ચોપન
“શું?” વરુણનો નિર્ણય સાંભળીને સોનલબાના મોઢામાંથી રીતસર ચીસ નીકળી ગઈ.
સોનલબાનો મોટો અવાજ સંભળાતા આસપાસ ઉભાં રહેલા વિદ્યાર્થીઓ આ ત્રણેય મિત્રો સામે જોવા લાગ્યા.
“હા, બેનબા. હું કોલેજ છોડીને જાઉં છું.” વરુણે પોતાનો નિર્ણય દોહરાવ્યો.
થોડો સમય ત્રણેય શાંત રહ્યા અને એકબીજા સામે જોતાં રહ્યાં. જો કે વરુણ મોટાભાગનો સમય નીચે, જમીન પર જ નજર ટેકવીને ઉભો રહ્યો. તેને ખબર હતી કે કૃણાલને તો તેનો નિર્ણય ગમ્યો જ નથી પરંતુ સોનલબાને તો તેના આ કઠોર નિર્ણયનું ખરું કારણ ખબર છે એટલે એ એમની સાથે આંખમાં આંખ મેળવીને વાત કરી શકવા માટે સક્ષમ ન હતો.
“રહેવા દો કૃણાલભાઈ, આપણે ભઈલાને ગમે તેટલો સમજાવીશું પણ એ નહીં માને. જો આપણે ફોર્સ કરીશું તો હમણાં થોડા સમય પહેલાં તમે જે વાત કરી એ એનું ગુમસુમપણું એ કોલેજમાં પણ લાવશે અને આપણા બધાંનો મૂડ ખરાબ કરશે. હું તો ફોર્મ ભરવા જાઉં છું, મારે સાડાદસની બસ છે ગાંધીનગરની, તમારે આવવું છે?” સોનલબાએ પહેલાં વરુણ અને પછી કૃણાલ સામે જોઇને કહ્યું.
“હા, હું પણ વહેલો ઘરે પહોંચી જાઉં એટલું સારું, પછી એસવાયની બુક્સ લેવા પણ જવાનું છે.” કૃણાલ સોનલબાની વાત સાથે સહમત થયો.
“તને ઉતાવળ ન હોય તો અમારી રાહ જોઇશ? કે પછી હવે આ સબંધ પણ તોડી નાખવો છે?” સોનલબાએ તીખી નજરે વરુણ સામે જોયું.
“ના, હું એલસી લઈને શિંગાળા સાહેબને મળવા જઈશ. હજી તો છું હું અહિયાં. પ્લસ કૃણાલને હું સાથેજ ઘરે જઈશું.” વરુણે ઢીલા અવાજમાં જવાબ આપ્યો.
સોનલબા વરુણ સામે ડોકું હલાવીને ફોર્મ જ્યાંથી મળતાં હતાં એ બારી તરફ ચાલવા લાગ્યા અને કૃણાલ પણ તેમની પાછળ દોરવાયો. આ બંનેને દૂર જતાં જોઇને વરુણની બંને આંખોમાંથી આંસુની નાનકડી ધાર બહાર નીકળી ગઈ.
પેન્ટના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને વરુણે પોતાની બંને આંખો લુછી, ત્યારબાદ વોટરરૂમમાં જઈને પાણીનો એક આખો ગ્લાસ ગટગટાવી ગયો, ફરીથી રૂમાલથી પોતાનું મોઢું સાફ કર્યું અને કોલેજની ઓફિસ તરફ ચાલવા લાગ્યો. ઓફિસમાં જઈને એલસીની અરજી કરવાનું ફોર્મ લીધું અને ત્યાં ખૂણામાં પડેલી એક ખુરશીમાં બેસીને તેણે સાથે લાવેલી ફૂલસ્કેપ બુકના ટેકે આખું ફોર્મ ભર્યું અને બે વખત વાંચી લીધું. ત્યારબાદ ફોર્મની નીચે આપેલી જગ્યામાં તેણે સહી કરી અને ક્લાર્કને આપી દીધું.
ફોર્મ વાંચીને ક્લાર્કે વરુણ સામે ધ્યાનથી જોયું, તે વરુણને ઓળખી ગયો, કારણકે વરુણ કોલેજની ટીમનો ક્રિકેટ કેપ્ટન હતો અને યુનિવર્સીટી ટુર્નામેન્ટ કોલેજને ત્રણ દાયકા બાદ જીતાડનાર કેપ્ટન તરીકે ખાસ્સો લોકપ્રિય પણ થયો હતો. ક્લાર્ક કશું બોલ્યો તો નહીં પરંતુ તેને વરુણ એલસી લેવા આવ્યો છે એ જાણીને આશ્ચર્ય થયું. વરુણને કોઇપણ પ્રકારની સલાહ આપવા માટે એ સક્ષમ ન હતો એટલે એણે પોતાનું કામ શરુ કર્યું.
