જગતનો સમ્રાટ (ભાગ-26)
આગળના ભાગમાં આપણે જોયું કે ગુરૂજી સ્કુલની મુલાકાત લેવા આવી રહ્યા છે તે જાણીને આચાર્ય સાહેબ આનંદ અનુભવે છે અને તેમનાં સ્વાગત માટે તૈયારી કરવાનો આદેશ આપી દે છે. તેમની આ ખુશી બેવડી થઈ જાય છે જ્યારે તેમનાં જૂના મિત્ર અને જૈનીષના દાદા ઓચિંતા તેમની ઓફિસમાં આવે છે. વર્ષો બાદ મળતા બંને મિત્રો ભાવુક બની એકબીજાના હાલચાલ પૂછે છે અને ખૂબ વાતો કરે છે. આચાર્યને જ્યારે ખબર પડે છે કે જૈનીષ તેમનાં પરમ મિત્ર ઈશ્વરભાઈનો પૌત્ર છે ત્યારે તેમની ખુશી બેવડાય જાય છે. આચાર્ય પોતાના મિત્ર ઈશ્વરભાઈને લઈને જૈનીષના ક્લાસમા જાય છે જ્યાં લાગણીસભર દ્રશ્યો જોવા મળે છે. ઈશ્વરભાઈ પોતાના પૌત્ર જૈનીષને લઈને ઘરે જવા નીકળે છે. બીજી બાજુ ગુરુજીના માર્ગમાં સતત અવરોધો ઉત્પન્ન થઈ રહ્યા છે જે તેમને સ્કુલે પહોંચવામાં વિલંબ કરાવે છે. હવે આગળ,
#######~~~~~~~#######~~~~~~~#######
સવારની પૂજા અને ધ્યાન ઇત્યાદિ પ્રવુતિઓ પૂર્ણ કર્યા બાદ પણ ગુરુજી એક પ્રકારની બેચેની અનુભવતા હતા. તેનું કારણ કદાચ ગઈ રાત્રિએ આવેલ વિચિત્ર સ્વપ્ન જ છે એવું ગુરુજી માનતા હતા. નજીકના સમયમાં કોઈ અનિચ્છનીય ઘટના બનવા જઈ રહી છે એનો સંકેત સ્વપ્ન દ્વારા ગુરુજીને મળી ચૂક્યો હતો, તેઓ ચિંતિત માત્ર એટલા માટે હતા કે આ ઘટનાઓ ક્યાંક જૈનીષ સાથે સંકળાયેલ તો નહી હોય ને? હવે તો આ વાતની ખાતરી કરવાનો એક જ ઉપાય ગુરુજીને દેખાઈ રહ્યો હતો કે એક્વાર તેઓ જૈનીષને મળીને ખાતરી કરી લે. ગુરુદેવ સાગરનાથ પાસેથી મેળવેલ જ્ઞાન ગુરુજીને તેમનાં પ્રશ્નોના ઉકેલ આપી દેશે એની ખાતરી સાથે તેઓ સ્કુલ આવવા નીકળે છે.
પણ માર્ગમાં આવતી અડચણોને કારણે ગુરુજી અને રાજેશભાઈને સ્કુલે પહોંચવામા આજે વધારે સમય લાગી રહ્યો છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ ગુરુજીની બેચેની પણ વધતી જાય છે. તેમને હવે ખાતરી થતી જાય છે કે નિયતી દ્વારા રચિત કોઈ ભયાનક ઘટના જૈનીષના જીવનમાં ઘટવા જઈ રહી છે. આ તમામ પરિસ્થિતિથી ચિંતાગ્રસ્ત ગુરુજી થોડીવાર ધ્યાનાસ્થ બનવાનો નિર્ણય કરે છે અને ગુરુદેવ સાગરનાથને યાદ કરે છે, જેથી કરીને તેમનું મન શાંત થઈ શકે અને તે યોગ્ય ઉકેલ શોધી શકે. આ બધી ઘટનાઓના સાક્ષી રાજેશભાઈ તમામ પરિસ્થિતિને સમજવાની કોશિશ કરે છે અને ગુરુજીને જેમ બને તેમ જલદી સ્કુલ પહોંચાડવાની કોશિશમાં લાગી જાય છે.
