અનોખીની ડાયરી
- રુચિતા ગાબાણી
તારીખ : 2-3-2012 સમય : 11:02 pm
ફેસબુક પર રોજની જેમ હું ન્યૂઝ ફીડ જોઈ રહી હતી અને અચાનક કોઈ "શ્યામ પટેલ" નો "હેલ્લો" કરીને મેસજ આવ્યો, જે મારી માટે સાવ અજાણ્યો હતો.. આ શ્યામ એટલે બીજું કોઈ નહીં તારી જ વાત કરું છું પાગલ.
હું પણ ક્યારની બોર થતી હતી, એટલે થયું ચાલને જોઉ કોણ છે આ મહાશય?
પ્રોફાઈલ જોઈ તો કોઈ મ્યુચલ ફ્રેન્ડ નહીં.
પ્રોફાઈલ પીક્ટચર ધ્યાનથી જોયો ગોરો, લાંબો (એવું ફોટામાં તો લાગતું હતું), બિલાડી જેવી આંખો વાળો (મને થોડી ઓછી ગમે એવી આંખો), આદિત્ય રોય કપૂર (હા હા આશીકી 2 વાળો) જેવા વાંકડિયા વાળ (એ મને ગમે હો), લાબું નાક, હેન્ડસમ કહી શકાય એવો છોકરો મસ્ત પોઝ મારીને ઉભો હતો.
ફોટો જોઈને દિમાગ પર ઘણું જોર આપ્યું પણ સાલું યાદ જ ન આવ્યું કે હું આટલા સરસ છોકરાને ઓળખું છું ખરી? અને જો નથી ઓળખતી તો મારા જેવી માપસર દેખાતી આ સામાન્ય છોકરીને આ છોકરાએ કેમ મેસેજ કર્યો હશે?
ડાઉટ તો ક્લીઅર કરવો જ પડે એમ હતો એટલે થયું લાવ ને તને જ મેસેજ કરીને પૂછી લઉ કે ભાઈ યે ગલતી સોચ-સમજ કે કી થી યા અનજાને મેં હોગઈ?
એટલે મેં તને મેસેજ કર્યો, "શું હું તમને ઓળખું છું?"
તમે પણ હતા સ્વભાવે મારી જેમ મજાકિયા એટલે જવાબ તો સીધો ક્યાંથી આપો..એટલે જ તો તે કહી દીધું, "ના, હું કોઈ સેલિબ્રિટી નથી કે તું મને ઓળખતી હોય, પણ વાત નહીં કરે તો ઓળખીશ પણ કઈ રીતે?"
મને હસવું આવ્યું, અને વાત કરવાનો રસ પણ જાગ્યો કે કંઈક તો વાત છે આ વ્યક્તિમાં. એટલે મેં હસવાવાળા સ્માઈલી સાથે લખ્યું કે, "આય ડોન્ટ એડ ઔર ટોલ્ક ટુ સ્ટ્રેનજર."
પણ તારી પાસે મારી દરએક વાતનો જવાબ હતો, "અજાણ્યા સાથે વાત નથી કરતી, તો તો તારે એક પણ ફ્રેન્ડ નહીં હોય, સો યુ ડેફીનેટલી નીડ અ ફ્રેન્ડ લાઈક મી અનોખી."
વાહ.. અનોખી ગુજરાતી તો ખરેખર ઇમ્પ્રેસ થઈ ગઈ. આવું મોઢા પર સ્માર્ટલી કહી દે એવી વ્યક્તિ ગમે મને.
એકબીજાની પ્રાથમિક ઓળખાણ પછી ખબર પડી કે તું MCA કરવાની સાથે નોકરી શોધી રહ્યો છે અને વડોદરામાં રહે છે. મેં હજી તારી રિક્વેસ્ટ એક્સેપટ નહતી કરી, થયું થોડું તને જાણી અને સમજી લઉ પછી જોશું.
પછી તે મને મારા વિષે પૂછ્યું, એટલે મેં પણ કહ્યું કે, “મેં પણ તારી જેમ BCA કર્યું છે. હાલ તો આગળ ભણવાનો ઈરાદો નથી પણ કોઈ કોર્સ કરવાનો વિચાર છે.”
તું તો જાણે આપડે એકબીજાને વર્ષો થી ઓળખતા હોઈએ એમ મારી સાથે મજાક મસ્તી કરવા લાગ્યો. “ઓહો, તો મેડમ પોતાના સપનાના રાજકુમાર અર્થાત હસબન્ડની રાહ જોવાની તય્યારી કરવા લાગ્યા લાગે છે.”
મને એક બાજુ હસવું આવતું હતું ને શું જવાબ આપું એ સમજાતું નહતું.
મેં પણ જે હતું એ કહી દીધું કે, “હું રહી સીધી સાદી દેખાતી, ચશ્માં પાછળ છુપાતી એક કોમન ભૂરી આંખો વાળી છોકરી. અમે કાંઈ રાજકુમારના સપના ના જોઈએ.”
પછી તો એકબીજાને એકબીજાથી ચઢિયાતા જવાબ આપવાની હોડ લગાડ્યા સિવાય આપડી કાંઈ ખાસ વાત ના થઈ પણ હા મને તારામાં રસ ચોક્કસ જાગ્યો..
તારીખ : ૩-૩-૨૦૧૫ સમય : ૧૨:૧૩ am
તું કંઈક અલગ હોઈશ એવું લાગે છે મને. એટલે તો જોને તારા વિષે ડાયરીમાં લખવાનું શરુ કરી દીધું મેં. મને મનમાં એવી ફીલિંગ આવે છે કે તું અજાણ્યો નથી રહેવાનો, કઈક તો થશે જ. એટલે હું આ બધી પળોને યાદ રાખવા માંગું છું, એટલે ફક્ત તારી વિષે લખું ડાયરીમાં એવું નક્કી કર્યું છે મેં.
આજે હું રાહ જોતી હતી કે તારો મેસજ આવશે. સામેથી મેસેજ કરવાની હિંમત ના થઈ અને થોડું અજીબ પણ લાગ્યું.
બપોરે ત્રણ વાગે મારો ફોન વાયબ્રેટ થયો, તારો મેસેજ હતો. હું ખુશ થઈ. થયું કે તરત રીપ્લાય કરું. પણ ના...આય ડીડન્ટ વોન્ટેડ ટુ સાઉન્ડ ડેસ્પરેટ યુ નો..હાહાહા.
થોડી મિનીટ રાહ જોઇને તને રીપ્લાય કર્યો. આમ તેમ ભણવા અને રહેવા વિષે વાતો થઈ.
તું ને હું કેટલા સરખા છીએ યાર. સરખી જ ઉમરના. એક સરખું મતલબ કે તે પણ BCA કર્યું છે અને મેં પણ. તને પણ મ્યુઝિક અને ગરબા નો શોખ છે અને મને પણ. અને આપડે ઉમરમાં પણ સરખા. કોઈ આટલું બધું સરખું હોઈ શકે ખરું?
(હું કાંઈક વધારે પડતું જ વિચારુ છું ને?? હાહા. શું કરું સ્વભાવ છે મારો. આવું તો લગભગ દરેક ગુજરાતીને ગમતું જ હોય, એમાં શું સરખા.)
અરે હજી તો હું તને સરખું ઓળખતી પણ નથી અને આપડે વાત કરીએ છીએ એનો પણ બીજો જ દિવસ છે અને તે મને તારો ફોન નંબર આપી દીધો. અને સાથે એમ પણ કહે છે કે, “તું જયારે ઈચ્છે ત્યારે મને કોલ કરી શકે છે.
મને તો સાચું કહું ઘણી નવાઈ લાગી. કોઈ અજાણ્યા ને હું ફેસબુક જેવી જગ્યા એ એડ પણ ના કરું અને તું તો સાવ આમ નંબર જ આપી દે છે.
પણ તે મારો નંબર ના માંગ્યો એ વાત ગમી મને. એમ થયું, ચાલો છોકરો થોડો હરખ પદુડો છે, પણ લાઈન મારે એવો નથી. હાહા. એટલે જો આપડે સારા મિત્રો બની ગયા, તો ક્યારેક તને હું કોલ કરવાનું વિચારી શકું ખરા.
એ..આટલા વખાણ કાર્ય એમાં ઉડવાની જરૂર નથી, મેં કઈ તારો નંબર સેવ નથી કર્યો. માંગી લઈશ ક્યારેક જરૂર પડી તો.(એમ આપણને શરમ નાં આવે હો.)
તારીખ : ૫-૩-૨૦૧૫ સમય : ૨:૧૦ pm
આજે તો તે મારા ડીપી પર પણ કમેન્ટ કરી હતી. એ મારો પોતાનો સૌથી ગમતો ફોટો છે.
તારી કમેન્ટ હતી, “વાઉ, મસ્ત લાગે છે.” બસ આ જ વાત ને મેં ખેચી. (શું કરું? તારી સાથે વાત તો કરવી હતી પણ ટોપીક નહતો.)
એટલે મેં તને મેસેન્જરમાં મેસેજ કર્યો, “શું ખોટા વખાણ કરે છે?”
“વખાણ તો કરવા જ પડે ને. કદાચ મારી કમેન્ટ વાંચીને ચાર છોકરા વધારે તય્યાર થઈ જાય તારી સાથે લગ્ન કરવા. “ (ઉફ્ફ.. તું અને તારા જવાબો.)