“થોડી વાર લાગશે, એલસી તો હું તૈયાર કરી આપું છું પણ પ્રિન્સીપાલ સાહેબ મીટીંગમાં છે. તમારા સબ્જેક્ટના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ પણ એમની સાથેજ છે. જેવી મીટીંગ પતે એટલે એલસી પર બંનેની સાઈન કરાવી લઈશ. ત્યાં સુધી કશું કામ હોય તો પતાવી આવો.” ક્લાર્કે વરુણને કહ્યું.
“એપ્રોક્સીમેટ કેટલી વાર લાગશે?” વરુણે પ્રશ્ન કર્યો.
“કશું કહેવાય નહીં, પણ તમે મીનીમમ અડધો-પોણો કલાક ગણીને ચાલો.” ક્લાર્કે જવાબ આપ્યો.
“ઠીક છે. જો તમને વાંધો ન હોય તો આ મારો નંબર છે, કામ પતી જાય મને મિસ્ડ કોલ કરશો? હું સ્પોર્ટ્સ રૂમમાં જ હોઈશ, પ્રોફેસર શિંગાળા સાથે વાત કરવા જાઉં છું.” વરુણે પોતાની ફૂલસ્કેપ બુકમાંથી એક નાનકડી ચિઠ્ઠી ફાડીને એના પર પોતાનો મોબાઈલ નંબર લખ્યો અને ક્લાર્કને ચિઠ્ઠી આપી.
ક્લાર્કે ચિઠ્ઠી હાથમાં લઈને તેના પર લખેલો મોબાઈલ નંબર વાંચીને હકારમાં ડોકું ધુણાવ્યું અને વરુણ ઓફિસમાંથી બહાર નીકળી ગયો.
કોલેજની ઓફિસમાંથી સ્પોર્ટ્સ રૂમ તરફ જવા માટે પ્રોફેસર્સ રૂમ પાસેથી પસાર થવું ફરજીયાત હતું. જેવો વરુણ સ્પોર્ટ્સ રૂમ તરફ ચાલવા લાગ્યો કે અચાનક જ તેને આ હકીકતનું ભાન થયું અને તેને ડર લાગ્યો કે ક્યાંક પ્રોફેસર્સ રૂમ પાસેથી પસાર થતી વખતે સુંદરી રૂમમાંથી બહાર ન નીકળે અને તેનો સુંદરી સાથે સામનો ન થઇ જાય! અને જો એવું થાય તો ક્યાંક સુંદરી એમ ન માની બેસે કે પોતે બે મહિના પહેલાની ઘટના વિષે તેની સાથે ફરીથી ચર્ચા કરવા માંગે છે.
આ વિચાર આવતાંની સાથેજ વરુણ બે ઘડી તો જ્યાં હતો ત્યાં જ રોકાઈ ગયો, પરંતુ પછી તેણે વિચાર કર્યો કે તે આસપાસ જોયા વગર જ એકદમ તેજગતિથી પેસેજ પસાર કરીને સ્પોર્ટ્સ રૂમ તરફ જતો રહેશે. પોતાના આ નિર્ણય પર અમલ કરતાં વરુણ એકદમ તેજગતિએ પેસેજ પસાર કરવા લાગ્યો અને જેવો પ્રોફેસર્સ રૂમ નજીક આવ્યો કે તેણે પોતાની બંને આંખો જોરથી બંધ કરી દીધી અને એ દસ પંદર પગલાં એ જ રીતે ચાલી ગયો. પ્રોફેસર્સ રૂમથી થોડે જ દૂર આવેલા દરવાજામાંથી એ બહાર નીકળી ગયો અને બહાર આવેલા સ્પોર્ટ્સ રૂમ તરફ ચાલવા લાગ્યો.
“આવો આવો કેપ્ટન સાહેબ! કેમ છો? બેસો બેસો.” વરુણના સ્પોર્ટ્સ રૂમમાં પ્રવેશતાં જ સામે ખુરશી પર બેસેલા પ્રોફેસર શિંગાળાએ તેનું સ્વાગત કર્યું.
