Pati Patni ane pret - 9 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પતિ પત્ની અને પ્રેત - 9

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પતિ પત્ની અને પ્રેત - 9

પતિ પત્ની અને પ્રેત
- રાકેશ ઠક્કર

પ્રકરણ-૯

રેતાએ રિલોકને અટકાવ્યો પણ એનો ગુસ્સો વ્યાજબી લાગતો હતો. ટેમ્પો ડ્રાઇવર શીવલાલે અત્યાર સુધી કહેલી બધી વાત દવાખાનું બંધ જોયા પછી અને ત્યાં મળેલા વૃધ્ધની વાતથી ખોટી ઠરતી હતી. રેતાએ રિલોકને અટાકાવ્યો છતાં તેણે શીવલાલની ફેંટ છોડી નહીં. તેને શીવલાલ પર ભારે ગુસ્સો આવતો હતો:"ભાભી, આ લાતોના ભૂત છે, વાતોથી માનશે નહીં. એણે આપણાને ગેરમાર્ગે દોર્યા છે. જો કાર ખીણમાં પડી ગઇ હોય તો અકસ્માત પછી એમાંથી વિરેન કેવી રીતે બચીને બહાર નીકળી શક્યો હોય? કાર ખીણમાં પડી ગયા પછી વિરેનને તેણે જોયો હોવાની વાત મને તો પહેલાંથી જ માનવામાં આવતી ન હતી. આપણે આને પોલીસના હવાલે કરી દઇએ. એમનો ગડદપાટુનો માર ખાઇને એ સાચું બોલશે..."

રિલોકની વાત સાંભળી શીવલાલ કરગરતાં બોલ્યો:"સાહેબ, હું સાચું જ બોલું છું...હું પોતે ભાઇને ઊંચકીને અહીં સુધી લાવ્યો હતો..."

રેતાએ કંઇક નક્કી કરી લીધું હતું એટલે રિલોકને અટકાવ્યો હતો. તેને શીવલાલની વાત પરથી લાગતું હતું કે એની વાત ખોટી ના પણ હોય શકે. એ વાતની ખરાઇ કરવા જ રેતાએ દવાખાનાનું તાળું તોડી અંદર તપાસ કરવાનો નિર્ણય કરી લીધો હતો. તે બોલી:"રિલોક, તું શાંતિ રાખ. આપણે શીવલાલની માહિતી મુજબ તપાસ કરીએ. દવાખાનાનું તાળું તોડીને અંદર જોઇએ. કદાચ તેની વાતના સમર્થનમાં કોઇ પુરાવો મળી શકે...."

રેતાની વાત સાંભળી રિલોકે વૃધ્ધ તરફ જોયું. રિલોકને થયું કે આ વૃધ્ધ મદદ કરી શકશે. કોઇની માલિકીની જગ્યામાં તાળું તોડી અંદર પ્રવેશ કરવો એ ગેરકાયદે ગણાય. રિલોકે વૃધ્ધને ટૂંકમાં આખી વાત સમજાવી. શીવલાલ અહીં કોઇને સારવાર માટે લઇ આવ્યો હોવાની વાતથી વૃધ્ધને પણ નવાઇ લાગી રહી હતી. વૃધ્ધ રિલોકની મૂંઝવણ સમજી ગયા હોય એમ બોલ્યા:"હું આ વિસ્તારમાં વર્ષોથી રહું છું. મારું નામ જામગીર છે. આ દવાખાનું ડૉ. ઝાલનનું છે. એ ગુજરી ગયાને ઘણો સમય થયો છે. એમના મૃત્યુ પામ્યા પછી કોઇએ એમની સંપત્તિ પર દાવો કર્યો હોય એવો ખ્યાલ નથી. ઘણા સમયથી દવાખાનું અવાવરું પડ્યું છે. કોઇ અહીં આવતું નથી. આ દીકરીની વાત સાચી છે. તાળું તોડીને અંદર જોવું જોઇએ...."

રિલોકે વિવેક ખાતર પૂછ્યું:"કાકા, આપણે પરવાનગી વગર તાળું તોડીશું તો કોઇ વાંધો નહીં આવશે ને?"

જામગીર દવાખાનાના દરવાજે પહોંચીને બોલ્યા:"ના, આમ પણ આ દવાખાનાનું કોઇ વારસ નથી. આ ભાઇ અહીં દીકરીના વરને લઇને આવ્યા હતા એમ કહે છે તો અંદર જોઇ લેવું જોઇએ. દવાખાનામાં શું કિંમતી વસ્તુઓ પણ હોવાની?"