મેં પણ કહી દીધું, “એ..હું કઈ હાથમાં વરમાળા લઈને, પાનેતર પહેરીને નથી બેઠી કે કોઈ આવે ને એને વરમાળા પહેરાવી દઉ અને એમ પણ મારા પર લાઈન મારે એવા ખરાબ દિવસો નથી આવ્યા છોકરાઓના.”
તું છે તો દિલ નો સારો જ, તરત જ આટલી નાની વાતમાં પણ મને મોટીવેટ કરવા લાગ્યો, “અરે તું આટલી સરસ તો દેખાય છે. ભૂરી આંખો, જે ચશ્માં પાછળ હોવા છતાપણ તારા મનની વાત કહી શકે, અણિયાળા દાંત, નાનું એવું નાક, મસ્ત લાંબા કાળા વાળ. કોઈપણ લગ્ન કરવા તય્યાર થઈ જશે.”
મેં પણ હસતા હસતા તારી ખેચવાનો ચાન્સ ના મુક્યો, “બાપરે, તું તો જો પણ..આટલા બધા ધ્યાનથી ફોટો જોયો છે તે મારો? કે મસ્કા લગાવવામાં એક્ષ્પર્ટ છે તું? કે લાઈન મારે છે? લોલ.”
તે પણ મજાકમાં સાથ પુરાવ્યો, “તું કહેતી હોય તો આવી જાવ ઘોડી પર બેસીને??”
“ફેસબુકની રીક્વેસ્ટ શું એક્સેપ્ટ કરી તું તો માથે ચડી ગયો. હા મેં તારા પેલા બાથરૂમ સેલ્ફી (હા પેલા શર્ટલેસ ફોટાની જ વાત કરું છું.) પર “સેક્સી” કમેન્ટ કરેલી પણ તોય હું તારી સાથે લગ્ન તો નહિ જ કરું.” મેં કહ્યું હતું.
તારીખ : ૭-૩-૨૦૧૫ સમય : ૨:૩૦ am
આજે તો જોને આપડી એટલી બધી વાત થઈ કે રાતના ૨:૩૦ વાગે હું ડાયરી લખી રહી છું. ભલેને મોડું થયું તોપણ ડાયરી તો લખવી પડે એમ જ હતી કારણકે મારી લાઈફમાં પહેલીવાર મેં કોઈ છોકરા સાથે આટલી મોડે સુધી અને આટલી બધી વાતો કરી. નહિ તો આપડે તો દસ વાગે ત્યાં ઊંઘી ગયા હોઈએ.
મજા પણ એટલી આવી તારી સાથે વાત કરવાની કે આ પળને યાદ રાખવી પડે એમ જ હતી. (પછી ભલે ને સવારે મમ્મીએ મને બુમો પાડીને જગાડવી પડે.)
તારો સેન્સ ઓફ હ્યુમર જબરદસ્ત છે હો. હું તો રોજ ને રોજ ઈમ્પ્રેસ થતી જ જઉ છું તારાથી. દરેક વિષયનું તને જબરું જ્ઞાન છે. તારી સાથે કોઈ વાત કરીને કંટાળી જ નાશકે કારણકે તારી પાસે જાત-ભાતની વાતોનો ભંડાર છે. કોમેડી પણ એટલી જ કરે. ૨ ઇન ૧ છે. હસાવા સાથે જ્ઞાન ફ્રી ફ્રી ફ્રી.
તારી સાથે હવે કઈક અલગ જ કનેક્શન જેવું ફિલ થાય છે. તું પાક્કું હવે અજાણ્યો નથી રહેવાનો. કઈક તો થશે જ. (સારું કે ખરાબ એ તો હવે રામ જાણે.)
ગમે તે થાય. એકવાર તને રીઅલમાં મળવું તો છે જ.
તારીખ : ૨૧-૩-૨૦૧૫ સમય : ૯:૩૧ pm
હવે તો દરરોજ આપડી ઘણી બધી વાતો થાય છે. સાચું કહું તો મને હવે તારી સાથે વાત કરવાની આદત પડી ગઈ છે. તારો મેસેજ ના આવે તો હું રાહ જોયા કરું. અને એટલે જ હવે ડાયરી લખવાની ઈચ્છા પણ નથી થતી અને સમય પણ નથી રહેતો.
આ ડાયરી આમ તો હું મારી માટે જ લખું છું. હું જલ્દી મિત્રો ના બનાવી શકું. એટલે હમેશા કોઈ એક જ વ્યક્તિ હોય મારી લાઈફમાં અને એની જ આજુબાજુ હું મારી દુનિયા ગોઠવી દઉ. પણ મારા નસીબ એટલા ફૂટલાં કે એ વ્યક્તિ ગમે તે કારણથી મારાથી દુર થઈ જ જાય. પણ સારી વાત એ થાય કે કોઈક જાય તો કોઈક આવે પણ ખરું.
પણ કોઈ નવું આવે ત્યાં સુધી મારી પાસે રડવા સિવાય કઈ કરવાનું જ ના રહે. એટલે જ મેં તારા વિષે ડાયરીમાં લખવાનું શરુ કર્યું. આમ તો આખી ડાયરીમાં ખાલી તારી અને મારી જ વાત હશે .કારણકે મને ખબર છે મારા જુના અનુભવોને લીધેથી તું પણ ક્યારેક જતો જ રહીશ. ત્યારે હું આ ડાયરી વાંચીને હસી લઈશ અથવા રડી લઈશ. તું ખાસ છે યાર મારા માટે. એક્દમ જ નવો અનુભવ. એટલે તો મને આવું કરવાની ઈચ્છા થઈ.
ઓહ હા, લખવાનું જ ભૂલી ગઈ. હવે તો આપડે બહુ સારા ફ્રેન્ડસ..અમં ના ના..બેસ્ટ ફ્રેન્ડસ બની ગયા છીએ.
તું છે જ બેસ્ટ ફ્રેન્ડ બનાવવાને લાયક .હા...તું ફલર્ટ કરે છે પણ મને ખબર છે તું મજાક કરતો હોય છે. લીમીટ પણ ક્રોસ નથી કરતો. તને ખાલી નવા નવા અલગ રીતે ફ્રેન્ડ બનાવવાનો શોખ છે. પણ ફ્રેન્ડ બનાવીને મૂકી દે એવું નહિ. દોસ્તી નિભાવવી પણ જાણે છે. એટલે જ તો તું મારો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો. વાઉ...મારી જિંદગીનો પેહલો મેલ બેસ્ટ ફ્રેન્ડ.
હું ખુબ જ ખુશ છું યાર. બસ થોડા જ દિવસ થયા છે અને હું તારી સાથે એટલી બધી કમ્ફર્ટેબલ થઈ ગઈ કે બિન્દાસ તારી સાથે મારી તકલીફો અને મનની વાત કહી શકું છું. ઓકે, મનની વાત એટલી બધી નથી કહી શકતી પણ બીજા સાથે કરું એની કરતા ઘણી બધી વાતો તારી સાથે શેર કરી શકું છું.
હું બહુ જ ખુશ છું કે તું મારી લાઈફમાં આવ્યો. આય લવ યુ. શીટ. ના ના ઓય.. રુક એવું બધું કશું નથી. ખોટા વિચારે નહિ ચઢી જતો. આ તો નોર્મલી આપડે પેરેન્ટ્સ ને કે ફ્રેન્ડ ને કહીએ એવું લવ યુ કહું છું તને.
હવે તો તું ફ્રેન્ડ હોવાના હકથી ઘણીવાર કહે છે કે ક્યારેક ફોન તો કર. પણ જોને મને ડર લાગે છે. અરે મેસેજમાં તો મારી પાસે વિચારીને રિપ્લાય કરવાનો સમય હોય. અને ફોનમાં તો એટલો સમય ના મળે ને.
એમાં પાછો તું રહયો જબરો હોશિયાર, તારી સામે પોતાનું પોપટ કરતા પણ બીક લાગે. પણ તું ચિંતા નહિ કર ક્યારેક હું સ્પ્રાઈટ પીને, હિંમત ભેગી કરીને તને કરીશ ફોન. સ્પ્રાઈટ એટલે ક્યુકી ડર કે આગે જીત હે. બકવાસ જોક હતો ને? ભલે..સહન કરી લે.
તારીખ : ૨૨-૩-૨૦૧૫ સમય : ૧૦:૨૭ pm
હદ છે યાર. કેવો છે તું? ગુંડા જેવો. એટલો બધો ગુસ્સો આવે છે ને તારા પર કે સામે હોત તો એક લાફો મારી દીધો હોત. હજી તો કાલે જ મેં મારા ફોન પર તારી સાથે વાત ના કરી શકવાના કારણ વિશે કહ્યું અને આજે તે આવું કર્યું.
શું કર્યું? એવું પૂછીને અજાણ્યા બનવાની જરૂર નથી. તું બહુ હોશિયાર હોય તો થોડી હોશિયારી આવી વાતો યાદ રાખવામાં પણ વાપર.
મને મેસેજ કરીને કહે છે કે, “સાંભાળ, મને કેન્સર છે અને હું ૬-૭ મહિનામાં જ કદાચ મરી જઈશ.”
હું તો સાવ શોક્ડ જ થઈ ગઈ. ના હોય. સાચ્ચે? એક મિનીટ તો હું વિચારતી રહી કે તું મરી જવાનો છે. પણ પછી યાદ આવ્યું કે તું અને તારો દરેક વસ્તુમાં મજાક કરવાનો સ્વભાવ. પાક્કું તું મજાક જ કરતો હોઈશ. તું એમ કઈ મરે એવો નથી.
