THE CURSED TREASURE - 16 in Gujarati Adventure Stories by Chavda Ajay books and stories PDF | શ્રાપિત ખજાનો - 16

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

શ્રાપિત ખજાનો - 16

ચેપ્ટર - 16

"રેશ્મા, હું જાણું છું તારુ રાઝ.." ધનંજયે કહ્યું.

રેશ્માને વિશ્વાસ ન આવ્યો જ્યારે ધનંજયે કહ્યું હતું કે એ રેશ્માનું રહસ્ય જાણે છે. આખરે આને ખબર કઇ રીતે પડી? આ વાત તો એણે આજ સુધી કોઇને પણ જણાવી ન હતી. વિક્રમને પણ નહીં. તો પછી ધનંજય મહેરાને ખબર કઇ રીતે પડી? છતાં પણ એને ફરી એક વાર ખાતરી કરવા પુછ્યું, "ક્યું રાઝ?"

"લગભગ ગયા અઠવાડિયે હું લોસ એન્જલસ ગયો હતો. ત્યાં એક વ્યક્તિ સાથે મારી ઘણી જ દિલચસ્પ વાતો થઇ હતી. કોઇ મિસ.માર્ટિન સાથે. નામ ક્યાંય સાંભળ્યું તો નથી ને?" ધનંજયે કહ્યું.

મિસ.માર્ટિન નું નામ સાંભળીને રેશ્માના હોશ ઉડી ગયા. મિસ.માર્ટિન એ વ્યક્તિ હતી જે રેશ્માનું રહસ્ય જાણતી હતી. તો એમના દ્વારા આમને ખબર પડી છે. મતલબ કે જે વાત રેશ્માએ બધાથી છુપાવી રાખી છે એ વાત ધનંજય મહેરા જાણી ગયો છે. રેશ્માને સમજાતું નહોતું કે હવે એ શું બોલે.

રેશ્મા કંઇ ન બોલિ એટલે ધનંજયે જ વાત આગળ વધારી, "જરા વિચાર કર, કે જ્યારે વિક્રમને આ વાતની ખબર પડશે ત્યારે શું થશે?"

વિક્રમને આ વાતી ખબર પડશે ત્યારે શું થશે? આ વિચાર માત્ર જ રેશ્માને ધ્રુજાવી નાખવા માટે પૂરતો હતો. વિક્રમને જો આ વાતની ખબર પડશે તો તો એ આગની જ્વાળાની જેમ ભભૂકી ઉઠશે. જ્યારે એને ખબર પડશે પોતે શું કર્યું છે ત્યારે વિક્રમ તો એનું મોઢું પણ જોવા નહીં માગે. એ નફરત કરશે એનાથી. એક તો પહેલેથી જ બેયનો સંબંધ વણસી ગયો હતો. રેશ્મા એ જ સુધારવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ જો આ વાત બહાર આવી ગઇ તો વિક્રમ ક્યારેય એને માફ નહીં કરે. નહીં.. આ વાત વિક્રમને ખબર ન પડવી જોઈએ. ભલે એના માટે મારે કંઇ પણ કરવુ પડે.

મનોમન મક્કમ નિર્ણય કરીને એણે ધનંજયને કહ્યું, "તમે આ વાત વિક્રમને ન જણાવી શકો. તમે મારી સાથે આવું ન કરી શકો." બોલતા બોલતા રેશ્માની આંખો ભીની થઇ ગઇ.

"હાં જરૂર. વિક્રમને આ વાત જણાવીને એને દુઃખી કરવાનો શો અર્થ?" ધનંજયે કહ્યું.

ધનંજય તરત માની ગયો એ જોઇને રેશ્માને જરા આશ્ચર્ય થયું. એણે ધનંજય તરફ જોયું. ધનંજયની આંખોમાં એને એક ન વિચિત્ર એવો ભાવ હતો. પણ રેશ્માને એ ભાવ સમજતા વાર ન લાગી. એણે કહ્યું, "ઓહ્... તો મારે વિક્રમને તમારા માટે કામ કરવા માટે મનાવવાનો છે.."

સ્મિત કરતા ધનંજયે કહ્યું, "તું કેટલી સમજદાર છે. તને વધારે સમજાવવાની જરૂર નથી પડતી. આઇ હોપ તું સાચો ફેંસલો લઇશ." કહીને ધનંજય રૂમની બહાર નીકળી ગયો.