“ગૂડ મોર્નિંગ સર, કેમ છો?” વરુણે વળતો જવાબ આપ્યો અને ખુરશી પર બેઠો.
“શું આવ્યું રિઝલ્ટ?” પ્રોફેસર શિંગાળાએ પૂછ્યું.
“68 પર્સન્ટ!” વરુણે જવાબ આપ્યો.
“વેરી ગૂડ. બસ હવે કોલેજ ખુલે એટલે થોડા દિવસ તમે બધાં સેટલ થઇ જાવ, પછી પ્રેક્ટીસ શરુ કરી દઈએ. આ વખતે ચાન્સ જવા નથી દેવો. ગયા વખતે આપણે મોડું શરુ કર્યું હતું તો પણ ટુર્નામેન્ટ જીતી બતાવી. આ વખતે તો દેખાડી જ દેવું છે, અને જો આ વખતે પણ જીતીશું તો આવતે વર્ષે તારા લાસ્ટ યરમાં આપણે ટુર્નામેન્ટ જીતવાની હેટ્રિક બનાવીશું!” પ્રોફેસર શિંગાળાના ચહેરા પર રહેલો ઉત્સાહ જોઈ શકાતો હતો.
“સર, હું હમણાંજ એલસી ની એપ્લીકેશન આપીને અહીં આવ્યો છું.” વરુણ ઠંડાબોળ અવાજે કહ્યું.
“વ્હોટ? પણ કેમ?” પ્રોફેસર શિંગાળાનો ઉત્સાહ પળવારમાં જ ઓસરી ગયો.
“સર, કેટલાંક પર્સનલ રીઝન્સ છે.” સ્વાભાવિકપણે વરુણ કોલેજ છોડવાનું સાચું કારણ કહી શકે તેમ ન હતો.
“વેલ, પર્સનલ રીઝન તું મને નહીં કહે એ હું સમજી શકું છું, પણ મને એ જાણીને ખૂબ દુઃખ થયું કે તું એક ફાઈટર હોવા છતાં કોલેજ બદલવાની તારી જે કોઈપણ મજબુરી હોય તેની સામે ઝુકી ગયો. તું કોલેજને મીસ કરીશ કે નહીં તેની તો મને ખબર નથી પણ કોલેજ, તારી ટીમ અને હું તને ઘણું મીસ કરીશું. તે એક એવી ટીમના બીજ રોપ્યાં છે જે એક મજબૂત યુનિવર્સીટી ટીમ બનીને ઉભરી શકે છે અને જો એક પછી એક સારા ખેલાડીઓ આપણને મળતાં જશે તો આપણે ભવિષ્યમાં ઘણું સારું નામ કમાઈશું. ખેર, તે આ નિર્ણય લીધાં પહેલાં એક વખત મને પૂછ્યું હોત તો મને સારું લાગત. ઓલ ધ બેસ્ટ!” છેલ્લું વાક્ય બોલતાંની સાથેજ પ્રોફેસર શિંગાળા પોતાની ખુરશીમાંથી ઉભા થઇ ગયા અને વરુણની સામે પોતાનો હાથ લંબાવ્યો.
આમ અચાનક ઉભા થઇ ગયેલા પ્રોફેસર શિંગાળાને જોઇને વરુણને નવાઈ તો લાગી પણ તે આપોઆપ જ ઉભો થઇ ગયો અને પ્રોફેસર શિંગાળા સાથે હાથ મેળવ્યો. પ્રોફેસરના હાથમાં બિલકુલ ગરમાટો ન હતો તેનાથી વરુણને ખ્યાલ આવી ગયો કે તેઓ વરુણના નિર્ણયથી નિરાશ તો છે પણ કદાચ થોડા ગુસ્સામાં પણ છે અને હવે તે વરુણ સાથે એક મિનીટ પણ વાત કરવા નથી માંગતા.
વરુણ પ્રોફેસર શિંગાળા સામે પોતાનું ડોકું થોડું નીચું કરીને તેમને એ રીતે સન્માન આપીને સ્પોર્ટ્સરૂમની બહાર નીકળી ગયો. વરુણની આંખ ફરીથી ભીની થઇ ગઈ, તેને ખ્યાલ આવી રહ્યો હતો કે તેના આ જીદ્દી નિર્ણયને કારણે તેણે તેના ખાસ મિત્રો ઉપરાંત પ્રોફેસર શિંગાળાને પણ દુઃખ આપ્યું છે કારણકે બાકીના બે વર્ષમાં પ્રોફેસર શિંગાળા કદાચ વરુણના સબળ નેતૃત્ત્વમાં કોલેજની એક અતિમજબૂત ક્રિકેટ ટીમ ઉભી કરવા માંગતા હતા અને તેમનું એ સ્વપ્ન વરુણે આજે એક ઝાટકે તોડી નાખ્યું હતું.