ગુરુજી જેટલા સમય સુધી ઘ્યાનાસ્થ રહ્યા તેટલા સમયમાં બહારની પરિસ્થિતિઓમા સુધારો થતો ગયો. રસ્તા પર થયેલ અકસ્માત અને તેના કારણે થયેલ ટ્રાફિક જામ ધીરે ધીરે ખુલતો ગયો અને ગુરુજી સાથે રાજેશભાઈ સ્કુલ તરફ઼ અગ્રેસર થતાં ગયાં. ગુરુજીની આંખો સ્કુલમાં દાખલ થતાં જ ખુલી ગઈ. જેવી ગાડી ઊભી રહી, ગુરુજી તરત જ આચાર્ય સાહેબની ઓફિસ તરફ આગળ વધ્યા અને રાજેશભાઈ તેમને અનુસરતા પાછળ પાછળ આવ્યા. તેઓ આચાર્યની ઓફિસ નજીક પહોંચવા આવ્યા હતા ત્યાં જ આચાર્ય તેમને સામેથી આવતા દેખાયા. બીજી બાજુ ગુરુજીને આવતા જોઈને આચાર્ય સાહેબ પણ તેમની તરફ઼ ઉતાવળા પગલે ચાલવા લાગ્યા.
આચાર્ય સાહેબ જેવા ગુરુજીની નજીક પહોંચ્યા એવુ જ ગુરુજીએ તેમને કહ્યું, "આચાર્ય સાહેબ, મારે ખુબ જ અગત્યનું કામ છે, જેમ બને તેમ ઝડપથી જૈનીષ પાસે લઈ જાઓ મને." ગુરુજીની વાત સાંભળી આચાર્ય સાહેબ કોઈ પણ પ્રશ્ન વગર તરત હા પાડી દે છે, પરંતુ આચાર્ય સાહેબને અચાનક જ યાદ આવી ગયું કે જૈનીષ તો અત્યારે સ્કુલમાં હાજર નથી. એટલે તેઓ આગળ વધતા અટકી ગયા અને ગુરુજીની તરફ ફર્યા. "માફ કરજો ગુરુજી, જૈનીષ અત્યારે સ્કુલમાં હાજર નથી. એના દાદા આવ્યા હતા અને તેને પોતાની સાથે લઈ ગયા." આચાર્યની વાત સાંભળી ગુરુજીના ચેહરા પર ચિંતા ઉપસી આવી. જે આચાર્ય સાહેબ અને રાજેશભાઈથી છૂપી ના રહી શકી.
આચાર્ય સાહેબ ગુરુજીને તમામ વાતો જણાવે છે કે કઈ રીતે જૈનીષના દાદા અને તેમના જૂના મિત્ર ઈશ્વરભાઈ અચાનક સ્કુલે આવી ગયા અને કઈ રીતે તેમની આકસ્મિક મુલાકાત થઈ ગઈ. ત્યારબાદ તેઓ કેમ જૈનીષને લઈ જવા માટે આવ્યા હતા તે વાત પણ ગુરુજીને જણાવે છે. આ આખી ચર્ચા દરમિયાન ગુરુજી ચિંતિત ચેહરે બસ સાંભળ્યા કરે છે. આચાર્યના પૂછવા પર પણ ગુરુજી તેમને જૈનીષ પર આવનાર સંકટ વિશે હાલ પૂરતી કોઈપણ માહિતી આપવાનું ટાળે છે, કારણકે ગુરુજીને હજીપણ થોડી અસમંજસ હતી કે કદાચ આ તેમનો ભ્રમ હોય શકે અને હકીકતમાં આવું કંઈ ન પણ બને. છેલ્લે તેઓ આચાર્ય સાહેબ અને રાજેશભાઈને શુભેચ્છા અને આશીર્વાદ આપીને ત્યાંથી કૈલાશધામ જવા માટે પ્રસ્થાન કરે છે.
