Freedom of orphans in Gujarati Short Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | અનાથ બાળકોની આઝાદી

Featured Books
Categories
Share

અનાથ બાળકોની આઝાદી

સવારે દસ વાગે એટલે હું નિત્યક્રમ પ્રમાણે ગાંધી રોડ થઇને શાળામાં જતો.આ રોડથી મારા જેવા ઘણા લોકો પોતાની મંજિલ પર જવા માટે નીકળતા. એમાંથી કેટલાક લોકોને નામથી ઓળખતો હોવ તો કેટલાકને માત્ર ચેહરથી જ ! મારી એક ટેવ હતી કે રસ્તામાં મળતા લોકોનું નિરીક્ષણ કરતો.પોતાના કામે જવા લેટ પડેલ લોકો, સમયની ગતિથી પણ તેજ ચાલતા તો કેટલાક લોકો માત્ર લટાર મારતા ચાલતા જતા હોઈ.

હું ગાંધી રોડથી શાળા તરફ પસાર થાવ ત્યારે રસ્તાની બાજુમાં કેટલાક બાળકો ભીખ માગતા હતા.હું રોજ આ બાળકોને એક એક ચોકલેટ આપતો અને એની સાથે નિશાળે જવાની મફતમાં સલાહ આપતો.ક્યારેક આવા ભીખ માગતા બાળકોને જોઈને થતું કે ક્યાં સુધી એમનું ભાવિ હણાતુ રહશે? બસ, આ જ વિચાર સાથે શાળામાં પહોંચતો.

દરરોજ પાંચના બરાબર ટકોરે હું શાળાએ થી ઘરે જવા માટે રવાના થતો હોવ ત્યારે પણ તે ભીખ માગતા બાળકો ત્યાં જ જોવા મળતા .આજે મન થયું કે એમની સાથે થોડી વાતચીત કરી લવ.
" તમારા બધાના શું નામ છે?"
" સાહેબ, અનાથ છીએ એટલે નામ કોઈએ પાડયા નથી.પણ જેની એક આંખ કાણી છે તેનુ નામ કાણો,બીજો એક પગે લંગડો છે તેનું નામ થુમ્મક, જે ડામાર જેવો કાળો છે તેનું નામ કાળું છે, આ નાની છોકરી નાનુડી છે અને મારું નામ મોતી છે."
મને નામ સાંભળીને થોડું હસુ આવ્યું અને આશ્ચર્ય પણ થયો.અનાથ સંતાનોને નામ પણ નસીબ થતાં નથી.
" તમે ક્યાં રહો છો? કોઈ ઘર કે એમ છે." જાણતાં હોવા છતાં પણ પ્રશ્ન પૂછી લીધો.
" સાહેબ, આ રસ્તો જ અમારું ઘર છે.રાત પડે એટલે અમે બ્રિજના નીચે સૂઈ જઈએ."

" તમે કાલથી મારી સાથે ભણવા આવશો? બહુ મજા પડશે. નવું નવું શીખવા મળશે, રમવા મળશે અને જમવા પણ મળશે." મારા આ પ્રશ્નનો જવાબ તે લોકોએ ન આપ્યો.ઘરે જવાનું મોડું થતું હોવાના લીધે હું ત્યાંથી નીકળી ગયો.

