સમયને અનુકૂળ રહીને જીવવું પડે છે,
દિલ પર પથ્થર રાખી હસવું પડે છે,
દોસ્ત! અડચણો હોય ઘણી માર્ગમાં
છતાં જીવનના સફરમાં વધવું પડે છે!
મીરાંના દિવસો ઘરમાં જ રહીને વીતવા લાગ્યા હતા. મીરાં પોતાની બધી જ ઈચ્છાઓને મારીને જીવન વિતાવવા લાગી હતી. દિવસ તો કામ માં પસાર થઈ જતો પણ રાત અનેક વિચારોના લીધે લાંબી જ રહેતી. મીરાંનું અમનની સાથોસાથ સામાન્ય જીવન પણ છૂટી ગયું હતું. કૉલેજ પણ અધૂરી રહી, કોઈ કલાસ શીખવાની ઈચ્છા કે પોતાના પગ ભર રહી પોતાનું અસ્તિત્વ બનાવવાની ખેવના જાણે એક બંધ રૂમમાં જ કેદ થઈ ને અટકી ગઈ હતી. મીરાં અન્ય છોકરીઓ ની જેમ તો નહીં પણ પોતાની બેન થી પણ અલગ જીવન જીવવાની ફરજ મીરાંના પપ્પા દ્વારા મીરાં પર થોપાણી હતી. મીરાંની બહેન કોલેજ જતી, મોબાઈલ વાપરતી અને ઈચ્છા મુજબ અત્રતત્ર બહાર પણ જતી. મીરાં આ બદલાવ ચલાવી તો લેતી પણ તેના મનમાં એક સણસણતો પ્રશ્ન હંમેશા રહેતો કે માતાપિતા પોતાના બાળક થી વિષેશ અન્ય વ્યક્તિઓને મહત્વ આપે છે કે પોતાની સમાજમાં પ્રતિષ્ઠામાં ખલેલ ન પહોંચે એ તકેદારીમાં સત્યથી જ અળગા રહે છે.... આ વાત મીરાંને ખુબ પરેશાન કરતી હતી. મીરાં પોતાની ખુશીથી દૂર રહીને ઘરના દરેકને મહત્વ આપતી કે જે દર્દ મને પરિવારથી થયું એ મારે લીધે પરિવારના કોઈ સભ્યને ન થાય! આમનેઆમ દિવસો વર્ષોમાં વીતવા લાગ્યા હતા, પણ મીરાંની જિંદગી ત્યાં જ અટકી હતી સિવાય કે સમય...
આ તરફ અમન વિચારતો કે ક્યારે તે મીરાંની જોડે શાંતિથી બેસીને બેઘડી વાત કરી શકશે એ આશામાં દિવસ પૂરો થતો હતો, ક્યારેક મીરાં પરિવાર સાથે બહાર નીકળે તો ક્ષણિક અમન એને જોઈને મન મનાવી લેતો કે આજે નહીં તો કાલ બધા મારા અને મીરાંના પ્રેમને સમજશે...
હું રાહી અને તું માર્ગ, એમ માની છુટા રહી પણ જાણે સહજીવનરૂપી જીવન વીતી રહ્યું છે,
દોસ્ત! જોને તારી રાહમાં જ જીવન વીતી રહ્યું છે!!
એક ધારી વહેતી નદીમાં પણ બદલાવ આવે છે, આ તો મીરાંની જિંદગી હતી વર્ષોની તપસ્યા બાદ હવે એ મોકળા મને પોતાની માતા સાથે વાત કરશે એ ઘડી વિધાતાની લખેલી મીરાંએ ભજવવાની હતી.
મીરાં અને અમન પુખ્ત વયના હતા જ આથી અત્યાર સુધી સમાજમાંથી આવેલ બંને માટેની લગ્ન માટેની પસંદગી ને કોઈને કોઈ કારણ આપી વધુ વેગ આપવાનું બંનેના પરિવારના સભ્યો ટાળતા હતા. અમન દ્વારા તો ચોખ્ખી વાત પરિવારમાં રજુ થઈ જ ગઈ હતી કે હું મીરાં સિવાય કોઈ અન્યને મારા જીવનમાં લાવીશ જ નહીં, પણ મીરાં સાથે હવે એના પરિવારમાં આગળ શું કરવું એ ચર્ચા થવાની હતી.
