મીરાંએ પોતાના મમ્મીને તો જવાબ આપી દીધો પણ એણે અમન જોડે કોઈ જ વાત કરી નહોતી અને પોતાની જાતે જ નિર્ણય લીધો હતો એનું મીરાંને ખુબ જ દુઃખ હતું પણ આજ પોતાના પ્રેમ પર વિશ્વાસ પણ એટલો જ હતો. એ મનોમન જાણતી જ હતી કે હું અને અમન સાથે હોઈએ કે નહીં પણ વિધાતાએ અમને એકબીજા માટે જ બનાવ્યા છે.
મીરાંને અમન સુધી એ વાત પહોંચાડવી હતી કે, ' મેં તને પૂછ્યા વગર આપણી જિંદગીનો આટલો મોટો ફેંસલોઃ લીધો છે.' વળી મીરાંએ પોતાના તરફથી એ તૈયારી પણ રાખી હતી કે કદાચ ધરારથી કોઈ બીજા જોડે મીરાંને પરણવાની ફરજ પાડવામાં આવે તો અમને આપેલ દરેક ગિફ્ટ, કાર્ડ અને તેની તરફથી મળેલા ફૂલ તથા ચોકલેટના કવર બધું જ મારે મારુ અમનને અને અમન પાસે હોય એ મારે પોતાની પાસે લઈ લેવું એ કારણ સર એને અમનને મળવું જરૂરી હતું. આવું વિચારવું મીરાંમાટે ખુબ પીડાકારક હતું છતાં એ પોતાની જાતને તથા અમનને બધી જ રીતે તૈયાર રાખવા ઈચ્છતી હતી. બધી જ વસ્તુઓની આપલેનું મુખ્ય કારણ મીરાંના મતે એ હતું કે, કદાચ સંજોગો વસાત કોઈને પરણવું પડે તો ભવિષ્યમાં ક્યારેય કોઈને તકલીફ ન થાય!
મીરાંએ અમનને મળવા માટે એક યુક્તિ શોધી હતી. મીરાં પોતાના પાડોશી કે જેમની સાથે એમના પરિવારને ખુબ ભળતું હતું એ માસી દ્વારા અમનને મળવાનું નક્કી કર્યું જેથી ઘર માંથી બહાર નીકળીને કોઈ પણ ડર વગર એ થોડી મિનિટ અમન સાથે વાત કરી શકે.
મીરાંએ તે માસીને પહેલેથી આજ સુધીની બધી જ વાત જણાવી અને પોતાને મદદ કરવા કહ્યું. એ માસી મીરાંના મુખે બધું સાંભળીને ખુબ દુઃખી થયા એમને આ પરીસ્થીતીમાં કેમ મીરાંને મદદરૂપ થવું એ સમજાણું નહીં છતાં મીરાંએ જે મદદ માંગી એ મદદ કરવા એમને પૂરતી તૈયારી બતાવી હતી. એમણે ત્યારે જ પોતાનો મોબાઈલ મીરાંને આપ્યો અને કહ્યું કે, 'બેટા તું પેલા અમન સાથે શાંતિથી વાત કરીલે અને ત્યારબાદ તું એને રૂબરૂ મળીને એને જે આપવાનું હોય એ આપી દેજે અને જે લેવાનું હોય તે લઈ લેજે. તું ચિંતા ન કર બેટા હું શક્ય તને મદદ કરીશ. માસી આવું બોલ્યા એટલે મીરાંને થોડી શાંતિ થઈ એ માસીને ભેટીને રડી પડી આજ વર્ષો બાદ એને કોઈક પોતાનું હોય એવી લાગણી પારકી વ્યક્તિ પાસેથી મળી હતી. મીરાં ખુબ જ હળવી થઈ હોય એવું અનુભવી રહી હતી. મીરાંએ મન ભરીને અમન જોડે વાત કરી.. થોડી વાત રડીને તો થોડી વાત પૂરતા વિશ્વાસ સાથે તો ક્યારેક નસીબ આગળ પોતાને લાચાર સમજી ભાવુક બની વાત કરી રહી હતી. મીરાંને વાત કરતા જોઈને માસી ખુબ ગદગદ થઈ ગયા હતા. એમને થયું કે આજના સમયમાં પણ પ્રેમની કસોટી થતી જ રહે છે. માસીએ મનોમન મીરાં માટે પ્રાર્થના પણ કરી લીધી. કહેવાય છે કે જયારે બધા જ રસ્તા બંધ થાય ત્યારે કુદરત એક રસ્તો અવશ્ય શોધી આપે છે જેના દ્વારા વ્યક્તિ ખુદને સંભાળી શકે. બસ, આ માસી એજ રસ્તો હતો પ્રભુ દ્વારા કે જે મીરાંને માટે હૂફરૂપ હતો.
