રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૮
રવિના અને જતિન ધીમા સ્વરમાં ધારાસભ્ય પદની ટિકિટની વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક ટીનાએ ચા બનાવવાનું પૂછ્યું એટલે બંનેએ ચોંકીને જોયું. ટીનાનો અવાજ દૂરથી આવ્યો હતો. બંનેને રાહત થઇ કે ટીનાએ તેમની વાત સાંભળી નથી. ટીના કિચનના દરવાજા પાસેથી પૂછી રહી હતી. તેણે મોટા અવાજે પૂછ્યું હતું. રવિનાએ બહાર આવીને ના પાડી.
જતિન કહે:"આપણે વાત કરતાં ભૂલી ગયા કે ગમે ત્યારે આ કામવાળી આવી શકે છે. અને આપણી વાત સાંભળી શકે છે. સારું છે કે એણે દૂર રહીને પૂછ્યું...હું તો કહું છું બારણું બંધ કરીને વાત કરીએ..."
રવિના વાળની લટને મોં પરથી ખસેડતાં બોલી:"જતિન, મને તારા ઇરાદા નેક લાગતા નથી!"
રવિના હસીને બોલી હતી પણ જતિનને એ ના સમજાયું કે તે મારા સ્વભાવ માટે કહી રહી છે કે ધારાસભ્યની ટિકિટ માટે.
રવિના આગળ બોલી:"મને જોઇને તારા મનમાં લડ્ડુ ફૂટી રહ્યા છે. તું ટીનાની ચિંતા ના કરીશ. એ એક ગરીબ બાઇ છે. એને રાજકારણ શું છે એની પણ ખબર નહીં હોય. એ બધી વાત છોડ. તારી વાત કર. તું અપક્ષ તરીકે ઊભા રહેવાની વાત કરે છે પણ એ માટે તારી તૈયારી કેટલી છે? મોટી મોટી પાર્ટીઓ માટે ચૂંટણી લડવી અને જીતવી એ હવે લોઢાના ચણા ચાવવા જેવી વાત બની ગઇ છે. મતદાર કોઇનો થયો નથી અને થવાનો નથી. એને જે ગમશે એને જ મત આપશે. એના મનને કળી શકાતું નથી. એક્ઝિટ પોલ પણ એટલે જ ઘણી વખત ખોટા પડે છે. તું એમ ના વિચારતો કે તારી સામે કોઇ મજબૂત ઉમેદવાર નહીં હોય તો જીતી શકીશ. મારી તો સલાહ છે કે ધારાસભ્યની ચૂંટણી લડવાનું માંડી વાળ. પૈસાનું પાણી થઇ જશે અને જીતીશ નહીં તો બરબાદ થઇ જઇશ. મારું તો માનવું છે કે તું મને મદદ કર. હું ગમે તેમ કરીને ટિકિટ મેળવી લાવીશ. મારી જીત એ તારી જીત જ છે ને?"
રવિનાની વાત સાંભળીને જતિન વિચારમાં પડી ગયો. રવિનાની વાત વ્યાજબી લાગી રહી હતી. પોતે આ પદ માટે ઘણાં વર્ષ સુધી પક્ષમાં અનેક હોદ્દાનું બલિદાન આપ્યું હતું. એમાં રવિનાને આપેલું પાલિકા પ્રમુખપદ પણ હતું. સુજાતાએ આખી બાજી બગાડી નાખી. ટોચ પર પહોંચી રહ્યો હતો ત્યારે જ ખીણમાં ગબડી પડ્યો. બહારના લોકોથી ચેતતો રહ્યો. પણ ખબર ન હતી કે 'ઘર કા ભેદી લંકા ઢાએ' જેવું થશે.
જતિનને વિચાર કરતો જોઇ રવિનાને થયું કે તેણે મારેલું તીર નિશાન પર લાગ્યું છે. જતિન જો માની જાય તો ટાઢા પાણીએ ખસ જાય એમ છે. એણે મને આ સ્થાન પર પહોંચાડી છે એટલે એનો દ્રોહ કરી શકું એમ નથી. એને સમજાવીને જ આગળ વધવું પડશે. અને એમાં જ એનો ફાયદો છે. તેના ચરિત્ર પર લાગેલો ડાઘ એને જીતવા દેવાનો નથી. જો પક્ષ મને ટિકિટ નહીં આપે તો મારે શું કરવું એની મને જ ખબર નથી.
જતિન થોડો નિરાશ થયો હતો. તે મોટી આશા લઇને આવ્યો હતો અને ભવિષ્યના મોટા સપના જોઇ રહ્યો હતો. પરંતુ રાજકારણમાં બધું સીધું હોતું નથી. અચાનક ધાર્યા ન હોય એવા વળાંક આવે છે. પરિસ્થિતિને સ્વીકાર્યા વગર કોઇ રસ્તો નથી. તે બોલ્યો:"ઠીક છે. તું ટિકિટ માટે પ્રયત્ન કર. પણ હું સુજાતાને છોડવાનો નથી. એના પર બીજા કેસ ઠોકીને એને પણ બદનામ કરીશ...."
