પ્રકરણ ૨
જમાઈને પુછોતો ખરા એ જવા માંગે છે કે નહીં? પ્રણવ મનમાં બોલ્યો,,,પછી તેને જ યાદ આવ્યું તેણી જાતેજ કહ્યું હતું કે વહેલી સવારે નીકળી જશે.
સાસુમાએ તો ગરમ ગરમ સેવો, ખાખરા અને મઠિયાનાં નાસ્તા સાથે ચા અને કઢાયેલ દુધનો કટોરો આપ્યો હતો. પ્રણવને તો જવું જ નહોતુ પણ સાસુમાનો દેકારો આખા ફળીયાને જગાડી મુકવા પુરતો હતો.
જાણ કર્યા વિના આવ્યો હતોને? પ્રણવ પોતાની જાતને વઢ્તો હતો લજ્જા મનોમન સમજતી હતી પણ હવે થાય પણ શું? પાછા નાના સાળા એકલને પણ જગાડી મુક્યો હતો કે બસ સ્ટેંડ ઉપર તે લજ્જાની સાથે જાય.
પાંચ અને પંદરે બસ આવી.. કમને લજ્જાનો સાથ છોડી પ્રણવ બસમાં બેઠો ત્યારે તેનું મન ગાઈ રહ્યું હતું
छोड चले बालम हमतो प्यार्का दामन छोड चले
જમાઈને સાસરવાસનો પહેલો અનુભવ હતો પણ સાસૂમાને તો આ પંચમો જમાઈ હતો…બસ તો લજ્જાને ગામડે છોડીને વડોદરા ભણી ચાલી નીકળી,
આ બાજુ લજ્જા ઘરે જતા વિચારતી હતી, જબરું ગોઠ્વાઈ ગયું,, એક તુક્કો જ કર્યો હતો પત્ર લખવાનો,,,અને પંદર દિવસમાં તો તીર બની ગોઠવાઈ ગયો. એષાએ જ જરુરી જાદુ કર્યો હતો. પ્રણવ અચાનક આવીને ગયો. લજ્જાને આવા ચમત્કારો ગમ્યા .આખી રાત મસ્તી કરી અને પ્રણવને સમજવાનો મોકો લજ્જાએ માણ્યો હતો..તેનો રાજો પણ લજ્જાને ગમતું કરવાનો ખયાલ રાખતો તે નવી વાત સમજી શકાય તેવી હતી. આગ બંને પક્ષે બરોબર લાગી હતી.પુરતા એકાંતમાં સંયમીત વર્તંન થી રાજા પ્રત્યેનું વહાલ વધ્યું હતુ. તેણે ગાયેલું ગીત તેના મનમાં ગુંજ્યા કરતું હતું.
एक सुरत भोली भाली है दो नयना सीधे सादे है
ना कस्मे है ना वादे है मेरे दीलमें रहेना चाहे
હિમાલય કી ગોદમેં ફીલ્મમાં આ ગીત મનોજકુમારે ગાયેલું હતુ અને જોગાનુજોગ પણ કેવો મનોજ્કુમાર તેને ગમતો ફીલ્મી હીરો હતો. પ્રણવે આ ગીત ગાઈને તેની ખુશી દ્વીગુણીત કરી હતી.રહી રહીને તે અનુભવી રહી હતી રાજ્જા તારા વિના ગમતુ નથી...મને લઈ જા ને ?
આ વખતે તેણે લજ્જાને કહ્યું “તું મને પત્ર લખને? તારા મનની બધી વાતો મારે જાણવી છે અને આપણ ને મળવાની તક તો તું જ્યારે વડોદરા આવે ત્યારે મળે. અને હું અહીં આવું ત્યારે ઘરનાં બધા ઊંચા નીચા થઈ જાય. વહેવારનો રસ્તો તો એજ છે કે તું મને પત્ર લખ
“એટલે તને લવ લેટર લખું?’
‘હા જીવનની અમુલ્ય યાદોની રોજનીશી જેવા પ્રેમપત્રોની એક ફાઈલ બનાવશું અને જ્યારે રુસણું લીધું હશે ત્યારે તે વાંચશુ.’
‘ભલે’ કહીને ડોકુતો હલાવ્યુ પણ યાદ આવ્યું કે તેને વિચારો તો સારા આવે છે પણ ક્યારેય લખ્યુ નહોંતુ.
