The magic of relationships - 12 in Gujarati Fiction Stories by Jimisha books and stories PDF | સંબંધોની માયાજાળ - 12

The Author
Featured Books
Categories
Share

સંબંધોની માયાજાળ - 12

સંબંધોની માયાજાળ_12


ફોટો જોતા જ ગ્રંથે "મમ્મી આ છોકરી!! જો તમને આ છોકરી પસંદ છે તો તમે મને પહેલા કેમ ના જણાવ્યું?? કઈ વાંધો નહિ. હું તૈયાર છું આ છોકરી સાથે લગ્ન કરવા માટે." કહ્યું.

ગ્રંથે આમ અચાનક જ એના મમ્મી પપ્પાની પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કરવા માટે થઇને હા પાડી દીધી એટલે ગર્વિત શોક્ડ્ થઇ ગયો. એણે સમજ જ ના પડી કે એનો ભાઈ શું બોલી રહ્યો છે!! હજુ 10 મિનિટ પહેલા જ જે વ્યક્તિ એમ કહેતી હતી કે એ લગ્ન એ જ છોકરી સાથે કરશે,જેને એ પ્રેમ કરે છે. એ આમ અચાનક જ કોઈ પણ કારણ કે દબાવ વિના જ કોઈ અન્ય છોકરી સાથે લગ્ન કરવા માટે થઇને માની ગયો!! આ કેવી રીતે શક્ય છે!! શું ભૂમિજા માટેનો પ્રેમ માત્ર ક્ષણભર માટે જ હતો!! આવા અનેક પ્રશ્નો એના મનમાં ઉઠી રહ્યા હોય છે. એણે લાગ્યું કે જો એ વધારે વિચારશે તો પાગલ થઇ જશે. એના કરતાં બહેતર એ જ છે કે એ પોતાના ભાઈને જ પૂછી લે કે આ બધું શું છે!! એમ વિચારી ગર્વિત ગ્રંથ પાસે ગયો.

"ભાઈ!! આ બધું શું છે?? તમે આમ અચાનક કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર કેમ થઈ ગયા?? ભૂમિજા ભાભીને શું કહેશો??" આવા અનેક પ્રશ્નો ગર્વિત ગ્રંથને પૂછવા લાગ્યો.

ગર્વિતને આમ ભૂમિજા માટે ફિક્ર કરતો જોઇ ગ્રંથ મુસ્કારાવા લાગ્યો. ગ્રંથને આમ હસતો જોઈ ગર્વિતને વધારે ગુસ્સો આવવા લાગ્યો. એટલે "આવા ગંભીર માહોલમાં પણ તમને હસવું આવે છે ગ્રંથ ભાઈ?? હું જે પૂછું છું એનો જવાબ આપો!! એવું તો શું છે મમ્મી પપ્પા એ પસંદ કરેલી છોકરીમાં કે તમે એની સાથે લગ્ન કરવા માટે થઇને તૈયાર થઈ ગયા??" જેવા સવાલો પૂછવા લાગ્યો.

"તું જાતે જ જોઈ લે." ગ્રંથે પણ એની મમ્મીનો ફોન ગર્વિતને આપતા બોલ્યો.

"મારે નથી જોવી કોઈ અન્ય છોકરી ને!! હું તમને સાફ સાફ શબ્દોમાં કહું છું કે મારી ભાભી, તમારી પત્ની અને આ ઘરની વહુ તો માત્રને માત્ર ભૂમિજા ભાભી જ બનશે!! બીજી કોઈ છોકરીને હું આ ઘરમાં આવવા જ નહીં દઉં." ફોટો જોયા વગર જ ફોનને પાછો આપતા ગર્વિત બોલ્યો.

"એક વાર મમ્મી પપ્પાએ પસંદ કરેલી છોકરી ને જોઈ લે. પછી તું જ કહીશ કે આ જ તમારી પત્ની બનવાને લાયક છે!!" ગ્રંથે વધુ એક વખત ફોન એની તરફ ધરતા કહ્યું.

"એવું તો શું છે આ બીજી છોકરીમાં તે મમ્મી પપ્પાની સાથે સાથે ગ્રંથ ભાઈ પણ એના આટલા બધા વખાણ કરે છે?? હવે તો એણે જોવી જ પડશે!!" એમ વિચારી ને ગર્વિતે ફોન હાથમાં લીધો. અને ફોટો જોયો. ફોટો જોતાની સાથે જ ગર્વિત રીતસરનો ઉછળી જ પડ્યો. અને કહેવા લાગ્યો કે, "ભાઈ!! આ છોકરી!! આ તો...."