રવિના રાહત અનુભવતાં બોલી:"જતિન, હવે ચા પીને જ જઇશ ને?"
"ના...મારે બીજું કામ છે." જતિન ટીનાનો સામનો કરવા માગતો ન હતો. તે ઝડપથી બહાર નીકળી ગયો.
જતિનના ગયા પછી રવિનાએ ટીનાને જમવાનું પીરસવા કહ્યું અને મનોમન ખુશ થતાં બોલી:"જતિન માની ગયો એ સારું થયું. મારો રસ્તો સાફ થઇ ગયો."
ટીનાએ ડાઇનીંગ ટેબલ પર જમવાની થાળી પીરસી અને કહ્યું:"બેન, હું હવે જાઉં છું. બહુ મોડું થયું છે..."
"હા..." કહી રવિના જમવા બેસી ગઇ.
ટીનાએ ઘરની બહાર નીકળી પોતાના મોબાઇલ ફોન પરથી સુજાતાને ફોન લગાવ્યો અને કહ્યું:"બેન, મેં બંનેની બધી જ વાતોનું રેકોર્ડિંગ કરી લીધું છે. કાલે પેલું માઇક્રોફોન જે રીતે ચોરીછૂપીથી લગાવ્યું હતું એ જ રીતે કાઢી પણ લઇશ. હજુ બે-ત્રણ દિવસ મારે ત્યાં જવું પડશે. એની કામવાળી આવે પછી હું છૂટી થઇ જઇશ...."
સુજાતાએ ટીનાનો આભાર માન્યો અને ફોન મૂકી હસવા લાગી:"નસીબ પણ મને સાથ આપી રહ્યું છે. ટીનાને રવિનાની કામવાળી રમીલાને મળવા મોકલી હતી. તેની સાથે દોસ્તી કરીને માહિતી મેળવવાની હતી. ટીનાએ એને પોતે ગરીબ છે અને મુશ્કેલીમાં છે એમ કહી કોઇ બંગલામાં કામ મેળવવા મદદ કરવા વિનંતી કરી. રવિનાનો બંગલો મોટો છે એટલે એ બીજું કામ અપાવી શકે એમ હતી. પણ એણે સરસ મોકો આપી દીધો. રમીલા ઘણા દિવસથી ગામ જવાનું વિચારી રહી હતી. ટીનાને તેના સ્થાન પર જ ચાર દિવસ કામ કરવા કહ્યું. ટીનાનું તો કામ જ થઇ ગયું. એક જ દિવસમાં એણે રવિનાનો વિશ્વાસ જીતી લઇને મારું કામ કરી દીધું."
થોડીવાર પછી ટીનાએ પોતાના મોબાઇલમાં બ્લુટુથ માઇકથી રેકોર્ડ કરેલી વાતો સુજાતાના મોબાઇલ પર મોકલી. સુજાતાએ એ વાતો સાંભળી ત્યારે જતિન પરની દાઝ વધી ગઇ. પોતાના ચરિત્રના ઠેકાણા નથી અને મને બદનામ કરવાનું હજુ ઝનૂન છે. જતિન ખરેખર જ લંપટ છે. એને રવિના બરાબર ઓળખે છે. એને એવો ઠેકાણે પાડવો પડશે કે બીજા પુરુષો પણ આવું કૃત્ય કરતાં અટકી જાય. પુરુષોમાં દાખલો બેસે એ જરૂરી છે. પૈસા અને રાજકારણની સત્તાના રોફમાં જીવનના નિતી-નિયમો અને સંસ્કાર આવા લોકો ભૂલી રહ્યા છે. તેઓ રાજકારણને બીજા બધાંથી ઉપર માને છે. જો જતિન જેવા નાના રાજકારણીઓ રાજકીય સત્તાના પીઠબળથી આટલા કૂદતા હોય તો બીજા તો પોતાને શું માનતા હશે? ઘણી જગ્યાએ રાજકારણીઓ અધિકારીઓ જ નહીં દરેક ક્ષેત્રના અગ્રણીઓ પોતાની મુઠ્ઠીમાં હોવાનું માને છે. મારે એવો દાખલો બેસાડવાનો છે કે રાજકારણીઓ પ્રજાના માલિક નહીં સેવક છે. શંકરલાલજીએ મને એ તક આપવાનું નક્કી કર્યું છે ત્યારે મારે એનો ઉપયોગ કરવો પડશે. બધું ધરમૂળથી બદલવાનું શક્ય નથી. સંઘર્ષ કરવો પડશે. એક પહેલ તો જરૂર થઇ શકશે.
સુજાતાએ વકીલ દિનકરભાઇને ફોન લગાવ્યો. અને જતિને છોડેલા તીરને બૂમરેંગ બનાવવા કહ્યું.
વધુ ઓગણત્રીસમા પ્રકરણમાં...
***