Dear Paankhar - 20 in Gujarati Fiction Stories by Komal Joshi Pearlcharm books and stories PDF | Dear પાનખર - પ્રકરણ - ૨૦

Featured Books
Categories
Share

Dear પાનખર - પ્રકરણ - ૨૦

આકાંક્ષાએ અમોલને કૉલ કર્યો. અમોલનાં ફોન પર ફક્ત રીંગ જ વાગતી હતી. થોડીવાર રહીને ફરી પ્રયત્ન કર્યો. પરંતુ ફરી પણ રિંગ જ વાગતી હતી. ' હજુ તો રાતનાં નવ વાગ્યા છે આટલા વહેલા થોડા કાંઈ સૂઈ ગયા હશે ? તો પછી શું કારણ હશે કે ફોન નથી ઉપાડતા ? કંઈ નહીં મારો મિસ્ડ કૉલ તો‌ જોશે જ ને ! ' મનમાં વિચારતા આકાંક્ષાએ ફોન બાજુમાં મૂક્યો.

મોક્ષ અને મોક્ષા આજુબાજુ વાર્તા સાંભળવા આવી ગયા હતા. રોજની માફક ધમાલ - મસ્તી , જાત - જાતની અને ભાત - ભાત ની વાતો કરતાં કરતાં બન્ને બાળકો સૂઈ ગયા. આકાંક્ષાએ ફરી એક વાર ફોન ચેક કર્યો પણ કોઈ મેસેજ નહોતો. મનમાં એકસાથે કેટલાય વિચાર ઉમટી આવ્યા . પરંતુ એણે મનને વાળવાનો પ્રયત્ન કર્યો , ' હું પણ નાહકનાં ખોટા વિચાર કરું છું. હશે કંઈક કામમાં ! અને મિસ્ડ કૉલ જોશે એટલે ફોન કરશે જ ને ? ' કહી ફરી ફોન બાજુમાં મૂક્યો. રસોડામાં ગઈ. પાણી પીધુ . પણ એનું મન ઉચાટ અનુભવી રહ્યું હતું , અશાંત થઈ રહ્યું હતું . ફરી પોતાના મનને ટોકયુ અને રુમમાં જઈને સૂવાનો પ્રયત્ન કર્યો . થોડીવાર રહીને એની આંખ લાગી ગઈ.

