જ્યાં ત્યાં શિંગડા ભરાવવા, જ્યાં ત્યાં માથું મારવું... એ કામ તો જાનવરનું...માણસનું કદાપિ નહિ,એમ છતાં આ જાનવર નો ગુણ કેટલાક માણસોમાં પણ જોવા મળે છે, રામાયણ ની મંથરા અને મહાભારત ના શકુની જેવા કેટલાક માણસોની સવાર જ માથું મારવાથી ચાલુ થાય તે છેક સાંજ સુધી માં ચાર પાંચ જણા ના ઘર સળગાવે નહિ ત્યાં સુધી એમને મીઠી નિંદર ના આવે, કર્મ નો સિધ્ધાંત એવું કહે છે કે આ વારંવાર માથું મારવાની આદત ને કારણે તેઓનો પુનર્જન્મ અચૂક જાનવર નો જ પ્રાપ્ત થાય છે, માથું મારવું અને માથું ભાંગવું એમાં ફરક બહુ મોટો, સામાન્ય રીતે માથું માર માર કરતા માણસોનું જ માથું ભગાંતુ હોય છે,ઝાડ સાથે કોઈ જનાવર માથું મારે તો ઝાડ ને કોઈ જ ફરક પડતો નથી,ઝાડ તો સ્વસ્થ રીતે ઉભુ રહે છે,પણ માથું મારવા વાળા જનાવરનું માથું અવશ્ય લોહી લુહાણ થાય છે,જીવનમાં આપણે આપણી સ્વસ્થતા ખોવી ના જોઈએ, અવિચલ બની સાક્ષી ભાવે બનતી ઘટનાઓ ને જોયા કરવાથી આપણું માથું સ્વસ્થ.. તંદુરસ્ત અને પ્રતિષ્ઠિત રહે છે.
કોઈ મદારી પોતાનો પેટનો ખાડો પૂરવા ગામે ગામ ફરીને "ખેલ" કરે તે સમજી શકાય છે કારણકે એ તેનો વ્યવસાય છે..ગરીબ છે..તેનું કામ છે...તેનું કર્મ છે..તે પોતાનું પેટિયું રળવા ખેલ કરે છે,પરંતુ કેટલાક માણસો મદારી નહિ હોવા છતાં ખેલ કરતા હોય છે,ચોકઠાં ગોઠવતા હોય છે,કોને કોને પાડી દેવા તેના પેંતરા કરતા હોય છે, જ્યાં સુધી ખેલ કરીને બે ચાર માણસોને ભોંય ભેગાં ના કરે ત્યાં સુધી તેઓને રાત્રિ ની ઊંઘ ના આવે, સવારે ઉઠતાની સાથે જ આજે કોને કોને પાડી દેવા તેની જ ચિંતા માં કોઈની "ચિતા" ખડકી દેતા હોય છે,પણ બને છે એવું કે પોતાની રચેલી "ચોપાટ" માં પોતે જ ભરાય છે અને તેમનો પોતાનો ખેલ પડી જાય છે અને હજારો વર્ષો પહેલા લખેલા શાસ્ત્રો સાચા ઠરે છે,ઇતિહાસ સાક્ષી છે કે ખેલ કરીને બીજા ના જીવનમાં ઉથલપાથલ કરતા ઉત્પાતીયા જીવોનું પોતાનું જીવન જ કુરુક્ષેત્ર નું મેદાન બની જાય છે, યેન કેન પ્રકારે પોતાની વાત ને સાચી ઠેરવતા આવા માણસોનો બીજો જન્મ નક્કી "મદારી" સ્વરૂપે થાય છે,કારણ કે ભગવતગીતા માં ભગવાને કહ્યું છે કે જેવું કર્મ કરશો તેવું જ ફળ તમને મળશે... આખરે એ ઘડી પણ આવીને ઊભી રહે છે કે ઘરના મધ્ય માં તમારું મડદું પડ્યું હોય અને બધા સગાવ્હાલા તમને વહેલા માં વહેલી તકે વિદાય આપવાની રમઝટ માં પડ્યા હોય, કર્મ ની કથની ન્યારી એ યથાર્થ ઠરે છે, મર્યા પછી પણ માણસની "Goodness" - સારાપણું જીવિત રહે છે