પ્રણવ બોલ્યો “હું ગાંધીધામ ગુરુવારે હોઇશ તો ત્યાંનુ સરનામ આપી રાખુ? બે દિવસ ત્યાં છું અને પ્રતિ ઉત્તર હું સોમવારે આપીશ જે તને બુધવારે મળી જશે…”
“ રાજ્જા મને લખવાને બદલે બીજુ કંઇ કામ કહેને?”
“કેમ?”
“ મને તો રુબરુ રવિવારે મળવાનો આનંદ વધુ છે.”
“ તેમ્ જ પત્ર દ્વારા મળીયે તો તેવોજ મલ્યા તુલ્ય આનંદ થાય.”
“ એક કામ કરને?”
“શું?”
“ એ આનંદ મારા માટે રાખને? “
“એટલે કે તને હું લખુ પણ તું મને નહીં લખે?”
“ હા. એવુંજ કંઇક..” આંખ મીચકારીને લુચ્ચુ લુચ્ચુ લજ્જા હસી.
“ ચાલ પહેલો પત્ર આજે લખીશ તું એના જવાબ પેટે કંઈક લખજે…”
“ મને એશા બેને કહ્યું હતુ કે તારી લેખીની સારી છે મને તેવું લખતા ના આવડે.એટલે ખચકાઉં છું.’
“ પ્રેમ કર્યો છે ને?”
“ હા.”
“ તો લાગણીઓની અભિવ્યક્તિમાં સંકોચ શું કામ?
“મારું નામ શું છે?”
“લજ્જા- ચાલ બહાના નહીં.”
“ રાજ્જા…ચાલને દર અઠવાડીયે તો મળીયે છે ને?
‘હા. પણ પ્રેમની બાબતમાં હું તો બહુ લોભિયો છું. મને તો જેટલો મળે તેટ્લો પ્રેમ જોઇએ..’
‘ પણ રાજ્જા મને તારા જેવું લખતા નથી આવડતું. મને સંકોચ થાય છે સમજ્ને જરા…”
ગાંધીધામમાં તારો પત્ર મળે એટલે હું ગીત ગાઇ શકું ને
યે મેરા પ્રેમ પત્ર પઢકે નારાજ ના હોના કે તુમ મેરી જિંદગી હો કે તુમ મેરી બંદગી હો…
એ તો મારે ગાવાનું છે તારા પત્ર મળે એટલે…
“લજ્જાડી…લુચ્ચી તારૂ હું શું કરું?”પ્રણવ ખરેખર ખીજવાયો…
“ કશું નહી.. મને વહાલ કર ઘણું બધુ…”
‘ પણ તુ યાર કાગળ ના લખે તે કેમ ચાલે? રવીવાર સિવાય પણ બકુડીને વહાલ કરવાનાં રસ્તા તો ખોલવા દેતી નથી…”
વડોદરા પહોંચી સ્ટેશનરી ની દુકાને થી સરસ ગૂલાબો વાળુ પેડ લીધુ. અને તૈયારી કરી પહેલો પ્રેમપત્ર લખવાની શરુઆત કરી.
પ્રિય
પ્રિયોમાં પ્રિયા
પ્રિયોમાં ઉત્તમ પ્રિયતમા લજ્જા
પ્રિયોમાં ઉત્તમ પ્રિયતમા લાજવંતી લજ્જા રાણી
તને મેં કહ્યું હતું તે પ્રયોગ કરું છું. ઉપર લખ્યું તેમ તું મારા પ્રિયોમાં ઉત્તમ પ્રિયતમા છે.
તારા ભુતકાળ અને મારા ભુતકાળ ને સમજવાની કે જાણવાની કોઇને જરુર નથી્. પણ આપણા વર્તમાન અને ભવિષ્યકાળ પર આપણા બંને નો સમાન અધિકાર છે. અને એ અધિકાર તળે હું મારો પ્રેમ અને એકાધિકાર આપુ છું. અને એ અધિકાર પણ માંગુ છુ.
તારા આવતા પહેલા મારા જીવનમાં તારા જેવું મારું કહી શકાય તેવું કોઇ જ નહોતું. તારા આવ્યા પછી તે શુન્યાવકાશ ભરાઈ ગયો. હવે સવારે ઉઠતાની સાથે જ લજ્જા સાથે આ વાત કરીશ અને તે રીતે વહાલ કરીશ. જેવા અનેકાનેક વિચારોથી ઉભરાય છે. તારું આ રીતે મારા વિચારોમાં આવવું અને છવાયેલા રહેવાનૂ, આજ દિન સુધી ક્યારેય નહોંતું શક્ય બન્યુ, આભાર લજ્જા રાણી!
