Personal Diary - Tere Dwar Khada Bhagwan in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - તેરે દ્વાર ખડા ભગવાન

Featured Books
Categories
Share

અંગત ડાયરી - તેરે દ્વાર ખડા ભગવાન

અંગત ડાયરી
============
શીર્ષક : તેરે દ્વાર ખડા ભગવાન
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૧૩, ડીસેમ્બર ૨૦૨૦, રવિવાર
એક સંતે એક મસ્ત ઉદાહરણ આપેલું. નોકરને ત્યાં લગ્ન પ્રસંગમાં શેઠે, શેઠાણીને હેલ્પફૂલ થવાના આશયથી વહેલા મોકલ્યા. સવારમાં સજીધજીને શેઠાણી નાની અમથી શેરીની છેલ્લી ડેલીમાં પ્રવેશ્યા. નોકરની વહુ મહેમાનો માટે ચા બનાવી રહી હતી. શેઠાણીએ જઈ જેવું પૂછ્યું કે ‘કંઈ કામ હોય તો કહો...’ કે તરત જ વહુએ સાવરણો પકડાવી ફળિયું વાળી નાંખવાનું કામ સોંપી દીધું. શેઠાણી તો બિચારા કામે લાગી ગયા. અર્ધી કલાકમાં શેઠ પણ તૈયાર થઈને ત્યાં પહોંચ્યા. તેઓ તો લઘર વઘર હાલતમાં શેઠાણીને જોઈ ચોંકી જ ઉઠ્યા. લગ્ન બાદ પાછા ફર્યા ત્યારે શેઠે સોગંદ ખાધા કે હવે તને આવા અણસમજુને ત્યાં કદી નહી મોકલું.

આપણેય કેવા વિચિત્ર અણસમજુ છીએ નહિં? દસ હજાર વર્ષ પહેલા રામ આપણે ત્યાં આવ્યા તો એમની મહેમાનગતિ કરવાને બદલે, આરતી ઉતારવાને બદલે ચૌદ વર્ષ વનમાં મોકલી દીધા. કશા જ વાંક-ગુના વિના ભૂખ્યા તરસ્યા વનવાસ પૂરો કરી ચૌદ વર્ષ બાદ પાછા ફર્યા તો શંકા-કુશંકાઓ કરી પતિ-પત્નીને નોખાં કરી દીધા. એ પછી પાંચ હજાર વર્ષ બાદ કૃષ્ણ કનૈયો આવ્યો તો એના માતા-પિતાને જેલમાં નાંખી દીધા હતા. પૂતનાએ ઝેર પાવા પ્રયત્ન કર્યો. સમાજના શિશુપાલોએ એને બેફામ ગાળો ભાંડી. એણે પોતાનો જીવ બચાવવા સતત ઝઝૂમવું પડ્યું. ચૌદ લોકના ધણીને ભાવતાં ભોજન કરાવવાને બદલે આખી જિંદગી એને પજવ્યે જ રાખ્યો. આપણી મનોદશા(કે સમાજ વ્યવસ્થા કે પરિપક્વતા) પેલા નોકરની વહુની જેમ કેવી વિચિત્ર છે નહીં? શું હાલત કરી રામ અને કૃષ્ણની? બ્રહ્માંડની કોઈ ભવ્ય હવેલીમાં બેઠેલો કોઈ મોટો શેઠ પોતાના વહાલા રામ કે કૃષ્ણને ફરી આપણી પાસે મોકલશે ખરો? કે પછી ઉપરના ઉદાહરણ વાળા શેઠે જેમ સોગંદ ખાઈ લીધા એમ આપણા જેવા અણસમજુના ફળિયામાં પગ નહીં મૂકવાના સોગંદ ખાઈ લીધા હશે?

ક્યાંથી શરૂઆત કરીશું સુધરવાની? તમે કહેશો કે રામને લાલચુ કૈકેયી કે અહંકારી રાવણ જેવાઓએ પરેશાન કર્યા આપણે નહીં કરીએ. કેમ? શું આપણે લાલચુ કે અહંકારી નથી એની ગેરંટી આપી શકીએ એમ છીએ? તમે કહેશો કે કૃષ્ણ કાનુડા સાથે આપણે કંસ કે શિશુપાલ નહીં, ગોપી કે અર્જુન જેવો વ્યવહાર કરીશું. તો હું પૂછું છું કે શું આપણામાં ગોપી જેવું ભોળપણ, શ્રધ્ધા, ભક્તિ અને ભાવ છે એની ગેરંટી આપી શકીશું?