ગુરુજીને વિદાય આપવા માટે રાજેશભાઈ તેમની કાર સુધી જાય છે. ગુરુજીની વિદાયથી રાજેશભાઈ પણ ભાવુક બને છે. ગુરુજી રાજેશભાઈને તેની સાથે હવેથી સંપર્કમાં જ રહેશે એવુ જણાવે છે. આમ કહેવા પાછળનો ઉદ્દેશ રાજેશભાઈ સમજી જાય છે. રાજેશભાઈ ગુરજીના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લે છે. ગુરુજી રાજેશભાઈના માથા પર હાથ મૂકી તેમને આશીર્વાદ આપે છે અને પછી પોતાના ગંતવ્ય સ્થાન તરફની યાત્રાનો આરંભ કરે છે.
#######~~~~~~~#######~~~~~~~#######
આ તરફ જૈનીષને સાથે લઈ ઈશ્વરભાઈ ઘરે આવી પહોંચે છે, જ્યાં જૈનીષ માટે એક સરપ્રાઈઝ પહેલાથી જ તૈયાર હોય છે. જેવો જૈનીષ ઘરમાં દાખલ થયો તો સામેનો નજારો જોઈને પેહલા તો છક થઈ ગયો. સામે તેમનો આખો પરિવાર તેનું સ્વાગત કરવા અને શુભકામનાઓ આપવા માટે ઉપસ્થિત હોય છે. ખુબ જ પ્રેમ અને લાગણીથી બધાં જૈનીષને તેની સફળતા માટે અભિનંદન પાઠવે છે. હજી તો જૈનીષ તમામ સગાઓને મળ્યો પણ નહોતો ત્યાં દિશા તેની માતા શાલિનીબેન સાથે આવી પહોંચી અને દરવાજે ઊભા રહીને અંદરનો નજારો જોઈ રહી. દિશાને તો જૈનીષના દાદા અને દાદીને મળવુ હતું એટલે જ જીદ કરીને તે જૈનીષની સાથે જ સ્કુલેથી ઘરે આવી હતી, પણ જૈનીષના ઘરે પહોંચતા જ દિશા પણ જૈનીષની જેમ જ પરિવારના બધા સભ્યોને જોઈને છક થઈ ગઈ.
અત્યારે કદાચ સાચો સમય નથી દાદા દાદીને મળવાનો એમ સમજીને દિશા હજી તો એની માતાને પાછું જવાનું કહે તે પહેલા જ રમીલાબેનની નજર દિશા પર પડી ગયી. તેમણે તરત જ દિશા અને શાલિનીબેનને અંદર આવવા માટે આગ્રહ કર્યો. તે સાથે જ તમામની નજર દરવાજા તરફ ગઈ અને તેઓ દિશાને પણ તરત જ ઓળખી ગયા. ત્યારબાદ તો જાણે ઘરમાં મેળો ભરાયો હોય એવો માહોલ જામ્યો. બધાએ જૈનીષ અને દિશાને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી. દિશાએ ઈશ્વરભાઈ અને શાંતાબેનના આશીર્વાદ લીધા અને તેમની સાથે ખુબ વાતો કરી. થોડી વારમાં તો જાણે પરિવારની સભ્ય હોય એમ બધા સાથે દિશા ભળી ગઈ.
