Kishorini Vyatha – Divyesh Trivedi in Gujarati Moral Stories by Smita Trivedi books and stories PDF | કિશોરીની વ્યથા – દિવ્યેશ ત્રિવેદી

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

કિશોરીની વ્યથા – દિવ્યેશ ત્રિવેદી

“અરે, કિશોરી તું? બિલકુલ ઓળખાય એવી નથી રહી! તું તો જાણે એકાએક મોટી થઈ ગઈ હોય એમ લાગે છે!”

કિશોરીએ કંઈ જવાબ ન આપ્યો. એના હોઠ સળવળ્યા અને ફિક્કું સ્મિત સરકીને હોઠ સંકોચાઈ ગયા. એની આંખમાં ભીનાશ તરતી હતી. સોહામણા ચહેરા પર આંખ નીચેનાં કાળાં કુંડાળાં ઘાની જેમ ઉપસી આવતાં હતાં. હજુ બે વર્ષ પહેલાં તો એ બારમા ધોરણની પરીક્ષા આપીને અહીં મળવા આવી ત્યારે મિડી ફ્રોકમાં સાવ નાની છોકરી લાગતી હતી. અત્યારે સાડીમાં એ બહુ મોટી મોટી લાગતી હતી. હસતી, રમતી અને કૂદતી કિશોરી જાણે એકાએક પ્રૌઢા બની ગઈ હતી. એની આંખોમાંની મસ્તી અને કુતૂહલથી નાચતી પાંપણોને કોઈએ દોરડાથી મુશ્કેટાટ બાંધી દીધી હોય એવું લાગતું હતું. એની જીભ પર મણમણના પથ્થર પડ્યા હોય તેમ એ ચૂપ દેખાતી હતી.

“કેમ? સાસરિયું સદ્યુ નથી કે શું? વડોદરાનું પાણી માફક નથી આવતું?”

પણ કિશોરીએ કંઈ જવાબ ન આપ્યો. શુષ્ક આંખોથી એ છતને ટીકી ટીકીને જોવા લાગી. પહેલાં તો અડધું વાક્ય ખૂંચવી લઈને એ બોલવા મંડી પડતી હતી. આજે આવી ચૂપકીદી કેમ?

“કિશોરી, તારા મન પર કંઈક ભાર છે… કોઈને કહીએ તો દુઃખ હળવું થાય. તને કોઈ તકલીફ હોય અને તું કહી શકતી ન હોય તો હું તારા પપ્પાને કહીશ કંઈક વાત તો કર! છોકરીએ દુઃખ જ વેઠવું જોઈએ એવો આ જમાનો નથી. દુઃખ ચૂપચાપ સહી લેવાનો કોઈ અર્થ નથી…”

કિશોરીએ ઊંડો નિસાસો નાખ્યો. પછી બોલી, “શું કહું? કહેવા જેવું કંઈ રહ્યું જ નથી”

પરંતુ કિશોરીએ કહેવા જેવું ઘણું હતું. એને આશ્વાસન આપ્યું અને બોલવા માટે ઉશ્કેરી ત્યારે પહેલાં તો એ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી. પછી એણે એની અવદશાની વાત કરી.

બે વર્ષ પહેલાં કિશોરીએ વિજ્ઞાન પ્રવાહની બારમા ધોરણની પરીક્ષા આપી. ભણવામાં એ બહુ હોંશિયાર હતી. એને આગળ ભણવું હતું. ડોક્ટર થવું હતું. એના પિતા મનહરલાલ પણ એને ભણાવવા માગતા હતા. પરંતુ અચાનક બાજી પલટાઈ ગઈ અને મનહરલાલે કિશોરીનાં લગ્ન ગોઠવી કાઢ્યા. કિશોરીનો કોઈ વિરોધ ચાલ્યો નહીં.