જામગીરનો સાથ મળ્યો એટલે રિલોક નજીકમાંથી મોટો પથ્થર લઇ આવી બોલ્યો:"શીવલાલ, આ પથ્થરથી તાળું તોડ અને તારી વાતને સાચી સાબિત કરી બતાવ..."

શીવલાલે પોતાની શક્તિ કામે લગાવીને થોડા પ્રયત્નમાં તાળું તોડી નાખ્યું. બધાં અંદર જવા લાગ્યા. દવાખાનામાં ચાર રૂમ હતા. પહેલામાં ડૉકટરનો દર્દીને તપાસવાનો રૂમ લાગ્યો. ત્યાં પડેલી વસ્તુઓ પર ધૂળ પડી હતી. બીજા રૂમમાં રસોડા જેવું હતું. ત્રીજા રૂમમાં ડૉકટરનો કે દર્દી માટેનો આરામરૂમ હોય એવું લાગ્યું. ચોથો રૂમ દર્દીને સારવાર આપવાનો રૂમ હોય એવું લાગતું હતું. ત્યાં એક સ્ટ્રેચર પણ હતું. ચોથા રૂમને જોઇ શીવલાલ બોલી ઉઠયો:"આજ...આજ રૂમમાં પેલી નર્સ વિરેનભાઇને સારવાર માટે લઇ આવી હતી. બાકીના રૂમમાં મેં જોયું નથી...."

રેતા અને રિલોકે એકબીજા સામે જોયું. બાકીની રૂમોની જેમ આ સારવાર રૂમમાં પણ ધૂળ અને કરોળિયાનાં જાળાં જ હતા. મતલબ કે લાંબા સમયથી કોઇ આ જગ્યાએ આવ્યું નથી. બે-ત્રણ દિવસમાં આવી સ્થિતિ ના થઇ શકે. રેતાને હવે શીવલાલ પર ભરોસો રહ્યો નહીં. તે બોલી:"શીવલાલ, આ રૂમમાં ઘણા દિવસથી કોઇ આવ્યું હોય એવું લાગતું નથી. તારી કોઇ વાત પર વિશ્વાસ થઇ શકે એમ નથી. તું જૂઠું બોલીને અમને બનાવી રહ્યો છે. યાદ રાખજે તું છટકી શકશે નહીં. મારા પતિની કારને અકસ્માત કરવાના ગુનામાં તને જેલમાં ધકેલાવી દઇશ..."

"બેન... બેન... મારા પર વિશ્વાસ કરો. હું પોતે આ રૂમમાં ભાઇને લઇને આવ્યો છું. એક મિનિટ..." કહી શીવલાલ આખા રૂમમાં કંઇક શોધવા લાગ્યો. તેણે સ્ટ્રેચરના કપડાને હટાવ્યું. નીચે કોઇના કપડાં પડ્યા હતા. તેણે તેને બહાર કાઢ્યા અને કહ્યું:"આજ...આજ કપડાં ભાઇએ પહેર્યા હતા..."

રેતાએ એ કપડાં હાથમાં લઇને જોયું તો ખરેખર વિરેન એ દિવસે જે પેન્ટ અને શર્ટ પહેરીને નીકળ્યો એ જ હતા. હાથમાં કપડાંને લીધા પછી તેનો હાથ ધ્રૂજી ગયો. તેની આંખોમાં ડર વ્યાપી ગયો. તેણે રિલોક સામે જોયું. એની બોલતી પણ બંધ થઇ ગઇ હતી. કોઇને સમજાતું ન હતું કે વિરેનના કપડાં અહીં છે તો એ ક્યાં ગયો? હવે શીવલાલની વાત સાચી લાગી રહી હતી.

શીવલાલ પોતાની વાત સાચી નીકળી રહી છે એ જોઇ ખુશ થયો. અને બોલ્યો:"જોયું ને? હું સાચું કહેતો હતો ને? પેલી નર્સે ભાઇને અહીં જ આ કપડાંમાં સારવાર આપી હતી...હું જતો રહ્યો પછી સું થયું એ કહી શકું નહીં."