પછી મને પણ થયું કે લાવ તો તારી બેન્ડ વગાડું. તને ફોન કરીને કઈક એવી મજાક કરું કે તારી ફાટી રહે.
ભલે હું મેસેજમાં તને મારફાડ જવાબ આપતી હોઈશ પણ તને શું ખબર કે ફોન અથવા રીઅલમાં વાત કરવામાં મારી શું હાલત થાય છે. સાલું સૌથી પહેલા તો એજ ખબર ના પડે કે વાત કરતી વખતે સામેવાળી વ્યક્તિના ચહેરાના કયા ભાગ સામે નજર રાખવી? આંખ, નાક કે હોઠ? કે બીજે ક્યાય? હાહાહા. એકધારું સામે જોતું રહેવું બીજાની ખબર નહિ પણ મને ઓડ લાગે. (આઉટ ઓફ ટ્રેક જતી રહીને? ભલે. એડજસ્ટ કર ચુપચાપ.)
હા તો મેં પહેલાની ચેટમાંથી ભારે મહેનત કરીને તારો નંબર શોધ્યો. નંબર લગાડતા પહેલા થોડું વિચાર્યું, શબ્દો ગોઠવ્યા કે શું કહીશ? કેવી રીતે કહીશ.
નંબર ડાયલ કર્યો. રીંગ વાગી. ધક ધક થતું હતું. ડર લાગતો હતો કે હું તારી બેન્ડ વગાડીશ કે મારી જ બેન્ડ વાગશે. માનું છું કે તું બેસ્ટ ફ્રેન્ડ છે હવે મારો, તોપણ પહેલીવાર અવાજ સાંભળવાની હતી તારો, ડર તો લાગે જ ને.
કોલ રીસીવ થયો. સામેથી તારો “હેલો” નો જવાબ સંભળાયો. (ના રે..પેલા બાથરૂમવાળા ફોટા જેવો સેક્સી અવાજ નથી તારો. હીહી.)
ખબર હતી કે તારી પાસે મારો નંબર તો છે નહિ, બેસ્ટ ફ્રેન્ડ બની ગયા છતાપણ તે ક્યારેય મારો નંબર નહતો માંગ્યો. કેટલું મસ્ત ને? (સંસ્કારી છોકરો. લોલ.)
હા તો તે કોલ રીસીવ કર્યો અને હેલો કહ્યું. હું તો મારો પ્રેંકવાળો વિચાર જ ભૂલી ગઈ તારો અવાજ સાંભળીને અને બીજું જ કાંઈક કહ્યું, “કહે તો જરા, હું કોણ બોલું છું??”
તું પણ મારી સાથે પહેલીવાર જ વાત કરતો હતો એટલે અંદાજ તો ક્યાંથી હોય કે મેં ફોન કર્યો હશે, પણ કદાચ તારા ફ્રેન્ડસ આવી રીતે અજાણ્યા નંબરથી મજાક કરતા હશે એટલે તે તારા કોઈ ફ્રેન્ડના વહેમમાં કહી દીધું, “હશે કોઈ મારી દીવાની.”
મારું હસવાનું હું રોકી ના શકી, “તું અને તારી હોશિયારી. અનોખી બોલું છું.”
ભલે મને દેખાતું નહતું પણ હું તારા એક્સપ્રેશનને અનુભવી શકી. તારા ચહેરા પર સ્માઈલ આવી ગઈ, “વઓહ..હાય અનોખી, શું કરે છે? છેવટે તે કોલ કર્યો ખરા.”
અને મેં સીરીઅસ થઈને પૂછ્યું, “શું કરે છે શું? તું મરવાનો છેને?? શું છે આ બધું?”
તું અને તારા નાટક એમ થોડી બંધ થાય. “હા નહિ, હું તો મરવાનો છું. મારે આવી રીતે ખુશ થોડી રહેવાય. તારી જેમ ઉદાસ થઈને ફરવું પડે.”
હું પણ તારા નાટકમાં કઈ ફસાઉ એમ નહતી એટલે તારે હાર માનવી જ પડી ને તે જ છેવટે વાત પતાવતા કહ્યું, “હા ભાઈ, નથી મરવાનો હું. બસ તને બાટલીમાં ઉતારવાની કોશિશ કરતો હતો. પણ અનોખી જેનું નામ, એમ થોડી કઈ બાટલીમાં ઉતરે.”
ચાલને સારું જ થયું, આ મજાકને લીધેથી આપડી ફોનમાં વાત તો થઈ. એ દિવસે પણ હું ખુબ જ ખુશ થએલી. આમ તો તારી સાથે ફ્રેન્ડશીપ થયા પછી હું ખુશ જ રહું છું. કેવું મસ્ત અને કાંઈક અલગ થઈ ગયું ને મારી સાથે.
મને હમેશા એવી ઈચ્છા હતી કે આવું ક્યારેક, ક્યારેય વિચાર્યું ના હોય એવું થાય મારી સાથે. અને ભગવાને તને મોકલ્યો મારી લાઈફમાં. કેવા મસ્ત ફ્રેન્ડસ બની ગયા આપડે.
તારીખ : ૫-૪-૨૦૧૫ સમય : ૧૧:૩૮ pm
તું રુક થોડી વાર હું મારી ડાયરી સાથે વાત કરી લઉ.
મારી વહાલી ડાયરી, કેટલા દિવસે તું મારા હાથમાં આવી. આ તો કદાચ કાયમ નહિ રહે પણ તું હોઈશ મારી સાથે હંમેશા. સોરી હો, આ શ્યામ સાથે જ બીઝી હોઉં છું એટલે લખવાનો સમય જ નથી રહેતો.
હવે તારી વારી :* ઓહ શીટ.. મેં તારા માટે પહેલી વાર કિસવાળું ઈમોજી યુઝ કર્યું. શરમ આવે છે ઓય મને. પણ જોને હવે તારી સાથે વાત કરું કે તારા વિષે વિચારું તો કઈક અલગ જ ફિલ થાય છે. દિલમાં ગુદગુદી થાય એવું અને બધું સારું સારું લાગવા લાગ્યું છે.
કોના લીધેથી? શું યાર..આવા બબુચક જેવા સવાલ તું ક્યારથી પૂછવા લાગ્યો? તારા લીધેથી અને તારી જ માટે મને આવું ફિલ થાય છે.
મને એવું લાગે છે કે હું તને પ્રેમ કરવા લાગી છું. યસ..આય લવ યુ. હવે આ આય લવ યુ ફ્રેન્ડલી નહતું. તો કેવું હતું એમ ના પૂછતો. મારાથી નહિ કહી શકાય. તું બહુ હોશિયાર છેને જાતે સમજી જજે.
તને ખબર છે મેં આ ડાયરી હું તારી સાથે વાત કરતી હોઉ એવી રીતે કેમ લખી?? કારણકે જ્યારથી મને એવી ફીલિંગ આવી કે આપડે સારા ફ્રેન્ડસ બનશું, પણ હમેશાની જેમ હું મારા સ્વભાવને લીધેથી ઘણી બધી વાતો તને કહી નહિ શકું, એ બધું હું આમાં લખીશ, અને જયારે આપડે મળશું ત્યારે તારા પાસે વંચાવીશ.
મારા તરફથી તને આપડી પહેલી મુલાકાતનું એ ગીફ્ટ હશે. મને આવી રીતે કાંઈક ને કાંઈક યાદી આપવી ગમે, મને ગમતી વ્યક્તિને. એ વસ્તુ જોવે ત્યારે હું યાદ તો આવું. યાર મારે તને લાઈફમાં એકવાર તો મળવું જ છે.
બોલ તને ખબર છે. હમણાથી તો હું જયારે પણ ઘરની બહાર નીકળું તો આજુ બાજુમાં તારી જેવો કોઈ છોકરો દેખાઈ જાય તો હું એમ જ ઇચ્છતી હોઉં કે કાશ એ તું હોય..
પણ એવું તો ક્યાંથી થઈ શકે. તું વડોદરામાં અને હું સુરતમાં. પણ પ્રોમિસ કર કે આપડે ક્યારેક તો મળશું જ.
ચલ ઈમેજીન કરને, કે આપડે પહેલીવાર મળશું ત્યારે શું થશે? કોઈક કોફી શોપ અથવા ગાર્ડનમાં મળવાનું નક્કી કરશું. (હા હવે તો મને આવી ડેટ પર જવાના જ વિચારો આવશે. પણ તું થોડીવાર ચુપ રહે અને મારી વાત સાંભળ..) હા, તો આપડે કોફી શોપમાં મળશું. રુક ઓય, હું શું પહેરીશ? (કપડાં જ, પણ શું?) જો આપણને બહુ તય્યાર થવાનું ના ફાવે, અમે રહ્યા સાદા માણસો. તો હું મારું ફેવરેટ બ્લેક ટોપ, બ્લુ જીન્સ, ખુલા વાળ, આંખોમાં કાજલ અને ચહેરા પર નાનું સ્મિત અને મનમાં બહુબધી ઓક્વડનેસ. (એટલું બધું હસવાની જરૂર નથી.)
હવે તું શું પહેરીશ? તું છેને..અમં..હા તું મસ્ત બ્લુ શર્ટ અને એની સાથે મેચ થાય એવું કોઈ જીન્સ પહેરજે. તું તો બધા કલરમાં મસ્ત જ લાગતો હોઈશ. તારી વિષે થોડી કહેવું પડે? તું મસ્ત ફુલ કોન્ફિડેન્સથી, કોફી શોપમાં ચેર પર બેઠા બેઠા મારી રાહ જોતો હોઈશ.