બપોર સુધીમાં તો બીનીતભાઈ પણ ઘરે આવી ગયા. તેમને ઈશ્વરભાઈ એ જ જાણ કરી હતી કે સમગ્ર પરિવાર એક સાથે આજે આવી રહ્યા છીએ અને આગળનો જે પ્રોગ્રામ બનાવ્યો હતો તેની પણ જાણકારી આપી દીધી હતી. બપોરના ભોજન બાદ ઈશ્વરભાઈ પરિવારના સભ્યો સમક્ષ એક જાહેરાત કરે છે. "આજે જૈનીષએ જે સફળતા પ્રાપ્ત કરી છે, તેનાથી આપણા ગામમાં તથા સમાજમાં આપણા પરિવારનું નામ ઊંચું થયું છે. આજે આખા પરિવારને લઈને અહી આવવાનું કારણ એ જ છે કે મારે બધા સાથે મહાદેવના દર્શન કરવા માટે કેદારનાથ મંદિર જવું છે. અને ત્યાં જવાની બધી જ વ્યવસ્થા પણ હુ કરી ચુક્યો છું."
ઈશ્વરભાઈની આ જાહેરાતથી ત્યાં ઉપસ્થિત તમામ સભ્યો આનંદિત થઈ ગયા અને અમુક તો પોતાના બેગ તૈયાર કરવા માટે રીતસર દોડી જ પડ્યા. પણ આ સમાચાર સંભાળીને દિશાનું મુખ પડી ગયું. તે અત્યારે તેની માતા શાલિનીબેન અને રમીલાબેન સાથે બેસીને અન્ય મહિલાઓ જેમાં જૈનીષના દાદી, કાકી, મામી, માસી કાકાની છોકરી વગેરે સાથે વાતો કરી રહી હતી. તેના મુખ પર આવેલ ઉદાસી રમીલાબેનથી છૂપી ના રહી શકી. રમીલાબેનના પૂછવા પર પણ દિશા કઈ બોલી નહિ અને શાલિનીબેનને ઘરે જવા માટે કહેવા લાગી.
પોતાના ઘરે આવીને દિશા સીધી પોતાના રૂમમાં જતી રહી. શાલિનીબેન પણ સમજી ગયા હતા કે દિશા કેમ ઉદાસ છે, એટલે તેઓ દિશાને થોડીવાર એકલી જ રહેવા દે છે. રમીલાબેન, બીનીતભાઈ અને ઈશ્વરભાઈ થોડી ક્ષણો બાદ શાલિનીબેનના ઘરે આવી જાય છે. બીનીતભાઈ શાલિનીબેનને જણાવે છે કે, "દિશાની ઉદાસીનું કારણ અમને ખબર જ છે, માટે જ પપ્પાએ એક નિર્ણય લીધો છે અને અમે તમારી મંજૂરી લેવા આવ્યાં છીએ. તમને પણ અમારી સાથે યાત્રા પર લઈ જવાની ઈચ્છા દર્શાવી છે પપ્પાએ. મે દિનેશભાઈને પણ બોલાવી લીધા છે. તેમની સાથે વાતચીત કરી તમે પણ અમારી સાથે આવવા માટે તૈયારીઓ શરૂ કરી દો."
બીનીતભાઈની વાત સાંભળી શાલિનીબેન ભાવુક થઈ જાય છે, રમીલાબેન તેમને સાંત્વના આપે છે અને ઈશ્વરભાઈ શાલિનીબેનને કહે છે, "છોકરાઓની જે સફળતા માટે યાત્રા થઈ રહી છે એમાં તમારી દિશાનો પણ સરખો જ ભાગ છે જેટલો જૈનીષનો, અને દિશાને રૂબરૂ મળ્યા બાદ તો દિશા મને મારી પોતાની જ લાગે છે. એટલે તમારે પણ આવવું જ પડશે." "હા, અમે જરૂર આવશું. તમે મારી દિશાને પોતાની ગણી છે, એટલે અમે પણ તમારા જ થયા. અને હુ પિતાની ઈચ્છા હોય તો કેમ પૂરી ન કરું ?" બોલતા બોલતા દિનેશભાઈ ઘરમાં દાખલ થયા. દિનેશભાઈના આવા શબ્દો ઈશ્વરભાઈને સ્પર્શી ગયા. તેમને તરત જ સમજાય ગયું કે દિશામાં સારા સંસ્કારો દિનેશભાઈમાંથી ઉતર્યા છે.