ફોનની રીંગ વાગી. આકાંક્ષા ઝપકીને જાગી. જોયુ તો કોઈ અજાણ્યો નંબર હતો. કશ્મકશ વચ્ચે એણે ફોન ઉપાડ્યો.
" હલો ! આકાંક્ષા મેડમ ! " સામેથી કોઈ અજાણી વ્યક્તિનો અવાજ આવ્યો.
" હા ! આપ‌ કોણ ?" આકાંક્ષાએ સહેજ શંકાથી પૂછ્યું.
"મિ.અમોલનો એક્સિડન્ટ થઈ ગયો છે. એ સીટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેટલું બને જલ્દી આવી જાવ ! ફોર્માલિટી પૂરી કરવાની છે . " અને સામેથી ફોન મુકાઈ ગયો.
"હલો ! હલો ! " આકાંક્ષા બોલતી રહી, પરંતુ સામેથી ફોન મૂકાઈ ગયા ની બીપ વાગતી હતી. આકાંક્ષા દોડીને બહાર ગઈ. દમયંતીબહેન અને ભરતભાઈને ખ્યાલ ના આવે એમ ગૌતમને દબાયેલા અવાજે ઉઠાડ્યો ,
" ગૌતમભાઈ ! ગૌતમભાઈ ! " ગૌતમે આંખો ખોલી , પરંતુ નીંદર માં જ પૂછ્યું, " કેટલા વાગ્યા ?" આકાંક્ષાએ ઈશારામાં ધીરે બોલવાનું કીધું .
" ચાર વાગ્યા છે. " બોલતાં - બોલતાં આકાંક્ષા થરથરી રહી હતી.
" ચાર વાગ્યા છે ? થયું છે શું ? તું આટલી ગભરાયેલી કેમ લાગે છે ? " ગૌતમે અધીરાઈથી પૂછ્યું.
" સીટી હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો. અમોલનો‌ એક્સિડન્ટ થયો છે એમ કહેતાં હતાં. સાચો ફોન હશે ? કે કોઈ ફ્રોડ હશે? " આકાંક્ષા એ ગભરાયેલા અવાજ‌માં કહ્યું.
" એક મિનિટ! મારી પાસે સીટી હોસ્પિટલનો નંબર છે. હું કન્ફર્મ કરી લઉ! " કહી ગૌતમે મોબાઈલમાંથી સીટી હોસ્પિટલનો નંબર શોધ્યો અને કૉલ કર્યોં.
" નમસ્તે ! સીટી હોસ્પિટલ ! "
" હલો ! મિ. અમોલ આપની હોસ્પિટલમાં દાખલ કરાયા છે ?" ગૌતમે પૂછ્યું.
" એક મિનિટ હોલ્ડ કરો ! " કહી રિસેપ્શિસ્ટે લીસ્ટ ચેક કર્યું , " હા ! આપ કોણ ?"
"એમનો ભાઈ છું. " ગૌતમનાં ચહેરા પર છવાયેલી ચિંતા અને હાવભાવ પરથી આકાંક્ષા સમજી ગઈ હતી. પૂછવા ની જરૂર નહોતી છતાં દિલને દિલાસો આપવા પૂછી લીધુ , " શું કહ્યું ? "
"ત્યાં જ છે. ફોઈ- ફૂઆને કીધું ? " ગૌતમે પૂછ્યું.
" ના ! મને વિશ્વાસ ના બેઠો , એટલે એમને કાંઈ નથી કીધું. પહેલા તમારી પાસે જ આવી. " આકાંક્ષાએ કહ્યું.
ગૌતમે બહાર જઈને દમયંતીબહેન અને ભરતભાઈને જણાવ્યું.
" ઓ ! ભગવાન ! કેવીરીતે ? કેટલું વાગ્યું છે મારા છોકરાને ? " દમયંતીબહેન રડતાં રડતાં બોલી રહ્યા હતા.
" ફોઈ ! કશી જ ખબર નથી . અમે જઈને જોઈએ છીએ. પહોંચીને સીધો ફોન કરું. " ગૌતમે આશ્વાસન આપતાં કહ્યું.
" હુંય આવું છું ! " કહી ભરતભાઈ ઉભા થઈ ગયા.
" ના ! તમે લોકો ઘરે મોક્ષ અને મોક્ષા નું ધ્યાન રાખો. અમે તમને સમાચાર આપતા રહીશું. " ગૌતમે કહ્યું.

આકાંક્ષા અને ગૌતમ બન્ને હોસ્પિટલ પહોંચ્યા. રિસેપ્શન કાઉન્ટર પર ગૌતમ રિસેપ્શનિસ્ટને રૂમ નંબર પૂછવા જ જતો હતો કે એક નર્સ આવી અને કહ્યું, "મિ. અમોલનાં કોઈ રિલેટીવ - " ત્યાં તો ગૌતમે વચ્ચે જ અટકાવતા કહ્યું , " હા અમે એમનાં રિલેટીવ છીએ. "
" કાઉન્ટર પરથી ફોર્મ લઈને જલ્દી આવો. ડૉક્ટર અત્યારે એમને જ ચકાસી રહ્યા છે. " ગૌતમે આકાંક્ષાને જવાનું કહ્યું અને એ ફોર્મ લઈને દોડીને ગયો.