થોડાં દિવસો પછી મારે મારા મિત્ર સાથે અનાથ આશ્રમમાં જવાનું થયું.અનાથ આશ્રમનું સંચાલન કરનાર બેન આવ્યા નહોતાં એટલે બહાર બેસવા કહ્યું.હું અને મારો મિત્ર ઓફિસની બહાર બેઠા. મને લાગ્યું કે સામેની દીવાલ પાછળથી કોઈ મને છુપાઈને જોઈ રહ્યું છે. મેં મારી નજર દીવાલ પર ચિપકાવી દીધી.તેને મને જોવા માટે જેવો ચહેરો બહાર કાઢ્યો કે હું તેને ઓળખી ગયો.તે બીજું કોઈ નહિ પણ રસ્તાની બાજુમાં ભીખ માગતો મોતી જ હતો.એને જોઈને મારા મનમાં ઘણા સવાલો થવા લાગ્યા.પણ એનો જવાબ મેળવવા મોતી પાસે જાવ તે પેહલા જ ત્યાંથી ભાગી ગયો.મારું મન બેચેન બન્યું.કેટલાક સવાલો મને કોળી ખાતા હતા.આ છોકરો અહીંયા શું કરતો હશે? કોઈને મળવા આવ્યો હશે કે પછી અહીજ રહેતો હશે? પરંતુ જવાબ તો હવે આવતીકાલે ગાંધી રોડ પર જ મળી રેહશે.

બીજા દિવસે સવારે મનમાં ચાલી રહેલા વૈચારિક યુદ્ધનો અંત લાવવા માટે દસ વાગે તે પેહલા જ મોતી પાસે જવા નીકળી પડ્યો.પરંતુ આંખોને નિરાશા જ સાંપડી.મોતી ત્યાં હતો જ નહી.જેથી મે ત્યાં રહેલા બીજા બાળકોને પ્રશ્ન કર્યો.
"મોતી કેમ દેખાતો નથી?આજે તે ક્યાં ગયો?"
"સાહેબ, મોતી સવારથી જ ક્યાંક જતો રહ્યો છે.ખબર નહિ ક્યાં ગયો છે ?" તે બાળક બનાવટી જવાબ આપતું હોઈ એમ લાગી રહ્યું હતું.

"તમે લોકો ક્યાં રહો છો? સાચું કહેજો." મેં કડકાઈથી તે લોકોને કહ્યું.તેમાંથી નાનકડી છોકરી જવાબ આપવા જતી હતી તેને રોકતા કાણો બોલ્યો, " સાહેબ, અમે તો બ્રિજ નીચે જ રહીએ છીએ."

તે લોકો મારાથી કંઈક છુપાવી રહ્યા હતા એની મને જાણ હતી.પણ કેમ છુપાવી રહ્યા છે? એનો જવાબ મેળવવા માગતો હતો. મોતીને આશ્રમમાં જોયો હતો એટલે તે મારાથી દૂર ભાગી રહ્યો હતો. મેં પણ નક્કી કરી જ રાખ્યું હતું કે મોતી પાસેથી સત્ય જાણીને જ રહીશ.