ઈશ્વરભાઈ તરત દિનેશભાઈને હાથ જોડીને આભાર વ્યક્ત કરે છે કે તેમણે સાથે આવવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું. દિનેશભાઈ તેમને હાથ જોડતા રોકે છે અને તેમના આશીર્વાદ લેવા માટે ચરણસ્પર્શ કરે છે. બીનીતભાઈ રમીલાબેન અને ઈશ્વરભાઈ ત્યારબાદ પોતાના ઘરે આવી જાય છે. આ તરફ દિશા હજી પણ આ વાતથી અજાણ હતી કે તેઓ પણ સાથે જઈ રહ્યા છે. દિનેશભાઈ શાલિનીબેનને લઈને દિશાના રૂમમાં ગયા. એક દમ ગુમસુમ બનીને બારીની બહાર જોઈ રહેલ દિશાને ખબર જ ના પડી કે તેના માતા પિતા તેના રૂમમાં આવી ગયા. દિનેશભાઈએ દિશાના ખભે હાથ મૂક્યો ત્યારે દિશાની તંદ્રા તૂટી. પિતાને જોઈને તેને આંચકો જરૂર લાગ્યો પણ તરત એણે દિનેશભાઈને વહેલા ઘરે આવવાનું કારણ પૂછ્યું. દિનેશભાઈએ યાત્રા પર સાથે જવાનો પ્રસ્તાવથી લઈને બીનીતભાઈ અને ઈશ્વરભાઈ દ્વારા થયેલ બધી વાત દિશાને જણાવી.
દિનેશભાઈની વાત સંભાળીને દિશાના ચેહરા પર ખુશી આવી જાય છે અને તે દિનેશભાઈને ગળે વળગી જાય છે. "મારે પણ દાદા અને દાદી સાથે જ જવું હતું, પણ કેવી રીતે કહું એમને કે મને પણ સાથે લઈ જાઓ. દાદાને તો તેમના પરિવાર સાથે જવું હતું, એટલે જ મારું મન ઉદાસ થઈ ગયું. હવે તો દાદાએ જ મને એમની પોતાની ગણી લીધી પપ્પા." ખુબ જ લાગણીથી દિશા પોતાના મનની વાત દિનેશભાઈને કહી રહી હતી અને તેઓ દિશાની પીઠ પર હાથ ફેરવીને તેને શાંત કરી રહ્યા હતા. તેમને કોઈને પણ જાણ નહોતી કે જૈનીષ પાછળ આવીને ઊભો હતો. જૈનીષ એ પણ આ આખી વાતચીત સાંભળી લીધી હતી. પોતાના પિતાના ગળે લાગેલી દિશાની નજર જૈનીષ પર પડતાં તે તરત તેમનાથી અલગ થઈ અને જૈનીષને જોઈને બોલી, "તું ક્યારે આવ્યો ?" "જ્યારે બહું જ ભાવભર્યું મિલન થઈ રહ્યું હતું એક પિતા અને તેની પુત્રીનું ત્યારે." કહીને જૈનીષ હસવા લાગ્યો અને શાલિનીબેન પાસે આવીને ઊભો રહી ગયો.
જૈનીષની રમૂજથી બધાના ચેહરા પર હાસ્ય આવી ગયો અને દિનેશભાઈએ તેને અંગૂઠો ઊંચો કરીને "ખુબ સરસ" કહીને બિરદાવ્યો. હંમેશા મજાક મસ્તી કરતી દિશાને આજે જૈનીષ હસાવી ગયો. "મેં જ દાદાજી સમક્ષ ઈચ્છા દર્શાવી હતી કે આપણે દિશાને અને કાકા કાકીને પણ સાથે લઈ જવા જોઈએ, યોગાનુયોગ એમના મનમાં પણ આ જ ચાલી રહ્યું હતું એટલે તેઓ તરત મમ્મી પપ્પાને લઈને આવ્યાં હતાં. હવે હું આવ્યો છું મારી ફ્રેન્ડનું મુડ ઠીક કરવા." વાત સાંભળી દિનેશભાઈને માન થઈ આવ્યું જૈનીષ પર અને તેમણે જૈનીષને ગળે લગાવ્યો. શાલિનીબેને તેના દુખડા ઉતર્યા અને આશીર્વાદ આપ્યા. બંને મિત્રોને એકલા મૂકી તેઓ કાલની તૈયારી કરવા જતાં રહ્યાં.
