળો વેચવાવાળા ઉઠાવી રહ્યા હતા. ન્યૂઝપેપરથી બનેલી નાનકડી ટોકરીમાં પીચ, સ્ટ્રોબેરી અને રાસબરી વેચી રહ્યા હતા. આવા ટ્રાફિકમાં બીજા ઘણા લોકો ફસાયા હોવાને કારણે એમનો મોટાભાગનો સામાન વેચાઈ ગયો.
ટ્રાફિક વટાવી બસ થોડી આગળ નીકળી કે ઋષિકેશ બાયપાસ થવાના રસ્તે એક ઢાબા પર ગાડી રોકવામાં આવી. પ્રવાસ મેનેજરને ખાવાનું બનાવવા માટે આ સૌથી યોગ્ય જગ્યા લાગી અને આગળનો એક કલાક બધાએ અહીં જ વિતાવ્યો. આજુબાજુ જંગલ, એક કાળો ડબલ રોડ, ઉપર ઋષિકેશ જતો બ્રિજ અને આ જ લોકેશન પર આ નાનકડી હોટેલ કમ ઢાબા. અહીં બહાર વાસનો મંડપ બનાવી એમાં જ કસ્ટમર માટે બેસવાની વ્યવસ્થા કરાઈ હતી. આવી જગ્યામાં સમય ક્યાં વીતી ગયો ખબર જ ન પડી. જમવાનું પત્યું કે પાછા બધા બસમાં બેસી ગયા.
બપોરે 2 વાગ્યે દેહરાદૂન પહોંચ્યા. આમ તો દેહરાદૂન વિશે એમ લાગે કે વનાચ્છાદિત અને ગુલાબી ઠંડીવાળું શહેર. પણ અહીંનો નજારો કંઈક અલગ હતો. રોડ બની રહ્યો હતો એટલે ધૂળ-માટીવાળું વાતાવરણ અને જંગલ તો દૂર પણ એક ઝાડ જોવું મુશ્કેલ થઈ જાય એવું શહેર લાગ્યું. એની માટે એવું કહેવાતું કે ગરમીની રજાઓમાં બ્રિટિશરો અથવા આપણા મોટા રાજા-મહારાજા કે ઉદ્યોગપતિઓ ત્યાંની ઠંડક માણવા જતા. પણ અહીં એ ઠંડક કે શાંતિ ન મળી. જે મળ્યું એ માત્ર ત્યાંનો 'વિકાસ' જ હતો. એ પસાર થયું કે હવે પહાડોની ખરી મજા શરૂ થઈ.
પહાડી રસ્તાઓ વાહ.... દૂરદૂર સુધી માત્ર પહાડો જ દેખાઈ રહ્યા હતા. ઊંચા-ઊંચા પહાડો એની પર છવાયેલી ધૂમમ્સ, સર્પાકાર રસ્તાઓ અને એ પણ ફક્ત બે ગાડીઓ સામસામે જઈ શકે એવો. હવે બધાને ખબર પડી કે કેમ અહીં આવવા માટે જ આ નાની બસની વ્યવસ્થા કરવામાં આવી!
એક રીતે અહીં શાંતિ હતી પણ બીજી રીતે ઘોંઘાટ. કોઈ પણ વળાંક આવે કે બસ.... તરત જ ડ્રાઈવર હોર્ન વગાડવા લાગે કે જેથી સામેથી બીજી કોઈ ગાડી આવતી હોય તો તરત એ ચેતી જાય. આ જ સિલસિલો ક્યાંય સુધી ચાલ્યો. સર્પાકાર રસ્તો હોવાને લીધે ઘણા લોકો હેરાન થઈ રહ્યા હતા. આ રસ્તાઓને કારણે એમને ઉલટી કરવાની ઈચ્છા જાગી રહી હતી. આ વખતે શ્રુતિ અને એના પરિવારને આવા પ્રવાસનો અનુભવ હોઈ એમણે અગાઉથી જ આવા સેન્સેશન ન થાય એ માટેની ગોળીઓ લઈ લીધી હતી.
દહેરાદુનથી યમનોત્રી 182 કિલોમીટરના અંતરે છે પણ એમાં જ આખો દિવસ જવાનો હતો. સાંજના લગભગ 6:30 જેવા થયા હતા તેમ છતાં હજુ યમનોત્રી ઘણું દૂર હતું. અને છેક હવે યમનોત્રી અને ગંગોત્રીનો જે એક રસ્તો હતો એ અલગ થયો. ત્યાંથી થોડાક આગળ ગયા તો બધાને જ એક અદભુત અને ડરામણો નજારો જોવા મળ્યો. એમના રસ્તેથી ડાબી બાજુની ખીણ પછી એક ઊંચો ગગનચુંબી પહાડ હતો. એ પહાડના જંગલમાં ટોચ પરથી છેક તળેટી સુધી આગ લાગી હતી. ખૂબ ભયાનક આગ હતી એ. એકબાજુ ઢળતો સૂરજ અને બીજી બાજુ આટલી મોટી આગ. રાત ઢળી ચુકી હોવા છતા આગના કારણે દિવસ જ લાગી રહ્યો હતો. આ નજારો ઘણા લાંબા સમય સુધી લોકોએ જોયો. કઈ નાની-સુની આગ હોત તો કદાચ બુઝાવી શકત અથવા એનાથી દૂર જઈ શકાત. પણ અહીં એ શક્ય નહતું. આ કારણોસર રસ્તો જેટલા પણ સર્પાકાર વળાંકો લઈ લે, છેવટે તો એ લોકો એ પહાડની નજીક જ જઈ રહ્યા હતા.
શ્રુતિ પ્રકૃતિનું આ ભયાનક સ્વરૂપ પ્રથમવાર જ નજરે જોઈ રહી હતી. માત્ર સમાચારમાં જોયેલી વસ્તુઓ આજે હકીકત બની એની સામે ઉભી હતી. અહીં ફરવાની, પહાડોમાં લીલોતરી, સર્પાકાર રસ્તાઓ પર દૂર-દૂર ખોવાઈ જવાની..... એની ભ્રમણા એક વાસ્તવિક સ્વરૂપ લઈ ઉભી હતી. અહીંની ભયાનકતા અને કુદરતનું રૌદ્ર રૂપ હવે શ્રુતિએ જોયું. ચારધામની આ યાત્રા હજુ કેટલું બતાવે છે એ હજુ જોવાનું બાકી જ છે.....
('ડુંગરા દૂરથી રળિયામણા' આ કહેવત આપણે સૌ જાણીએ છીએ અને શ્રુતિ હાલ એ માણી રહી છે. હજુ તો ઘણું એવું છે જે જાણવાનું બાકી છે આ પહાડો વિશે,
પ્રકૃતિ વિશે..... બસ જેમ-જેમ આગળ જઈશું તેમ તમે પણ આ વાર્તા સાથે પોતાને સાંકળતા જશો. બસ આગળના પ્રકરણનો થોડોક ઇંતેજાર.....)