મને જોતા જ તું મારી સામે સ્માઈલ કરીશ, અને એ સ્માઈલનો જવાબ આપતા મારી ઓક્વડ્નેસ પણ જતી રહેશે. આપડે ઘણીબધી વાતો કરીશું. અને ઘણુંબધું હસશું. કોઈ એકાદ ફની ગેમ પણ રમશું. હું તને કાંઈક ડેર આપીશ કે તું કોઈ અજાણી છોકરીનો ફોન નંબર માંગ અથવા તો? હા, એને પ્રપોઝ કર કે એવું કાંઈક.
હાહાહા..મને તો એવું વિચારીને પણ હસવું આવે છે, કે પેલી છોકરી જેને તું પ્રપોઝ કરીશ, એ શું કરશે? હા પાડશે? કે પછી સટાક..હીહીહી. અરે..અરે.. તું તો ગુસ્સે થઈ ગયો.. શાંત બાબા શાંત. સારું બસ, હું તને એવી કોઈ ડેર જ નહિ આપું જેના લીધેથી તારે માર ખાવો પડે. પણ પ્રોમિસ કર કે આપણે ક્યારેક તો મળશું જ.
તારીખ : ૧૬-૪-૨૦૧૫ સમય : ૧૨:૨૪ am
અરે યાર, તારી આદત પડી ગઈ છે. તું જ કેને આદત ના પડે તો બીજું શું થાય? ફોન પર લાગેલા હોઈએ નહિ તો ચેટ કરતા હોઈએ. રૂબરૂ નહિ પણ ઓનલાઈન સાથે ને સાથે જ હોઈએ. સાલું કોઈ કામમાં હવે સરખું ધ્યાન જ નથી આપી શકતી. કારણકે કાંઈપણ કામ કરતી હોઉં તો બસ તારા જ વિચાર આવતા હોય.
મન થાય છે કે તને કહી દઉં કે મારા મનમાં શું છે? પણ ઓય, તારા મનમાં શું હશે?? હમ્મ..એ તો હું તને મારા મનની કહીશ પછી જ ખબર પડશે ને. કહી દઉં? કે ના કહું? કાંઈ સમજાતું નથી કે શું કરું?
ચાલને કહી જ દઉં. જે થવું હોય તે થાય. કારણકે ના કહીને પછતાવવું કે કાશ મેં કહ્યું હોત, એના કરતા કહીને ટ્રાય કરવી સારી. હા પણ આમાં રિસ્ક ઘણું મોટું છે. જો તારા મનમાં એવું કશું નહિ હોય તો કદાચ આપડી દોસ્તી જોખમમાં મુકાઈ શકે છે. ચાલને હું કહી જ દઈશ તને કાલે. આર યા પાર નક્કી થઈ જશે.
યાર આ ફીલિંગ જબરદસ્ત છે હો. કેટલી મજા આવે પ્રેમમાં પડવાની. હા ખબર છે કે જાજા ભાગે છેલ્લે રડવાનું જ થતું હોય, પણ છતાય જે વસ્તુની જયારે મજા આવતી હોય, એ વસ્તુની મજા લઈ લેવી જોઈએ. ક્યાં પતા કાલ હો ના હો? હાહાહા. બોવ વધારે પડતું ભાષણ આપી દીધુંને?? વાંધો નહિ, બેસ્ટ ફ્રેન્ડ છે તું મારો, એટલી તો તકલીફ રહેશે જ.
હા તો હુ એમ કહેતી હતી કે..અમં, છોડને નથી કહેવું. બક્ષી દીધો તને મારા ટોરચરથી.
તારીખ : ૧૭-૪-૨૦૧૫ સમય : ૯:૩૦ pm
સવારથી હું ખુશ હતી, અને નર્વસ પણ. શું કરવા એમ તો પૂછતો જ નહિ. કાલે જ તો તને કહ્યું હતું કે તને મારી ફીલિંગ્સ કહેવી છે. પણ તને આજે જ મુહુર્ત આવ્યું વ્યસ્ત રહેવાનું. સાંજે છેક ઓનલાઈન આવ્યો.
પણ હું કહી ના શકી. કેમકે તું મૂડ વગરનો અને થાકેલો લાગ્યો. કાંઈ વાંધો નહિ. કાલે કહીશ.
તારીખ :૧૮-૪-૨૦૧૫ સમય : ૯:૫૭ pm
સવારે જ તને મેસજ કરીને સાદા શબ્દોમાં જે હતું તે કહી દીધું, “મને એવું લાગે છે કે હું તને પ્રેમ કરું છું. આય લવ યુ. તારા મનમાં જે હોય તે કહી દે, હા તો હા નહિ તો ના પણ ચાલશે. બસ ખાલી દોસ્તી નહિ તોડતો.”
અને તે તો ડાયરેક્ટ ફોન કર્યો મને મેસેજ વાંચીને. પૂછ્યું કે હું મજાક કરું છું કે સાચું બોલું છું, મારાથી માંડ માંડ બોલી શકાયુ કે, “હું સાચ્ચું કહું છું.” કારણકે તારી ના નો મને ડર લાગતો હતો.
અને એ જ થયું જેનો મને ડર હતો. તારા મનમાં મારા માટે ફ્રેન્ડની લાગણી સીવાય કશું નથી. તું મને ખાલી તારી બેસ્ટ ફ્રેન્ડ માને છે. એય, દિલ તોડી નાખ્યું તે મારું.
પણ કાંઈ વાંધો નહિ. તને હક છે. મેં તને એટલે થોડી પ્રેમ કર્યો છે કે તું પણ મને પ્રેમ કરે જ. તને પ્રેમ કરવો મારી ચોઈસ હતી, અને મને ના કરવો એ તારી.
પણ યાર હવે ડર લાગે છે. તું મારી સાથે નોર્મલ રહેતા કે કાંઈ કહેતા ખચકાઈશ નહિ ને? કેવી રીતે કહું? તારી સાથે વાત કરી શકવું એ જ ઘણી મોટી વાત છે મારી માટે. મારે બસ તારી સાથે રહેવું છે ભલેને એ કોઈ પણ રૂપમાં હોય. તું સમજીશ ને? હું કાંઈ ના કહું તોપણ સમજીશને? તને મારા દિલની વાત કહેવાનો મને જરાપણ અફસોસ નથી. શું કરવા હોય? કહેવું હતું, કહી દીધું. કહેવું જરૂરી હતું.
મારે તને ના કહીને જિંદગી ભર અફસોસ નહતો કરવો કે કાશ કહી દીધું હોત. તું મારી ચિંતા નહિ કરતો. બસ ખાલી તું પહેલા રહેતો હતો એમજ રહેજે મારી સાથે. પણ સાચું કહું? મને લાગે છે કે બધું હવે પહેલા જેવું નહિ રહે.
તારીખ : ૧૯-૪-૨૦૧૫ સમય : ૧૧:૧૨ pm
હાઈશ..તું એ જ પાગલની જેમ મારી સાથે વાત કરે છે. એવું લાગે છે કે કાંઈ નથી બદલાયું. કાંઈ થયું જ નથી. હું ખુબ જ ખુશ છું. હોઉં જ ને. મારા ક્રશ સાથે હું ખુલીને વાત કરી શકું છું, એને મારા મનની વાત કહ્યા પછી પણ. તું સાચ્ચે બહુ સારો છે.
બધું બરાબર ચાલે છે. કાશ આમ જ ચાલતું રહે.
તારીખ : ૩-૫-૨૦૧૫ સમય : ૧:૨૩ am
તને કોઈ બીજું ગમે છે? હેં? હું નથી માનતી. કહેને કે તું જુઠું બોલે છે. મજાક કરતો હતો એમ કહેને. પ્લીઝ કહેને.
તારીખ : ૩-૫-૨૦૧૫ સમય : ૨:૩૪ am
સોરી હાં. જોને આંખમાં કાંઈક જતું રહેલું. (ના હું રડતી નહતી.)
તો તે એમ કહ્યું કે તને કોઈ ગમે છે. વાહ. મારા બેસ્ટ ફ્રેન્ડને એનો પ્રેમ મળી ગયો. કોણ છે એ નસીબદાર છોકરી? કેવી લાગે છે? ક્યાં રહે છે? કાંઈક કહે તો ખરા એના વિષે. તે કેમ ના કહ્યું મને બધું? તને એવું લાગ્યું હશે ને કે કદાચ મને આ વાત સાંભળીને ખોટું લાગ્યું હશે?
હા...બહુ ખોટું લાગ્યું. પણ રડતા રડતા જ એ વિચાર આવ્યો મને કે મારો ક્યાં કોઈ હક છે જ તારા પર. કોઈકને તો ક્યારેક તું પસંદ કરવાનો જ હતો ને. કાશ એ કોઈક હું હોત. ના ના. નથી વિચારવું એવું બધું. તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે, મારે ખુશ થવું જોઈએ. તું પણ જોને કશું કહેતો નથી, સમજાવ ને થોડું મને, એવું કાંઈક કહેને મને કે “મારે જલન ના કરવી જોઈએ, આગળ વધવું જોઈએ.”
પણ યાર નથી કરવું મારે મુવઓન. મને તારી માટેની આ ફીલિંગ એટલી જ વહાલી છે જેટલો મને તું વહલો છે. હવે આ ફીલિંગ બંધ ના થઈ શકે. તકલીફ થશે તોપણ હું આ ફીલિંગને જવા તો નહિ જ દઉ. કેવી રીતે સમજાવું તને?