દિનાંક ૧૧/૧/૨૦૧૯
આજ રોજ મીરાં અમનને મળી હતી. વર્ષો બાદ પણ બંનેની નજરમાં એજ પ્રેમ હતો જે ૬ વર્ષ પેલા હતો. હા, પણ આજ પ્રેમ સાથે બંનેને આત્મવિશ્વાસ પણ હતો. મીરાંએ પહેલાતો અમન પાસે માફી માંગી અને કહ્યું કે, તને પૂછયાવગર મેં મમ્મીને બધો જ નિર્ણય જણાવી દીધો.' અમન બોલ્યો કે,'તું માફી ન માંગ, હું તારી સાથે હંમેશા જ રહીશ. કદાચ તારા ફેમિલીમાં કોઈ એવું હોય કે જે મને દત્તક લે તો હું મારો ધર્મ પણ બદલવા તૈયાર છું. પણ તારા વિના જીવવું ગમશે નહીં, આજ કાલ કરતા વર્ષો થયા હું તારી રાહ જોવ છું હું જાણું જ છું કે તું મારે માટે જ છે હું એ બિલકુલ સહન ન કરી શકું કે તું કોઈના નામનું સિંદૂર તારે માથે પુરે!'
અમનના મુખેથી દત્તક લેવાવારી વાત મીરાંને ગદગદ કરી ગઈ બાકી વાત એણે સાંભળી પણ એનું મન એ વાતમાં જ ચોંટી ગયું કે અમન પોતાનો ધર્મ બદલવા માટે પણ તૈયાર છે. આજ મીરાં ભાવુક બની અમનને ભેટી પડી હતી, એ માસીની હાજરી ત્યાં છે એ પણ ભૂલી ગઈ હતી. માસી આ બંને પ્રેમીપંખીડાંની વાત સાંભળીને મનોમન બોલી ઉઠયા, હે પ્રભુ!મારુ મન પીગળે છે તો તું કેમ પથ્થરદિલ બને છે? આ બાળકોને ક્યાં જન્મની સજા આપે છે?
અમને મીરાંને એ પહેલી વખતની મુલાકાત યાદ કરાવી અને કહ્યું કે, એ પળ તું મને ફક્ત મિત્ર જ માનતી હતી પણ મારા પ્રેમે તને પણ વિશ્વાસ અપાવ્યો કે આપણું આ જન્મોજન્મનું ઋણાનુબંધ જ છે. મને ત્યારે પણ વીશ્વાસ હતો અને આજ તું મારી સાથે જ છે, તારો પરિવાર અથાગ પ્રયત્ન કરે પણ તારે યોગ્ય હું એક જ છું. એમ કહી અમને હળવું હાસ્ય આપીને મીરાંને પણ થોડી નોર્મલ કરી અને સાથોસાથ જેમ મીરાંએ કહ્યું હતું તેમ મીરાંના આપેલા બધા જ ગિફ્ટ, કાર્ડ બધું જ મીરાંને આપતા કહ્યું કે આજથી ઠીક ૨ વર્ષ એટલે કે ૨૦૨૧ની ઉત્તરાયણે હું તને ફરી મળીશ. હું ત્યારબાદ હંમેશ માટે તને મારી પાસે બોલાવી લઈશ એ પણ તારા અને મારા ધર્મની બધી જ વિધિઓ સાથે આજથી તું આપણા વિવાહને બાકી દિવસો ગણવા લાગ.. મીરાંએ હાસ્ય સાથે મૂક સહમતી આપી અને ત્યાંથી બંને પોતપોતાના ઘરે જવા નીકળ્યા હતા.
શું આટલી સરળતાથી મીરાં અને અમન એક થશે?
શું મીરાંના માતાપિતા આટલી સહેલાયથી હાર માની લેશે?
જાણવા વાંચતા રહો 'પ્રેમદિવાની'...