રેતાએ જોયું કે કપડાં પર ઘણી જગ્યાએ લોહીના ડાઘ હતા. શીવલાલની વાત સાચી હતી. તે વિરેનને અહીં લઇને આવ્યો હોય એ વાત સાચી હોય શકે. તેણે ભૂલ એ કરી કે વિરેનને એકલો છોડીને જતો રહ્યો. પોલીસમાં કે અમને જાણ કરી નહીં. રેતાએ વિરેનના શર્ટ અને પેન્ટના ખિસ્સા તપાસી જોયા. તેમાં તેની કોઇ વસ્તુ ન હતી. રેતા જાણતી હતી કે વિરેન લાંબી મુસાફરીમાં પોતાનું ઘડિયાળ, બેલ્ટ, મોબાઇલ, પાકિટ બધું જ કાઢીને કારમાં મૂકી દેતો હતો. એ બધું જ કાર સાથે જતું રહ્યું છે. વિરેન બચી ગયો હતો એ સાબિત થયા પછી રેતાને તેના મળવાની આશા જાગી ગઇ. તેણે કપડાં બાજુ પર મૂકી મંગળસૂત્રને પકડી બંને આંખે લગાવી માતાજીને પ્રાર્થના કરી કે વિરેનને હેમખેમ રાખજો.

આંખમાં ઉમટી આવતા આંસુઓને લૂછતાં રેતા બોલી:"રિલોક, શીવલાલની વાત સાચી લાગે છે. વિરેન અહીં જ હતો. તો પછી એ ક્યાં ગયો? કે કોઇ એને લઇ ગયું? એને વધારે સારવાર માટે ક્યાંક લઇ જવામાં આવ્યો હોય એવું બની શકે?"

રેતાની જેમ રિલોકના મનમાં પણ પ્રશ્નો વધી રહ્યા હતા. અચાનક તેણે વિચાર કરીને કહ્યું:"ભાભી, આ દવાખાનું તો મહિનાઓથી ખૂલ્યું જ નથી. તો એ શીવલાલને ખુલ્લું દેખાયું અને એક નર્સે સારવાર આપી એ કેવી રીતે શક્ય બન્યું?"

રેતાએ તેના પર વિચાર કર્યો અને એ જામગીર તરફ ફરીને બોલી:"કાકા, ડૉકટર ઝાલનના મરી ગયા પછી કોઇ નર્સ દવાખાનું ચલાવતી હતી? કોઇ બીજા ડૉકટર અહીં આવતા હતા?"

જામગીર પણ વિચારમાં ડૂબી ગયા. તેમણે તો આ દવાખાનું લાંબા સમયથી ખૂલ્યું હોય એવું જોયું નથી. અને કોઇ નર્સ કામ કરતી હોય એવો ખ્યાલ નથી. તે બોલ્યા:"ઘણા સમયથી મારા ધ્યાનમાં તો આ દવાખાનું ચાલુ હોય એવું આવ્યું નથી. અને એમાં કોઇ નર્સ કામ કરતી હોય એવો ખ્યાલ નથી. ડૉકટર ઝાલન તો એકલા જ સારવાર આપતા હતા...."

જામગીરની વાતથી દવાખાનાનું રહસ્ય વધારે ઘેરું બની રહ્યું હતું. રિલોકને થયું કે શીવલાલની આ કોઇ ચાલ તો નથી ને? વિરેનનું અકસ્માતમાં મોત થયું હોય અને તેના કપડાં કાઢી અહીં લાવીને મૂકી દીધા હોય એવું પણ બની શકે? કોઇ પૂછપરછ થાય ત્યારે તે સાબિતી માટે બતાવી શકે કે તે તો અહીં સારવાર માટે લાવ્યો હતો. રિલોકનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચી ગયો:"શીવલાલ, આ તારી નવી ચાલ છે. તું જ આ કપડાં અહીં મૂકી ગયો હશે. કાકા કહે છે કે અહીં કોઇ નર્સ ન હતી તો પછી વિરેનને કોણે સારવાર આપી? ડૉકટર પણ ગુજરી ગયા છે...નર્સ આસમાનથી સારવાર આપવા ટપકી હતી?"

ત્યાં જામગીરને કંઇક વિચાર આવ્યો. તે રિલોકને અટકાવતાં શીવલાલ તરફ જોઇ બોલ્યા:"ભાઇ, એ નર્સ કેવી દેખાતી હતી? એના વિશે તું શું જાણે છે?"

શીવલાલે નર્સનું વર્ણન કર્યું અને તેના વિશે યાદ આવી એ માહિતી આપી એ પછી જામગીર ગભરાઇ ગયા હોય એમ ધ્ર્રૂજવા લાગ્યા. તેમના હાથમાંની લાકડી પણ ધ્રૂજવા લાગી. રિલોકે તેમને સહારો આપ્યો અને બહાર લઇ આવ્યો.

જામગીર બહાર ઓટલા પર ફસડાઇ પડતા હોય એમ બેસી ગયા.

રેતા, રિલોક અને શીવલાલને નવાઇ લાગી. જામગીર કેમ સૂનમૂન થઇ ગયા છે? તે શું વિચારી રહ્યા છે?