ગર્વિતની વાતને અધવચ્ચે જ કાપતા ગ્રંથ બોલી ઉઠ્યો, "આ તો શ્રેષ્ઠ છે એમ જ ને!! હવે તું જ બોલ. મારે આ જ છોકરી સાથે લગ્ન કરવા જોઈએ ને??"

"હા ભાઈ હા!! તમારે આ જ છોકરી સાથે લગ્ન કરવા જોઈએ. આ ખરેખર શ્રેષ્ઠ છે." ગર્વિતે પણ એના વખાણ કરતા કહ્યું.

"શ્રેષ્ઠ જ હોય ને!! આખીરમા પસંદ કોની છે એ તો જો તું ગર્વિત દીકરા??" ગ્રંથ કઈ બોલે એ પહેલા જ ગરિમા બહેને ગર્વિત પૂછ્યું.

ગર્વિત કઈ જવાબ આપે એ પહેલા જ ગ્રંથ બોલી ઉઠ્યો, "મારી!!"

"તારી નહી અમારી." ગૌરાંગ ભાઈએ ગ્રંથને ટોકતા કહ્યું.

"નઈ પપ્પા!! એ પહેલા મને પસંદ પડી હતી. પછી જ્યારે હું એણે આપણા ઘરે લઈને આવ્યો, ત્યારે તમે એણે પસંદ કરી ને!!" ગ્રંથે પણ ગૌરાંગ ભાઈની વાતનો જવાબ આપતા કહ્યું.

"પણ પહેલા વાત તો અમે કરીને એની સાથે તારા લગ્નની!! જો અમે તને ના પૂછ્યું હોત તો તું તો અમને જનાવેત જ નહીં." ગૌરાંગ ભાઈએ પણ પોતાનો જ કક્કો સાચો છે એમ બતાવતા કહ્યું.

"એ તો આજે હું ખોડલ ધામ ના ગયો હોત તો જણાવી જ દેત તમને લોકોને!! અને એમ પણ ગર્વિત તો જાણતો જ હતો આ વિશે!! સાચું ને ગર્વિત??" ગર્વિતને જોતા ગ્રંથે પૂછ્યું.

"હા ભાઈ!! તમે સાચા છો. અને મને એક વાત જણાવો કે તમારા બધાની પસંદ એક જ છે તો પછી ઝઘડો છો શું કામ??" ગર્વિતએ મામલો થાળે પાડવા માટે કહ્યું.

"પણ આ મમ્મી પપ્પા...." ગ્રંથ વાત પૂરી કરે એ પહેલા જ એના ફોનની રીંગ વાગી. એણે જોયું કે તેજસનું નામ ફ્લેશ થઈ રહ્યું હોય છે. એટલે એ બધાને ચૂપ રેહવા કહી ફોન ઉપાડે છે.

"ગ્રંથ!!" ભૂમિજાનો અવાજ આવતા ગ્રંથ ચોંકી ઉઠ્યો. પછી એણે સમજાયું કે તેજસએ કૉન્ફરન્સ કોલ કર્યો છે.

"ક્યાં ખોવાઈ ગયા??" ગ્રંથે કઈ જવાબ ના આપ્યો એટલે ભૂમિજાએ ફરી એણે સવાલ કર્યો.

"ક્યાંય નહિ." ગ્રંથે વાતને ટાળતા કહ્યું.

"એક વાત પૂછું??" ભૂમિજા એ ગ્રંથની પરવાનગી લેતા પૂછ્યું.

"મે તમને કેટલી વાર કહ્યું છે કે તમે મને કઈ પણ પૂછી શકો છો અને એ પણ બેઝિઝક અને બિન્દાસ રહીને!!"

"તમે ટેન્શનમાં છો?? અને જો હોવ તો તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી."

"ટેન્શન!! અને એ પણ મને!! ના રે ના!! તમને કોણે કહ્યું કે હું ટેન્શનમાં છું??"

"તમારે મારાથી કઈ પણ છૂપાવવાની જરૂર નથી. મને તેજસએ બધું જણાવી દીધું છે." ભૂમિજા ફોડ પાડતા બોલી.