રેશ્માનું મન ખૂબ જ વિચલિત થઇ ગયું. એ ધનંજયને પોતાનું રહસ્ય વિક્રમને જણાવવા દે એમ ન હતું. એવું કરવું ખુબ જ ખરાબ રહેશે. બીજી બાજુ એ વિક્રમને ધનંજય સાથે કામ કરવા કઇ રીતે મનાવશે એ પણ એને સમજાતું નહોતું. ખુબ જ મોટી મુસીબતમાં મુકાઈ ગઈ હતી રેશ્મા. અંતે ટેંશનને સાઇડમાં મૂકીને એણે એક નિર્ણય કર્યો.

* * * * *

વિક્રમ હોટેલના ગાર્ડનમાં એક બેંચ પર બેઠો હતો. સાંજના સાત વાગ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હતી. રેગિસ્તાનને લીધે અંહીંયા રાત્રે પ્રમાણમાં વધારે ઠંડી પડતી. આમેય સપ્ટેમ્બર પુરો થવામાં બે ત્રણ દિવસો જ બાકી હતા. ચોમાસુ પુરું થવા આવ્યું હતું અને શિયાળો આવવાની હજુ વાર હતી. એટલે સાંજે વાતાવરણમાં ન તો ઉકળાટ રહેતો કે ન વધારે ઠંડી રહેતી.

વિક્રમ રેશ્માની રાહ જોઇ રહ્યો હતો. ધનંજયને ના પાડ્યા પછી હવે આગળ શું કરવાનું છે એ બેય ભેગા મળીને નિર્ણય લેવાના હતા. પણ રેશ્મા હજી આવી ન હતી.

થોડીવાર પછી રેશ્મા આવી. વિક્રમે એની સામે જોઇને સ્માઇલ કરી. રેશ્મા પણ ફિક્કું હસી. એ જોઈને વિક્રમને કંઇક અજુગતું લાગ્યું. આને વળી શું થયું? વિક્રમ વિચારવા લાગ્યો. રેશ્મા એની પાસે આવીને બેઠી. વિક્રમે ધ્યાનથી એનું નિરીક્ષણ કર્યું. રેશ્મા ક્યાંક ખોવાયેલી હોય એવું એને લાગ્યું. પણ એનું કારણ એને ન સમજાણું. "રેશ્મા..." વિક્રમે એને બોલાવી પણ રેશ્માએ કંઇ જવાબ ન આપ્યો. વિક્રમે એના ખભે હાથ રાખીને એને ફરી વાર બોલાવી. "રેશ્મા.."

વિક્રમના સ્પર્શથી રેશ્માની વિચારમાળા તૂટી. એને ખ્યાલ આવ્યો કે એ વિક્રમની બાજુમાં બેઠી છે અને વિક્રમ એને બોલાવી રહ્યો છે. એણે તરત જ પોતાને વ્યવસ્થિત રીતે બેંચમાં ગોઠવીને સ્માઇલ સાથે વિક્રમને કહ્યું, "ઓહ્... સોરી.. સોરી.. બોલને તું શું કહી રહ્યો હતો."

"તું ઠીક તો છે ને?" વિક્રમે શંકાસ્પદ અવાજે પુછ્યું.

"હા. હું એકદમ ઠીક છું." રેશ્મા ખોટું બોલી ગઇ. હકીકતમાં તો એ પરેશાન હતી કે વિક્રમને કઇ રીતે ધનંજય સાથે કામ કરવા માટે મનાવે. પણ કંઇ પણ થઇ જાય મનાવવો તો પડશે જ.

"પાક્કું ?" વિક્રમે ફરી એક વાર પુછ્યું. "હાં.. હાં. એકદમ ઠીક.. તું કે. હવે આપણે આગળ શું કરવાનું છે?" રેશ્માએ પુછ્યું.

