પંચાવન
પ્રોફેસર્સ રૂમમાં ડીપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની કેબિન સહુથી છેલ્લે એક ખૂણામાં હતી એટલે વરુણે તમામ કેબિનો તેમજ વચ્ચે રહેલા એક વિશાળ ટેબલને પસાર કર્યા અને ડીપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની કેબિન પાસે આવીને અંદર પોતાનું ડોકું નાખ્યું. કેબિનમાં માત્ર જયરાજ જ બેઠો હોવાથી વરુણને મોટો હાશકારો થયો.
“મે આઈ કમ ઇન સર?” કેબિનમાં પોતાનું ડોકું જ રાખીને વરુણે જયરાજની મંજૂરી માંગી.
“અરે, કમ કમ કમ હિરો!” વરુણને જોતાંજ જયરાજના ચહેરા પર એક કુટિલ સ્મિત આવી ગયું.
“તમે મને એલસી લેવા બોલાવ્યો છે એવું દેસાઈ સાહેબે કહ્યું, એટલે...” કેબિનમાં રહેલા ટેબલ સામે ઉભા રહીને વરુણે વાત શરુ કરી.
કેબિન ખાસ મોટી ન હતી. ડાબી તરફ લોખંડના છ લોકર હતા જેમાં પ્રોફેસર્સ પોતાની મહત્ત્વની વસ્તુઓ સાચવતા હશે અને જમણી તરફ લાકડાનો મોટો ઘોડો હતો જેમાં ફાઈલો અને એક્ઝામિનેશન પેપર્સ અને સપ્લીમેન્ટરીના ઢગલા હતા. ટેબલની ચારેય તરફ બે-બે ખુરશીઓ હતી, જેમાંથી વરુણ જ્યાં ઉભો હતો તેની સામે બારી પાસેની બે ખુરશીઓમાંથી ડાબી તરફની ખુરશી પર જયરાજ બેઠો હતો અને તેની સામે જ ટેબલ પર વરૂણનું એલસી પડ્યું હતું.
“યસ, સો યુ આર લિવિંગ ધ કોલેજ હુહ?? વ્હાય?” જયરાજે વરુણને પહેલો જ સવાલ એવો પૂછ્યો જેનો જવાબ કદાચ વરુણ પાસે પણ ન હતો અને જો હતો તો તે એ કોઈને પણ કહી શકે તેમ ન હતો.
“સર, એ મારું પર્સનલ ડીસીઝન છે.” વરુણે વચલો માર્ગ કાઢતાં જયરાજને જવાબ આપ્યો.
“ઓહો, પર્સનલ ડીસીઝન! યુ આર જસ્ટ નાઈન્ટીન એન્ડ ઓલરેડી ટેકિંગ પર્સનલ ડીસીઝનન્સ? ઓકે, ઓકે, ઓકે, નાઉ આઈ ગેટ યુ, બિકોઝ ઓફ ધેટ ફેઈલ્ડ લવ અફેયર યુ આર લિવિંગ રાઈટ? ઓહ આઈ એમ સોરી, યુ આર ગુજરાતી મિડીયમ રાઈટ? સો લેટ મી એક્સ્પ્લેઇન ઇન ગુજરાતી. તારું પ્રેમ પ્રકરણ નિષ્ફળ ગયું એટલે કોલેજ છોડી રહ્યો છે ને?” જયરાજ સીધો મુદ્દા પર તો આવ્યો પરંતુ કોલેજના પહેલા જ દિવસે વરુણે ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને એક કરીને જયરાજને અંગ્રેજીને બદલે ગુજરાતીમાં ભણાવવાની ફરજ પાડી હતી તેનો બદલો પણ તેણે લઇ લીધો.
“ના, સર એવું કશું નથી!” વરુણે જવાબ આપ્યો.
“એવું જ છે. હું તમે બંને લવર્સને બરોબર ઓબ્ઝર્વ કરતો હતો. પેલું કહેવાય છે ને કે આગ બન્ને તરફ લાગી છે?” નીચે નજર રાખીને ઉભેલા વરુણ સાથે નજર મેળવવા માટે જયરાજ પોતાની ખુરશી પર બેઠાબેઠા જ નીચે વળ્યો અને વરુણની નજર સાથે પોતાની નજર મેળવવાનો પ્રયાસ કર્યો.