"તને કેમ ખબર પડી ગઈ કે હું કઈ વાતથી દુઃખી હતી ?" દિશાએ જૈનીષને સવાલ કર્યો. "સમ્રાટ છું હું, મને તો ખબર પડી જ જાય ને કે કેમ મારી સામ્રાજ્ઞી દુઃખી છે." આજે તો ફૂલ મસ્તીના મૂડમાં હોય એમ જ જવાબ આપતો હતો જૈનીષ. જ્યારે દિશાને તો વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે આ તેનો મિત્ર જ છે ને. દોસ્તીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ હતી તેમની જોડી. "આભાર તારો મને સાથે લઈ જવાં માટે." આજે તો દિશાનો સ્વભાવ પણ બદલાયેલો જ હતો કારણ તો એને પોતાને પણ નહોતી ખબર. જૈનીષ પણ એને સ્મિતથી જવાબ આપી રહ્યો હતો. થોડી ઘણી વાતો કર્યા બાદ તે પોતાના ઘરે જાય છે.
બીજા દિવસે સવારે એક મીની બસ અને એક નાની કાર યાત્રાએ જવા માટે નીકળે છે. ઈશ્વરભાઈએ પરિવારના સભ્યો સાથે રહે એટલે એક મીની બસની વ્યવસ્થા કરી હતી. પણ છેલ્લી ઘડીએ બીજા ત્રણ લોકો માટેની વ્યવસ્થા કરવા તેમણે પોતાના મિત્ર એવા નાનુભાઈને મોટી બસનું કીધુ ત્યારે નાનુભાઈએ જ એમને સમજાવ્યા કે મોટી બસમાં તોય જગ્યા વધશે અને તમારે ખોટો ખર્ચ વધશે. એટલે તેમણે જ તેમની કંપનીની ટ્રાવેલ કારનુ સૂચન કર્યું હતું અને ખાતરી આપી હતી કે કોઈપણ પ્રકારની અસુવિધા નહી પડે ટ્રાવેલ કારમાં. બધા વાહનો આવી જતા પરિવારના સભ્યો ગોઠવાઈ જાય છે અને ટ્રાવેલ કારમાં દિશાનો પરિવાર આવી જાય છે. બંને પરિવારનો તમામ સામાન બસની ડિક્કીમાં રાખવામાં આવે છે જેથી લાંબી મુસાફરીમાં કોઈને તકલીફ ના પડે.
યાત્રા માટે નીકળતી વખતે બીનીતભાઈએ દિનેશભાઇને પણ કહ્યું હતું કે આપણે રોટેશનમાં ટ્રાવેલ કાર અને બસમાં ફરતાં રહીશું એટલે દિશા અને શાલિનીબેનને તકલીફ ના પડે. દિનેશભાઈએ પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો અને પછી યાત્રાની શુભ શરૂવાત કરી. મીની બસ આગળ રહેશે અને ટ્રાવેલ કાર તેની પાછળ, આ પ્લાન નક્કી જ હતો પેહલાથી એ પ્રમાણે તેઓ આગળ વધતા ગયા. બે દિવસના સફર બાદ તેઓ ઉત્તરાખંડ પહોંચી ગયા. ઉત્તરાખંડને દેવોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. હિમાલય પર્વતના શિખરો અને ખીણ પ્રદેશથી આ વિસ્તારનું સૌંદર્ય આંખોમાં કેદ થઈ જાય એવું છે. કેદારનાથ મંદિર જતા રસ્તામાં ઘણાં ઊંચા પર્વતો અને ખીણ આવતી હતી પણ મીની બસ અને ટ્રાવેલ કારના ડ્રાઇવરો અનુભવી હતાં આવા રસ્તાના. તેમણે ઘણી ટ્રીપ કેદારનાથની પણ કરી હતી એટલે ડ્રાઇવિંગ કરવામાં કોઈ ખાસ તકલીફ આવતી નહોતી.