વિક્રમે પણ મેઇન વાત પર આવતા કહ્યું, "કંઇક તો ગરબડ છે રેશ્મા. મે મારા જાણીતા ઘણા લોકોને ફોન કર્યો હતો. પણ કોઇ પણ આપણી મદદ કરવા તૈયાર નથી. મિ. સિન્હા સિવાય મે અમદાવાદ મ્યુઝિયમ અને બીજી પ્રાઇવેટ સંસ્થાઓ જે લોકોને હથિયારો સાથે માણસો પુરા પાડે છે અને જ્યાં મારી ઓળખાણ છે ત્યાં બધે જ વાત કરી જોઇ. પણ કોઇપણ આપણી મદદ કરવા તૈયાર નથી. કોઇને મારી વાત પર વિશ્વાસ ન આવ્યો. આખરે આવું કઇ રીતે થઇ શકે છે?"

રેશ્મા એની સામે જોઇ રહી. એની વાત સાંભળીને રેશ્માને નવાઇ ન લાગી. એ સમજી ગઇ કે આ ધનંજયની જ ચાલ હતી. એના કોન્ટેક્ટ વિક્રમ કરતા પણ વધારે હતા. અને એના પાવર આગળ આ બધા લોકો ઝુકી ગયા હશે. કદાચ પૈસાની લાલચે અથવા મોતના ભયને લીધે કોઇ વિક્રમ અને રેશ્માની સહાયતા કરવા માગતા ન હતા.

"તો હવે આપણે શું કરીશું?" રેશ્માએ વિક્રમને પ્રશ્ન કર્યો.

"મને કંઇ જ સમજાતું નથી." વિક્રમે કપાળ પર હાથ રાખીને કહ્યું. એની નજર નીચે ઘાસમાં મંડાયેલી હતી. જાણે ઘાસ માંથી કોઇ રસ્તો નિકળવાનો હોય એમ. પણ અત્યારે તો એને કંઇ સૂઝી નહોતું રહ્યું.

મોકાનો લાભ ઉઠાવતા રેશ્માએ કહ્યું, "જો વિક્રમ, તું મારી વાતનો ખોટો મતલબ ન કાઢતો. પણ મને એવું લાગે છે કે આપણે એકવાર ધનંજય મહેરા સાથે કામ કરવાની.."

"નહી..." વિક્રમ એની વાત વચ્ચેથી કાપતા બોલ્યો, "જો તું ધનંજય મહેરા સાથે કામ કરવાની વાત કરી રહી છે તો તને કહી દવ કે હું ધનંજય સાથે કામ નહીં કરૂં. કારણ કે મને એ માણસના ઇરાદા સારા નથી લાગતાં. અને આપણે તો જાણતા પણ નથી કે એના ઇરાદા શું છે. અને તું પણ આ વાત જ શું કામ કરી રહી છે? આપણે બેયે નક્કી કર્યું હતું કે આપણે એમની સાથે કામ નહીં કરીએ."

રેશ્માએ વિક્રમના આવા જ પ્રતિભાવની કલ્પના કરી હતી. એ જાણતી હતી કે વિક્રમ એની પુરી વાત પણ નહીં સાંભળે. પણ વાત તો કરવી જ પડશે. એટલે એણે એ જ શાંતિથી પુછ્યું, "વિક્રમ આપણી પાસે બીજો કયો રસ્તો છે?"

વિક્રમ કંઇ ન બોલ્યો. એની પાસે અત્યારે કોઇ જ રસ્તો ન હતો. એ બોલ્યો, "હાલ પૂરતો આપણી પાસે કોઇ સાચો રસ્તો નથી એનો મતલબ એ નથી કે આપણે ખોટો રસ્તો લઇ લઇએ. જરા ધીરજ રાખ કોઇને કોઇ યોગ્ય રસ્તો નીકળી જશે."

"આપણી પાસે એટલો સમય નથી." રેશ્માએ કહ્યું.

વિક્રમ ચોંક્યો. આ રેશ્મા શું કહી રહી છે? સમય નથી મતલબ? "રેશ્મા, સમય નથી મતલબ? આપણી પાસે આખી જિંદગી પડી છે."

રેશ્માને ભાન થયું કે એ શું બોલી ગઇ છે. એણે તરત જ વાતને વાળવાનો પ્રયત્ન કર્યો, "મારો મતલબ છે કે હવે આપણે આપણું સપનું પૂરું કરવાના એટલા નજીક છીએ કે હવે વધારે સમય બગાડવો યોગ્ય નથી. જેટલું જલદી કરીશું એટલું સારું રહેશે."

