Losted - 34 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ - 34

Featured Books
Categories
Share

લોસ્ટેડ - 34

લોસ્ટેડ - 34

રિંકલ ચૌહાણ

રાહુલ અને જિજ્ઞાસા થોડી ક્ષણો માટે ચુપચાપ બેસી રહ્યા.
"તમે સસપેન્ડ થયા એ વાત નું મને દુખ છે." જિજ્ઞાસા એ વાતની શરૂઆત કરી.
"તમે દુખી ન થાવ, પ્રેમ મે કર્યો છે તો પરિણામ પણ હું જ ભોગવીશ ને." રાહુલ ફીકું હસ્યો.
"જ્યાં કાંટા ન હોય એ મારગ શાનો? ને વાંધા ન હોય એ પ્રેમ શાનો? તમે સમજદાર છો, છતાંય હું તમને એક સલાહ આપવા માંગું છું. આધ્વીકા બહું સરસ છોકરી છે એને તમારા થી દુર ન કરતા, આ બધું હું એટલે નથી કહેતી કેમકે એ મારી મોટી બેન છે. પણ હું એને બાળપણથી જાણું છું, હંમેશાં અભાવ માં જીવી છે." જિજ્ઞાસા નો અવાજ લથડ્યો, એ ભાવુક થઈ ગઈ.
"હું પ્રયત્ન કરીશ કે આધ્વીકા ના જીવનના બધા અભાવો દુર કરી શકું." રાહુલ એ જવાબ આપ્યો અને તેનો રૂમાલ જિજ્ઞાસા ને આપ્યો.

"જિજ્ઞા... તું અહીં શું કરે છે?" આધ્વીકા જિજ્ઞાસા ને રાહુલ સાથે જોઈ પુછ્યું.
"હું, અહીં... અમમમ..." પોતાના આંસુ ને છુપાવવા ના પ્રયત્નો માં જિજ્ઞાસા સરખો જવાબ ન આપી શકી.
"સિરિયસલી જિજ્ઞા? મે તને એક કામ આપ્યું હતું એ પણ ન થયું તારાથી? અને અહીં બેસી ને ગપ્પા મારી રહી છે. તને ખબર છે આપણી પાસે ટાઈમ નથી છતાંય..." આધ્વીકાનો અવાજ ઊંચો થઈ ગયો.

જિજ્ઞાસા એ આધ્વીકા તરફ આશ્ચર્યથી જોયું, પહેલી વાર કોઈ ત્રીજા માણસ ની સામે આધ્વીકા એ એની સાથે આવી રીતે વાત કરી હતી. આધ્વીકા ના અવાજ માં ઈર્ષ્યા નો રણકો હતો.
આ સ્ત્રીસહજ ઈર્ષ્યા હતી, પોતાના મનગમતા પુરુષ ને બીજી સ્ત્રી સાથે જોઈને થતી ઇર્ષ્યા હતી. જિજ્ઞાસા એ આધ્વીકાના મન ની ઈર્ષ્યા તરત જાણી લીધી, એ મલકાઈ પણ ખરી."
"તને હસવું શા નું આવે છે? એક તો સોંપેલું કામ પુરું નથી કર્યું ઉપર થી હસે છે." આધ્વીકા હવે ખરેખર ગુસ્સે ભરાઈ હતી.
"હ... હા તે મને કામ આપ્યું હતું ને, હું એ કામ પતાવી દઉં." જિજ્ઞાસા ત્યાં થી છટકી ગઈ.
"અમમમ.... હા ભાઈ, આવું જ છું." રાહુલ બગીચાની બહાર ઊભેલી ગાડી તરફ જતો રહ્યો.

આધ્વીકા પાછળના દરવાજાથી ઘરમાં આવી, એક નજર ઘર ના સભ્યો પર નાખી તે સીધી જયશ્રીબેન પાસે ગઈ.
"ફઈ; મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે, એકાંતમાં." આધ્વીકા એ ધીમેથી જયશ્રીબેન ના કાન માં કહ્યું.
આધ્વીકા ની બુમ સાંભળી ત્યાં થી હાલ સુધી જયશ્રીબેન બેચેન હતાં, બન્ને છોકરીઓનો ચહેરો જોઈ એ સમજી ગયાં હતાં કે કંઈક તો ખોટું થયું છે. ને આધ્વીકા એ જ્યારે એકાંત માં વાત કરવાનું કીધું એટલે જયશ્રીબેન ની શંકા સાચી પડી, એમની ધડકનો ની ગતી વધી ગઈ. રહી રહી ને કંઈક અમંગળ ની આશંકાઓ ઊઠતી હતી, કાળજું બહાર આવી જશે એવી લાગણીઓ અનુભવાતી હતી.