લજ્જા રાણી કરતા મને તો લાજુ કહેવું વધારે ગમે છે. લાડકું નામ અને વહાલું નામ..તને નવાઇ લાગશે પણ હવે લાંબા નાક વાળી વ્યક્તિઓ જોવી મને ગમે છે કારણ તારું પણ નાક લાંબુ છે.જેમ કે અભિનેત્રી સાયરા બાનુ અને તેહું ચલચિત્ર કાશ્મીર કી કલી…ટીવી ઉપર જ્યારે તે ચિત્ર જોયું ત્યારે હીરોઈન માં મને તું જ દેખાતી..ચાલ અટ્કું? તું હસીશ મારી આવી સરખામણી પર… પ્રણવ નું અઢળક વહાલ
પ્રણવનો પત્ર ગામડે પહોંચ્યો અને લજ્જાનાં બાપાનાં હાથમાં પડ્યો.લજ્જાને ચીડવવાનો આ મોકો હતો… હાથમાં પત્ર લઈને લજ્જાને કહે “ આ જબરું હજી હમણાતો આવીને રૂબરુ મળીગયા તેટલામાં તો કાગળ આવી ગયો… લજ્જા બેટા આ જમાઇ તો નવી નવાઇનાં છે.. હજી હમણાં આવીને ગયા છે અને પાછળ જ પત્ર? એવું શું લખે છે તમારી નવી પેઢી?
લજ્જા કહે “ મને કાગળ તો આપો બાપા. તેમા વાંચીને તમને કહુંને!”
“ તમે લોકો નવી પેઢીનાં” કહીને પત્ર આપતા પહેલા પત્ર માટે લજ્જાને થોડી ઊંચી નીચી કરી. થોડી દોડાવી અને હસતા હસતા બોલ્યા મારા આગલા જમાઈઓ કરતા જુદા છે આ શહેરનાં જમાઈ…
કાગળ હાથમાં લેતા લજ્જા બોલી “ હા છે જ જુ જુદા આ તમારા શહેરનાં જમાઈ.અને પાછા આકરા પણ.
“કેમ?”
“કાગળ લખતા જ નથી પણ મને પણ લખવાની ફરજ પાડે છે,”
“તે ગોધરા જઈને પ્રેંમ પત્ર લખવાની કળા ઉપર ચોપડી લઇ આવજેને!”
“ તમે પણ બાપા મારી મશ્કરી કરો છે ને?”
“ હા તારી બાને પુછી જોજે તે વિધ્વાન ની છોકરી છે..કદાચ કોઇ ક રસ્તો તને બતાવશે..
“ બાપા તમે પણ?”લજ્જા લજાઈ ગઈ.
પણ બા એ તો ગુસ્સે થતા કહ્યું “એટલેજ આપણા પાંચ ગામ માં જ રહેવાનું જાણીતા ઓની વચ્ચે રહીયે તો આવી નવી નવી માંગણી ઓ તો ના આવે. એષાને પુછ આને રસ્તો શું?”
ઉપલે માળે હીંચકો તેનો સાથીદાર. લજ્જા હીંચતી જાય અને કાગળ ખોલી વાંચતી જાય.
તેને પ્રણવ જાણે સામે બેસીને વાત કરતો હોય તેવું લાગ્યું. તેનો પણ આવોજ અનુભવ હતો.. તે વાંચતી હતી
“તારા આવતા પહેલા મારા જીવનમાં તારા જેવું મારું કહી શકાય તેવું કોઇ જ નહોતું. તારા આવ્યા પછી તે શુન્યાવકાશ ભરાઈ ગયો. હવે સવારે ઉઠતાની સાથે જ પ્રણવ સાથે આ વાત કરીશ અને તે રીતે વહાલ કરીશ. જેવા અનેકાનેક વિચારોથી ઉભરાય છે. તારું આ રીતે મારા વિચારોમાં આવવું અને છવાયેલા રહેવાનૂ, આજ દિન સુધી ક્યારેય નહોંતું શક્ય બન્યુ” તે બબડી “પ્રણવ હા તુ જે લખે છે તેવું જ મારી સાથે પણ બને છે.
”હીંચકો બંને બાજુ ફંગોળાતો હતો અને તેને સખી જીગા યાદ આવી તેની પાસે આવી ચોપડી હતી તે યાદ આવ્યું, જીગા ગોધરા નોકરી કરતી હતી એટલે છુટી ને સાંજે આવશે ત્યારે ચોપડી લઇને જવાબ લખશે. પ્રશ્ન ઉકલી ગયો અને તેના વિચારોમાં પ્રસન્નતા દેખાવા માંડી..હીંચકાની ઝડપ વધી ગઈ.