"હાં પણ હું મારું સપનું પૂરું કરવા માટે ધનંજય જેવા માણસની મદદ લેવા નથી માગતો. કોણ જાણે એ માણસના મગજમાં શું ચાલી રહ્યું છે. હજુ ચોવીસ કલાક પહેલાં જ એનો એકનો એક દિકરો મરી ગયો છે અને એ અહીંયા બેસીને બિઝનેસ ડીલ કરી રહ્યો છે. એનું જે કોઇપણ મકસદ છે એનો હું ભાગ નથી બનવાનો."

"તને ખબર પણ છે કે એનો ઇરાદો શું છે?" રેશ્માએ પુછ્યું.

" નહીં.."

"તો તને જાણવાની ઇચ્છા નથી થતી?"

"હાં ઇચ્છા તો છે. પણ એનું કંઇ થઇ શકે એમ નથી." વિક્રમે કહ્યું.

"હાં થઇ શકે છે. એક વાત તો છે કે ધનંજયના જે પણ ઇરાદા છે એ સારા તો નહીં જ હોય..."

"છતાં પણ તું એની સાથે કામ કરવાનું વિચારી રહી છે.."

"કારણ કે તું આવેશમાં આવીને નજીકનું વિચારી રહ્યો છે જ્યારે હું દુરનું વિચારી રહી છું..તું ધનંજયને રોકવા પર ફોકસ કરી રહ્યો છે જ્યારે હું એને હરાવવા પર ફોકસ કરી રહી છું." રેશ્માએ કહ્યું.

"તું કહેવા શું માગે છે?" વિક્રમને કંઇ સમજાણું નહીં.

"ધ્યાનથી સાંભળ., જો આજે આપણે ધનંજયની મદદ નહી કરી તો એને વધારે નુકસાન નહીં થાય. કોઇ અત્યારે આપણી મદદ કરવા તૈયાર નથી. પણ હવે એ ધનંજય યુવરાજ શુદ્ધોદન ની કબર ક્યાં આવેલી છે એ પણ જાણે છે. અને કબરમાં સંબલગઢ સુધી પહોંચવાનો રસ્તો છે એ પણ. થોડા સમય પછી એ કોઇ આર્કિયોલોજી ફીલ્ડના નવા નિશાળિયાને રૂપિયાના બંડલ ઓફર કરીને એને હાયર કરી શકે છે સંબલગઢ શોધવા માટે. અને કોઇ પૈસા માટે કામ કરનાર એ કરી પણ આપે. એવા સમયમાં એને રોકવો અઘરો થઇ પડશે."

રેશ્માની વાતે વિક્રમને વિચારમાં નાખી દીધો. એની વાત સાચી જ હતી. ધનંજય સંબલગઢ સુધી પહોંચવા માટે કંઇ પણ કરી શકે છે એ તો એમણે જોઇ જ લીધું છે. એવામાં એ બીજા કોઇ જવાન અને નવા આર્કિયોલોજીસ્ટનો જીવ પોતાના સ્વાર્થ માટે જોખમમાં નાખતા જરા પણ નહી વિચારે.

"એના કરતા એક બીજો રસ્તો છે. આપણે એની સાથે કામ કરવા માટે અત્યારે આપણી તૈયારી બતાવીએ. એકવાર એની સાથે આપણે કામ કરવા તૈયાર થઈ ગયા પછી આપણે એની નજીક રહેવાનો ચાન્સ મળશે. આપણે અત્યારે નથી જાણતા કે એનું મકસદ શું છે. પણ જો એ જાણવું હોય તો આપણે ધનંજયને જાણવો પડશે અને એને જાણવા માટે એની નજીક રહીને એના પર નજર રાખવી પડશે. એકવાર આપણને ખબર પડી ગઇ કે એનો વાસ્તવિક એજન્ડા શું છે, તો પછી આપણે એના ઇરાદા વિફળ કરવાની રીત શોધી શકીએ છીએ."

"તને ખબર છે કે તું શું બોલી રહી છે?" વિક્રમે પુછ્યું, "આમા કેટલો ખતરો છે? જો એને જરા પણ અણસાર આવી ગયો કે આપણે એને દગો આપવાનું વિચારી રહ્યા છીએ તો એવા સમયે આવા લાકો કેટલા ખતરનાક બની જાય છે એનો ખ્યાલ તો તને હશે જ. ત્યારે શું કરીશું?"

