હાસ્ય રતન ધન પાયો..!
(પ્રકરણ-૪ )
શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના પડછાયા
શ્રદ્ધા ને અંધશ્રદ્ધા એ આજની ઉપજ નથી. સદીઓથી ચાલી આવતી પ્રણાલિકાઓ છે. ગરીબી હોય ત્યાં અંધશ્રદ્ધા ડોરબેલ વગાડ્યા વગર પ્રવેશી જાય. ને સાધન સંપન્ન હોય ત્યાં, પણ અંધશ્રદ્ધા તો હોય પણ શ્રધ્ધાનું સ્થાન પણ હોય. આદિત્યની બાલ્યાવસ્થા સુખ અને દુખના સંક્રાતકાળમાં વીતેલું. જ્યાં શ્રદ્ધા પણ હતી, ને સમયની સરવાણી સાથે અંધશ્રદ્ધા પણ ખરી. આપણામાં એક કહેવત છે કે, ‘જે પાણીએ મગ ચડે એ પાણી સારું’ એમ શ્રદ્ધા પણ ક્યારેક ફાવી જતી તો અંધશ્રદ્ધા પણ ઘર કરી જતી. મુસીબત માનવીનું ઘડતર કરે છે. આદિત્યની બાલ્યાવસ્થામાં આવેલી મુસીબત પણ એના જીવન ઘડતરનો આધારકાર્ડ છે. એના નાના દાહોદમાં રેલ્વેમાં નોકરી કરતાં હોવાથી એનો જનમ દાહોદની રેલ્વે કોલોની ક્વાર્ટર નંબર ૯૨૭ માં થયેલો. આઝાદી પછીનો એ શરૂઆતનો કાળ હતો. એના આજીમા આજીમા માયાળુ ખરા પણ માનસિક સ્વસ્થતા ખોઈ બેઠેલા એટલે આદિત્યને મોસાળનો પ્રેમ સંતોષથી ઓછો મળેલો. પણ નાના (આજાબપા) વ્યવહારુ અને પ્રેમાળ હોવાથી આદિત્યના જીવનમાં એમનો પ્રભાવ વધારે રહેલો. પાછળથી એ બધા અમલસાડ રહેવા આવતાં, આદિત્યની મમ્મીના લગ્ન પણ અમલસાડમાં જ થયાં, ને ગામમાં પિયર ને ગામમાં સાસરું થયું. સંયુક્ત કુટુંબ હોવાથી, ૧૪ જેટલો બહોળો પરિવાર આદિત્યનો આધાર સ્તંભ હતો. બધા અમલસાડની હુસેન મુસાની ચાલમાં ભાડે સયુંકત કુટુંબમાં રહેતા. અને બુટ ચંપલનો ધંધો રોજગાર કરતાં.ગામ પરગણામાં એમની બુટની ખ્યાતી હોવાથી, ક્યારેક મુબઈ અને પારડીમાં પણ માલ સપ્લાય કરતાં. આદિત્યને યાદ છે કે, પારડીમાં શ્રી દયારામ્ભાઈને ત્યાં એ પારડીથી ચાર આનામાં ઘોડાગાડીમાં બેસીને બાલ્યાવસ્થામાં એ બુટ આપવા પણ જતો. આદિત્યના કાકા નગીનભાઈ ભણવામાં હોંશિયાર હતા. એ જ્યારે એસ.એસ.સી. પાસ થયા ત્યારે અમલસાડની ગૌરવગાથા બની ગયેલા. પછી તો બીએસસી થયાં, અને પાછળથી વલસાડ શ્રોફ્ચાલમાં રહેવા ગયેલા. આદિત્યની લાજપોરવાળી ફોઈના ત્રણેય દીકરા જગુભાઈ, સવિતાબેન અને મોહન બધા જ અમલસાડ રહેતાં. અને બધાના લગન પણ અમલસાડથી જ કરેલાં. એ સમયે સંયુક્ત કૌટુબીક ભાવ અને પરોપકારી ભાવના જીવંત હતી. આદિત્ય પાસે આ સિવાય ભૂતકાળનો કોઈ માઈલ સ્ટોન નહિ. પણ આવી ઘટનાઓને કારણે શ્રદ્ધા અને સંસ્કાર એનો માઈલ સ્ટોન બનીને સાથે રહ્યા. દાદા અને દાદીમા શ્રદ્ધા અને સંસ્કારના સ્ત્રોત હતાં. દાદીમા વલસાડની શહેનશાહ બાવા શરીફના બંધાણી હોવાથી, એમની પાસે અચળ ઈશ્વરીય શ્રદ્ધા હતી. દાદા પાસે સહજ સાલસ અને મિલનસાર સ્વભાવનો કૌટુંબિક પ્રેમનો સ્ત્રોત હતો. દાદીમા પાસે આધ્યાત્મિકતા હતી. એટલે તો પરિવાર દારૂના વ્યસનથી નિર્લેપ હતો. જે આદિત્યને હજી પણ યાદ છે,