“સર મને એલસી આપશો? મારા ફ્રેન્ડ્સ બહાર રાહ જોઈ રહ્યા છે.” વરુણને હવે જયરાજની વાતો આકરી લાગી રહી હતી.
“મારી નજર સામે કોઈ મારી વસ્તુને ઉડાડીને લઇ જાય ઈટ ઈઝ નેક્સ્ટ ટુ ઈમ્પોસીબલ! તું આવું કશુંક પગલું ભરે એટલેજ મેં કૉલેજમાં તમારા અફેરની રૂમર્સ ફેલાવી હતી. આઈ ન્યૂ કે એ તો નવી જોબ અને આટલી ઓનરેબલ કોલેજની ઓનરેબલ જોબ છોડીને ક્યારેય જવાની ન હતી. યુ વર ધ ઓન્લી થ્રોન ઇન માય પ્લાન યુ નો? તમે બંને યંગ છો, ખબર નહીં કે એ આગ સુંદરીને પણ લાગી જાય, તો પછી મારો પ્લાન તો અનસક્સેસફૂલ જ રહેને? સો આઈ પ્લાન્ટ સમ વન એન્ડ મેઈડ ધીસ હેપન. આઈ ડોન્ટ લવ સુંદરી, આઈ એડમિટ, બટ આઈ લસ્ટ હર. મને એનું ગોરું-ગોરું, સુંદર શરીર, એના દરેક અંગો ગમે છે. આઈ હેવ બિન અલોન ફોર યર્સ, મારી પણ ફિઝીકલ જરૂરિયાતો છે? સુંદરી સાથે તો હું ગમે તે રીતે મેરિજ કરી જ લઈશ અને પછી રોજ તેને ભોગવીશ. એ ફક્ત મારી સેક્સ ડોલ બનીને રહેશે. હું એવું એટમોસ્ફીયર બનાવીશ કે એને મારું બનવું જ પડશે. તારા જેવા જેટલાં પણ હર્ડલ્સ આવશે એને હું આમ ચપટીમાં ચોળી નાખીશ.” જયરાજે પોતાનું કુટિલ સ્મિત જારી રાખતાં વરુણ સામે પોતાની સમગ્ર યોજના જણાવી દીધી.
“સર મને એલસી આપશો? મારા ફ્રેન્ડ્સ બહાર રાહ જોઈ રહ્યા છે.” જયરાજની વાત સાંભળીને ગુસ્સે થઇ ગયેલા વરુણે તેના પર કાબુ મેળવવાની કોશિશ કરતાં પોતાની બંને મુઠ્ઠીઓ વાળીને કહ્યું.
“નહીં આપું! શું કરી લઈશ?” જયરાજ કડક અવાજમાં બોલ્યો અને ખંધુ હસ્યો પણ ખરો.
જયરાજના અવાજમાં દાદાગીરી તો હતી જ પણ એલસી પોતાની પાસે હોવાથી વરુણની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો પાશવી આનંદ પણ તેમાં વર્તાઈ રહ્યો હતો.
“નો પ્રોબ્લેમ!” આટલું કહીને વરુણ પાછો વળ્યો અને બહારની તરફ એણે બે ડગલાં માંડ્યા.
“વેઇટ, ક્યાં જાય છે?” વરુણને બહારની તરફ જતાં જોઇને જયરાજ સહેજ ગભરાયો.
“પ્રિન્સીપાલ સર પાસે. મને લાગે છે કે મારું એલસી એ જ આપશે.” વરુણે બહારની તરફ બીજા બે ડગલાં માંડ્યાં.
“ઓકે, ઓકે ટેઈક ઈટ!” ટેબલ પરથી એલસી ઉપાડીને જયરાજે વરુણ સામે ધર્યું.
જયરાજ ગભરાઈ ગયો હતો કે ક્યાંક વરુણ તેણે હમણાં તેને કહેલી વાત પ્રિન્સીપાલને જઈને ન કહી દે.