"તું અત્યારથી નેગેટિવ શું કામ વિચારી રહ્યો છે? આપણે એ વાતનું પુરેપુરું ધ્યાન રાખીશું કે એને આપણા પર શંકા ન જાય. અને આપણે આ ખતરો તો ઉઠાવવો જ પડશે." રેશ્માએ કહ્યું.

વિક્રમ ઉભો થઇને થોડીવાર આમતેમ ચાલ્યો. ચાલતા ચાલતા એ કંઇક વિચારી રહ્યો હતો. થોડીવાર પછી રેશ્મા તરફ ફરીને એણે પુછ્યું, "જરા ફરી એકવાર સમજાવ તો કે આપણે આ ખતરો શું કામ ઉપાડી રહ્યા છીએ?"

"સાવ સીધી ભાષામાં કહું તો,... આપણા દેશ માટે."

"દેશ માટે?"

"હાં વિક્રમ, તું સારી રીતે જાણે છે કે એક આર્કિયોલોજીસ્ટ તરીકે આપણી દેશ પ્રત્યે એક ફરજ હોય છે. યાદ છે આપણે કોલેજમાં શું શીખ્યા હતા?"

"હાં યાદ છે ને, દેશની સેવા કરવા માટે આર્મી કે સૈન્યમાં જોડાવું જરૂરી નથી. તમે દેશની અંદર રહીને પણ દેશની સેવા કરી શકો છો. આર્કિયોલોજીસ્ટ તરીકે આપણે જે કંઇ પણ ઐતિહાસિક પુરાવા અને પ્રાચીન રહસ્યોની શોધ કરીએ છીએ એ રાષ્ટ્રીય ધરોહર છે. એના પર કોઈ પોલિટિકલ પાર્ટી કે કોઇ વ્યક્તિ વિશેષનો પ્રભાવ પડવા દેવો ન જોઇએ. એના પર સમગ્ર રાષ્ટ્રનો હક હોય છે." વિક્રમે જ્યારે આ વાત કરી ત્યારે એને ચમકારો થયો. એને રેશ્માની વાતનો મર્મ સમજાઇ ગયો હતો. સંબલગઢનો ખજાનો એક રાષ્ટ્રીય ધરોહર છે. એના પર દેશનો હક છે. એને ભારત સરકારને સોંપવો એ આર્કિયોલોજીસ્ટ તરીકે એ બંનેની નૈતિક જવાબદારી છે. અને એને ધનંજય જેવા માણસોના હાથમાં પડવા ન દેવું એ પણ એક પ્રકારની દેશ સેવા જ થશે. વિક્રમે રેશ્મા સામે જોયું. એના ચહેરા પર એક સ્માઇલ હતી. એને જોઇને વિક્રમે પણ સ્માઇલ કરી. એ ઇશારો હતો કે વિક્રમ એની વાત સમજી ગયો છે અને એનો સાથ આપવા તૈયાર છે. હવે એ બંને તૈયાર હતા ધનંજય સાથે કામ કરવા.

"પણ રેશ્મા એક પ્રોબ્લેમ છે," વિક્રમે કહ્યું, "મે પહેલી મિટિંગમાં એની સાથે કામ કરવાની ના પાડી હતી. અને જો હવે હું તૈયાર થઇ જાવ તો એને શંકા જશે કે હું અચાનક કેમ એની સાથે કામ કરવા માટે તૈયાર થઇ ગયો."

"હાં તો તું કંઇક કારણ વિચારી લેજે ને, રેશ્માએ કહ્યું, "આમ પણ કોલેજમાં ભણવાની સાથે સાથે તું બંક મારવાના બહાના બનાવવામાં પણ હોશિયાર હતો. મને વિશ્વાસ છે કે તું કંઇક બહાનું બનાવી લઇશ. હું અંદર જાવ છું. ડિનર પર મળશું." કહીને રેશ્મા ચાલવા લાગી.

તે વખાણ કરીને ગઇ કે વ્યંગ કરીને એ વિક્રમને સમજાયું નહી. પણ વિક્રમને હસવું જરૂર આવી ગયું. એની વાત સાચી જ હતી. પોતે બહાના બનાવવામાં તો માહિર હતો. અહીંયા પણ કોઇને કોઇ બહાનું એ બનાવી લેશે એમ વિચારીને એ પણ પોતાના રૂમમાં ચાલ્યો ગયો.

