ચેપ્ટર - 19
આખો કાફલો એ દહાડ સાંભળીને ચોંકી ઉઠયો હતો. બધાની બંદૂક અત્યારે હાથમાં જ હતી અને સાવચેતીથી એ આગળ વધી રહ્યા હતા. વિક્રમ આમતેમ નજર નાખી રહ્યો હતો.
જે પ્રકારની એ દહાડ હતી એ પરથી વિક્રમને અંદાજ આવી ગયો હતો કે આ વાઘની દહાડ હતી. સિંહ તો આ જંગલોમાં છે નહીં, અને ચિત્તો આ રીતે દહાડતો નથી. પાક્કું આ વાઘ જ છે. એણે કહ્યું, "મિ.મહેરા, આપણે વાઘના ઇલાકામાં આવી ગયા છીએ. જલ્દી અહીંથી નીકળવું પડશે. જલ્દી ચાલો બધા."
એની વાત સાંભળીને બધાની આંખોમાં ભય ઉતરી આવ્યો. બધા ઝડપથી આગળ વધવા લાગ્યા. ખાસ કરીને વનિતા. એ ખૂબ જ ગભરાએલી હતી. એને તો બંદુક ચલાવતા પણ નહોતી આવડતી. એ જોઇને જ રેશ્મા એમની સાથે હતી. રેશ્મા પાસે હજુ પણ એની રિવોલ્વર હતી જે એણે બિકાનેરથી વિક્રમના ફ્રેન્ડ દ્વારા લીધી હતી. એના દ્વારા જ એ પોતાનું અને વનિતાનું રક્ષણ કરી રહી હતી. જ્યારે દર્શ ધનંજયના પર્સનલ બોડીગાર્ડ તરીકે એની પાછળ ચાલી રહ્યો હતો. એ એ વાતનું ખાસ ધ્યાન રાખી રહ્યો હતો કે ધનંજયને કંઇ ન થાય. ધનંજયે એ જ કામ તો એને સોંપ્યું હતું.
ત્યાં જ ફરી એક વાર જોરદાર ગર્જના થઇ. આ વખતે પહેલા કરતા વધારે જોરથી સંભળાઇ હતી. મતલબ એ વાઘ પહેલા કરતા વધુ નજીક આવી ગયો હતો. પણ એક વાત વિક્રમને સમજાતી ન હતી. વાઘ હંમેશા શાંતિથી શિકારનો પીછો કરીને એને ખબર ન પડે એ રીતે એના પર તરાપ મારે છે. પણ અહીંયા તો વાઘની દહાડ પહેલા સાંભળવા મળી રહી છે. મતલબ એ અત્યારે કોઇનો શિકાર કરી રહ્યો છે. કદાચ કોઇ જંગલી પ્રાણીનો શિકાર કરી રહ્યો હશે.
વિક્રમ વિચારી રહ્યો હતો ત્યાં જ એને એના પાછળથી એક જોરદાર ચીસ સંભળાઇ. બધાએ ચોંકીને પાછળ જોયું. જે બે માણસો સામાન લઇને આવી રહ્યા હતા એ ત્યાં જ જડની જેમ ઉભા હતા. એમની આંખોમાં મોતનો ભય તરવરી રહ્યો હતો. એમના હોઠ ફફડી રહ્યા હતા પણ ગળામાંથી એક પણ શબ્દ નહોતો નિકળતો.
પછીની આખી ઘટના થોડી જ ક્ષણોમાં ઘટી ગઇ. અચાનક રાજીવની નજર પાસેની ઝાડીઓ પર ગઇ. એ ઝાડીઓ માંથી એકધારી ચીસો સંભળાય રહી હતી. ત્યાં ઝાડીની ડાળીઓ અને પાંદડાં જે રીતે ખખડી રહ્યા હતા એના પરથી જ અંદાજ આવી જાય એમ હતો કે અંદર બે જીવો વચ્ચે જીવ બચાવવા સટાસટીનો ખેલ ચાલી રહ્યો હશે. રાજીવને એને એક જ વારમાં દેખાય ગયું કે ત્યાં ઝાડી નીચે માણસના બ્લેક બૂટ હતા અને બીજી જ ક્ષણે એ ઝાડીઓમાં અંદર ચાલ્યા ગયા. જાણે કોઇએ એને ખેંચી લીધો હોય. રાજીવની આંખો ફાટી. એણે તરત જ એક સેકન્ડમાં એના બધા માણસો પર નજર કરી લીધી. અને એને એક આંચકો લાગ્યો. ત્યાં માત્ર નવ જ માણસો હતા.