આપણા સમાજમાં આવું તો બનતું જ હોય છે. પરંતુ દરેક કિસ્સામાં કારણભૂત પરિબળો અલગ અલગ હોય છે. કિશોરીને એની મુગ્ધાવસ્થા નડી હતી. બારમા ધોરણમાં ભણતી કિશોરી શારીરિક અને માનસિક રીતે એની ઉંમર કરતાં થોડી વધુ પુખ્ત બની ગઈ હતી. એની જ સાથે ભણતા એક છોકરા સાથે એને પ્રેમ થઈ ગયો હતો. બન્ને એકબીજાને ખૂબ ગમતાં હતાં. ભણવામાં બન્ને એટલા જ હોંશિયાર હતાં. બન્નેએ નક્કી કર્યું હતું કે આપણે ભણી ગણીને ડોક્ટર થઈશું. પછી જ લગ્ન કરીશું. બન્ને વચ્ચે મુગ્ધ પ્રેમના પત્રોનો વ્યવહાર પણ સ્થપાઈ ગયો હતો.

એક વખત મનહરભાઈના હાથમાં એક પત્ર આવી ગયો અને એ ઉકળી પડ્યા, “આ તે કંઈ પ્રેમ કરવાની ઉંમર છે? તમને ભણવા મોકલીએ છીએ કે પ્રેમ કરવા? નિશાળમાં જઈને આવા અવળા ધંધા કરો છો? લફંગા છોકરાઓ સાથે રખડતાં શરમ નથી આવતી? તમારાં મા-બાપની આબરૂ ધૂળમાં મેળવવા માટે તમને પેદાં કર્યા હતાં? એમણે બેફામ બોલવા માંડ્યું. એ તો ઠીક, કિશોરીને અનહદ માર પણ માર્યો.

કિશોરી કહે છે કે એ વખતે મને એમના દરેક વાક્યનો જવાબ મનમાં તીરની માફક છૂટ્યો હતો. પરંતુ હું એક હરફ પણ ઉચ્ચારી શકી નહોતી. મને કહેવાનું મન થઈ ગયું કે પ્રેમ કરવાની આ જ ઉંમર છે… આ નહીં તો બીજી કંઈ ઉંમરે પ્રેમ થાય છે? હું કંઈ નાની કીકલી થોડી છું? અમે ભણવા જઈએ છીએ અને ભણીએ પણ છીએ. પ્રેમ કરવા જવાનું નથી હોતું. પ્રેમ થઈ જાય છે. વળી કોઈક છોકરો તમને ગમે, એના માટે પ્રેમ જાગે એટલે એ અવળો ધંધો થઈ ગયો? છોકરો પ્રેમ કરે એટલે એ લફંગો થઈ જાય? અને અમને પેદા કરતી વખતે તમે અમારા વિષે નહીં, પરંતુ તમારા આનંદ અને સુખ અંગે જ વિચારતા હતા. અમે પેદા થઈ ગયાં એટલે હવે તમે ઉપકાર શાના બતાવો છો? પરંતુ આ બધું મનમાં જ રહી ગયું.

મનહરલાલે કિશોરીનાં લગ્ન નક્કી કરી નાંખ્યા. કિશોરી બિલકુલ તૈયાર નહોતી. છોકરો કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો અને કિશોરી કરતાં છ વર્ષ મોટો હતો. ઘર ખાધેપીધે સુખી હતું. પરંતુ કિશોરીનું જરા પણ મન નહોતું. એક વખત તો એ દોડીને પેલા છોકરા પાસે પહોંચી ગઈ. એણે કહ્યું કે હવે આ રીતે નહીં જીવાય. ચાલ, આપણે ભાગી જઈએ. પરંતુ છોકરો સમજદાર હતો. એણે કિશોરીને કહ્યું, “તારા પર જે વીતી રહ્યું છે એ હું પણ સમજું છું. પરંતુ હું મજબૂર છું. મારી ઉંમર હજુ ૧૭ વર્ષની છે અને આપણે લગ્ન કરવાં હોય તો હજુ ચાર વર્ષની રાહ જોવી પડે. વળી એ પહેલાં મારે આર્થિક રીતે પણ પગભર થવું પડે.”