ભૂમિજા શેના વિશે વાત કરી રહીં છે એ ગ્રંથ હવે સમજવા લાગ્યો. એણે તેજસ પર ગુસ્સો આવ્યો. કારણકે જે વાત એણે ના પાડી હતી ભૂમિજાને જણાવવા માટે, એ જ વાત તેજસએ ભૂમિજાને જણાવી દીધી. પણ અત્યારે ગ્રંથ તેજસને કઈ કહી શકે એમ નથી એટલે એ "તમે શેના વિશે વાત કરી રહ્યા છો મને તો એ જ નથી સમજાતું!!" કહી અનજાન બનવાનું નાટક કરે છે.

"એ જ કે તમારા મમ્મી પપ્પાએ તમારા માટે છોકરી પસંદ કરી છે." ભૂમિજાએ ગ્રંથના નાટકનો અંત લાવતા કહ્યું.

"સોરી. બટ ટ્રસ્ટ મી!! હું અત્યારે એ જ વિષય પર વાત કરી રહ્યો હતો મારા મમ્મી પપ્પા સાથે. અને એટલામાં જ તમારો ફોન આવ્યો."

"તમારે સોરી કેહવાની કોઈ જરૂર નથી. અને હું તો એમ જ કહું છું કે જે છોકરી તમારા મમ્મી પપ્પાને પસંદ છે, તમે એના માટે હા પાડી દો. ને બીજી એક વાત તમે ક્યારેય એવું ના વિચારશો કે તમારા આમ કરવાથી હું એમ માની લઈશ કે તમારા અને આદિત્ય વચ્ચે કોઈ જ ફરક નથી. તમે બંને એક જેવા જ છો!! તમે...."

ગ્રંથે ભૂમિજાની વાત અધવચ્ચે જ કાપવાની "પણ!!" કહી કોશિશ કરી પરંતુ એ સફળ રહ્યો નહી. કારણકે ભૂમિજા એકધારું બોલે જ જાય છે.

"હમણાં આપને સાથે હતા ત્યારે તમે જ કહ્યું હતું ને કે જીવનસાથી બનીએ કે ના બનીએ, પણ મિત્ર બનીને હંમેશા એકબીજાની સાથે રહીશું. બસ તો પછી!!"

ભૂમિજા આમ તો ચૂપ નહી જ થાય અને હું મારી વાત પણ રજૂ નહી કરી શકું, એમ વિચારી ગ્રંથે "એક મિનિટ ભૂમિજા!! હું અત્યારે જ તમને અને તેજસને વિડિયો કોલ કરું છું તમે જાતે જ જોઈ લો એ છોકરીને, જેને મારા મોમ ડેડએ પસંદ કરી છે" કહ્યું. અને તરત જ વીડિયો કોલ કર્યો એ બન્નેને!!

ભૂમિજા અને તેજસએ એક જ રિંગમાં કોલ રીસીવ કરી લીધો.

"જલદી બતાવ એ છોકરીનો ફોટો, જેને અંકલ આન્ટીએ પસંદ કરી છે." તેજસ વધુ સમય રાહ જોઈ શકે એમ ન હોવાથી એણે પોતાની, ધીરજ ગુમાવતા પૂછ્યું.

"એ પહેલા તમે બંને મારી વાત સાંભળી લો. મે એ છોકરી માટે હા પાડી દીધી છે, જેને મમ્મી પપ્પાએ પસંદ કરી છે." ગ્રંથે બહુ જ શાંતિથી કહ્યું.

ભૂમિજા એ તો કોઈ જ પ્રતિક્રિયા ના આપી પણ તેજસ ક્રોધે ભરાયો. અને બોલવા લાગ્યો, "તું આવું કરી જ કેમ શકે?? તે જ તો કહ્યું હતું ને કે તું ક્યારેય ભૂમિજાનો સાથ નહિ છોડે!! તો પછી હવે શું થઈ ગયું તે તું આમ ફરી ગયો?? મે તને કહ્યું હતું ને કે આપણે બન્ને સાથે મળીને અંકલ આન્ટી ને સમજાવશું. તો પછી કેમ ગ્રંથ કેમ?? જવાબ આપ ગ્રંથ!!"

એકસાથે ઘણું બધું બોલી જવાથી તેજસને શ્વાસ ચડવા લાગ્યો એટલે એ થોડોક સમય રોકાયો. ફરી તેજસ પોતાના સવાલોનો મારો ગ્રંથ પર ચલાવે એ પહેલાં જ ભૂમિજા બોલી ઉઠી, "એ એમની લાઇફ છે. એના નિર્ણયો લેવાના હક માત્ર ને માત્ર ગ્રંથ તેમજ એમના મમ્મી પપ્પાને છે. અને એમ પણ એમને જે કંઈ પણ નિર્ણય લીધો છે, હું એણે આવકારું છું. અને તું પણ ગ્રંથના આ નિર્ણયને સ્વીકારી લે એ જ સારું રહેશે તારા માટે તેજસ!!"