"શું થયું બેટા? બધું ઠીક તો છે ને?" જયશ્રી બેન એ ધ્રુજતા અવાજે પૂછ્યું.
"ફઈ, તમે અહીં બેસો અને શાંત થઈ જાઓ. હું જાણું છું કે આ સાચો સમય નથી આ વાત કરવાનો પણ ફઈ મારી પાસે સમય જ નથી." આધ્વીકા એ પૂર્વ ભૂમિકા બાંધી.
"તું ચિંતા મત કર દિકરા, તારી જયશ્રી ફઇ ઘણી મજબૂત છે. તું નચિંત થઈને બોલ શું વાત કરવી છે તારે?"

આધ્વીકા એ ચિત્રાસણી માં મળેલી માહિતી થી લઈ મોન્ટી પાસે મળેલી માહિતી સુધી ની બધી વાત વિગતવાર જયશ્રીબેન ને જણાવી.

"તું શું બોલે છે, તને ખબર છે?" જયશ્રીબેન ને આધ્વીકાની વાત સાંભળી આઘાત લાગ્યો.
"હું સાચું બોલું છું ફઈ, હવે માત્ર તમે જ અમને રસ્તો બતાવી શકો છો કે આગળ શું કરવું."
"એક છોકરી ની ઇજ્જત? મોન્ટી આવું કરી શકે? હું છોડીશ નઈ એ નાલાયક ને.. મોન્ટીઇઇઇઇ...." જયશ્રીબેન એ મોન્ટી ના નામની બુમ પાડી અને ઓરડા ની બહાર ની તરફ જવા લાગ્યાં.
"ફઈ... ફઈ મારી વાત સાંભળો..." આધ્વીકા એમની પાછળ દોડી.

જયશ્રીબેન ઓરડાની બહાર નીકળ્યા કે તરત ઓરડાનો દરવાજો બંધ થઈ ગયો અને આધ્વીકા ઓરડામાં જ પૂરાઇ ગઈ. આધ્વીકા એ જોર જોર થી દરવાજો ખખડાવ્યો, બધા ના નામ ની બૂમો પાડી પણ કોઈ તેની મદદે ન આવ્યું.

"આધી.... ડાર્લીંગ...." હવામાં એક અવાજ સંભળાયો અને અટ્ટહાસ્ય ગુંજ્યું. થોડી જ ક્ષણો માં આધ્વીકાની સામે ધુમાડા થી એક સ્ત્રી ની આકૃતિ બની.

પણ એ ચહેરા પર આજે દુખ હતું, નિરાશા હતી. આધ્વીકા ને લાગ્યું કે એ આકૃતિ ઉદાસ હતી, આ કાં તો સત્ય હતું કાં તો મિતલ સાથે થયેલા અન્યાય વિશે જાણ્યા પછી એની માટે બદલાયેલો આધ્વીકા નો દ્રષ્ટિકોણ. પણ એક શરીર માં વસતો આત્મા એક શરીર વિહિન આત્મા નું દુખ, એની પીડા સમજી રહ્યો હતો.

"હવે તો તું બધું જાણે છે ને? હવે તું શું કરીશ? તારા ભાઈએ પેલા છોકરાઓ સાથે મળી મારી જીદંગી બરબાદ કરી નાખી, અને મને મારી પણ નાખી. શું ન્યાય અને સત્ય ની દેવી પોતાના ભાઈ ને સજા અપાવશે?" મિતલ એ કડવાશ થી કીધું.

"મિતલ, મારી વાત સાંભળ. હું તારી મદદ કરીશ, તારી સાથે જે થયું એ ખોટું હતું. પણ માત્ર એક વાર મને તક આપ, હું તને ન્યાય અપાવીશ. બસ હાલ મને જવા દે, આરાધના માસી ને ખબર ન પડવી જોઈએ. મને જવા દે, જયશ્રી ફઇને રોકવા જરૂરી છે. પ્લીઝ..." આધ્વીકા એ હાથ જોડી વિનંતી કરી.

બીજી જ ક્ષણે એ આકૃતિ હવા માં ઓગળી ગઈ અને દરવાજો જાતે ખુલી ગયો. મનોમન મિતલ નો પાડ માની આધ્વીકા દિવાનખંડ તરફ દોડી. એ દિવાનખંડ માં પહોંચી ત્યારે ત્યાં નું દ્રશ્ય આધ્વીકા ની કલ્પના બહાર નું હતું.

જયશ્રીબેન અને જીવન બેભાન આરાધના બેન ને ભાન માં લાવવા ના પ્રયત્ન કરી રહ્યાં હતાં, મોન્ટી પોતાના બન્ને હાથથી પોતાના ગાલ પકડી રડી રહ્યો હતો.

ક્રમશઃ




****************************************
પ્રકરણ આટલા મોડા પ્રકાશિત કરવા બદલ આપ સહું વાચકો ની માફી ચાહું છું. પારિવારિક સમસ્યાઓ, સ્વજન ગુમાવ્યાનું દુખ અને વ્યવસાયિક જીવન ની વ્યસ્તતા ને લીધે લેખન પર ધ્યાન આપી શકતી નહોતી. આજે ફરી થી લખવાનું ચાલુ કરી રહી છું, હમેશાંની જેમ સાથ- સહકાર આપશો એવી અપેક્ષા છે.
આભાર ❤️