જીગા સાંજે ઘરે આવી ત્યારે લજ્જા ધરે જ બેઠી હતી. પ્રણવ આચાનક આવીને ગયો અને પત્રલેખન માટેના આગ્રહ વિશે વાત કરી ત્યારે જીગા ખડ્ખડાટ હસી…. અલી ફોન કર્યો હોત તો તેમને મળવા આવી હોત…શરમાતા શરમાતા લજ્જાએ કાગળ કાઢ્યો અને જીગા ને વાંચવા આપ્યો.
“અરે વાહ પ્રણવ કુમાર તો ભારે ઝડપી છે..તારી પાસે કાગળ લખાવીને ગુરુવારે તેમને ગાંધી ધામ મળે તેવી શરત પણ મુકી છેને…”થોડા મૌન પછી જીગા બોલી “ આવો પ્રેમાળ પતિ મળે તો પછી જિંદગીમાં કશું જોવું જ ના પડેને?”
પ્રેમપત્ર લખવાની કળા એ ચોપડી આપતા જીગા બોલી “ આ તો વિચારો પ્રગટ કરવાનાં આઈડીયા જ આપે આનો ઉતારો ન કરતી.”
લજ્જા બોલી “અલી હું પણ બીએ ભણેલી છું. કોપીકેટ નહીં કરું.”
ચોપડી લઈને લજ્જા ઘરે પહોંચી.ધબકતા હૈયે પહેલુ પ્રકરણ વાંચવાનું શરુ કર્યુ…
અમીય અને રાધા બે કાલ્પનીક પાત્રો ઉભા કરી તેઓનો પત્રવ્યવહાર કેવી રીતે શરુ થયો તે શરુઆતનાં પ્રકરણોમાં હતુ. પણ એક ઠેકાણે બરોબર પ્રણવનું વાક્ય હતુ… જો તમે પ્રેમ કર્યો હોય તો તેની અભિવ્યક્તી જરુર તમારા શબ્દોમાં હોવી જ જોઇએ. પ્રેમ પત્ર લખવાનાં કારણોમાં એકમેકને નજીક લાવવાની તીવ્ર ઈચ છા હોય છે તેથી બંને પાત્રોને સમજાવવામાં આવતુ હોય છે કે પ્રેમ એ મનની કોમળ ભાવનાઓનું રંગોળી સ્વરુપ છે એટલે શબ્દો..વણાંકો..તેમા ઉદ્ભવતા કલા્ત્મક બુટ્ટાઓ મનને પ્રસન્ન કરતા હોય છે.એક મેક્ને ગમતી વાતો અને એકમેકનાં પ્રમાણિક વખાણો થતા હોય છે.
આ પ્રેમપત્રો ભંગાણનું કારણ પણ બનતા હોયછે. તેથી શક્ય હોય તેટ્લી આપ વડાઇ; અપ્રમાણિક અને કડવી ભાષાને ત્યજવી. જીદ ન કરવી અને ગોળ ગોળ વાતોને પણ ત્યજવી.
લજ્જા આવી ડાહી વાતોને વાંચ્યા પછી જાણે થાકી જ ગઈ.
નીચે જઈને રસોડામાં ખાં ખોળા કરીને ખાવાનું શોધ્યું અને દુધ સાથે પેટ્પુજા કરી. કાગળ લખીને પોષ્ટમાં નાખવાનો હતો એ ટેંશનમાં ઉંઘ વેરણ બની હતી.
ફરીથી ચોપડી હાથમાં લીધી… રાધાનાં પત્રો અમીય ઉપર નો વિભાગ ફંફોસ્યો… અને મનમાં નક્કી કરી લીધુ પત્રમાં જ્યાં રાધાનું નામ છે ત્યાં લજ્જા અને જ્યાં અમીય નામ છે ત્યાં પ્રણવ મુકવાનું ભુલાય નહીં અને પત્ર મૌલિક લાગે તેવા પોતાના વિચારો મુકવાના ભુલાય નહીં. તેણે અમીયને લખેલો રાધાનો પત્ર નક્કી કર્યો.