તારીખ : ૨૯-૫-૨૦૧૫ સમય : ૮:૫૪ pm
ક્યાં છે તું? આજકાલ બહુ ઓછી વાત થાય છે તારી સાથે. ક્યારેક મેસેજ જોઇને પણ ઇગ્નોર કરે અને ક્યારેક સરખા જવાબ ના આપે. કંટાળી ગયો મારાથી? કે પછી તને ખબર પડી ગઈ કે મને જલન થાય છે તારી ગર્લફ્રેન્ડથી? કે પછી તું એની સાથે બીઝી છે?
એકવાર કહી દેને મને કે તું શું ઈચ્છે છે? નહિ હેરાન કરું તને. પ્રોમિસ. પણ આમ કાંઈ કહ્યા કહ્યા વિના, ચુપ રહીને મને હેરાન નહિ કર. તારી ચિંતા થયા કરે છે.
તારીખ : ૩-૬-૨૦૧૫ સમય : ૧૨:૧૧ am
તું કહે છે કે જાણીજોઈને પોતાને તકલીફ આપીને, આ ફીલિંગ્સ-વેડા કરીને કોઈ મતલબ નથી? કેમ રે મતલબ છેજ ને. મને ગમે છે તું. અને આ ફીલિંગ્સથી જે થાય એ, ભલે તકલીફ હોય કે ખુશી, મને ગમે છે તો કેમ મતલબ નથી એનો? છેજ ને. ક્યારેક તો ક્યારેક તું રીપ્લાય તો કરે છે. મારી સાથે ફોનમાં વાત કરે છે.
ફોનમાં વાત કરે ત્યારે એવું લાગે કે તને કેટલી ચિંતા છે મારી, કેવું પહેલાની જેમ બિન્દાસ પોતાની બધી વાતો શેર કરે અને ગર્લફ્રેન્ડની વાત કરે ત્યારે સાથે કહેતો જાય કે, “જો તારે એક કાનથી સાંભળવાનું અને બીજા કાનથી બહાર નીકાળી દેવાનું તો જ હું કહીશ તને.” મને હસવું આવે ખબર છે તું એવું કહે ત્યારે.
સાંભળીને થોડી તકલીફ તો થાયજ પણ ગમે. તું શેર તો કરે છે મારી સાથે તારી વાતો. કેટલી ચિંતા છે તને મારી, વાતો કહેવી પણ છે અને સાથે મને તકલીફ ના થાય એટલે એમ કહી દે કે “તું બસ ખાલી સંભાળ એના વિષે જવાબ નહિ આપ. અને પછી ભૂલી જજે આ વાત.” ઓહ, તારી તો આ વાત પણ મને ક્યુટ લાગે છે.
આમ ભલે મેસેજ ઇગ્નોર કરતો હોય પણ હું મેસેજ ના કરું તો તરત કહેશે, “કેમ મેસેજ નથી કરતી?” કેમ રે? મેસેજ ઇગ્નોર જ કરવા છે તો શું કામ રાહ જુએ છે મારા મેસેજની? એમ જાણવા કે હું હજી જીવું છું કે મરી ગઈ?
શીટ, સોરી કે મેં આવી રીતે વાત કરી તારી સાથે. સોરી. હું જાણું છું કે તું આ બધું મારી માટે જ કરી રહ્યો છે. પણ...
નથી સમજાતું મને આ તારું દોહરું વર્તન. પણ જે હોય તે, તું વાત કરે ત્યારે બધું જ ભૂલાઈ જાય છે. બધી જ તકલીફનો અંત આવી ગયો હોય તેવું લાગે. એમ થાય અત્યારે તું વાત કરે છે તો ૧૦૦ સવાલ પૂછીને બધું જાણી લઉં. પણ કાંઈજ નથી પૂછી શકતી. તું જાતે જ સમજીને બધું કહી દેતો હોય તો.
તારીખ : ૧૮-૬-૨૦૧૫ સમય : ૩:૦૫ am
ખબર નહિ કેમ, રડવું આવે છે. ના તારા લીધેથી નહિ, તે તો ક્યાં કશું કર્યું જ છે. આ મારા વિચારો જ મને રડાવે છે. તને ખબર છે? તું મને કાંઈપણ કર્યા વગર હસાવી શકે છે. સાચ્ચે. તારું નામ યાદ કરું ને તોપણ મારા ચહેરા પર સ્માઈલ આવી જ જાય. અને ક્યારેક પહેલાની વાત યાદ અવી જાય તો હું ખુશ ખુશ થઈ જઉ. તું આટલી બધી ખુશી આપે તોપણ રડાય જાય છે જોને.
આટલી સારી ફીલિંગથી તું મુવઓન કરવાનું કહે છે? પણ તારી વાત માની લઉ એટલી બધી પાગલ હું નથી. ભલે રડવું આવે, પણ સાથે તું ખુશી એટલી બધી આપે છે કે આ આંસુ કાંઈ જ નથી.
મને નથી ખબર કે હું શું કરું છું? શું ઈચ્છું છું? મને કાંઈ જ ખબર નથી. બસ એટલી ખબર છે કે તારી સાથે વાત ના થાય કે વાત કરવાની ઈચ્છા હોવા છતા હું દુર રહું તારાથી ત્યારે મને બહુ તકલીફ થાય છે. વધારે તકલીફ ત્યારે થાય જયારે મારે વાત કરવી હોય પણ તું સરખો રીપ્લાય ના આપે અથવા વાત કરતા કરતા અચાનક જતો રહે. મનમાં બહુ મોટો ખાલીપો લાગે. કાંઈક ખૂટતું અને ખુંચતું હોય એવું લાગે.
આ બધી જ વાતો તને કહેવી છે. પણ ના..નથી કહેવું. હું જાણું છું કે તું મારી સાથે આવી રીતે એટલે વર્તન કરે છે કે જેનાથી હું મુવઓન કરી શકું. પણ નથી થતું મારાથી. દુર જવાની કોશિશ કરું તોપણ સારું નથી લાગતું. દુર જઉ કે ના જાઉં બન્નેવ પરિસ્થીતીમાં હેરાન તો મારે જ થવાનું છે.
તારી સાથે વાત ના કરવાનું સૌથી મોટું નુકસાન એ છે કે પછી મને ખબર ના હોય કે તું કેમ છે? ઠીક તો છેને? ઉદાસ નથી ને? મારી તકલીફો કરતા મને તારા મૂડ અને ખુશીની ચિંતા વધારે થયા કરે. આ બધું જ કહેવું છે તને, પણ નથી કહેવું.
બધા સમજાવે છે મને. એમ કહે છે કે સમજે છે મારી તકલીફ. પણ ના..ખોટી વાત છે આ. માનું છું કે એમને મારી તકલીફ જોઈને દુખ થતું હશે, પણ સમજી કોઈ ના શકે. મને પણ ખબર છે કે શું સાચું છે અને શું ખોટું. પણ યાર નથી આગળ વધી શકતી તને પાછળ મુકીને, તને છોડીને.
તારીખ : ૨૩-૬-૨૦૧૫ સમય : ૩:૪૪ am
હું તારી સાથે પહેલાની જેમ જ વાત કરવા ઈચ્છું છું. બીજું કશું જ નહિ. પણ તે કદાચ પાક્કું નક્કી કર્યું છે કે તું મને દુઃખી કરીને આ ફીલિંગ્સથી મુવઓન કરાવીને રહીશ. હા હું માનું છું કે આગળ જતા ક્યારેક તો હું મુવઓન કરીશ જ. પણ તારી ચિંતા કરવાનું, તને ખુશ કરવા કાંઈપણ કરવાનું હું ક્યારેય નહિ છોડી શકું.
સાચું કહું તો મારે મુવઓન કરવું જ નથી. ખુબ જ પ્રેમ કરું છું હું યાર તને. એમ કાંઈ ભૂલી જઉં? મને બસ તારામય થઈને રહેવું છે, ભલે એ તને કે બીજાબધાને ખોટું લાગે.
તને ઘણુંબધું પૂછવું હોય, કહેવું હોય, જાણવું હોય મારે. પણ તું મારા સવાલોથી કંટાળી જાય છે. અને ફોનમાં પણ વિચારી રાખ્યું હોય કે ઘણુંબધું કહીશ, વાત થાય ત્યારે બધું જ ભૂલાઈ જવાય છે.
હું રાતે જયારે રડતી હોઉંને, ત્યારે મને એવું લાગ્યા કરે કે હું રડું છું અને તું ચુપચાપ પ્રેમથી મારા માથામાં હાથ ફેરવી રહ્યો છે. અને મને ચુપ કરવાની કોશિશ કરી રહ્યો છે. ત્યારે મને એવી ઈચ્છા થઈ આવે કે બસ એકવાર..એકવાર તને મળવું છે, જોરથી હગ કરીને ઘણું બધું રડવું છે. એટલું બધું રડવું છે કે હું ખાલી થઈ જાઉં, ફરીથી ક્યારેય રડવું જ ના આવે.
બસ એકવાર તને મળવું છે. ક્યારેક એમ પણ થાય, ના નથી મળવું. કદાચ તને જોઇને જ મને રડવું આવી જશે. કે પછી કદાચ હું ખુબ હસીશ. ખુશ થઈશ. મને નથી ખબર કે હું શું કરીશ? તને મળી શકીશ પણ કે નહિ? પણ મારે તને મળવું છે, અને નથી પણ મળવું.
તારીખ : ૨-૭-૨૦૧૫ સમય : ૨:૦૧ am
રોજ રોજ રડ્યા જ કરવાનું. કેટલી બધી ઇચ્છાઓ જોડી દીધી છે મેં તારી સાથે. તને કહીશ તો તને ગિલ્ટી ફિલ થશે. એટલે નથી લખતી.