ઘણા દિવસ વિતી ગયા પણ મોતી ન જ મળ્યો એટલે ન જ મળ્યો.રોજ કાણાને મોતી વિશે પૂછતો અને તેનો જવાબ પણ રોજ એક જ રહેતો,' સાહેબ, ખબર નથી."મારું મન આ સાંભળીને મૂંઝવણમાં જ મુકાતું જતું હતું.હવે મેં નિર્ધાર કર્યો કે ફરી તે આશ્રમમાં જઈશ. રાતના આઠેક વાગે હું આશ્રમમાં જવા નીકળ્યો.ગેટમાંથી નજર નાખીને આશ્રમની ચારેબાજુ મારી નજર દોડાવી લીધી.કેટલાક છોકરા અને છોકરીઓ આશ્રમની ઓસરી પર ઉભા હતા પણ મારી નજર જેને શોધતી હતી તે મોતી ન્હોતો જોવા મળતો.એટલે મારો જીવ વધુ બળવા લાગ્યો.
" આ છોકરો ક્યાં જતો રહ્યો હશે?"મારા મનમાં સતત ખરાબ વિચાર આવવા લાગ્યા કે મોતી સાથે કઈ અજુકતું બન્યું તો નહિ હોઈ કે? ના, નહિ જ બન્યું હશે. એમ માનીને મારા મનને હું મનાવી લેતો હતો.હું થોડીવાર ગેટની બાજુમાં ઉભો રહ્યો.એટલામાં આશ્રમ તરફ કેટલાક છોકરાઓ આવી રહ્યા હતા. એટલે હું ઝાડ પાછળ સંતાય ગયો. તે છોકરાં આશ્રમમાં પ્રવેશ કરવા ગયા ત્યારે એક છોકરાનો હાથ પાછળથી મે પકડી લીધો.
"મોતી,તુ મારાથી કેમ ભાગી રહ્યો છે? તું આટલા દિવસથી ક્યાં હતો?" એકધારા બે - ચાર સવાલ મોતીને કરી લીધા.પણ મોતીએ જવાબ ન આપ્યો,એટલે મારો પિત્તો ગયો. " કેમ ચૂપ ઉભો છે? કંઇક તો બોલ."
"સાહેબ,તે કંઈ બોલી શકે તેમ નથી." કાળાએ જવાબ વાળ્યો.
" કેમ એના મોઢામાં મગ ભર્યા છે કે શું?" મેં ગુસ્સામાં કહ્યું.
"ના,સાહેબ.તે રમતાં રમતાં પડી ગયો હતો એટલે એની જીભ કપાઈ ગઈ છે." કાણો ગભરાયેલા સ્વરે બોલ્યો.
"મોતીને તો......." વાક્યપૂણૅ કરે તે પેહલા જ નાનુડીને કાળુ બંધ કરાવી દે છે.
મને તેના જવાબ પર શક થયો.એટલે મેં પૂછ્યું," તો તમે આ આશ્રમમાં શું કરો છો? સાચેસાચું કહેજો."
" અમે અહીજ રહીએ છીએ...." ડરતાં ડરતાં કાળો બોલ્યો.
"તમે લોકો તો બ્રિજ નીચે રહેતા હતાને?"
" અમે તો ખોટું બોલી રહ્યા હતા."
બાળકો સાથે આશ્રમમાં અત્યાચાર થઈ રહ્યો છે.હું બરાબર સમજી ગયો.એટલે બાળકોને આશ્વાસન આપતાં કહ્યું,
" જો તમને કોઈ હેરાન કરતુ હોઈ તો મને કહી શકો છો."
કોઈ પ્રત્યુતર આપ્યા વિના જ તે લોકો ગેટમાં પ્રવેશ કરી લીધો.હું વધારે તે લોકો પાસેથી જાણી ન શક્યો,પણ જેટલું જાણ્યો તેનાથી મારું મન વલોપાતે ચડ્યું હતું.તે લોકોની આંખમાં ડર હતો,ભય હતો અને આશ્રમથી આઝાદ થવા માગી રહ્યા હતા.હું છિન્નભિન્ન અને વેરવિખેર હાલતે ઘર તરફ ગયો.પરંતુ મારું મન હજુ તે આશ્રમમાં જ લટાર મારી રહ્યું હતું.

હુ શાળાએ જતાં સમયે, તે બાળકો તરફ નજર નાખતો પણ તે લોકો નજર નીચી કરી લેતા હતા.આ જોઈને મારું મન ઘવાય રહ્યું હતું.હું પણ રોજ ગાંધી માર્ગથી પસાર થતો હતો એટલે ગાંધીના વિચારોની અસર મારા મન પર હોઈ જ.આજે સાંજે આઠ વાગે ફરી હું આશ્રમના ગેટ આગળ ઉભો રહી ગયો.તે બાળકો આશ્રમમાં પ્રવેશ કરે તે પેહલા રોક્યા. તેમની સાથે વાતચીત કરતા કરતા મેં નાનું માઈક નાનુડીના ખિસ્સામાં મૂકી દીધું.માઈક મુકાય ગયું એટલે બાળકોને આશ્રમમાં જવા કહ્યું.તે બાળકો ડરના કારણે મને કશું કહી શકતાં નથી પણ માઈકના આધારે હું જાણી લઈશ.જેથી હું મનોમન ખુશ થઈ રહ્યો હતો.આશ્રમની બહારના બાકરા પર મેં મારો મુકામ બનાવી લીધો.તે લોકો વચ્ચે થયેલી વાતચીતથી મારા પગ નીચેથી જમીન ખસી ગઈ.મારું મન ચકડોળે ચઢી ગયું.આ લોકો અનાથ આશ્રમ ચલાવે છે કે પછી બાળકો પર અત્યાચાર ગુજારે છે? મોતીની જીભ કાપવામાં આવી હતી કારણ કે તેને આશ્રમના લોકોના વિરોધમાં જીભ ચલાવી હતી.બાળકો આશ્રમના લોકોથી આઝાદ થવા માગતા હતા,પણ આશ્રમના લોકોએ ડર જ એટલો પેદા કર્યો હતો કે બિચારા બાળકો ચૂપચાપ બધું ભોગવી રહ્યા હતા.કેટલીક c કિશોરી અવસ્થામાં પરિણમતી છોકરીઓ પાસે દેહ વ્યાપાર કરાવતાં હતા.આ બધું જાણીને મારું મન ઉગ્ર બની ગયું.