વરુણ પાછળ ફર્યો અને બીજીજ સેકન્ડે જયરાજની બે આંગળીઓ વચ્ચે રહેલું પોતાનું એલસી લઇ લીધું.
“થેન્ક્સ સર, આ સારું કર્યું કે તમે માની ગયા, નહીં તો થોડા સમય બાદ તમારે પ્રિન્સીપાલ સરની કેબીનમાં તમારું રાજીનામું, સોરી! રેઝીગ્નેશન આપવું પડત .” એલસી પોતાના હાથમાં આવી જતાં વરુણે વિજયી સ્મિત કરીને હિંમતભેર કહ્યું.
“ડોન્ટ એક્ટ લાઈક અ સ્માર્ટ કૂકી! આઈ વિલ સી ટુ ઈટ કે તને ક્યાંય એડ્મિશન ન મળે. એન્ડ આઈ વિલ ઓલ્સો સી ટુ ઈટ કે તારી લવર અહીંયા એક દિવસ પણ શાંતિથી ન જીવી શકે એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે એણે મારી સાથેજ પોતાનું આખું જીવન વિતાવવું પડે.” જયરાજ આદત અનુસાર ગુસ્સે થઇ ગયો.
“પ્લીઝ સર, આમાંથી કશું પણ જરાય ન કરતાં. હું તમને ધમકી નથી આપતો પણ મારા છેડા બહુ દૂર સુધી પહોંચેલા છે. તમે હમણાં કહીને સર, એમાંથી એક પણ હરકત કરીને તો તમારા છેડામાં ક્યારે શોર્ટ સર્કીટ થઇ જશે તેની તમને ખબર પણ નહીં પડે અને જ્યારે ખબર પડશે ત્યારે તમારી લાઈફ રફેદફે થઇ ગઈ હશે. બીજું, એમને હેરાન કરવાનું તો વિચારતા પણ નહીં. હા, હું એમને પ્રેમ કરું છું અને લખલૂટ પ્રેમ કરું છું. મારું આ કોલેજ છોડવાનું કારણ એમને મારે કારણે હેરાનગતી ન થાય એ જ છે, પણ મારો એમના પ્રત્યેનો પ્રેમ તો હજી એવોને એવો છે અને તમે હમણાં જે બકવાસ કરીને એનાથી મારો પ્રેમ મજબૂત જ થયો છે. યાદ રાખજો સર, એક દિવસ તમારી નજર સામે એ મારા પ્રેમનો સ્વીકાર કરશે અને તમે કશુંજ નહીં કરી શકો.” વરુણ ગર્વ સાથે બોલ્યો.
“ગેટ આઉટ!” જયરાજ પાસે કદાચ આમ કહેવા સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો.
“ગૂડ ડે સર એન્ડ મેં કહ્યું એ ધ્યાનમાં રાખજો.” આટલું કહીને વરુણ ચાલવા લાગ્યો.
જેવો વરુણ દરવાજા પાસે પહોચ્યો અને તેમાંથી બહાર નીકળવા જતો જ હતો કે સામેથી સુંદરી પણ ચાલતી ચાલતી આવી. સુંદરી કદાચ તેનું લેક્ચર પતાવીને આવી હતી. સુંદરી અને વરુણની નજર મળી, સુંદરીની આંખમાં ગુસ્સો ઉતરી આવ્યો, વરુણ આડી નજર કરીને બીજીજ પળે ત્યાંથી જતો રહ્યો અને સુંદરી ડીપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની કેબિન તરફ ચાલવા લાગી.
વરુણ કોલેજના પાર્કિંગ તરફ ચાલી જ રહ્યો હતો કે તેના મોબાઈલમાં મેસેજનો ટોન વાગ્યો. વરુણે જોયું તો સોનલબાના મેસેજનું નોટીફીકેશન હતું. વરુણ ઉભો રહ્યો અને પોતાનું વોટ્સએપ ઓપન કર્યું.
“અમારું એડ્મિશન થઇ ગયું છે, કૃણાલભાઈ તારી રાહ જોઈ રહ્યા છે, કોલેજ ગ્રાઉન્ડમાં આવી જા.” સોનલબાનો મેસેજ હતો.