રડી રડીને થાકી ગઈ છું. તોપણ મુવઓન તો નહિ જ કરું. ખુબ યાદ આવે છે તારી. એટલી હદ સુધી આવે છે કે મન થાય છે જોરથી ચીલ્લાવીને રડું. તને ફોટોમાંથી બહાર નીકાળીને જોરથી કસીને ગળે મળી લઉં. જાતને ઢીલી મૂકી દઉં, અને બસ રડ્યા જ કરું. એકવાર તો હગ કરીશને મને? મળીશને મને? એટલો હક તો છેને મને?
મને નથી ખબર કે મને તારા માટે આટલી બધી લાગણી કેમ છે. પણ મને એટલી ખબર છે કે મને તું બહુ જ ગમે છે. કાંઈક વધારે પડતો જ ગમે છે. હમેશા એવી ઈચ્છા થાય કે તારી સાથે વાત કર્યા કરું, તને બધું કહું અને તારી આખી લાઈફની સ્ટોરી અને તારા વિચારો સાંભળ્યા કરું. તને હસતો જોઉં, તને ઊંઘતો જોઉં, તને ખાતા જોઉં, તારા સપનાઓ કહેતી વખતે તારી આંખોમાં જે ચમક આવતી હશે એ જોઉં, તને નાચતા અને ગરબા કરતો જોઉં. બધા જ રૂપ જોવા છે તારા. પણ નહિ મળે એવો ચાન્સ મને કદાચ.
તને ઘણું બધું કહેવું હોય પણ હવે ખબર નહિ કેમ હું કહી નથી શકતી. મન થાય કે તને રોજ ફોન કરું, મેસેજ કરું. પણ નથી થતું.
હું તને ખુશ જોવા માંગું છું હમેશા. હું ભગવાનને એવી પ્રાથના કરું રોજ કે દુઃખ તારાથી હમેશા દુર જ રહે, તું તારા બધાજ સપનાઓ પુરા કરી શકે, ખુબ પૈસા કમાય પણ એનાથી વધારે લોકોના દિલમાં જગ્યા કમાય. તારી એક ખુબ જ સરસ પત્ની હોય જે તને હમેશા ખુશ રાખે, સપોર્ટ કરે, પ્રેમ કરે, તને સમજે, તારો સાથ આપે. તારો મસ્ત પરીવાર હોય. તારા પરછાયા જેવા તારા બાળકોથી હસતું રમતું તારું ઘર હોય. કાંઈજ કમી ના હોય. બસ બધું ખુશખુશાલ હોય.
જોજે ક્યારેક આ બધું જરૂર થશે. હું દિલથી હમેશા એવી પ્રાથના કરું છું તારા માટે. મારા જેવા ઘણાબધા લોકો હશે જે તને પ્રેમ કરતા હશે અને તારી બધી ઈચ્છા પૂરી થાય એવું દિલથી ઇચ્છતા હશે. ભગવાન કેટલાકની પ્રાથનાને અવગણશે? કોઈકનું તો સંભાળશે જ ને.
------------------------------------------------------------------------------
અને પછી અનોખી એ ડાયરી લખવાનું બંધ કરી દીધું. આગળ હવે લખે પણ શું? જેના વિષે લખવું હતું એ તો વાત જ નહતો કરતો.
૧૦-૧૨ દિવસ થવા છતાપણ શ્યામનો સામેથી કોઈ મેસેજ નહતો અને અનોખી મેસેજ કરતી તો કાંઈ રીપ્લાય નહતો. ફોન કરે તો ફોન બંધ આવે. હવે અનોખીથી રહેવાતું નહતું? શ્યામ વિષે જાણે તો કઈ રીતે? અનોખી શ્યામના કોઈ ફ્રેન્ડને ઓળખતી પણ નહતી અને ઓળખતી હોત તો કદાચ પૂછી પણ ના શકત.
“જો એને વાત નહતી જ કરવી તો એણે એકવાર કહી દેવું જોઈતું હતું. હું જાતે જ એની લાઈફમાંથી જતી રહેત. પણ સાવ આવી રીતે અચાનક કશું કહ્યા વિના એ મારી લાઈફમાંથી કેવી રીતે જઈ શકે? શું એટલો જ સબંધ હતો અમારો?” આવા જ વિચારો આવ્યા કરતા અનોખીને.
અનોખી દરરોજ શ્યામને ફોન કરવાની કોશિશ કરતી. પણ ક્યારેય કોઈ જવાબ નહિ. મુંજવણ થવા લાગી હતી એને. મનમાં જ પીડાયા કરતી અને ગુમસુમ રહેતી થઈ ગઈ હતી એ.
છેવટે અનોખીને એક જ રસ્તો સુજ્યો, કે સીધું વડોદરા પહોચી જવું. અને સીધો શ્યામનો કોલર પકડીને, એને હલબલાવીને મોઢે પૂછી લેવું, ”ક્યાં ગાયબ થઈ ગયો હતો આમ અચાનક?”
શ્યામ સાથે થએલી એ ચેટ આજે પણ અનોખીને શબ્દશ:હ યાદ હતી.
અનોખીના માસી પણ વડોદરામાં જ રહેતા હતા. એટલે જ એકવાર અનોખીએ શ્યામને પૂછ્યું હતું, “તું ક્યાં રહે છે?”
પણ શ્યામ જેનું નામ. ક્યારેય સીધો જવાબ જેણે ના આપ્યો હોય એ આજે થોડી એમ સીધો થઈ જાય. શ્યામ એ તરત કહ્યું, “સદનસીબે હજી રોડ પર રહેવાના દિવસો નથી આવ્યા એટલે ઘરમાં જ રહું છું.”
અનોખી પણ જાણીજોઇને ચિડાતી અને જવાબ આપતી, “સીધી રીતે કહેતો હોય તો કહેને કે ક્યાં રહે છે. કદાચ પૂજામાસીના એરિયામાં રહેતો હોય તો હું ત્યાં આવું ત્યારે આપણે મળી શકીએ.”
એને વધારે ખીજવતા શ્યામેં કહ્યું હતું, “ઓહ તો મેડમ હવે ડેરિંગવાળા થઈ ગયા લાગે છે. મને મળવા તય્યાર થઈ ગયા?”
“એક તો સીધો જવાબ નથી આપતો ને પાછો સામે સવાલ કરે છે? લાગે છે તને કોઈએ સરખી રીતે વાત કરતા નથી શીખવ્યું.”
“તો તું શીખવી દે.”
હવે ખીજાવવાની વારી અનોખીની હતી, “તને કોઈએ ક્યારેય કહ્યું છે?”
“શું? કે હું એક્દમ હીરો જેવો લાગુ છું એમ જ ને?”, શ્યામને નવાઈ લાગી.
“ના. કે તું બહુ વાયડો છે.”, અનોખીએ તરત જ વાત હાથમાં લઈ લીધી.
“હા, મારા લગભગ બધા જ ફ્રેન્ડ મને એવું કહે છે”, શ્યામ એમ કાંઈ પાછો પડે એમ નહતો.
અને પછી શ્યામએ અનોખીને પોતાના ઘરનું સરનામું આપેલું.
એટલે હવે અનોખીએ નક્કી કરી લીધું કે સીધું ત્યાં જ પહોચી જવું.
ઘરેથી મમ્મીને કહી દીધું, ”મમ્મી આજકાલ ઘણો કંટાળો આવે છે તો ફ્રેશ થવા માટે થોડા દિવસ પૂજામાસીને ત્યાં વડોદરા જવું છે. ત્યાં થોડા દિવસ રહીશ તો માઈન્ડ ફ્રેશ થઈ જશે અને પૂજામાસીને પણ મજા નથી રહેતી તો એમને પણ આરમ મળી જશે.”
મમ્મીને અનોખીની વાત સાંભળીને નવાઈ તો લાગી, પણ દીકરીની ખુશી માટે હા પાડી દીધી.
બીજા જ દિવસે અનોખી વડોદરા જતી ટ્રેનમાં બેઠી હતી. પણ આ વિચારો ક્યાં શાંતિ લેવા દે તેમ હતા.
“શ્યામને કશું થયું તો નહિ હોયને? કે તેની ગર્લફ્રેન્ડ સાથે એના લગ્ન ગોઠવાય ગયા હશે અને એની તાય્યારીમાં મને ભૂલી ગયો હશે? કદાચ લગ્ન થઈ પણ ગયા હોય? મારાથી કંટાળી ગયો હશે? હું રોજ એને મેસેજ કરતી હતી તો હું એને ચીપકું તો નહિ લાગતી હોઉને?”
સવાલ તો ઢગલો ભરીને હતા પણ જવાબ આપનાર ક્યાં હતો એ ખબર નહતી. એટલે જ અનોખીએ નક્કી કરી લીધું કે જે હોય તે, એકવાર શ્યામને મળીને બધું પૂરું કરી દઈશ.
“લાઈફમાં એકવાર એને રીઅલમાં મળવાની ઈચ્છા છે એ તો હું પૂરી કરીને જ રહીશ. આજ સુધી જે પણ આવી રીતે અચાનક જતું રહ્યું એને હું ક્યારેય રોકી ના શકી કારણકે મારે જબરદસ્તી નહતું રહેવું કોઈની લાઈફમાં. પણ શ્યામ સાથે હું એવું નહિ થવા દઉં. એને પણ જવું હોય તો ભલે હમેશા માટે જતો રહે, પણ એકવાર તો હું એને મળીશ જ, પછી ભલે ને એ મારી પહેલી અને છેલ્લી મુલાકાત હોય.”