આજે રવિવારની રજા હતી.એટલે મારું મન તે બાળકોને મળવા માટે ઉતાવળું બની રહ્યું હતું.
" આશ્રમમાં તમારી જોડે જે અત્યાચાર થાય છે તેની મને ખબર છે.મોતીની જીભ કાપવામાં આવી હતી એ પણ હું જાણું છું.તમારા પર અત્યાચાર કોણ કોણ ગુજારે છે તે જાણવું છે."મેં સ્પષ્ટરીતે કહ્યું.
તે લોકોએ કોઈ જવાબ આપ્યો નહિ.પણ ઇશારાથી કહ્યું કે અહીંયા તેમના પર દેખરેખ રાખવા માટે એક માણસ છે.એટલે મેં રાત્રે આઠ વાગે આશ્રમની બહાર મળવા આવીશ એટલું કહીને ચાલતો થયો.મારા મનમાં નિર્દોષ બાળકોનું શોષણ કરનાર પ્રત્યે ખૂબ જ ધૃણા જાગી હતી.ખબર નહિ, પણ આ બાળકો માટે ખૂબ જ લાગણી દિલમાં ઉમટેલી હતી.

રાતના આઠ વાગે હું ગેટ બહાર ઉભો હતો.તે લોકો આવ્યા એટલે એમને ગેટથી દૂર લઈ ગયો.
" સાહેબ,આશ્રમના સ્વયંસેવકો અમારા પર જુલ્મ ગુજારે છે.મારી આંખ પણ તે લોકોએ ફોડી દીધી હતી.આ ઠુમ્મક આશ્રમથી ભાગવા ગયો હતો એટલે એને પગથી લંગડો કરી દીધો." રડતાં રડતાં કાણો બોલ્યો.

કાણાની વાતથી મારા હૈયામાં અસહ્ય વેદના જાગી.
" કોણ કોણ લોકો છે જે તમારા પર આવા જુલ્મ કરે છે."
તેમને કેટલાક લોકોના નામ લીધા.એમાંથી એક શહેરનો મોટો રાજનેતા પણ સંડોવાયેલો હતો.એટલે આસાનીથી આ લડત જીતી શકાય એમ નહોતી.પોલીસને જાણ કરવાનો વિચાર તો આવ્યો પણ સબૂત વગર વાત વધુ વણસી જશે.એટલે મેં મારા મગજને કામે લગાવી દીધું.