એનો એક માણસ ગાયબ હતો.
એનો મતલબ સાફ હતો. જે બૂટ એણે ઝાડીઓમાં જોયાં હતાં એ એના જ એક માણસના હતા. એણે તરતજ એના બીજા માણસને એ તરફ જઇને ફાયર કરવાનો આદેશ આપ્યો. એના માણસો માંથી બે ઝડપથી એ જાળીઓ પાસે આવ્યા. અને હજુ ફાયર કરવાના જ હતા પણ એ ફાયર કરે એ પહેલા જ જાળીઓ તરફથી એકસાથે ગોળીઓ છૂટવાનો અવાજ સંભળાયો. સાંભળીને બધાને આંચકો લાગ્યો. કોઇ એ જગ્યાએ ગોળીઓ છોડી રહ્યું હતું. નક્કી એ રાજીવનો એ માણસ હશે જેને એ વાઘ ઢસડી ગયો હશે. એ ગોળીઓના અવાજ સાથે જ એ માણસની ચીખો પણ બંધ થઇ ગઇ અને ઝાડીઓની હલચલ પણ.
થોડીવાર સુધી રાજીવ અને બીજા બે લોકો ઝાડીઓ તરફ ગન તાકીને ઉભા રહ્યા. વાતાવરણ એકદમ શાંત થઇ ગયું હતું. ત્યાં ઉભેલા પ્રત્યેકના ધબકારા બધી ગયા હતા. ઘડીક કંઇ હલચલ ન થતા રાજીવ આગળ ગયો. ઝાડીઓ હટાવતા એ આગળ વધ્યો અને ત્યાં એણે જે જોયું એ જોઇને એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું.
ઝાડીઓની વચ્ચે જમીન પર એક મોટો અને ડરામણો વાઘ પડ્યો હતો. એ વાઘના ગળા પરથી લોહી વહી રહ્યું હતું. વાઘના દાંત અને પંજા લોહીથી ખરડાએલા હતા. એ જોઇને જ રાજીવને ખબર પડી ગઇ કે એના માણસનો બચવાનો કોઇ જ ચાન્સ નથી. એને એના માટે દુઃખ થયું. પણ વાઘની આજુબાજુ એને એનો માણસ ક્યાંય ન દેખાયો. રાજીવે આજુબાજુ નજર કરી.
દરમિયાન વિક્રમ, રેશ્મા, ધનંજય અને વનિતા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. મરેલો વાઘ જોઇને એ બધાના રુવાટા ઉભા થઇ ગયા. વનિતા તો રીતસરની ચિલ્લાઇ ઉઠી હતી. એ ડોક્ટર હતી એટલે એને લોહી જોવાની આદત તો હતી પણ મરેલો વાઘ જોઇને અને ખાસ કરીને તો એના ભયાનક દાંત અને પંજા જોઇને એ ડરી ગઇ હતી. ધનંજય આવા નિર્બળ મનની વ્યક્તિને અહીંયાં શું કામ સાથે લીધી છે એ જ વિક્રમને સમજાણું નહોતું. પણ વાઘ હવે જીવિત નથી અને એ લોકો સુરક્ષિત છે એ જોઇને બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.
રાજીવની નજર વાઘની ડાબી બાજુ જમીન પર ગઇ. ત્યાં લોહી થી ભરેલા પાંદડાં અને ખાસ હતું. પણ લોહી આમતેમ વિખરાએલું પડ્યું ન હતું. એક પટ્ટામાં લોહીના નિશાન એ વાઘથી દૂર અને ઝાડીની પાછળ તરફ જઇ રહ્યા હતા. એ નિશાનોને ફોલો કરતા કરતા રાજીવ ઝાડીની પાછળ આવ્યો. એની પાછળ પાછળ બીજા બધા પણ ત્યાં આવી ગયા. ત્યાં એણે જે જોયું એ જોઇને ફરી એક વાર એને ઝાટકો લાગ્યો.