બસ આવા જ વિચારો કરતા કરતા વડોદરા સ્ટેશન ક્યારે આવી ગયું અનોખીને ખબર જ ના પડી. પૂજામાસી સ્ટેશન પર લેવા આવ્યા હતા.
માસીને પણ અનોખી આવવાની છે એ જાણીને નવાઈ તો લાગી જ હતી કે કોઈના ઘરે જવું પસંદ ના કરતી અનોખી આજે અચાનક કેમ અહ્યા? પણ અનોખીને જોઇને જે ખુશી થઈ એની સામે બધા જ સવાલો જાણે છુમંતર થઈ ગયા.
અનોખી નોર્મલ રહેવાની પૂરી કોશિશ કરી રહી હતી. માસીના ઉમળકાનો એને પણ સહર્ષ સ્વાગત કર્યું અને માસીને કહી દીધું, “હું તમારું શહેર જોવા આવી છું. મારી સ્કુલની ફ્રેન્ડ અહ્યા શિફ્ટ થઈ ગઈ છે તો એને મળી પણ લઈશ અને વડોદરા પણ જોઈ લઈશ.”
અને બીજા જ દિવસે શ્યામના ઘરનું સરનામું માસીને દેખાડીને અનોખીએ ત્યાં કેવી રીતે પહોચવું એ જાણી અને સમજી લીધું
બીજા દિવસે શ્યામના ઘર તરફ જતા, રીક્ષામાં બેઠા બેઠા ફરીથી દિમાગ વિચારો એ ચડી ગયું.
અનોખી બહુજ ખુશ હતી કારણકે એ શ્યામને જણાવ્યા વિના શ્યામને મળવા જઈ રહી હતી. જો કે જણાવી શકવા કોઈ રસ્તો પણ નહતો તેની પાસે. થોડી એકસાઈટેડ પણ હતી, છતાય મનમાં એક અજીબ પ્રકારની લાગણી આવીને જતી રહેતી હતી કે શ્યામ મને જોઇને ખુશ તો થશે ને? કદાચ વાત નથી કરતો તો હજી ગુસ્સે પણ હોય અને મને મળવાની ના પાડી દેશે તો હું શું કરીશ? કેવી રીતે સંભાળીશ ખુદને?
વિચાર કરતા કરતા શ્યામનું ઘર ક્યારે આવી ગયું એ અનોખી ને ખબર જ ના રહી.
અનોખી ડરતા ડરતા ધીમા પગલા ભરતા શ્યામની સોસાઈટીના ગેટ તરફ આગળ વધી રહી હતી. અનોખીને થયું કે એકવાર ફરીથી સરનામું કન્ફર્મ કરી લેવું જોઈએ એટલે તેણે શ્યામના ઘરની સોસાઈટીમાંથી નીકળતા એક ભાઈને સરનામું દેખાડીને પૂછ્યું, “આ લક્ષ્મીદર્શન સોસાઈટીમાં ૧૧ નંબર ક્યાં હશે?”
એ ભાઈએ તરત જ પૂછ્યું, “અશ્વિનભાઈના ઘરે જવું છે ને તમારે? જો સામે રહ્યું.” અનોખીને શ્યામના પપ્પા નું નામ નહતી ખબર એટલે ગેરસમજણ ના થાય એટલે તેણે ફરી કહ્યું, “મારે શ્યામ પટેલના ઘરે જવું છે.”
એ ભાઈ અચાનક દુઃખી થઈ ગયા અને અફસોસ કરતા હોય તેમ કહ્યું, “બિચારા અશ્વિનભાઈ સાથે બહુ ખરાબ થયું, એક નો એક દીકરો બિચારો સાવ આવી રીતે..” એમ કહીને આકાશ તરફ હાથ થોડા ઉચા કરીને ચાલવા લાગ્યા.
અનોખીના મનમાં વળી પાછા વિચારોના ઘોડા દોડવા લાગ્યા. શું થયું હશે શ્યામને? તેને ચક્કર આવતા આવતા રહી ગયા. એ ઉતાવળી ચાલે શ્યામના ઘર તરફ લગભગ દોડી.
૧૧ નંબરના ઘરના દરવાજા પાસે આવી. દરવાજો બંધ હતો. ઘંટડી વગાડી. અંદરથી કોઈ આંટી દરવાજો ખોલવા આવ્યા. એમણે કાળી સાડી પહેરી હતી અને ચહેરો રડેલો હોય, ઊંઘ્યો ના હોય તેવો થાકેલો હતો.
અનોખી તેમને શ્યામ વિષે પૂછવા જઈ જ રહી હતી, કે તેની નજર એ આંટીના ચહેરા પરથી હટીને સામે દીવાલ પર લગાવેલા શ્યામના ફોટા ઉપર પડી. ફોટા પર સુખડનો હાર ચડાવેલો હતો. હાર જોઇને અનોખી બેહોશ થઈ ગઈ.
થોડીવાર પછી અનોખી ભાનમાં આવી ત્યારે પોતે ક્યાં છે એ કળ વળતા અનોખીને સહેજ ૨ મિનીટ થઈ. કળ વળતા જ તેને યાદ આવ્યું કે હમણા જ દીવાલ પર શ્યામના ફોટો પર હાર ચડાવેલો જોયો હતો. ફરી તેના માથા પર કોઈ હથોડા મારતું હોય તેવો અહેસાસ અનોખીને થવા લાગ્યો અને તેણે તરત જ બે હાથથી પોતાનું માથું પકડી લીધું.
એ આંટી જેણે દરવાજો ખોલ્યો હતો એ અનુસુયાબહેન, જે શ્યામના મમ્મી હતા એમણે અનોખીને પાણી આપ્યું અને, તું કોણ છે? ક્યાંથી આવી છે? કોનું ઘર શોધી રહી છે? જેવા સવાલોનો મારો મારતા પહેલા તેમણે અનોખીને, “હવે તને કેમ છે? તું ચક્કર આવતા પડી ગઈ હતી.” એવું કહ્યું.
અનોખીએ તરત જ ડોકું હલાવીને હા પાડી અને દીવાલ પર લગાવેલા ફોટા સામે આંગળી ચીંધી. કારણકે હજીપણ અનોખીના મોઢામાંથી અવાજ નહતો નીકળી શકતો એટલી તે હડબડાય ગઈ હતી.
અનુસુયા બહેને જવાબ આપતા કહ્યું, ”એ મારા દીકરા શ્યામનો ફોટો છે જે ૧૦ દિવસ પહેલા એક દુર્ઘટનામાં મૃત્યું પામ્યો છે. બીમારીની પહેલા અકસ્માતે એનો ભોગ લઈ લીધો. કેટલી ઓછી આવરદા લઈને આવ્યો હતો મારો દીકરો..એટલું બોલતા તો અનુસુયા બહેનની આંખોમાં આંસુ આવી ગયા.
અનોખીનું તો જાણે હૃદય જ બેસી ગયું. એનું મગજ સુન્ન થઈ ગયું.
પણ આ અજાણી છોકરી કોણ છે એ જાણવાના હેતુથી અનુસુયા બહેન જાત પર કાબુ મેળવી થોડા સ્વસ્થ થયા. અનોખીના હાવભાવ જોતા અનુસુયા બહેને અનોખીને પૂછ્યું, “તું ઓળખે છે મારા દીકરાને? એની ફ્રેન્ડ છે?”
અનોખીથી કશું બોલી જ ના શકાયું અને એ જોરજોરથી શ્યામના નામની બુમો પાડતી રડવા લાગી.
અનુસુયા બહેન જાણે અજાણે ઓળખી ગયા કે આ અનોખી જ હોવી જોઈએ. શ્યામે અનોખી વિષે પોતાની સાથે મિત્રની જેમ રહેતી તેની મમ્મીને કહ્યું હતું.
અનુસુયા બહેન અનોખીનો ખભો પસવારવા લાગ્યા અને તેને પાણી આપ્યું.
અનોખી થોડી શાંત પડી છે એમ લાગતા તરત જ અનુસુયા બહેને, શ્યામે અનોખી માટે જે પત્ર લખ્યો હતો તે પત્ર લઈને અનોખી પાસે પાછા આવ્યા.
શ્યામનો પત્ર આપતા અનુસુયા બહેને કહ્યું, “પત્ર વાંચતા પહેલા હું તને કહેવા માંગુ છું કે શ્યામને ભલે એડ્સની બીમારી હતી, પણ તું એના વિષે ખોટી ધારણાઓ નહિ બાંધી લેતી. એના જીવનમાં જો કોઈ ખાસ છોકરી હોય તો એ ફક્ત તું હતી. એટલે એડ્સની બીમારી કદાચ તે અવાર-નવાર લોહી દાન કરતો, તેમાંથી કોઈ દવાખાનાની બેદરકારીને લીધેથી થયો હશે એવું ડોકટરનું માનવું હતું. આ રોગથી દર્દીનું તુરંત મૃત્યુ નથી થતું એવું પણ જણાવ્યું હતું. ક્યારેક ૨-૪ વર્ષે મૃત્યુ થાય તો ક્યારેક માણસ ૧૪-૧૫ વર્ષ પણ જીવી શકે. પણ ભગવાનની ઈચ્છા એને ધીમે ધીમે તડપાવીને મારવાની નહિ હોય એટલે જ કદાચ એ આવી રીતે કાર અક્સમાતમાં મૃત્યુ પામ્યો.”