લજ્જાનો રાજો પ્રણવ
તારો પત્ર મળ્યો.સાચું કહું તારું દબાણ મને પાગલ કરી દે છે. મને હું જે છું તે મને ગમે છે. પણ મને તારો આગ્રહ આ તારીખે ગાંધીધામ મળવો જ જોઇએ...આ “ જોઇએ” શબ્દ મને ક્યારેય ના જોઇએ...આતો પહેલી વાર છે એટલે જવા દઉ છું પણ મને મુક્ત ગગન નો વિહાર ગમે છે જોઇએ નું પાંજરું નહીં. મારા રાજ્જા આપણે બંને એક મેક્ને સાચા હ્રદય થી ચાહીયે છે અને એક્મેકનોવિકાસ ઈચ્છીયે છે ત્યાં આ “જોઇએનું” બંધન ના ચાલે. હવે તું મને કહીશ કે નદીને કાંઠાનું બંધન ના હોય તો તેને ખાબોચીયું થતા વારના લાગે..ત્યારે હું તને કહીશ સમજ જ્યાં હોય ત્યાં પ્રેમ જ એ બધુ કરાવતો હોય છે.
મને પણ તારી સાથે ઘણી બધી મારી વાતો કરવી છે પણ રાજ્જા મારા! તારી પાસે પણ એટલી બધી વાતો છે ને કે આપણ ને મળતો સમય એ બધા માટે ઓછો પડે છે. હું આ પત્ર વ્યવહાર શરું કરતા ખચકાતી હતી પણ રાજ્જા તારો આભાર તેં આ શરુ કરાવીને મારા મનમયુરને નર્તંન કરવા આંગણુ આપ્યુ. મને લાગે છે જે હું વ્યક્ત નથી શકતી તે મારા મનોભાવને શબ્દ સ્વરુપે વ્યક્ત કરી શકીશ.
પહેલા મારો અણગમો રજુ કર્યો જે ક્યારેય તને ન કહી શકી હોત. પણ પત્રમાં તને દુભવ્યા વિના જ કહી શકી કે મને “જોઇએ” શબ્દ ગમતો નથી. કે મારી ઇચ્છા વિના મને કોઇ પણ તેમના ધારેલા રસ્તે દોરી નહીં શકે. તું એમા પ્રેમથી એક્સેપ્શન થઇ શકે પણ કદાચ આ બાબતે હું બાંધ છોડ કરવાનાં મતમાં નથી.
મને પહેલાજ પત્રમાં આવું બધું લખવું નહોંતુ.પણ તને જણાવવુ જરુરી હતું કે સમજ થી મને સમજાવજે તો વિદ્રોહ નહી થાય. પણ ધારી ન લેતો કે હું પત્ની છું અને તારું કહ્યું બધુંજ માની લઈશ.
આ બધુ લખ્યા પછી પણ કહીશ તુ મારો પ્રેમ છે તું મારો રાજ્જો છે અને તારા વિના મને ગમતુ નથી એ પણ ડંકાની ચોટ પર બોલાતુ સત્ય છે.
તારી અને તારી જ લજ્જા
પત્ર પુરો કરીને બીડ્યો અને ગાંધીધામનું સરનામુ લખીને ટીકીટ ચોંટાડી તૈયાર કર્યો . રાતના સ્વપ્નમાં લજ્જા ગાંધીધામ પત્ર લઈને પહોંચી ગઈ. પ્રણવ પત્ર વાંચતા તરત જ સમજી ગયો કે છેલ્લા વાક્ય સિવાય આખો પત્ર ઉઠાંતરી છે ને?
“તને કેવી રીતે ખબર પડી?”
“લજ્જા રાણી આ પુસ્તકનો લેખક મહેશ રાવળ મારો મિત્ર છે અને તેના ઘણા પત્રો મારા લખેલા છે.”
થોડાક મૌન પછી પ્રણવ બોલ્યો “ ડંકાની ચોટ્પર બોલાયેલું સત્ય અવ્વલ છે , તારી લેખીની માં દમ છે” થોડક મૌન પછી મલક્તા પ્રણવ બોલ્યો “સર્વોદયનો ગુલાબી આઈસ્ક્રીમ ખાવો છે કે સત્યનારાયણ નો રાજભોગ?” અને પહેલી વખત લજ્જાને લાગ્યુ…તે તો સ્વપ્ન જુએ છે.
“ પણ અહીં? ગાંધી ધામમાં?”
અને પ્રણવ ઓગળી ગયો..તેને હજી સ્વપ્ન લંબાવવૂ હતુ..પણ એ તો ગાંધીધામમાં નહી તેના ગામડામાં હતી.જે હવે ગણતરીનાં મહીનાઓ માં જતુ રહેશે..સોસાયટીનાં ઘરમાં તે રહેશે..તેણે આળસ મરડી અને બોલી” રાજા મને લઈ જા ને! મને ગમતું નથી..તારા વિના!”