પ્રણામી સ્કુલથી આવી, પાટલીબદ્ધ નાખેલી સાડીમાં હવે કરચલીઓના સડ દેખાતાં હતા, સવારની ચમકમાં જરાક નરમાઇ વર્તાઈ રહી હતી, આખા દિવસનાં બાળકો જોડે લીધેલાં ક્લાસમાં એનો જ ક્લાસ લાગી ગયો લાગતો હતો!આખો દિવસ બાળકોને ભણાવીને એ થાકેલી લાગતી હતી, આમ પણ એક બાળક સાચવતાં સાચવતાં જો માં ઘરે થાકી જાય છે તો ખીચીખીચ ભરેલો પ્રાથમિક સ્કુલના કલાસને એકલા હાથે સાંભળવો એ તો માત્ર એ ટીચર્સ જ જાણતાં હોય છે આખો દિવસ એમની જોડે લમણાંકૂટ કરી ને આવતાં હશે!
સાવ નાની ઉંમર ભણીને તરત જ નવી નવી નોકરીએ લાગેલી બાળકી જ જણાઈ રહી હતી પ્રણામી. નામ પ્રમાણે ગુણ પણ એનાં પ્રમાણસર જ હતા, બધી રીતે ઘડાયેલ ઉંમરની સાથે વધારે ડાહી બની ગઈ હતી, પિતાની માપની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેકો બની ઘરમાં મદદ કરવાને એ હવે તત્પર હતી, નવીસવી નોકરી એટલે આત્મવિશ્વાસ પણ જરા જોખમાતો પણ એની સામે ડટીને એનાથી થતા બધા પ્રયાસ કરવામાં એ પછી પાની નહોતી કરતી.
પ્રણામી ઘરની મોટી દીકરી, બે બહેનો એના થી નાની એટલે સમજદારી એને દાખવવાની પહેલ રહેતી, નાની સરખી વાત માં પણ નાની બહેનોનું માન અને મન રાખવા માટે હંમેશા એ એની ખુશીઓને ખુંટે બાંધીને બહેનોની ખુશીઓમાં ખુશ રહેતી, કોઈ દિવસ જીદ નહિ કોઈ ખાસ ફરમાઈશો નહિ, બસ માત્ર એના માં હતું તો બસ માત્ર લોકોનું દિલ જીતી લેવાની કલા! દરેક વ્યક્તિ એના સંપર્ક માં આવ્યું હોય અને એનાથી નારાજગી હોય એ કદી નહોતુ બન્યું, એ જ એના સંસ્કાર! દરેકના મુખેથી પ્રણામી માટે હંમેશા આશિષ જ નીકળતાં અને એ જ એને જિંદગીમાં કદાચ આગળ લઇ જશે!
હજી એ આવીને ઓટલે બેઠી જ હતી, ત્યાં જ મહોલ્લાનાં છોકરાઓ એની ફરતે ટોળું વળીને આવી ગયાં, એને બધા ટીકુના હુલામણા નામ થી જ જાણતા હતા, પ્રણામી નામ એ તો માત્ર એના જન્મ ના દાખલામાં જ સ્થાન લીધું હતું, ને કોઈ વાર સ્કૂલની ડાયરીઓમાં! બાકી ઘણાને તો એના સાચા નામની ખબર પણ નહિ હોય.
"ટીકુ દીદી,ટીકુ દીદી તું આવી ગઈ છે ને ચાલ અમારી જોડે રમવા, આજે અમને કઈ નવી ગેમ રમાડવાની છે તું?" - ટોળામાંના કોઈ તોફાની ટાબરિયાં એ ધસમસતો સવાલ એકી શ્વાસે પૂછી લીધો.
" આજે......એ તો હજી મેં વિચાર્યું નથી, પણ હું હમણાં એવું ચુ થોડી વારમાં નવી ગેમ લઇને, તમે ત્યાં સુધી બધા ને ભેગા કરી રાખજો હ!" એટલા બધા થાકની સાથે પણ એને બાળકોને નારાજ ન કરતા સ્મિત સાથે જવાબ આપ્યો.
" સારું દીદી, તમે કેટલી વાર માં આવો છો? કહી દો એટલે અમે રેડી રહીએ."
" રેડી વાલી! તારી ટીકુ દીદીને જરા જપવા તો દે, હજી સ્કૂલેથી આવી છે, પાણી તો પીવા દે બસ તમારે રમવું જ છે આખો દિવસ." રેવતીબેન ઘરમાંથી ડોકાતા જરાં બાર આવ્યા અને આવેલા બાળકોને મીઠો ઠપકો આપ્યો.રેવતીબેન એટલે ટીકુની મમ્મી.ઈશ્વરે ઘડેલાં ટીકુ નામના રમકડામાં સંસ્કારોનું સિંચન કરનાર એટલે રેવતીબેન.પોતે ભણેલ નહિ પરંતુ બાળકીઓને ભણાવી ગણાવીને સારા મુકામે લઇ જવાની એમની ચેસ્ટાએ આજે એમને પ્રણામી પ્રાપ્ત થઇ હતી.
" ભલેને મમ્મી! એ તો રોજ આદત પડી ગઈ છે બધાને મારી જોડ રમવાની એટલે આવે છે બોલાવવા."
" પણ પહેલા તું સાંજના ટાઈમે નવરી રહેતી તો જતી, પણ હમણાંથી જો તો ખરી હોશ પણ નહિ હોતા. આખા દિવસ તો બાળકો જોડે રહીને આવે છે અને આવી ને આ બલા આવી જાય છે!"
" ભલે એ તો હોય! એમને ગમે છે મારી જોડે અને મને પણ એમની જોડે ફાવે છે, એ તો મન મળી ગયા છે એટલે બોલાવે."
" ભલે પણ તારું પોતાનું ધ્યાન રાખજે, સાવ સુકાતી જાય છે હમણાંથી, ચાલ ચા મૂકી છે, હાથપગ ધોઈ લે અને કઈ ખાઈ લે પછી જા જ્યાં જવું હોય ત્યાં."
" હા આવું છું ચાલ." - રેવતીબેનની સાથે એ ઘરમાં ગઈ, સાથે ટીકુની ઉદારતા અને બાળપણની ભોળી ભવ્યતા પણ! પ્રણામીની આ ભલમનસાઈએ અનેક બાળકોના જીવનને જીવંત કર્યા ભલે ઍ સ્કુલના હોય કે શેરીના!