તેનો એક માણસ ત્યાં જમીન પર ચત્તોપાટ પડ્યો હતો. એની આજુબાજુ લોહી વેરાએલું હતું. જાણે એ માણસ લોહીના ખાબોચિયામાં પડ્યો હોય. એનો લોહીલુહાણ ચહેરો ખુબ જ ભયાનક દેખાતો હતો. એની ફાટેલી ખુલ્લી આંખોમાં મૃત્યુ સમયે એને કેટલી પીડા અને ભયનો અનુભવ કર્યો હશે એ સાફ દેખાય રહ્યું હતું. એના હાથ અને ચહેરા પર પંજાના નિશાન હતા. એના પેટ પાસેથી પણ જખમને કારણે લોહી નીકળી રહ્યું હતું. કદાચ આ ઘાવ જ એના મોતના કારણ બન્યા હશે. રાજીવને એના માણસની મૃત્યુ પર ખુબ અફસોસ થયો. વિક્રમે એના ખભા પર હાથ રાખીને એને સાંત્વના આપી. રાજીવે એના માણસની ખુલી આંખોને બંદ કરીને એની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. પણ એના છાતી પર હાથ રાખીને એ કંઇક બોલવા જતો હતો પણ એને કંઇક વિચિત્ર લાગ્યું. એક શંકા એના મનમાં જન્મી. એના માણસની મોતમાં કંઇક હતું જે નોર્મલ ન હતું.
પણ ધનંજયના ચહેરા પરના ભાવ એમ ને એમ હતા. એને કંઇ વધારે ફર્ક પડ્યો હોય એવું લાગતું ન હતું. એણે રાજીવને આદેશ આપતો હોય એમ કહ્યું, "કમાન્ડર, ચાલો આગળ. આપણી પાસે વેસ્ટ કરવા માટે સમય નથી." બોલીને એ ચાલવા લાગ્યો.
વિક્રમ અને રેશ્મા ચોંક્યાં. કેટલો ક્રુર માણસ છે આ? અહીંયા એક માણસ મરી ગયો છે એ આને મન વેસ્ટ ઓફ ટાઇમ છે! વિક્રમે રાજીવ સામે જોયું કે એ કેવો પ્રતિભાવ આપે છે. એના આશ્ચર્ય વચ્ચે રાજીવે ઉદાસી ખંખેરીને તરત જ સ્વસ્થ થઇને કહ્યું, "યસ સર.." પછી એણે એના સાથીઓ તરફ ઇશારો કર્યો અને ચાલવા લાગ્યો. એની પાછળ એના માણસો પણ ચાલવા લાગ્યા.
વિક્રમ અને રેશ્મા હજુ ત્યાં જ ઉભા હતા. ધનંજયનો સ્વાર્થ અને રાજીવના લોકોની ક્રૂરતા જોઇને એમને વિશ્વાસ આવી ગયો કે આ લોકો એમની સહાનુભૂતિની જરૂર નથી. અને આગળથી એ દેખાડવાની પણ જરૂર નથી. એ બંને તરફથી કંઇ હરકત ન થતા ધનંજયે એમને ટોકતા કહ્યું, "આવો છો તમે બંને? કે પછી કોઇ બીજા વાઘ કે ચિત્તાની રાહ જોઈ રહ્યા છો કે એ આવીને તમને પેલી લાશની બાજુમાં સુવડાવી દે?"
વિક્રમના મનમાં ઘણી ગાળો આવી રહી હતી પણ અત્યારે મોઢું બંધ રાખવું જ સારું રહેશે એ સમજીને એ ચુપચાપ એની પાછળ ચાલવા લાગ્યો. રેશ્મા પણ એની પાછળ ચાલવા લાગી. એ હજુ થોડે આગળ ગયા ત્યારે જ પાછળથી જુદા જુદા કીડા અને ઇયળોએ એ મૃત શરીરનો કબજો લેવાનું શરૂ કરી દીધું હતું.