આટલું બોલતા તો અનુસુયા બહેનની આંખો છલકાઈ પડી અને એમનાથી રહેવાયું નહિ એટલે એ બીજી રૂમમાં જતા રહ્યા.
અનોખી તો શ્યામને અકસ્માતમાં કેવી પીડા થઈ હશે, કેટલો તરફડ્યો હશે એમ વિચારીને જ રડવું આવી ગયું. એ પત્રને પોતાની છાતી સાથે ભીસીને રડવા લાગી, ચૂમીઓ ભરવા લાગી જાણે એ પત્ર નહિ પણ શ્યામ પોતે જ હોય એની સામે.
આંસુ ભરેલી આંખે તેણે શ્યામનો પત્ર વાંચવાની શરૂઆત કરી.
“હાય અનોખી,
હમ્મ...તો આખરે તે તારી ઈચ્છા પૂરી કરી જ લીધી. આ પત્ર તારા હાથમાં છે એટલે કે તું મને મળવા પહોચી જ ગઈ મારા ઘરે. પણ સોરી યાર તારું સ્વાગત કરવા હું હાજર નથી. મેં કહ્યું જ હતું મમ્મીને કે હું ના હોઉ ને અનોખી આવે તો જ એને આ પત્ર આપવો.
તે લગન-વગન કરી લીધા કે પછી, “હું અજાણ્યા સાથે વાત નથી કરતી” એ વાત પર જ અટકેલી છે? હાહાહા.
મેં તો ખાલી એમ જ ફ્રેન્ડ બનવવાના ઈરાદાથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી પણ મને ક્યાં ખબર હતી કે એ અજાણી છોકરી થોડાક જ સમયમાં આટલી બધી મહત્વની થઈ જશે મારા માટે. બેસ્ટ ફ્રેન્ડ બની જશે. હકીકતમાં મળ્યા વિના કોઈ આટલું બધું મહત્વનું થઈ શકે ખરું? બીજાની તો બીજા જાણે પણ હા, તું થઈ ગઈ મહત્વની મારા માટે.
આ જન્મમાં મારા નસીબ જ સારા નથી. જોને, છોકરી તો મળી ગઈ પણ હકીકતમાં નહિ. કોઈ નહિ તો આ એડ્સની બીમારી વિલન બનીને આવી ગઈ નહીતર ધામધુમથી તારી સાથે લગ્ન કરત, મારા પેરેન્ટ્સ તો રાજી-ખુશીથી માની જાત અને તારા ના માનત તો હું પ્રેમથી મનાવી લેત એમને.
તારી સાથે લગ્ન કરવાની વાત વાંચીને નવાઈ લાગી હશેને? તો મારી ગર્લફ્રેન્ડ હતી એનું શું? એવા સવાલો થતા હશે ને? બસ એ વાત કહેવા તો તને જતા-જતા પત્ર લખ્યો છે. ગર્લફેન્ડ તો બનાવવી જ હતી પણ આ નસીબે સાથ ના આપ્યો. હા હું ખરેખર તને ખુબ જ પ્રેમ કરું છું. પણ જોને એડ્સે મને કઈ કહેવા જ ના દીધું.
યાદ છે તારી સાથે મેં કેન્સર વાળું મજાક કર્યું હતું ત્યારે જ મને ઈચ્છા થઈ હતી કે તને મારી બીમારી વિષે જણાવી દઉં. પણ મને થયું કે ખબર નહિ તું મને સમજી શકીશ કે નહિ? મારા વિષે ઊંધું-સીધું તો નહિ વિચારી લેને?
અને એના થોડાજ દિવસ પછી તે જયારે તારા પ્રેમનો એકરાર કર્યો ત્યારે મને જે ખુશી થએલી એનું વર્ણન કરવું જ અશક્ય છે. એ તો બસ મારું મન જ જાણે છે. મનમાં તો થઈ આવ્યું કે તને કહી દઉં કે હું પણ તને ખુબ ખુબ ખુબ પ્રેમ કરું છું. અને એમ થયું કે અત્યારે જ તારા ઘરે આવીને તારા પેરેન્ટ્સ સાથે વાત કરીને આપણા લગ્નની પરવાનગી લઈ લઉં.
પણ મને એડ્સ વિષે યાદ આવી ગયું એટલે મેં તારી સામે જુઠું બોલવાનું શરુ કર્યું. એડ્સ એવી બીમારી છે કે હું આજે છું અને કાલે કદાચ ના પણ હોઉં. તો તારું શું? તારો સ્વભાવ જાણું છું એટલે ખબર હતી કે મારી બીમારી વિષે જાણ્યા પછી પણ તારો પ્રેમ ઓછો નહિ થાય. મારી પાછળ મારે તારી પણ જિંદગી બરબાદ કરવી? એવું તો હું કેવી રીતે થવા દઉં.
એટલે જ મેં જુઠું કહ્યું કે હું તને પ્રેમ નથી કરતો અને કહી દીધું કે મારે ગર્લફ્રેન્ડ છે. હા હું જુઠું બોલ્યો, પણ તારા માટે. મેં નક્કી કરી લીધું કે ગમે તેમ તને મારી માટેની આ લાગણીઓથી છોડાવવી કે જેથી હું તારી લાઈફમાં આગળ જતા ના હોઉં તો તને ઓછી તકલીફ પડે.
પહેલા તો મેં તને ઇગ્નોર કરવાનું શરુ કર્યું. તોપણ તને ફરક જ ના પડ્યો. એટલે મેં તને વધારે તકલીફ આપવા ગર્લફ્રેન્ડ વિષે વાતો કરવાનું શરુ કર્યું. જાણતો હતો તને તકલીફ થશે, એ જ તો હું ઈચ્છતો હતો.
પણ અનોખી જેનું નામ. એમ તો મુવઓન ક્યાંથી કરે. એટલે મેં જ તારા મેસેજના રીપ્લાય કરવાનું બંધ કરી દીધું.
તું મને ઘણી વાર કહેતી કે આપડે ક્યારેક તો લાઈફમાં એકવાર મળશું જ. ખબર નહિ કેમ મારું મન એ વાત પર અટકી ગયું. મારું મન કહેતું હતું કે તું ગમે ત્યારે એકવાર તો મને મળવા આવીશ જ. એટલે જ મેં આ પત્ર લખવાનું વિચાર્યું એટલે જ મેં મમ્મીને પત્ર લખીને કહી દીધું કે ભલે ૪-૫ કે ૧૦-૧૫ વર્ષે અનોખી આવે અને હું હાજર ના હોઉં તો એને આપી દેજે.
તને એમ થતું હશે ને કે મર્યા પછી આ બધી લાગણીઓ જણાવવાનું કારણ શું? મારા દિલને સુકુન અને આત્માને શાંતિ મળશે. હું જ હાજર નહિ હોઉં એટલે તું સાથે રહેવાની જીદ પણ નહિ કરી શકે. અને કદાચ તકલીફ વધારે થશે પણ અંત તો આવશે ને વાતનો.
તને પ્રેમ કરતો હતો એટલે મારા માટે એ તને કહેવું જરૂરી હતું. આ જન્મમાં ના મળી શક્યા તો કાંઈ વાંધો નહિ પણ આવતા જન્મમાં તો તને હું મારી બનાવીશ જ, ભગવાન સાથે મેં ડીલ કરી છે.
તારું હમેશા ધ્યાન રાખજે.
તારો વાયડો,
શ્યામ.”
પત્ર વાંચ્યા પછી તો જાણે અનોખી પાગલ થઈ ગઈ. એને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. હાંફળી થઈ ગઈ. શ્યામના નામની બુમો પાડતા, રડતા રડતા પત્રને તો એણે ભીંસી જ દીધો. એ જાણે ભાનમાં જ ના રહી. ઘડીક ફરીથી પત્ર વાંચતી તો ઘડીક પત્રને ચુમીઓ કરતી.
પત્ર વાંચતી તો ગાંડાની જેમ હસતી, ખુશ થતા થતા બબડતી કે “શ્યામ પણ મને પ્રેમ કરે છે, એ પણ મને પ્રેમ કરે છે.” તો વળી દીવાલ પરના શ્યામના હાર ચડાવેલા ફોટા પર નજર પડતી તો ચોધાર આંસુએ રડવા લાગતી. એ પોતાના જ કાબુમાં નહતી.
અનોખી મનમાં જે આવતું એ બોલવા લાગી, “એકવાર કહેવું તો હતું મને કે તું મને પ્રેમ કરે છે. ભલે ને પછી ૨ દિવસ કે ચાર વર્ષ તારો પ્રેમ તો પામી શકત, તને પ્રેમ કરી શકત, તને રૂબરૂ મળી શકત, તને ધરાઈને જોઈ શકત, તારું એ સ્મિત, તારો ચહેરો અડી શકત, તને ગળે વળગીને રડી શકત. આ બીમારીમાં તારો ક્યાં વાંક હતો. ભલેને થોડી તો થોડી, એ પળોમાં હું મારી આખી જિંદગી જીવી લેત. તારે મને કહેવું તો હતું. એક ચાન્સ તો આપવો હતો. તે મને કેમ ના કહ્યું? તે કેમ ના કહ્યું મને?”
અને બસ એમ જ રડતા રડતા અનોખી કોઈ પાગલની જેમ બસ એકનું એક વાક્ય જ બોલ્યા કરતી હતી, “તે મને કહ્યું કેમ નહિ? એકવાર તો કહેવું હતું. એક ચાન્સ તો આપવો હતો. તે મને કહ્યું કેમ નહિ?”
The End