Mangal - 20 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 20

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

મંગલ - 20

મંગલ
Chapter 20 -- સંઘર્ષ
Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
ravisitapara.blogspot.com
M. 7567892860






-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ વીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલનાં પિતાને છોડાવવા માટે મંગલે પોતાની તમામ શક્તિઓ કામે લગાડી દીધી પણ તેમને નિષ્ફળતાઓ મળી. મંગલે અભ્યાસ છોડી કામે વળગવાની શરૂઆત કરી. આગળ તેનાં જીવનમાં શું થશે તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું વીસમું પ્રકરણ
મંગલ Chapter 20 – સંઘર્ષ





Chapter 20 – સંઘર્ષ ગતાંકથી ચાલું...
મંગલે શાળામાંથી પોતાનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો. કપરી પરિસ્થિતિએ તેમને તેમની ઉંમર કરતાં વહેલા પુખ્ત અને જવાબદાર બનાવી દીધો હતો. કુટુંબ માટે તે એક છત્ર બની રહ્યો હતો. દિવસ રાત બસ એક જ ધૂન લાગી હતી. ગમે તેમ કરીને બાપુને છોડાવવા. પણ આ કામ એટલું સરળ પણ ન હતું જેટલું તેણે ધાર્યું હતું. ઘરની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા મંગલે પોરબંદર છોડ્યું અને પોતાનાં શહેરથી દૂર અલંગ બંદરે જઈ પહોંચ્યો.
અલંગમાં કિનારે આવતા દેશ વિદેશનાં જહાજોને તોડવાનાં કામમાં તે જોડાયો. દરિયાઈ સફરથી તે ટેવાયેલો હતો પણ અહીં બીજા બંદરો કરતાં પરિસ્થિતિ થોડી અલગ હતી. કિનારે આવતા કેટલાંય જહાજોને તોડવામાં આવતા. મંગલે અહીં પોતાનું કામ શરૂ કર્યું.
તેમનાં માટે આ કામ નવું હતું. ઘરથી દૂર એવી આ જગ્યા મંગલ માટે નવી હતી. ઉંમર પણ નાની એટલે વહાણ તોડવા માટેની મજૂરીનું કામ સોંપવામાં આવ્યું. પોતાની સાથે ઘણા બીજા મજૂરો પણ હતા. પોતાનું સમગ્ર આયખું દરિયાનાં ખોળે પસાર કરી ચૂકેલા દેશ વિદેશનાં મસમોટા કેટલાંય વહાણો પોતાની અંતિમ સફર અલંગ ખાતે આવીને પૂરૂ કરતાં હતા. કહેવાય છે કે ‘તૂટવું’ એ દુ:ખદાયક પ્રક્રિયા છે. પરંતુ અલંગ એમાં અપવાદ છે. વર્ષે સરેરાશ બસ્સો અઢીસો નાના મોટા વહાણો ત્યાં તૂટવા માટે આવતા હતા. ગુજરાતનાં અને અન્ય રાજ્યોમાંથી આવેલા સરેરાશ લાખો કારીગરો અને મજૂરોની રોજી રોટી ત્યાંથી નીકળે છે. હજારો ઘરોનાં રસોડામાં તેનાં કારણે ચૂલા સળગે છે.