* * * * *
વિક્રમે ઘડિયાળમાં જોયું. પાંચને પંદર થવા આવી હતી. છેલ્લા ત્રણ કલાકથી એ લોકો નિરંતર ચાલી રહ્યા હતા. એમની વચ્ચે કોઇપણ પ્રકારનો સંવાદ થયો ન હતો. વિક્રમ અને રેશ્મા સિવાય બીજા લોકોને એમના માણસના મોતનો કંઇ જાજો અફસોસ થયો હોય એવું લાગતું ન હતું. એક વનિતા થોડી ગભરાઇ ગઇ હતી. કદાચ આ લોકો માટે તો માણસનું મરવું કંઇ મોટી વાત નહીં હોય. એમનો તો ધંધો જ લોકોના મોત સાથે સંકળાયેલો હોય છે. આ લોકો તો મોત જોવાના આદી હશે. વિક્રમને એમના સફરમાં રહેલા ખતરાનો અંદાજ આવી ગયો હતો. હજુ એમનો સફર શરૂ થયાને બાર કલાક પણ નથી થયા કે એમનો એક માણસ દર્દનાક મોત મર્યો હતો. હવે આગળ ખબર નહીં બીજું શું જોવું પડશે.
"બધા ઉભા રહો." ધનંજયના શબ્દો સાંભળીને વિક્રમે વિચારો માંથી બહાર નીકળીને એની તરફ જોયું. ધનંજય અને બીજા બધા ઉભા હતા. વિક્રમે ચારે તરફ નજર દોડાવી. એ લોકો એક અત્યારે જે જગ્યાએ ઉભા હતા ત્યાં જંગલની ગીચતા ન હતી. એક નાનકડા મેદાન જેટલી ખુલ્લી જગ્યા હતી. ઝીણું ઘાસ આખી જગ્યામાં ફેલાએલું હતું. આખો ખુલ્લો ભાગ ચારેબાજુ વૃક્ષો દ્વારા ઘેરાયેલો હતો. તડકામાં ઘાસ ચમકી રહ્યું હતું.
ધનંજયે કહ્યું, "આપણે આ ખુલ્લી જગ્યામાં જ આજે રાતવાસો કરીશુ. આજ માટે આટલી સફર ઘણી છે."
"સર હજુ તો પાંચ જ થયા છે." રાજીવે કહ્યું.
"મને ખબર છે હજુ પાંચ જ થયા છે, પણ આપણા જેટલા મોટા ટોળા માટે એવડી મોટી જગ્યા અંધારુ થાય એ પહેલા શોધવી અઘરી પડશે. હમણાં બે કલાકમાં તો અંધારુ થવા મંડશે. અને જંગલમાં અંધારામાં સફર કરવી એટલે મોતને સામે ચાલીને ગળે લગાડવા જેવું થશે. એટલે આપણે અહીંયા આપણા ટેન્ટ નાંખીશું."
રાજીવે એની વાત સાંભળીને એના માણસોને ટેન્ટ નાખવાની સુચના આપી દીધી. બે માણસો જે સૌથી પાછળ સામાન ઉપાડીને આવતા હતા. એમણે સામાન ઉતારીને એક રાહતનો શ્વાસ લીધો. બીજા બે ચાર માણસોએ બધા માટેના ટેન્ટ બાંધી દીધા. ટોટલ આઠ ટેન્ટ હતા. એક ટેન્ટ ધનંજય અને દર્શ માટે હતો. રેશ્મા અને વનિતા એક ટેન્ટમાં સુવાના હતા, જ્યારે વિક્રમ અને કમાન્ડર રાજીવ માટે બીજો ટેન્ક ફાળવાયો હતો. બાકીના ટેન્ટ રાજીવના લોકો માટે હતા. વચ્ચે આગ સળગાવીને એની ફરતે ટેન્ટ બાંધી દેવામાં આવ્યા. ત્યાં સુધીમાં તો અંધારુ થઇ ગયું. પછી બધાએ પોતાનો થાક ઉતારીને સાથે લાવેલું પેક્ડ ફુડ ગરમ કરીને ખાધુ. પછી બધા પોતપોતાના ટેન્ટમાં સુવા ચાલ્યા ગયા. પહેરો આપવા માટે રાજીવના માણસો માંથી કોઇ બે માણસો દર બે કલાક માટે પહેરો આપશે એવું એમણે નક્કી કર્યું. બે સિવાયના બાકીના બધા સુવા ચાલ્યા ગયા.
જંગલમાં આવ્યાનો પહેલો દિવસ પુરો થયો હતો. દિવસના અંતે એમણે એક માણસને ખોયો હતો. હવે આગળ કેવા દિવસો આવશે એ તો કોઇને ખબર ન હતી.
* * * * *
"બટ ક્લોઇ, આઇ કાન્ટ ડુ ધીસ.(પણ ક્લોઇ, હું આ નહીં કરી શકું.)"
