Parijatna Pushp - 9 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | પારિજાતના પુષ્પ - 9

Featured Books
Categories
Share

પારિજાતના પુષ્પ - 9

અદિતિનું ભરતનાટ્યમ....

આજે અદિતિને સમજાયું હતું કે લગ્ન કરવાથી ફક્ત પોતાનું ઘર જ નથી બદલાતું પણ સમગ્ર જીવન જ બદલાઈ જાય છે. આજે તેને સમજાયું કે મમ્મી-પપ્પાને છોડીને જતી વખતે દીકરીઓ શા માટે રડતી હશે...?? ખરા અર્થમાં આજે અદિતિને સમજાયું હતું કે પતિ અને સાસરું કોને કહેવાય...?? સ્ત્રીએ જ હંમેશાં બધો ભોગ આપવો પડતો હોય છે...!! પોતાનું ઘર ટકાવી રાખવા માટે ફક્ત સ્ત્રીએ જ સહન કરવું પડતું હોય છે. તેમ અદિતિ વિચારી રહી હતી....

આજે અદિતિને એ વાતનો અહેસાસ થયો કે અરમાન સાથે જ તેને લગ્ન કરવાના હતા. તો પછી આ બધું શું થઈ ગયું...??

અરમાન અને અદિતિ બંને નાના હતા ત્યારે ઘરગત્તા રમતાં રમતાં અદિતિ ઢીંગલીની મમ્મી બની જતી અને અરમાન પપ્પા બની જતો....

પણ સમયની સરવાણી વહેતી ચાલી, બંને ક્યારે પુખ્તવયના બની ગયા તેની બંનેમાંથી કોઈને પણ ખબર ન પડી...!!

અદિતિ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તે વધુને વધુ સુંદર દેખાતી હતી. હરણ જેવી મોટી, લાંબી લાંબી પાંપણોવાળી આંખો, દાડમની કળી જેવા દાંત, ગુલાલની પાંદડી જેવા લાલ ચટ્ટક હોઠ, પોપટની ચાંચ જેવું અણીદાર નાક, અતિશય નમણો ચહેરો અને ચહેરા ઉપર અજબ પ્રકારનું માર્દવ હતું...કોઈપણ છોકરો તેને જોતાવેંત એક સેકન્ડ માટે તો તેના પ્રેમમાં પડી જ જાય. પણ અદિતિને તો સફેદ દૂધ જેવો રૂપાળો, 5.5 ફૂટની હાઈટ ધરાવતો એકદમ હેન્ડસમ દેખાતો, પર્સનાલેટેડ, મળતાવડા સ્વભાવનો અને ખૂબજ લાગણીશીલ એવો અરમાન જ પસંદ હતો. અરમાન સિવાય બીજા કોઈપણ માટે તેના મનમાં ખયાલ શુધ્ધા નહોતો.

અરે, અરમાન માટે પણ તેને કદી કોઈ આડો-અવળો વિચાર આવ્યો ન હતો કે અરમાનને પણ અદિતિ માટે કોઈ દિવસ એવો કોઈ વિચાર આવ્યો ન હતો. બંને એટલું બધું સાથે રહેતા હતા કે બંનેના વિચારો પણ એક બીજાને મળતાં આવતા હતા.

અરમાનનો ભાઈ કેનેડા પહોંચી ગયો હતો અને અરમાનની તેમજ તેના મમ્મી-પપ્પાની ફાઈલ પણ મૂકી દીધી હતી. અરમાન અને અદિતિ બંને કોલેજના છેલ્લા વર્ષમાં હતા.

છેલ્લા વર્ષના સ્ટુડન્ટ્સ માટે કોલેજમાં વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં નાટક, બ્રેક ડાન્સ, ગરબા, કેટવૉક અને અદિતિ પોતાનું પ્રિય એવું ભરતનાટ્યમ્ પણ કરવાની હતી.

અરમાને નાટકમાં ભાગ લીધો હતો અને અદિતિએ ગરબામાં પણ ભાગ લીધો હતો અને કેટવૉક પણ કર્યું હતું...અદિતિએ આભલા ભરેલી સફેદ કલરની સ્લીવલેસ શોર્ટ કુર્તિ અને બ્લૂ કલરનું ડેનિમ પહેરીને સ્ટેજ ઉપર એટ્રેક્ટિવ એન્ટ્રી લીધી ત્યારે હોલમાં હાજર દરેક યુવાહ્રદય હોઠ ઉપર બંને આંગળીઓ ભરાવી સીટી માર્યા વગર નહિ રહી શક્યું હોય. જાણે કોલેજના દરેક યંગસ્ટર્સની ધડકન હતી અદિતિ....છેલ્લે અદિતિનું ભરતનાટ્યમ્ હતું અને તે પૂરું થયા પછી આખાય હોલમાં બેઠેલા તમામ સભ્યોએ અદિતિને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

કોલેજના પ્રિન્સિપાલ શ્રીએ તેમજ સમગ્ર શિક્ષણ ગણે અદિતિના ખૂબજ વખાણ કર્યા હતા, અદિતિ તેમજ તેની મમ્મી સંધ્યાબેનની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી. અને અરમાન, અરમાન પણ ભાવવિભોર થઈ ગયો હતો. અદિતિ હજી પણ આ ક્ષણોને ભૂલી શકી ન હતી.

જોતજોતામાં કોલેજની છેલ્લા વર્ષની પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ હતી.અદિતિ તેમજ અરમાનનું રિઝલ્ટ પણ આવી ગયું હતું બંનેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો અને સાથે સાથે અરમાન તેમજ તેના મમ્મી-પપ્પાનો કેનેડા માટેનો કોલ લેટર પણ આવી ગયો હતો. કેનેડા જવા માટેના એકે એક ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા માટે અદિતિ હર પળે પળે અરમાનની સાથે હાથમાં હાથ મીલાવીને દોડતી રહી હતી, કેનેડા જવાની તૈયારી કરવાની ધમાલમાં ને ધમાલમાં અરમાન અને અદિતિ બંને એ વાત ભૂલી ચૂક્યા હતા કે બંને એકબીજાને છોડીને હજારો કિલોમીટર દૂર થઈ રહ્યા છે....વધુ આગળના પ્રકરણમાં.....