કિનારે વહાણોની બીચિંગ પ્રક્રિયા પૂરી કરીને તેને કિનારે લાંગરવા તેમજ તેને સંબંધિત કાયદાકીય પ્રક્રિયા અને સરકારી કામો મેરીટાઈમ બૉર્ડ જેવી વિવિધ કચેરીઓમાં પૂરા કરવામાં આવે છે. ત્યાર બાદ વહાણને તોડવાની પ્રક્રિયા શરૂ થાય છે. અલંગ બંદરે પહેલું વહાણ તૂટવા માટે આવ્યું તેને હજું ગણતરીનાં વર્ષો જ થયા હતા. મંગલ હજુ આ બધા કામોમાં નવોસવો હતો. આ અગાઉ તેમને આવા કોઈ કામનો અનુભવ ન હતો. જાતનો ખારવો અને દરિયો તે ખારવાનું જાણે બીજું ઘર. ખારવા પેઢી દર પેઢી દરિયાનાં ખોળે પોતાનું અડધાથી વધારે આયખું કાઢી નાખે છે. મધદરિયાનો વાતો પવન અને તેની લહેરખી અને અફાટ દરિયાનો ઘૂઘવતો નાદ એ ખારવાનું જાણે એકમાત્ર સંગીત હોય છે. આ સંગીતનાં તાલ સાથે તાલ મિલાવી કોઈ કાનજી વાઘેર જેવા ધૂની માણસ ગીતો રચી કાઢે છે, પણ એ બધુ અહીં ક્યાં લેવા જવું ? અહીં તો પાપી પેટનો ખાડો પૂરવો અને ઘરની ડોલતી બદહાલ પરિસ્થિતિને સ્થિર કરવી અને બે પૈસા કમાવવા એ જ અત્યારે ધ્યેય બની ગયું હતું.
કિનારે એક મસમોટું વહાણ આવેલું હતું. બધી પ્રક્રિયા પૂરી થતાં કારીગરો અને મજૂરો દોરડા, કટિંગ મશીનરીઓ સાથે પોતપોતાનાં કામે વળગ્યા. સૌ પ્રથમ વહાણનાં ઓઈલને કાઢી લેવામાં આવતું. ત્યાર બાદ ગેસ કટરથી મંગલ અને બીજા મજૂરો વહાણનાં બીજા ભાગોને કાપવા લાગ્યા. ક્રેન જેવા મહાકાય યંત્રો પણ આ વહાણને ભાંગવામાં કામે લાગ્યા. વહાણ ભાંગતા અંદરથી હજારો ટનની માત્રામાં ઈલેક્ટ્રોનિક્સ, રાચરચીલું, લોખંડ જેવા કાચા માલ નીકળતા જેને મજૂરો વહન કરીને એક બહાર કાઢતા હતા. દર મહિને લગભગ વીસ પચ્ચીસ જેટલા વહાણો અલંગ ખાતે ભંગાવવા માટે આવતા હતા. મંગલ શરૂઆતમાં ખૂબ જ હેરાન થઈ જતો. આમ તો શારીરિક રીતે તે ખડતલ હતો પણ આવા મજૂરી કામનો તેમને ખાસ કોઈ અનુભવ ન હતો. કામ છોડવાનો ક્યારેક ક્યારેક વિચાર આવતો ત્યારે ઘડી ભર મા નું સ્મરણ થઈ જતું. વગર કોઈ અપરાધે દૂર દરિયાની પેલે પાર નરક જેવી કાળ કોટડીમાં જેમ તેમ જીવતા તેનાં બાપુ યાદ આવી જતાં. ત્યાં જ તેમની નજર આકરો તાપ અને ઉપરથી મશીનરીઓની ગરમી વચ્ચે ખૂબ શારીરિક શ્રમ કરી રહેલા કેટલાંય મજૂરો પર પડી. ખાલી મજૂરો જ નહીં, તેઓની પત્ની, ભાઈઓ, કિશોર વયનાં છોકરાઓ પર પડી. જીવનની વાસ્તવિકતા તેમને સમજાઈ. જીવન સંઘર્ષનું બીજું નામ છે.
ચારે બાજુ ઉડતી કાળી રજ પણ તેનાં શ્વાસનો જાણે હવે ભાગ બની ગઈ હતી. ચામડી પર કાળા રંગે એક કવચ બનાવી દીધું હતું. મજૂરોનાં મુખ પર કોઈ પ્રશ્નો ન હતા. પ્રશ્નો કરવાનો તેમની પાસે કોઈ સમય જ ક્યાં હતો ? જ્યાં વહાણો ભાંગતા હોય તેનાંથી અમુક અંતરે દૂર છીછરા દરિયાકિનારે તેઓનાં નાના નાના બાળકો અહીં તહીં આમ તેમ ભટકતા હતા. મેલા ઘેલા થીંગડાવાળા કપડાંઓ પહેરેલા તેઓ વહાણમાંથી તૂટીને નીચે પડેલી કોઈ નાનકડી વસ્તુઓને દરિયાકિનારે થઈ ગયેલા કીચડમાંથી શોધીને રમકડું સમજીને રમવા લાગતાં. તો એ જગ્યાએથી દૂર કોઈ મજૂરની બાઈ પોતાનાં નવજાત શિશુને બે થાંભલાને ટેકે જૂની પુરાણી સાડી બાંધીને ઘોડિયું બનાવી ઝૂલાવી રહી હતી. તો કોઈ કોઈ બાઈ ગુટખા કે તમાકુ ખાવામાં પતિની જાણે બરાબરી કરી રહી હોય એમ હાથેથી મસળીને ગલોફે ભરી રહી હતી.