એક સાંજે મીરાંના મમ્મીએ મોકો જોઈને વાતને મીરાં સમક્ષ ઉચ્ચારી કે તારી બધી જ સખીઓ અને આપણા કુટુંબની બધી જ તારી ઉંમરની દીકરીઓ માતા બનવાનું સૌભાગ્ય પામી ચુકી છે મને ક્યારે તારા પર પીઠી લગાવવાનો અવસર મળશે? મીરાં અચાનક જ મમ્મી દ્વારા થયેલ વાતથી થોડી ગભરાય ગઈ આથી એ ચૂપ જ રહી, પણ આજ એની મમ્મીને મીરાંના મનને જાણવું જ હતું. એમણે સીધું જ ફરી પૂછ્યું કે મીરાં તું શું વિચારે છે?
મીરાંએ આટલા સમય સુધી જે મૌન રાખ્યું હતું એ આજ તોડ્યું, મમ્મી તમે હજુ સુધી મારા અને અમનના પ્રેમની પવિત્રતા સમજી શક્યા નહીં? ૬ વર્ષ થયા હું તમારી નજર કેદમાં જ રહું છું પણ મારા અંતઃમનમાં રહેલ અમનને તમે હજુ નહીં જોઈ શક્યા?
મીરાંના સણસણતા જવાબથી મીરાંના મમ્મી એકદમ છક થઈ ગયા. એમણે પોતાના ગુસ્સા પર કાબુ લઈને મીરાંને સમજાવતા કહ્યું કે, 'બેટા અમનના નાત થી મને તકલીફ છે જો એ હિન્દૂ હોત તો હું ખુદ એને સ્વીકારત અને તારા પપ્પાને પણ સમજાવત પણ એ હિન્દૂ નથી આથી તું ભૂલી જા.. અમારે તારા બાદ તારી બહેન નું પણ ભવિષ્ય જોવાનું છે, હવે તારી ઉમર ઘણી વધી છે તું કોઈક આપણી નાતના છોકરાને પસંદ કર અને અમનને ભૂલી જા.'
મીરાંની આંખ આટલું સાંભળતા જ ભરાય ગઈ અને એ બોલી હું મને જ ભૂલી જાવ એ શક્ય જ નથી મમ્મી...
મમ્મીએ ફરી સમજાવતા કહ્યું કે તું આમ જીદ કરે તો તારું તો ઠીક પણ તું તારી બેનના જીવનમાં પણ અડચણ ઉભી કરે છે, એના માટે અમારે સામેથી સગપણ લઈને જવું પડે, અને સામે વારા તરત કહે મોટી બેનનું ક્યાં નક્કી છે તો અમારે શું કહેવું? કંઈક તો વિચાર મીરાં આમ જીદ લઈને બેઠી છો એ તારી જીદ તારી સાથોસાથ તારી બેનનું જીવન પણ બગાડશે..
મમ્મીના મુખે આવું સાંભળી મીરાં બોલી, 'તમે જે છોકરો મારે માટે પસંદ કરો એ મારે મન સ્વીકાર્ય, મારે એ છોકરાને જોવો પણ નહીં, હું એને પરણી જઈશ પણ મારા જીવનમાં અમન નહીં હોય છતાં મારા દરેક ધબકારા અમનના નામે જ ચાલશે.. તમે મારા તરફથી જે પણ સગપણ આવે તેને હા કહી દેજો. પણ જો ૨ વર્ષ સુધીમાં તમે મારે લાયક કોઈ છોકરો શોધી ન શક્યા તો તમારે મને અમન જોડે રાજીખુશીથી પરણાવી પડશે...
દોસ્ત! મૌન તૂટ્યું છે આજ વર્ષો બાદ 'પ્રેમદિવાની' મીરાંનું,
શું વચનબદ્ધ રહી ખીલશે ભાગ્ય 'પ્રેમદિવાની' મીરાંનું?
શું મીરાંના માતાપિતા યોગ્ય મુરતિયો શોધી શકશે?
શું મીરાંનો પવિત્રપ્રેમ આ સ્થિતિને જીતી શકશે?
જાણવા વાંચતા રહો 'પ્રેમદિવાની'...