* * * * *

હોટલ રાજ પેલેસનો રેસ્ટોરન્ટ ભવ્ય કહી શકાય એવું હતું . ત્યાંના બધાજ ટેબલ વ્હાઇટ માર્બલના અને શાહી ડિઝાઇન વાળા હતા. છતમાં લગાવેલા કાચના જુમર એક રેસ્ટોરન્ટની સુંદરતામાં વધારો કરતા હતા. એક ટેબલ પર વિક્રમ અને રેશ્મા બેય બેઠા હતા અને ધનંજયની રાહ જોઇ રહ્યા હતા.

થોડીવાર પછી ધનંજય આવ્યો. અત્યારે પણ એણે બ્લ્યુ કલરનું સૂટ પહેર્યું હતું. આવીને એ બેયની સામે બેઠો. એની સાથે એના બોડીગાર્ડ્સ પણ આવ્યા હતા જે એની પાછળ ઉભા રહી ગયા. આવીને ધનંજયે એક નજર વિક્રમ અને રેશ્મા પર નાંખી. જાણે આંખો દ્વારા બેયના મનની વાત જાણવા માંગતો હોય એમ. વિક્રમનું ધ્યાન ન જાય એ રીતે રેશ્માએ એને કંઇક ઇશારો કર્યો. એ ઇશારો એ સમજી ગયો.

"તો વિક્રમ, શું નિર્ણય લીધો છે તે?" ધનંજયે પુછ્યું.

વિક્રમે જવાબ આપતા પહેલા રેશ્મા સામે જોયું. રેશ્માએ એને આંખોથી જ ઇશારો કરીને એનો નિર્ણય જણાવવા કહ્યું. વિક્રમે કહ્યું, "મિ.મહેરા, અમે આપની સાથે કામ કરવા માટે તૈયાર છીએ."

એની વાત સાંભળીને ધનંજયના ચહેરા પર એક મોટી સ્માઇલ આવી ગઇ. વાઇનનો ગ્લાસ ઉપાડીને એણે પોતાના વિજયનો એક ઘુંટડો ભર્યો. પછી એ બોલ્યો, "મને ખબર હતી કે તમે બેય સાચો નિર્ણય લેશો. મુબારક તમને બંનેને. હવે તમે બંને તમારું સપનું પુરું કરી શકશો. અને હું મારું." કહીને એણે પોતાનો વાઇન-ગ્લાસ એ બંને તરફ કર્યો. જવાબમાં વિક્રમ અને રેશ્માએ પણ પોતાના વાઇન-ગ્લાસ એની સાથે ટકરાવીને ચિયર્સ કર્યું. પછી ત્રણેયે ડીનર મંગાવ્યો. વિક્રમના આશ્ચર્ય વચ્ચે ધનંજયે એને એના નિર્ણય બદલવાનું કારણ ન પુછતા એને પણ નિરાંત વળી. પછી જમતાં જમતાં આગળની બધી પ્લાનિંગ થઇ. લગભગ બે કલાક સુધી એ પ્લાનિંગ ચાલી. બે કલાક પછી ટેબલ પરથી ઉભા થઇને વિક્રમે ધનંજયને કહ્યું, "તો થઇ જાઓ તૈયાર. નીકળી જઇએ સંબલગઢ અને એના રહસ્યની શોધમાં." ધનંજય અને રેશ્મા બંને એની વાતથી રોમાંચિત થઈ ગયા. પછી બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા.

હવે શરૂ થવાની હતી એક રહસ્યમય શહેરને શોધવાની સફર. જો આ શોધ સફળ નીવડે તો માનવજાતિનું ભવિષ્ય બદલી શકે એમ હતી. પણ જો નિષ્ફળ જશે તો? આ પ્રશ્નનો જવાબ તો અત્યારે કોઇ પાસે ન હતો. પણ એક વાત તો હતી કે એમને ખબર હતી કે આગળની સફર સહેલી તો નહી જ થાય. આગળ એમના માટે કેવી કેવી મુસીબતો રાહ જોઈ રહી છે એનાથી એ લોકો તદ્દન બેખબર હતા....

(ક્રમશઃ)

* * * * *