પરંતુ કોઈની નિયતીમાં લખેલ લેખ આજે કઈ અલગ જ ઘટનાને અંજામ આપવા માટે તૈયારી કરી રહ્યા હતા. કેદારનાથ ધામ હજી ઘણા અંતરે હતું અને પહાડો વચ્ચે ધીમી ગતિએ તેમની સફર આગળ વધી રહી હતી. થોડીવાર પહેલાં લીધેલા ચા પાણીના વિરામ બાદ દિનેશભાઈ તેમના પરિવાર સાથે ટ્રાવેલ કારમાં આવી ગયા અને બાકી બધા બસમાં બેસીને નીકળવાની તૈયારી કરે છે. બસ નિત્યક્રમ મુજબ આગળ હતી અને ટ્રાવેલ કાર તેની પાછળ ધીમી અને મક્કમ ગતિએ આગળ વધી રહી હતી.
પહાડમાંથી કાપીને બનાવેલા રસ્તાઓ અમુક જગ્યાએ ખુબ સાંકડા તો અમુક જગ્યાએ તીખા વળાંક ધરાવતા હતા. એવા જ એક તીખા વળાંક પાસે ઓછી જગ્યા હોવાને કારણે ટ્રાફિક થયો હતો. રસ્તો એટલો સાંકડો હતો કે એક સમયે એક બાજુથી વાહનો પસાર થઈ શકે એટલે ટ્રાફિક ખુલતા વાર લાગી રહી હતી. જ્યારે યાત્રાની બસ અને ટ્રાવેલ કારનો વારો આવ્યો ત્યાં દિવસ પૂરો થવા આવ્યો હતો અને હવે આ જોખમ વાળા રસ્તાને સલામતી માટે બંધ કરવામાં આવી રહ્યો હતો. આજના દિવસમાં યાત્રાની બસ અને કાર છેલ્લી સવારી હતી જેમણે રસ્તો ક્રોસ કર્યો હતો.
એ સાંકડો રસ્તો ક્રોસ કરીને હજી તેઓ અડધી કલાક જેટલો સમય આગળ વધ્યા હશે ત્યાં વાતાવરણ બદલાવા લાગ્યું. પહાડો પર આવું થવું સામાન્ય છે એની જાણ હોઈ તેઓ આગળ વધવાનો નિર્ણય કરે છે. થોડા આગળ વધ્યા જ હતાં કે ધુમ્મસના કારણે સામેથી આવતાં ટ્રક સાથે અકસ્માત થયો. મીની બસના ડ્રાઈવરે પુરી કોશિશ કરી પણ બસ તેના કંટ્રોલમાં રહી શકી નહીં અને ધીમી ગતિએ ચાલતી હોવા છતાં બસ ખીણ તરફ આગળ વધી. રસ્તાની સાઈડમાં રહેલ બેરિયર તોડીને બસ નીચે ખીણમાં પડી. થોડી ક્ષણોના ઘોંઘાટ બાદ સમગ્ર વાતાવરણમાં શાંતિ પથરાય ગયી.
#######~~~~~~~#######~~~~~~~#######
ખુબ જ લાંબા ભાગ બાદ અહી હું જૈનીષના સામાન્ય જીવનનો ભાગ પૂરો કરું છું. આવતાં ભાગથી સમ્રાટની યાત્રાનો પ્રારંભ થશે. તો વાંચતા રહો.
રાધે રાધે
હર હર મહાદેવ