"તમે બંનેએ તમારી વાત કહી. હવે હું કઈક કહું??" ભૂમિજા તેમજ તેજસ એમ બન્નેને ચૂપ કરાવવા માટે થઇને ગ્રંથ બોલ્યો.

"હા!!" તેજસ તથા ભૂમિજા બન્નેએ એકસાથે જ ગ્રંથને મંજૂરી આપી.

"આ રહ્યો એ છોકરીનો ફોટો. પહેલા એણે જોઈ લો." ગરિમા બહેનના ફોનમાં રહેલો ફોટો બતાવતા ગ્રંથે કહ્યું, "અને હવે બોલો. શું મારે આ છોકરી સાથે લગ્ન ના કરવા જોઈએ!!"

"આ?? અંકલ આન્ટીની પસંદ આ છે!! આ તો...." તેજસ અને ભૂમિજા બંને એકસાથે જ બોલી ઉઠ્યા.

પણ એ બન્ને આગળ કઈ બોલે એ પહેલા જ ગ્રંથે એમની વાત કાપતા એકદમ ઉત્સાહથી કહ્યું, "ભૂમિજા જ છે."

ગ્રંથ કઈ પણ વધારે જણાવે એ પેહલા જ તેજસ બોલ્યો, "એનો મતલબ એમ કે અંકલ આન્ટીને બીજું કોઈ નઈ પણ તારી જેમ જ ભૂમિજા પસંદ છે!!"

"હા!! હું ક્યારનો આ જ કહેવાની કોશિશ કરી રહ્યો હતો. પણ તમે બન્ને મને બોલવા જ નહોતા દેતા. બસ લેક્ચર પર લેક્ચર જ આપે જતા હતા!!" ગ્રંથ બોલ્યો.

"ભૂમિજા!! હવે તું પણ હા પાડી દે એટલે ખાલી તારા પેરેન્ટ્સને જ મનાવવાના બાકી રહે. ગ્રંથના મોમ ડેડ એ તો હા પાડી જ દીધી છે. હવે તું પણ જલ્દીથી હા પાડી દે ને please!!" તેજસએ એકદમ ઉત્સાહથી ભૂમિજાને મનાવતા કહ્યું.

"તેજસ!! એમને ફોર્સ ના કર!! ભૂમિજા એ હા પાડવી કે ના પાડવી એ એમને જાતે જ નક્કી કરવા દે." ભૂમિજા કઈ બોલે એ પહેલા જ ગ્રંથે તેજસને ટોકતા કહ્યું.

આમને આમ ત્રણેય મિત્રો વચ્ચે લેટ નાઈટ સુધી વાતો ચાલી. પણ ભૂમિજાને સવારે જલ્દી ઊઠવાનું હોવાથી એણે ગ્રંથ અને તેજસને મન ના હોવા છતાં પણ ગુડ નાઈટ કહીને ફોન કટ કર્યો. ગ્રંથ પણ પોતે છેલ્લી ત્રણ રાત્રિથી કોઈને કોઈ કારણસર સૂઈ ના શક્યો હોવાથી એણે પણ તેજસને ગુડ નાઈટ કહીને ફોન કટ કર્યો.

તરત તો ત્રણ માંથી એક પણ ને ઊંઘ ના આવી એટલે પથારીમાં પડ્યા પડ્યા ત્રણેય એક બીજા વિશે વિચારવા લાગ્યા. ભૂમિજા ગ્રંથ વિશે. ગ્રંથ ભૂમિજા વિશે અને તેજસ ગ્રંથ તથા ભૂમિજાના સબંધના ભવિષ્ય માં!! આમ વિચારોમાં ને વિચારોમાં જ ત્રણેય જણ સૂઈ ગયા, એક નવી સવારની રાહ જોતા જોતા!!

(( શું ભૂમિજા હા જ પાડશે?? ભૂમિજાના હા પાડ્યા પછી પણ શું એના માતા પિતા માનશે ખરા ગ્રંથ સાથે એના લગ્ન કરાવી આપવા માટે?? કેવું હશે ભૂમિજા અને ગ્રંથના સંબંધનું ભવિષ્ય?? આવા અગણિત સવાલોના જવાબો મેળવવા માટે થઇને વાંચતા રહો "સંબંધોની માયાજાળ" ))


(((( Bhumija ))))