કિશોરી ભાંગી પડી. એણે કહ્યું, “તું મને સાચેસાચ પ્રેમ કરતો હોય તો ચાલ આપણે બન્ને સાથે કાંકરિયામાં પડીને …”

“ના, કિશોરી! એવા ગાંડાં વિચારો કરવાનો શો અર્થ છે? જિંદગીથી નાસી છૂટવામાં તો કાયરતા છે! હું કહું છું કે જો તું મને સાચેસાચ પ્રેમ કરતી હોય તો ગમે તેમ કરીને ચાર વર્ષ ખેંચી કાઢ. એ પછી ગમે તે હાલતમાં હું તને લઈ જઈશ! મારાં મા-બાપનો હું એકનો એક દીકરો છું. જેમ મારા પર તારો અધિકાર છે એમ મારાં મા-બાપનો પણ છે ને!”

એ વખતે કિશોરીનું મન બહુ આળું હતું. એટલે એને એ છોકરાની વાત સમજાઈ નહીં. એ રડતાં રડતાં રોષપૂર્વક બોલી, “તારે મારી સાથે મરવું ન હોય તો એનો અર્થ જ એ છે કે તું મને પ્રેમ નથી કરતો… આજ પછી મને ભૂલી જજે…”

આમ કહીને કિશોરીએ જેવું ચાલવા માંડ્યું કે એ છોકરાએ બૂમ પાડીને કહ્યું, “કિશોરી જો તું આપઘાત કરવાની કોશિશ કરે તો તને મારા સમ છે!”

કિશોરી આપઘાત ન કરી શકી. લગ્ન લેવામાં આવ્યાં અને એને સાસરે વળાવી દેવામાં આવી. પરંતુ એ સંજયને પતિ તરીકે સ્વીકારી શકી નહીં. કિચનથી બેડરૂમ સુધીના વ્યવહારોમાં એ શુષ્ક, નિર્જીવ અને પથ્થર જેવી ઠંડી રહી. પતિની રાહ જોવી, પ્રેમથી જમાડવો, એની કાળજી રાખવી કે એને સંતોષ આપવો એવી કોઈ ફરજમાં કિશોરીને રસ નહોતો. એની જીભ સીવાઈ ગઈ હતી. પતિ સાથે એક આખું વાક્ય બોલીને એણે ભાગ્યે જ વાત કરી હતી.

બીજી તરફ ઘરમાં કોઈની સાથે એનો વ્યવહાર સારો નહોતો. સાલસ સ્વભાવની કિશોરી વાસણો પછાડતી, છણકા કરતી, કોઈનું ચીંધ્યું કામ તે અચૂક ન કરતી. સંજયના ઘરનું વાતાવરણ એણે તદ્દન કલુષિત કરી નાખ્યું હતું. એ લોકોની પણ સહનશીલતાની હદ આવી ગઈ હતી અને છેવટે એક દિવસ સંજય આવીને કિશોરીને એના કપડાંલત્તાં તથા દરદાગીના સાથે મનહરલાલને ઘેર મૂકી ગયો.

“કિશોરી, તારા પિતાએ ખોટું વર્તન કર્યું. એમાં સંજયનો શો વાંક? તને નથી લાગતું કે તે એને અકારણ અન્યાય કર્યો છે?”

“મને પણ અકારણ જ અન્યાય નથી થયો? સંજયનો કોઈ વાંક નથી એ સાચું, પરંતુ હું એને પતિ તરીકે સ્વીકારી શકી નથી એ પણ એટલું જ સાચું.”

“તો પછી હવે તું શું કરવા માંગે છે?”

“ભણવા માંગું છું, સંજયથી મુક્ત થવા માગું છું…અને…”

“અને શું? પેલા છોકરાના કંઈ ખબર? તું એને મળી?”

“ના, બે વર્ષમાં મારું શું થયું એની એણે દરકાર કરી છે ખરી? એને મારા માટે હજુ પણ સાચો પ્રેમ હશે તો એ એની મેળે મારી ખબર કાઢશે. હું એની પાસે નહીં જાઉં. છતાં એની રાહ જોયા કરીશ…”

“અને એ નહીં આવે તો…?”

જવાબ દેવાને બદલે કિશોરી મૂઢ બનીને ફરી એક વાર કોરી છતને ટીકી ટીકીને જોવા લાગી.

આવી કેટકેટલી કિશોરીઓનાં સ્વપ્નો રોળાઈ જતાં હશે? કેટલા સંજય આવા અન્યાયનો ભોગ બનતાં હશે?