આમ આદિત્યનું બાળપણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં વધારે ગયેલું. દાદી ડાહીબેન વલસાડ ઘડોચી તળાવ આગળ આવેલી શહેનશાહ બાવા શરીફની દરગાહના બંધાણી હતા. દર વરસે આ દરગાહના ઔરસ અને સંદલમાં હાજરી આપવા માટે ત્યારે ઘરે એક છાપેલો સફેદ પોસ્ટકાર્ડ આવતો, ને દાદીમા રોકટોક વગર એમાં હાજરી આપવા બે-ત્રણ દિવસ આગળથી ચાલી જતાં. ક્યારેક આદિત્યને પણ સાથે લઇ જતાં. દરગાહ ઉપર બાવાને દાદી ખાસ કહેતાં કે, આ ગાંડા ઘેલાને બાવા સુધારજો. દરગાહ ઉપર દાદીને ‘હાજરી’ ( ધુણવાની ક્રિયાને હાજરી કહેવાતી) એ જોઈ આદિત્ય ખુબ ગભરાતો. એને શ્રદ્ધા કહો કે, અંધશ્રદ્ધા પણ દાદીમાને દર ગુરુવારે ઘરે પણ બાવાની હાજરી આવતી. ત્યારે દાદીમા આદિત્યને પાસે બેસાડતી. ને પગ લાંબા કરાવી એના માથે હાથ ફેરવી, એને કહેતી કે, ખુબ ડાહ્યો થજે. તોફાન નહિ કરવાનું. તાવ આવતો તો સંદલનું પાણી પીવડાવતી એમાં તાવ ગાયબ થઇ જતો. કદાચ એટલે જ આ પરિવારને ડોક્ટર પાસે જવાનું ઓછું બનતું. માંદગીનો કેસ મોટો લાગે તો. કોથામાં રહેતી ગંગા ભકતાણી પાસે બળદ ગાડું ભાડે કરીને લઇ જતાં. અને ત્યાં પીંછી નંખાવે એટલે માંદગી ગાયબ થઇ પણ જતી. લોકો ભલે એમ કહેતા હોય કે, આ તો અંધશ્રદ્ધા કહેવાય, પણ ગરીબોની માંદગી આવી અંધશ્રદ્ધામાંથી પણ જતી. શરીરે શીતળા (ચીકનપોક્ષ) થાય તો, આખું ઘર ટેન્શનમાં આવી જતું, આજના કોરોના વાયરસની વળગાડ વળગી હોય, એમ કુટુંબ ભયભીત થઇ જતું, વ્યસનો અને માંસાહાર કરતા હોય તો લોકો છોડી દેતા. હજામત કરવા ઉપર પ્રતિબંધ આવી જતો. મહારાજ પધાર્યા છે, એવું માની દર્દીનો આદર થતો. સ્વચ્છ પથારી અને ગુલાબના ફૂલો પથારી આગળ રખાતા. બારણાની બારસાખે લીમડાનું ‘ડાળું’ મુકાય જતું. આવું ડાળું કેમ મુકતા એ રહસ્ય ત્યારે નહિ સમજાયેલું પણ પછી ખબર પડી કે, શીતળા એક ચેપી રોગ કહેવાતો હોવાથી, એ ડાળું જોઇને કોઈ આવા ઘરે અવરજવર નહિ કરે એની એ નિશાની હતી. આ રોગમાં ડોક્ટરની દવાઓ બંધ થઇ જતી. આ જ બીમારીમાં આદિત્યના કાકા ના ત્રણ દીકરા ( ભીખુ-ગૌરી-અને છનું ) મૃત્યુ પામેલા એની પરિવારમાં ડર પણ હતો. આદિત્યને પણ આ બીમારી હતી પણ ઈશ્વરકૃપાથી એ હેમખેમ રહ્યો. એને શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા પણ મનોબળ મજબુત કરવાની એ ચેષ્ટા જ હતી.
લગભગ ઘણા વર્ષો સુધી એમનો પરિવાર હાજીમલંગ અને શહેનશાહ બાવા શરીફની શ્રધ્ધામાં રહેલો. એ જમાનામાં ‘ટાઈફોઈડ’ ની બીમારી પણ જીવલેણ હતી. આદિત્ય અને એના ભાઈ ઈશ્વરને એક સાથે ટાઈફોઈડ થતાં, આખું ઘર ચિંતામાં ગરકાવ થઇ ગયેલું. દવા-દોરા-ધાગા બધું થતું, અને લાંબા સમયે એમાંથી સ્વસ્થ થયેલા. આદિત્યને આજે પણ યાદ છે કે, કોઈની બુરી નજર નહિ લાગે એ માટે આદિત્યના જમણા હાથે હાજી મલંગ બાવાનું તાંબુ કડું પહેરાવી રાખતાં. આજે પણ આ શ્રદ્ધા આદિત્યમાં અકબંધ છે. અને એટલે જ દેવ-દેવી-ભક્તો ને ઓલિયા પીરનો આદર કરે છે. બાકી એના સ્વભાવના તો પ્રકૃતિ એ જ ભગવાન. અને સૂર્ય-ચંદ્ર વગેરે ભગવાનના સાક્ષાત સ્વરૂપ છે એમ માને છે. એ દરગાહ ઉપર પણ જાય છે, ને દાદીમાને યાદ કરે છે. મંદિરે પણ જાય છે, નાતાલમાં જન્મેલો હોવાથી નાતાલના દિવસે ચર્ચમાં જઈને પણ વંદના કરે છે. ભાવ હોય તો ભગવાન મળે જ એ એનો વિશ્વાસ છે..! ‘શ્રદ્ધા જ મને લઇ જશે મને મારા સદન સુધી’ એ વિશ્વાસ સાથે એ જીવતો હોવાથી, ભગવાને એને એકવાર પાણીમાં ડૂબતો પણ બચાવેલો. અણીનો ચુક્યો સો વર્ષ જીવે એમ, આજે આદિત્યને સો વર્ષ પુરા કરવામાં હવે ૨૭ વર્ષ ખૂટે છે..!
-------------------------------------------------------------------------------------------------------------------------