"યું હેવ ટુ ડુ ધીસ. યુ ડોન્ટ હેવ એની અધર ચોઇસ.(તારે કરવું જ પડશે. તારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.)"
"કોઇ રસ્તો તો હશે. તમે ડોક્ટર છો. તમે આમ હાર ન માની શકો."
"જો કોઇ રસ્તો હોત તો મે તને કહી દીધું હતો. પણ બીજો એકેય રસ્તો નથી."
"હું વિક્રમને આના વિશે કઇ રીતે જણાવીશ? એ તો પૂરી રીતે ભાંગી પડશે."
"તો પછી ના જણાવતી."
"તમે મને ખોટું બોલવાનું કહી રહ્યા છો? હું ક્યારેય એની સામે ખોટું નથી બોલતી."
"પહેલા તું મને એક વાત જણાવ. વિક્રમને આખા મામલા માંથી કેટલી વાતની ખબર છે?"
"અત્યાર સુધી તો એને કંઇજ ખબર નથી. મે એકપણ વાત એને જણાવી નથી."
"તો તો તારા માટે ખોટું બોલવું વધારે મુશ્કેલ નહીં રહે. અત્યારે તું એને કંઇ જ ન જણાવતી. એમાં જ તારી અને એની ભલાઇ છે."
"પણ બધું જ ઘટ્યા પછી હું કઇ રીતે એની સાથે નજર મેળવી શકીશ? અને એનો હક બને છે હકીકત જાણવાનો."
"હું સમજી શકું છું કે તારા માટે આ અઘરું અને પીડાદાયક હશે. પણ તું જે કંઇપણ કરી રહી છે એ વિક્રમના અને તારા ભલા માટે કરી રહી છે. એટલે હિંમત રાખ અને મારી વાત માની જા."
"અને વિક્રમને આના વિશે જાણ થઈ ગઈ તો?"
રેશ્મા એક ઝાટકે પથારીમાંથી બેઠી થઇ ગઇ. એના શ્વાસની ગતી વધી ગઇ હતી. સાથે કપાળ પર પરસેવો પણ આવી રહ્યો હતો. એની આંખો પરથી એને લાગી રહ્યું હતું કે એણે કંઇક ભયાનક જોઇ લીધું હતું. એના આમ ઉઠવાને લીધે વનિતાની પણ નીંદ ઉડી ગઇ. રેશ્માને બેઠેલી જોઇને એણે પુછ્યું, "રેશ્મા, શું થયું? બધું ઠીક તો છે ને?"
પોતાના જ ટેન્ટમા વનિતા પણ સુતી હતી એ યાદ આવતાં જ રેશ્માએ પોતાના શ્વાસોશ્વાસ કાબૂમાં કરીને એણે પોતાના માથા પરનો પરસેવો લૂછ્યો. પછી વનિતા તરફ જોઇને કહ્યું, "હાં, બધું ઠીક છે."
પણ વનિતાને એના જવાબથી સંતોષ ન થયો. એણે ફરી પુછ્યું, "કોઇ ખરાબ સપનું જોયું?"
"ના ના, એવું કંઇ નથી. આ તો બસ એમ જ. તમે સુઇ જાઓ. હું પણ સુઇ જાવ છું. કાલે આપણે ફરી પાછું ઘણું ચાલવાનું છે." કહીને રેશ્માએ પથારીમાં લંબાવ્યું. અને વનિતા તરફ પીઠ ફેરવી દીધી.
પણ વનિતાને શંકા ગઇ હતી. જરૂર રેશ્માએ કોઇ ખરાબ સપનું જોયું હશે. તે એની પીઠ તરફ તાકીને વિચારવા લાગી. ખરાબ સ્વપ્ન જોયું એમાં છુપાવવાનું શું? ખરાબ સ્વપ્ન તો બધાને આવતા હોય છે. કે પછી આ કંઇક બીજું જ તો નહોતું ને? મગજને જોર આપ્યા વગર વનિતા પણ ફરી સુઇ ગઇ.
પણ રેશ્મા હજુ સુતી ન હતી. એના મનમાં એ જ વાત ઘુમતી હતી. ડો.ક્લોઇ માર્ટિન સાથે થયેલી વાત જો વિક્રમને ખબર પડી ગઇ તો..........
(ક્રમશઃ)
* * * * *