મંગલને દોઢેક વરસ થવા આવ્યું હતું. શરૂઆતમાં સાવ નવો નિશાળિયો ગણાતો તે કામમાં પારંગત થવા લાગ્યો. ધીમે ધીમે તેને કામમાં ફાવટ આવવા લાગી. કામમાં તે ખંત અને ચોકસાઈપૂર્વક આગળ વધીને કામ પૂરૂ કરતો. સમય અને સંજોગે તેને જવાબદાર અને પીઢ બનાવ્યો. બંદર પર આવેલા આશરે ૧૪૦ જેટલાં પ્લોટમાં આખું વર્ષ વહાણો ભાંગવાનું કામ ચાલુ રહેતું. તેની સાથે જોડાયેલા અન્ય ઑક્સીજન પ્લાન્ટ, રોલિંગ મિલનાં ઉદ્યોગ અને જહાજમાંથી નીકળતા લોખંડનાં ટનબંધ ભંગાર, ફર્નિચર જેવા ઉદ્યોગોને કારણે અલંગ ધમધમી રહ્યું હતું. નજીકનાં ભવિષ્યમાં તેમની નામના આખા વિશ્વનાં સૌથી મોટા શીપબ્રેકિંગ યાર્ડ તરીકે થવાની હતી.
આમ તો આખા દિવસની તનતોડ મહેનત પછી સાંજે ભાડે રાખેલી નાનકડી ઓરડીમાં લાંબા થવા સિવાય કોઈ વિચાર સૂઝતો ન હોય. પણ ક્યારેક ક્યારેક તેને એવું લાગે કે દરિયો તેમને બોલાવે છે ત્યારે સાંજનાં સમયે નવરાશનાં સમયે ક્યારેક ક્યારેક તે દરિયા કિનારે આવીને બેસતો. પોતે અને દરિયો ક્યારેય પરસ્પર એકબીજાથી દૂર રહ્યા ન હતા પણ એ તો ભૌતિક રીતે અહીં તો તે આખો દિવસ દરિયાકિનારે જ રહેતો હોવા છતાં તેનાંથી તે ઘણો દૂર હતો. અલંગની જેમ પોરબંદરનાં દરિયે પણ વહાણો અને હોડીઓ રહેતી. પણ અહીંની હવામાં ધુમાડો વધુ રહેતો હતો. ક્યાંક ક્યાંક અગ્નિની જ્વાળાઓ ભભૂકતી રહેતી. અવિરત ચાલતા યંત્રો સાથે માણસ પણ યાંત્રિક બની રહ્યો હતો. કિનારે અફળાતા મોજાઓમાં તૂટેલાં વહાણોનાં કાટમાળની રજ પણ તણાઈ આવતી હતી. કાળાશવાળા પાણીમાં તે એક નજર નાખતો અને મન ખિન્ન થઈ જતું.
“શું કરું ? અહીં મન તો લાગતું નથી. નોકરી છોડી દઉં ?” સ્વગત બબડ્યો.
“ગાંડો થા મા. આ ધરતીએ રોજી રોટી આપી છે. ઘરની કથળેલી પરસ્થિતિ પણ આ કામને કારણે જ ઠીક ઠીક બેઠી થઈ છે.” મનમાં જ આવો સામો વિચાર આવ્યો. આંતરમનમાં તુમુલ યુદ્ધ ચાલ્યું. “ઘરની સ્થિતિને સુધારવી છે, બાપાને પાછા લાવવા પણ ક્યાંક પૈસા તો જોઈશે ને ? ત્યાં બેકાર રખડીશ તો ધાની સાથે લગ્ન પણ કેમ કરીને થશે ? ઘરની હોડી તો હવે રહી નથી. પણ એક દિવસ હું પૈસા ભેગા કરીને એક હોડી જરૂર લઈશ. ખારવાને એક કિનારે બંધાઈ રહેવું ન પોષાય. હે દરિયાદેવ, હું આવીશ. એક દિવસ હું તમારો ખોળો ખૂંદવા જરૂર આવીશ.” દરિયા સામે જોઈને એકલા એકલા જાતને આશ્વાસન દેતા મંગલ બોલ્યો.
રાત ગાઢ થઈ રહી હતી. કાલે સવારે ફરી એ જ ઘરેડમાં ઘડાઈ જવાનું છે, એમ વિચારીને મંગલે પોતાની ઓરડી ભણી ડગ માંડ્યા.

To be Continued…
Wait For Next Time…