રુક્ષ,કઠોર અને બરછટ એવા ગાંડા બાવળ ના વનમાં,ગાંડા બાવળ ની આજુબાજુ.. બાવળ ના મૂળમાં જ ઉગતું કોમળ કુમળું નરમ ઘાસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, તે ગાંડા બાવળની વચ્ચે હોવા છતાં પોતાની નરમાશ અને કોમળતા ક્યારેય છોડતું નથી, એ જ પ્રમાણે ગંદકીથી ખદબદતા કાદવમાં પણ કમળ તેની સુંદરતા ઉભી કરી શકે છે, એ જ રીતે દરેક કુટુંબોમાં પણ એકાદ વિભીષણ કે એકાદ વિદુર હોય જ છે, જે કુટુંબની ગરિમા અને ગૌરવ ઉભુ કરી શકે છે
"પાછું ભેગું થયું ટોળું".... નક્કી આજે કોઈ નિર્દોષ નવાણીયો કુટાઇ જાશે..વધેરાઈ જાશે,અને જૂઠ ને ફેરવશે સત્યમાં અને સત્યની માથે ચડાવશે જૂઠ નો ઢોળ,મળતિયા બની જશે સાક્ષી...વળી પાછો બનશે બીજો મળતિયો તેનો પણ સાક્ષી,સાક્ષી ઉપર સાક્ષી ની લાગશે મહોર અને વળી સર્જાશે સાક્ષીઓની હારમાળા, જૂથ નું જૂઠ ઘણું મોટું એવું કે સત્ય નું ઘોંટાશે ગળું અને સત્ય લાગશે ઘુંધળું ધૂંધળું..ઝાંખું ઝાંખું..એટલે જ વધેરાઇ જાશે નિર્દોષ એકલ અટૂલો માણસ,..ક્યારેક તળાવ કરતા નાનુ ખાબોચિયું સત્ય ની વધારે નજીક હોઈ શકે તેવું પણ બની શકે,મોટા દરિયાની માછલી હમેંશા સાચી જ હોય તેવું કહી ના શકાય ક્યારેક નાના ખાબોચિયાં માં જીવતા દેડકા ના દ્વાઉ દ્વાઉ માં પણ સત્ય ના ટંકાર નો રણકો વધુ મજબૂત હોઈ શકે છે
શંકા અને સંદેહ "પ્યોર્ સોના" (gold) ઉપર જ થાય કે ...સોનું સાચું છે કે ખોટું?? કોલસા ઉપર કોઈ સંદેહ કે શંકા કરતું નથી કે... કોલસો સાચો છે કે ખોટો?? એ જ રીતે સાચા અને પ્રમાણિક માણસો ઉપર જ અપ્રમાણિક હોવાનો ડાઘ લાગે કે ખોટા હોવાના આક્ષેપો થાય કારણ કે અપ્રમાણિક છે તેઓને ડાઘ લાગવાનો પ્રશ્ન નથી કારણ કે ડાઘ હમેંશા સફેદ કપડાં ઉપર જ લાગે... નહિ કે કાળા કપડાં ઉપર..., કાળા કપડાં ઉપર લાગેલો ડાઘ ક્યારેય દ્વષ્ટિ માન થતો નથી,
કોઈ પણ માણસ પોતાના સ્વભાવ થી વિરુદ્ધ જઇ શકતો નથી,તે પોતાના સ્વભાવને ગમે તેટલો ઢાંકવા પ્રયત્ન કરે પરંતુ તે ક્યાંક ને ક્યાંક પ્રગટ થયા વગર રહેતો નથી આ સનાતન સત્ય છે,મંથરા અને શકુની ગમે તેટલા સારા બનવા પ્રયત્ન કરે પરંતુ કપટ,પ્રપંચ,કાવાદાવા અને સળગાવવાની મૂળ પ્રૂકૃતિ બદલી ના શકે અર્થાત્ તેઓના સ્વભાવ થી વિરુદ્ધ જઈ ના શકે,મેલી અને દૂષિત પ્રકૃતિ ના માણસ પાસેથી મધુર વાણી વર્તન વ્યવહાર ની આશા અપેક્ષા રાખવી નિરર્થક છે,આખી જિંદગી ભગવાન ભજ્યા હોય અને સાત્વિક વિચારો કર્યા હોય તો જ અંત સમયે ભગવાન યાદ આવે,..બાકી તો આખી જિંદગી બીજા ના ટાંટિયા ખેંચ્યા હોય,કેટલાય ને પાડી દીધા હોય..કેટલાયના ઘર સળગાવ્યા હોય...તો અંત સમયે એ જ લોકો તમને કચકચાવી ને ઠાઠળી એ બાંધી ને તમને સળગાવવા ઉતાવળા બેબાકળા થઈ જાશે તે નિર્વિવાદ છે
રસિક પટેલ "નિર્વિવાદ"