*

વિરેને શરીરમાં દુ:ખાવો થતો હોવાનું બહાનું કરી નાગદાને દૂર કરી દીધી. વિરેનને શરીરમાં એટલો પણ દુ:ખાવો ન હતો કે નાગદાનું સુંદર સાંનિધ્ય ઠુકરાવી દે. વિરેનને થયું કે એ મને પોતાનો પતિ કહી રહી છે. એની સાથે સહવાસમાં એક પુરુષ તરીકે મને શું વાંધો હોય શકે? પણ મારું દિલ કેમ મને અટકાવે છે? હું કોઇ દ્રોહ કરી રહ્યો હોય એવી લાગણી કેમ થઇ રહી છે? આ સ્ત્રી મારી સાથે પત્નીની જેમ વર્તી રહી છે છતાં હું એને પત્ની તરીકે કેમ સ્વીકારી શકતો નથી?

વિરેન વિચારમાં ડૂબી ગયો એ દરમ્યાન નાગદા ક્યારે રૂમની બહાર જતી રહી એનો ખ્યાલ ના રહ્યો. વિરેનને થયું કે મારા વર્તનથી તે નારાજ થઇ હશે. પણ હું શું કરું? હું પોતે જ કોણ છું એ જાણતો નથી ત્યારે એને પત્ની તરીકે કેવી રીતે સ્વીકારી લઉ? પહેલાં મારે મારા વિશે જાણવું પડશે. હું ક્યાંથી આવ્યો છું? અમે કેવી રીતે એકબીજા સાથે જોડાયા? હું અહીં શું કરું છું? આ જગ્યા કઇ છે?

વિરેનના મનમાં રેલગાડીમાં જોડાતા ડબ્બાની જેમ એક પછી એક પ્રશ્ન જોડાઇ રહ્યા હતા ત્યારે ઝાંઝરના રણકારથી તે જાગી ગયો હોય એમ દરવાજા તરફ જોવા લાગ્યો.

ઝાંઝરના રણકાર સાથે હવે શબ્દો આવવા લાગ્યા.

આવી જા...પ્રિયવર, આવી જા...

તું મારા દિલમાં સમાઇ જા...

તારા પ્રેમમાં તડપું રાતદિન,

તું મારા તનમાં સમાઇ જા...

ગીત ગાતી નાગદા એક નવા જ રૂપમાં દરવાજામાં પ્રવેશી. તે બંને હાથ પહોળા કરીને તેની નજીક આવી રહી હતી. તે કપડાં બદલીને આવી હતી. તેનું રૂપ એ કપડાંમાં ઔર ખીલી ઉઠ્યું હતું. તેને જોઇને વિરેનના દિલમાં હલચલ મચવા લાગી. નાગદાનું શરીર જાણે આહવાન આપી રહ્યું હતું. તેની તડપ જોઇ શરીરમાં થનગનાટ વધી રહ્યો હતો. તે પોતાના શરીરનું દર્દ ભૂલવા લાગ્યો. નાગદાના અવાજમાં પ્રેમનું દરદ હતું એ સ્પર્શવા લાગ્યું.

આવી જા...પ્રિયવર, આવી જા...

નાગદાની આકર્ષક અદાઓ વિરેનના મનમાં ગલગલિયાં કરવા લાગી. તેનું મદમાતું. મહેકતું, મટકતું-મચલતું, અંગડાઇ લેતું રૂપાળું શરીર કામેચ્છાને જગાડવા લાગ્યું હતું.

વિરેનના હાવભાવ જોઇ નાગદા મનોમન ખુશ થઇ. આ દાવ સફળ થશે એમ લાગતાં નાગદાએ તેની નજીક જઇને ઉપવસ્ત્ર ઉતારવાનું શરૂ કર્યું. આજે કોઇપણ સંજોગોમાં નાગદા પોતાનો એક આશય પૂરો કરવા માગતી હતી.

વધુ નવમા પ્રકરણમાં...

***

ડિસેમ્બર -૨૦૨૦ સુધીમાં ૫.૬ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' વાંચવાનું ચૂકશો નહીં. હોરરના ચાહકો માટે રહસ્ય- રોમાંચ અને સસ્પેન્સ સાથેની 'આત્માની અંતિમ ઇચ્છા' પણ છે. સૌથી વધુ વંચાયેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. આ ઉપરાંત એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની નવલકથા 'લાઇમલાઇટ' તમને કોઇ સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે. જે ૧ વર્ષમાં ૧ લાખથી વધુ ડાઉનલોડ થઇ ચૂકી છે.