અમારા એક મિત્રે એના ગ્રુપમાં કહ્યું : ‘હું તો સાવ ભોળો ભટાક છું.’ ત્યાં તો એનું આખું ગ્રુપ એના પર તૂટી પડ્યું. તમેય તમારા શેરી મિત્રોને કે તાલી મિત્રોને કે જેમાં સુખ-દુઃખ વામતા હો એવા મિત્રોને જરાક પૂછી લેજો : “શું તમે ભોળા છો? પરમ ભક્તિ કે શ્રદ્ધાવાળા છો?” જે દિવસે આપણામાં ગોપીત્વ કે અર્જુનત્વ કે લક્ષ્મણત્વ કે શબરીત્વ પ્રગટશે તે દિવસે કૃષ્ણત્વ કે રામત્વ આપોઆપ લોહચુંબકની જેમ આપણને પોતાની પાસે ખેંચી લેશે.

લોહચુંબક એટલે ચુંબકત્વનો દેહ, સ્થૂળસ્વરૂપ. રામ એટલે રામત્વ અને કૃષ્ણ એટલે કૃષ્ણત્વનું સાક્ષાત સ્વરૂપ. રામત્વ કે કૃષ્ણત્વ એટલે દૈવત્વ. આપણે મનુષ્યત્વ અને પશુત્વની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છીએ. શબરી, હનુમાનજી, વિભીષણ જેવા રામયુગીઓએ ભીષણ ગરીબી, હદબારની ચંચળતા અને રાક્ષસી લોકોની વચ્ચે રહીને પણ ભીતરી પશુત્વને પરાસ્ત કરી, મનુષ્યત્વ ખીલવી દૈવત્વની ઉપાસના કરી હતી એટલે જ રામ એમના આંગણે આવી ઊભા હતા. તમે પ્રસાદની થાળીમાં ગમે એટલા મોંઘા પકવાન ધરાવો પણ શબરીના બોરમાં રહેલું દૈવત્વ જો નહીં હોય તો રામને નહીં ગમે. તમે ભલેને સોનાનો હાર લઇને ઊભા હો, પણ જો સીતા જેવું સતીત્વ તમારામાં નહી હોય તો રામ તમારા સ્વયંવરમાં નહીં આવે. રામત્વ કેવળ મર્યાદા, વચનપાલન અને પરિવાર પ્રેમથી જ આકર્ષાય છે. કૃષ્ણત્વ કેવળ ઈમાનદાર કર્મ, કૃતિશીલ ભક્તિ અને ભક્તિભર્યા જ્ઞાનથી જ આકર્ષાય છે એવું મારું માનવું છે. તમે શું માનો છો? કૃષ્ણત્વના દર્શન કેવળ મંદિરમાં જ નહીં દુકાને આવતા ગ્રાહકમાં, તમારી પાસે ભણતા વિદ્યાર્થીમાં, મતદાતામાં, કર્મચારીમાં, નોકરમાં, પટાવાળામાં પણ કરવાનો રિયાઝ શરૂ કરી દેવો જોઈએ. કોણ જાણે ક્યારે ભગવાન ક્યા સ્વરૂપે કાઠિયાવાડમાં (કે અમદાવાદમાં કે મુંબઈમાં કે આપણા ગામમાં કે આપણી શેરીમાં) ભૂલો પડી જાય અને આપણી સામે ક્યા સ્વરૂપે ઊભો રહી જાય એ કંઈ કહેવાય નહીં. શબરીને જ પૂછી લો ને?

ઋષિઓએ એ રિયાઝ કે પ્રેક્ટીસ માટે જ આપણને તુલસીના છોડમાં ભગવાન જોવાનું હોમવર્ક આપ્યું હશે? તુલસીથી શરૂ કરીશું તો બાવળમાં પણ કૃષ્ણત્વ દેખાશે. ગાયમાં જો ઈશ્વરદર્શનની પ્રેકટીસ શરૂ કરીશું તો ધીરે ધીરે શિયાળ, સિંહ કે સાપમાં પણ એ દેખાશે. બસ જો આ ટેવ વિકસી ગઈ તો કદાચ છેલ્લો દિવસ આવશે એ પહેલા એક વાર ભીતરી કૃષ્ણત્વનો સાક્ષાત્કાર પણ થઇ જશે.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)