બીજા દિવસે સવારે હું અને મારો મિત્ર આશ્રમમાં દાન આપવાના બહાને આવ્યા.અમારો પ્લાન હતો કે આશ્રમના ઓફિસમાં એક નાનકડું માઈક લગાવી દેવું.અમે લોકો ત્યાંથી બહાર નીકળી ગયા. થોડાં સમય પછી એક ગાડી આશ્રમમાં પ્રવેશે છે.તે ગાડીમાં શહેરનો નામી રાજનેતા હતો.રાજનેતા કોઈ બાળકની કિડની આજે સાંજે કાઢવાની વાત કરતો હતો.એટલે મારું મન વધુ વેગવાન બન્યું. જલ્દી કઈક કરવું જોઇશે નહિ તો એક બાળકનો જીવ જોખમમાં મુકાશે. મેં દોટ મૂકીને મોતી, કાળુ અને કાણા પાસે પહોંચી ગયો.સમયનો લાગ લઈને બધી જ વાત તે લોકોને જણાવી અને આગળનો પ્લાન પણ સમજાવી લીધો.
બીજી તરફ મારો મિત્ર સમાજસેવકને સાથે લઈને મીડિયા કર્મીને મળે છે.બધો જ પ્લાન તૈયાર હતો.રાતના આઠ વાગે તે બાળકો આવે છે.જેમને આશ્રમના દરેક રૂમમાં લગાવવા માટે સ્પાય કેમેરા અને માઈક આપ્યા.ક્યાં- ક્યાં અને કેવી રીતે લગાવવાના છે તેણી પૂરતી સમજ આપી.
આશ્રમના દરેક બાળકોને કાણો અને કાળુ સતેજ કરી દે છે.બધાજ બાળકો આ આંદોલનમાં જોડાય જાય છે.રાતના બાર વાગે એક એમ્બ્યુલન્સ આશ્રમમાં આવે છે. અમે લોકો લેપટોપની સ્કિન પર નજર ચોંટાડીને બેસી ગયા.
એક રૂમમાં ડૉક્ટરની પાસે ઠુમ્મકને જ લાવવામાં આવે છે.આ કેમેરામાં રેકોર્ડ થતાં જ પોલીસને બોલાવી લીધી.ડોક્ટર કીડની કાઢે તે પેહલા જ પોલીસની સાથે અમે લોકો આશ્રમમાં પ્રવેશ કરીએ છીએ.આશ્રમમાં થનારી શર્મજનક ઘટનાની જાણ આખા શહેરમાં વાવાઝોડા સમાન ફેલાય જાય છે.પોલીસ સ્વયંસેવકની પાસેથી બધી જ માહિતી ઉઘરાવી લે છે.આ બધા કાળા કારનામા કરનાર નેતા પણ પકડાય જાય છે.આશ્રમ આ રાક્ષસોથી મુક્ત થઈને આઝાદ થાય છે.

મારુ મન હજુ પણ વિચારે જ ચડેલું હતું.આ બાળકો આઝાદ તો થઈ ગયા પણ એમના ભાવિનું શું? કેટલાકને અપંગ બનાવી દેવામાં આવ્યા હતા તો કેટલીક છોકરીઓને હવસનો શિકાર બનાવી દેવામાં આવી હતી.આ બધી બાબત મારા મનમાં વ્યથા પેદા કરી રહી હતી. આપણા દેશમાં કેટલાય અનાથ બાળકોના ભવિષ્યની સાથે રમત રમવામાં આવે છે.અનાથ બાળકોની જવાબદારી આપણે ઉપાડવી જોઈએ.કોઈ બાળકને ગોદ ન લઈ શકીએ ,પણ એની જાળવણી અનાથ આશ્રમમાં સારી રીતે થાય છે કે નહિ, એનું ધ્યાન તો રાખી જ શકીએ છીએ.

આપણા દેશમાં હજારોની સંખ્યામાં અનાથ બાળકો ભીખ માગી રહ્યા છે,શોષણનો ભોગ બની રહ્યા છે અને ગુનાખોરી પ્રવુતિ સાથે જોડાય રહ્યા છે.આવા બાળકો સમાજનો અભિન્ન અંગ છે,વારસો છે અને હિસ્સો છે.આવા બાળકોનું ભવિષ્ય ગેરમાર્ગે ન દોરાય જાય એ માટે જવાબદાર બનવું જ પડશે.મારા મનમાં હજુ પણ આશ્રમના બાળકો આઝાદ તો થયા પણ ભવિષ્યનું મનોમંથન રહ્યા જ કરે છે.