આ બધું થયા બાદ વરુણનો ઈરાદો તો એકલા જ ઘરે જવાનો હતો પણ સોનલબાની વાત એ નકારી શકતો ન હતો એટલે એણે કમને પાછાં કોલેજ તરફ વળવું પડ્યું અને કોલેજમાંથી પસાર થઈને તે બીજા છેડે આવેલા કોલેજના ગ્રાઉન્ડમાં ગયો જ્યાં એક બેંચ પર સોનલબા બેઠા હતા અને તેની પાસેજ કૃણાલ ઉભો હતો.
“મળી ગયું એલસી?” સોનલબાએ પૂછ્યું, એમના અવાજમાં હજી પણ વરુણ પ્રત્યે નિરાશામિશ્રિત ગુસ્સો હતો.
“હા!” વરુણે પણ ટૂંકમાં જ જવાબ આપ્યો, એને ખબર હતી કે તેના એકપક્ષી નિર્ણયને લીધે તેના મિત્રોનું દિલ દુઃખ્યું છે.
“સોનલબેને મને બધીજ વાત કરી દીધી છે. મેં તને કીધું હતુંને કે આ રિલેશનનો કોઈજ મતલબ નથી? પણ તું ન માન્યો, છેવટે તો દુઃખ તનેજ થયુંને? હું તારો ફ્રેન્ડ છું દુશ્મન નહીં. અને...” કૃણાલ બોલી જ રહ્યો હતો અને...
“મારે આ બધી વાત નથી કરવી, જે થવું હતું એ થઇ ગયું. હવે મારે જે કરવું છે એ હું કરીશ, તું પ્લીઝ આ વાતમાં પહેલેથી જ ઇન્વોલ્વ ન હતો તો હવે ઇન્વોલ્વ થવાની કોશિશ પણ ન કરતો, હું બે હાથ જોડીને તને રિક્વેસ્ટ કરું છું.” વરુણે ભીની આંખ સાથે કૃણાલ સામે બે હાથ જોડ્યા.
“તારે જે કરવું હોય તે તું કર ભઈલા, પણ તું શું કરીશ એ તો અમને કહેતો રહેજે? અમને તારી ચિંતા છે. તને એમનેમ મેં ભઈલો નથી કહ્યો, મારે હવે મારા બીજા વરુણભાઈ નથી ગુમાવવા.” સોનલબાની માંજરી આંખો પણ ભીની થઇ.
“બેનબા, હું એવું કશુંજ નહીં કરું જેનાથી તમને કે આ ગધેડાને કોઈ દુઃખ થાય. હું નબળા મનનો નથી. હું મારું દુઃખ ક્યાંક બીજે વાળીશ, પણ દુઃખી થઈને ઘેરે બેસી નહીં રહું. બીજું, આજેજ બલ્કે હમણાંજ મેં એક નિર્ણય લીધો છે.” વરુણ રોકાયો.
“શું?” સોનલબા અને કૃણાલ બંને એકસાથે બોલી પડ્યા.
“સંજોગોવસાત જે થયું તે થઇ ગયું. એમને મારા પ્રત્યે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઇ છે, પણ હવે એમનો પ્રેમ પામવાનો મારો ઈરાદો મજબૂત થયો છે. તમે બંને લખી રાખો, મિસ સુંદરી શેલત, એક દિવસ મિસીઝ સુંદરી વરુણ ભટ્ટ જરૂર બનશે.” વરુણના શબ્દે શબ્દમાં આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો.
વરુણે પહેલીવાર પોતાના મિત્રો સમક્ષ સુંદરીને એનું નામ લઈને બોલાવી હતી અને એ પણ બે વખત. વરુણની વાત સાંભળીને સોનલબા અને કૃણાલ બંને અવાચક થઇ ગયા. થોડીવાર પછી સોનલબા પોતાની પાછળ રહેલા દરવાજા તરફ ચાલવા લાગ્યા.
“ક્યાં જાવ છો બેનબા?” વરુણે પોતાનાથી દૂર જઈ રહેલા સોનલબાને પૂછ્યું.
“સુંદરી મેડમને મળવા.” સોનલબાએ ચાલતાં ચાલતાં જ કહ્યું.
==:: પ્રકરણ ૫૫ સમાપ્ત ::==