નારદે એનું ચાપલુસીનું કામ કરી દીધું છે એ વાતથી કાળહવેલીની સ્ત્રીઓ સાવ અજાણ છે. એ તો દિવસે દિવસે એનો બધો જુસ્સો અને ગુસ્સો કટારના કરતબથી વર્ણવે છે. જોશીલા લડવૈયાની માફક તમામ વિધવાઓ હવે લડાયક મૂડમાં જ હતી.
આ બાજુ ચતુરદાઢી એવી કંઈ યોજના બનાવી શકાય જેનાથી જમીનદાર પણ ખુશ અને પોતે પણ જીત્યો છે એવી બમણી ખુશી મેળવી શકે એવી વ્યવસ્થા થઈ શકે કે કેમ? એવું વિચારતા વિચારતા દાઢીમાં હાથ ફેરવતા ચકરાવે ચડ્યો છે. ત્યાં જ કોઈ નાની બાળકી ઝાંઝરીની ઝણકારે દોડતી આવી એની પાસે. એના હાથમાં પ્રસાદ હતો મા જગદંબાનો. એ પ્રસાદ આપી હસતી હસતી જતી રહે છે. એના પગના અંગૂઠાનું પૂજન થયેલું હશે એવું ચતુર દાઢીએ જોયું. એને સટ્ટાક કરતો મગજમાં વિચાર સળવળ્યો. એ તો દાઢીને પંપાળતાં પોતાના નસીબને શાબાશી આપે છે ને પોતાનો વિચાર જમીનદાર સમક્ષ રજૂ કરવા જાય છે.
જમીનદાર પોતાના શયનખંડમાં આડે પડખે એની પત્ની સાથે શતરંજના દાવ ખેલી રહ્યો હોય છે. એક માણસ આવીને એને ચતુરનો સંદેશો આપી જાય છે. જમીનદાર પણ માથે પાઘડી ચડાવી અને મૂંછોને વળ ચડાવી જાણે એક નવી શરૂઆત થશે એની જીંદગીની એવા અભરખે હાથ મસળતો મસળતો ઓરડાની બહાર નીકળે છે.
ચતુરદાઢી અને જવાનસંગ મીઠી છાસનો કળશો હાથમાં લઈને વાતચીત કરે છે. જવાનસંગને મનોમન જવાની ફૂટતી હોય એમ એની આંખોમાં વિકાર પેદા થાય છે. નશો વાસનાનો ઉંમર પણ ભૂલી જાય છે એ વાત અહીં સાચી સાબિત થતી હતી. ચતુરે એની યોજના સંભળાવી. જમીનદારે તો ચતુરને ગળે વળગાડી આભાર વ્યક્ત કર્યો.
બીજે દિવસે વહેલી સવારે શુભ મુહૂર્તમાં મંદિરના પૂજારીને જમીનદારને ઘરે પહોંચવાનું નિમંત્રણ મોકલાય છે. પૂજારી મનમાં ફફડતો ફફડતો એ આંગણે પગ મૂકે છે કે જમીનદારની પત્ની કેસરવાળું દૂધ આપે છે. ત્યાં જમીનદાર પણ પહોંચે છે. એ પૂજારીને કહે છે , "આપણા આ નવું મંદિર બની ગયું છે હવે આપ પ્રાણપ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત કાઢો. આજુબાજુના ચૌદ ગામને ધુમાડાબંધ જમાડવું છે. એ મુહૂર્તમાં મને વિચાર આવે છે કે આપણે આ બધી વિધવાઓને આ વખતે હાજર રાખી એમાં જે નાની ઉંમરમાં પરણી હોય ને સંસારસુખ નથી માણી શકી એમને ફરી પરણાવી. આ એક સમાજ માટે ઉત્તમ પગલું રહેશે. હું અને મારી ધર્મ પત્નીઓ બધી વિધવાઓના પગ પૂજી, ધોઈ અને એ પાણી માથે ચડાવશું.જેથી કોઈની આત્મા ન દૂભાય."
પૂજારી અને જમીનદારની પત્ની તો આ વાત સાંભળી અવાચક બની ગયા. આવો સરસ વિચાર આવા ક્રુર માણસને આવી શકે? આવ્યો તો પણ પગ ધોશે કે પછી પ્રપંચ જ હશે?
પૂજારીએ નોરતાની દશેરાના શુભ મુહૂર્તનું કહ્યું. જવાનસંગે પણ આ વાત સ્વીકારી.
આ વાત વાયુવેગે આખા પંથકમાં ફેલાઈ ગઈ. બધાએ જમીનદારની 'વાહ વાહ' જ કરી. કાળુ ભા સુધી પણ વાત પહોંચી. એ પણ અંતરમનથી ખુશ હતા કારણ એ દિકરીના પિતા હતા. ફરતી બાજુ તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ. ખર્ચો તો અઢળક થવાનો હતો પણ શ્યામલીને મેળવવી એ જ એક ધ્યેય હતું.
આ વાત કાળહવેલીમાં પણ નારદે જણાવી. બધી સ્ત્રીઓ ખુશીથી ઉછળી પડી. એક શ્યામલી અને રૂકમણીબાઈ જ એ હરામખોરની નિયત જાણતા હતા. એ બે સિવાય બધા એ દિવસની રાહ જોતા હતા. એ જ રાત્રે રળિયાત બાએ બધાને કહ્યું કે "આવી લોભામણી ખુશીની વાત શંકાસ્પદ છે. તમે વિશ્વાસ ન કરતા આ વાત પર. નક્કી કોઈ કાવતરું ફરી ઘડાયું હશે. આ કાગડો એમ કાંઈ રામનું નામ નથી લે એમ."
બધી સ્ત્રીઓએ નક્કી કર્યું કે એ દિવસે સ્થળે જવાનું અને માહોલ મુજબ જ વર્તન કરવાનું. એક વાત બીજી કમરે કટાર તો રાખવાની જ. બધાએ આ વાતને હામી ભરી અને માનસિક રીતે સજ્જ રહેવા માટે કોઈ જ પ્રલોભનોથી દૂર રહેવાનું પણ સ્વીકાર્યું.
------------- (ક્રમશઃ) -------------
લેખક : શિતલ માલાણી
૨૫-૧૦-૨૦૨૦