" મલ્ટીપલ ફ્રેકચર છે રાઈટ થાઈસ માં. છેલ્લા મણકામાં પણ પ્રોબ્લેમ લાગે છે . એક્સ રે અને એમ આર આઈ કરી લો. " ડૉક્ટર નર્સ સાથે વાત કરી રહ્યા હતા. સાંભળીને આકાંક્ષાને થોડી રાહત થઈ. આકાંક્ષાને જોઈને ડૉકટરે અભિવાદન કર્યું અને કહ્યું ,
" રિપોર્ટ આવશે એ પ્રમાણે સર્જરીની ડિટેઈલ ડિસકસ કરીશ. ચિંતા ના કરશો. "કહી જતાં જ હતા અને પછી અટકી ગયા અને કહ્યું ,
" એમના વાઈફ છે એમને થોડી હેડ ઈનજરી થઈ છે. પણ હા! માઠા સમાચાર એ છે કે એમનું મિસકૅરૅજ થઈ ગયું છે. અને એમને કદાચ લોહી પણ ચઢાવવું પડે. સીસ્ટર બ્લડ ગ્રુપ મેચ કરીને જોઈ લો. "
આકાંક્ષા એકદમ અવાક બની ઉભી હતી. ડૉક્ટરે આકાંક્ષા તરફ જોઈને કહ્યું , " ચિંતાજનક વાત નથી. તમે એમના કોણ છો ? " આકાંક્ષા કોઈ જવાબ ના આપી શકી. " વાઈફ ! " ગૌતમે કહ્યું.
" ઓહ ! તો એમની સાથે હતા એ ?" ડૉકટરે પૂછ્યું.
" રીલેટીવ છે. " ગૌતમે કહ્યું.
" એમના પરિવારનું કોણ છે ?" ડૉકટરે પૂછ્યું.
" અમદાવાદ છે. અત્યારે તો અમે જ એમનો પરિવાર છીએ. " ગૌતમે કહ્યું.
" ઓકે . ગુડ! એમના પરિવારને જણાવી દો. " કહી ડૉક્ટર અને નર્સ રૂમ માંથી બહાર ગયા. .

આકાંક્ષાનાં આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. એ બહાર બેન્ચ પર જઈને બેઠી.
" મલ્ટીપલ ફ્રેકચર છે. સર્જરી કરવી પડશે અને તન્વી પ્રેગનન્ટ હતી. એનું મિસકૅરૅજ થઈ ગયું છે. " આકાંક્ષાએ કપાળે હાથ મૂકતાં કહ્યું. ગૌતમે આકાંક્ષાનાં ખભા પર હાથ મૂક્યો અને કહ્યું , " આકાંક્ષા ! અમોલ ઠીક છે . એનાથી વધારે બીજુ શું જોઈએ. તન્વીનાં મમ્મી - પપ્પાને‌ ફોન કરી જણાવી દઉ છું . "

" ઍકસીડન્ટ કેવીરીતે થયો?" આકાંક્ષા એ પૂછ્યું.
" બાઈક પર જતાં હતા કદાચ બાઈક સ્લીપ થઈ ગયું હશે. કોઈ આઈ વિટનેસ નથી. રસ્તામાં પડેલા જોયા એમણે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. " ગૌતમે કહ્યું.
" મમ્મી - પપ્પા ને ફોન કરી દઈએ . એ રાહ જોતા હશે. " આકાંક્ષા એ કહ્યું.
"હું વાત કરું છું. તું અંદર બૅડ પર જઈને આરામ કર. સહેજ પણ‌ ચિંતા ના કરીશ. હું બધું જોવું છું. " કહી ગૌતમ ફોન કરવા લાગ્યો.
આકાંક્ષા અંદર ગઈ. અમોલનાં બૅડ આગળ ગઈ. અર્ધજાગ્રત અવસ્થા માં સૂતો હતો. એના માથા પર હાથ ફેરવ્યો અને એની આંખ માંથી આંસુ ટપકીને અમોલનાં ગાલ પર પડ્યું. અમોલે આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો . કોઈનાં પગલાંનો અવાજ આવ્યો. આકાંક્ષા આંસુ લુછી ને સામે રાખેલા પલંગ પર જઈને બેસી ગઈ.

( ક્રમશઃ )