વરુણની તકલીફ એ હતી કે તે સોનલબા સિવાય કોઈને પણ પોતાના આ નિર્ણયનું સત્ય જણાવી શકે તેમ ન હતો. સુંદરીને જો તેણે કોલેજમાં શાંતિથી પોતાનું કાર્ય કરવા દેવું હોય તો તેની પાસે બીજો કોઈજ વિકલ્પ ન હોવાનું વરુણ સમજી ચૂક્યો હતો. કોલેજ છોડવાનો નિર્ણય તેનો પોતાનો હતો અને હજી તેણે આ નિર્ણય પોતાના કુટુંબને પણ નહોતો જણાવ્યો. ઘરે જઈને એ પોતાના માતાપિતા અને બહેનને શું જણાવશે એ વિચારી રહ્યો હતો કે ત્યાંજ તેનો ફોન રણક્યો.
અજાણ્યો નંબર હતો એટલે વરુણે થોડીવાર તેના કટ થવાની રાહ જોઈ, પણ પછી ખ્યાલ આવ્યો કે તેણે કોલેજના ક્લાર્કને પોતાનો સેલફોન નંબર આપ્યો હતો અને એનું એલસી કદાચ તૈયાર થઇ ગયું હશે એટલે આ કૉલ કદાચ ક્લાર્કનો જ હોઈ શકે.
“હલ્લો?” કૉલ રીસીવ કરતાં જ વરુણ બોલ્યો.
“હલ્લો, વરુણ ભટ્ટ? હું દેસાઈ, ક્લાર્ક બોલું.” વરુણની ધારણા અનુસાર સામે કોલેજનો ક્લાર્ક દેસાઈ જ બોલી રહ્યો હતો.
“હા, બોલો દેસાઈ સાહેબ.” વરુણે જવાબ આપ્યો.
“તમારું એલસી રેડી છે, પ્રિન્સીપાલ સાહેબે સાઈન કરી આપી છે પણ તમે જરા પ્રોફેસર્સ રૂમમાં જઈને જયરાજ સર પાસેથી કલેક્ટ કરી લેશો? એમણે સાઈન કરીને મારી પાસેથી લઇ લીધું હતું અને મને કહ્યું છે કે હું તમને મેસેજ આપું કે તમે તમારું એલસી પ્રોફેસર્સ રૂમમાં હિસ્ટ્રીની કેબીનમાં એમની પાસેથી લઇ લો. ઓકે? મુકું.” આટલું કહીને ક્લાર્ક દેસાઈએ કોલ કટ કરી દીધો.
હવે વરુણને ગભરામણ શરુ થઇ ગઈ. પહેલાં તો એને વિચાર આવ્યો કે જયરાજે કેમ તેનું એલસી દેસાઈ પાસેથી પોતાની પાસે રાખી લીધું અને કેમ તે તેને હાથોહાથ આપવા માંગે છે? જયરાજનું વરુણ પ્રત્યેનું ખુન્નસ પોતે આખું વર્ષ જોઈ ચૂક્યો હતો એટલે વરુણને બીક લાગી કે ક્યાંક એલસી આપવામાં જયરાજ કોઈ નાટક તો નહીં કરેને?
વરુણને વધુ ડર એ વાત નો હતો કે તેણે એલસી લેવા હિસ્ટ્રીની પ્રોફેસરોની કેબિનમાં જવાનું છે જ્યાં સુંદરી પણ કદાચ હાજર હશે. વરુણ અત્યારસુધી સુંદરીથી બચવા આ બધું કરી રહ્યો હતો, એલસી લેવાનો તેનો નિર્ણય જ સુંદરીથી કાયમ માટે દૂર થઈને તેને કોઈ તકલીફ ન પડે એ ચોક્કસ કરવા માટે લીધો હતો અને હવે તેને નછુટકે સુંદરી સામે જવું પડશે.
જયરાજને મનોમન ગાળો દેતાં વરુણ ફરીથી દરવાજામાંથી કોલેજમાં પ્રવેશ્યો અને તેણે ધડકતા હ્રદયે પ્રોફેસર્સ રૂમનો દરવાજો ખોલ્યો.
==:: પ્રકરણ ૫૪ સમાપ્ત ::==