પ્રતિશોધ તૃતીય અંક:
ભાગ-19
માધવપુર કિલ્લો, રાજસ્થાન
વલીદ અને તાંત્રિક જુમાનને લઈને ક્રિસ્ટોફર જ્યારે માધવપુર પહોંચ્યો ત્યારે સાંજના પાંચ વાગી ચૂક્યા હતા. રેહાના, યુસુફ અને જુનેદ આતુરતાપૂર્વક એમની રાહ જોઈ રહ્યા હતા.
કાળા રંગના વસ્ત્રોમાં સજ્જ, માથે તિલકધારી, આધેડ વયના જુમાનને રેહાના આજે પ્રથમ વખત મળી રહી હતી. જ્યારે યુસુફ અને જુનેદ માટે તો ક્રિસ્ટોફર, વલીદ અને જુમાન ત્રણેયને મળવાનો આ પ્રથમ અવસર હતો.
"ક્યાં છે સમીર?" રેહાનાની નજીક પહોંચતા જ ક્રિસ્ટોફરે સવાલ કર્યો.
"ત્યાં.." સમીર, આધ્યા, જાનકી અને રાઘવને જ્યાં કેદ રખાયા હતા એ સ્થાન તરફ આંગળી કરતા રેહાના બોલી. "આ તો નસીબજોગે સમીર મને ભટકાઈ ગયો, નહિ તો જો એ બીજા કોઈ જોડે પહોંચી ગયો હોત તો આપણી આખી યોજના પર પાણી ફરી વળત."
"તારી વાત સાચી છે રેહાના." શાંત સ્વરે ક્રિસ્ટોફર પોતાની ભૂલ કબૂલતા બોલ્યો. "રાકા અને એના માણસોને છેતરીને સમીર ભાગી જશે એવો મને ખ્યાલ હોત તો હું સમીરને સાચવવાનું કામ એ રાકાના બચ્ચાને આપત જ નહીં."
"સમીરની સાથે બીજા ત્રણ જણા પણ છે..એની પત્ની આધ્યા, આધ્યાની બહેન જાનકી અને સમીરનો કલીગ રાઘવ; એ ત્રણેયને પણ અમારે નાછૂટકે કેદ કરી અહીં લાવવા પડ્યા."
"સારું કર્યું..જો એ લોકો આપણી કેદમાં હશે તો સમીર ઈચ્છવા છતાં પણ ભાગવાની કોશિશ નહિ કરે." વલીદે કહ્યું.
"તો પછી હવે બલી માટેની તૈયારીઓનો આરંભ કરીએ." ક્રિસ્ટોફરે ઉત્સાહિત સ્વરે કહ્યું.
"હા કેમ નહિ, આખરે બસો વર્ષ બાદ શૈતાનનું સામ્રાજ્ય આ જગતને આવરી લેવાનું છે." રેહનાના અવાજમાં ગજબનો ઉમળકો હતો.
આ સાથે જ વલીદ અને જુમાન કારમાંથી અમુક વસ્તુઓ લઈ આવ્યા. આ સાથે જ એ લોકોએ સાથે મળીને કાલરાત્રીને જીવિત કરવા માટે જરૂરી વિધિની તૈયારીઓ આરંભી દીધી. એક શૈતાનને જીવિત કરવા માટે છ લોકો સાથે મળીને જે પ્રકારે કામમાં જોતરાઈ ગયા હતા એ જોઈને એક વાત તો સ્પષ્ટ હતી કે જો આજે એમની વિધિ યોગ્ય રીતે પૂર્ણ થશે તો એ બધા શૈતાનના ખાસ સેવકમાં સુમાર થઈ જવાના હતા. જેનો અર્થ હતો ઈચ્છા મુજબનું જીવન અને એશોઆરામ.
**************
રાતના દસ વાગે એ લોકોએ શૈતાનને જીવિત કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી. કિલ્લાની મધ્યમાં ખુલ્લી જગ્યાએ એક વર્તુળ બનાવવામાં આવ્યું જેની ફરતે મીણબત્તીઓ ગોઠવવામાં આવી. આ વર્તુળની અંદર એક પેન્ટાગોન બનાવવામાં આવ્યો..જેની મધ્યમાં કાલરાત્રીની ખોપડીને રાખવાની હતી.
પોતાની સાથે લાવેલ બકરીના કપાયેલા માથા અને ધુવડની પાંખોને એ લોકોએ પેન્ટાગોનની મધ્યમાં મૂકી. ત્યારબાદ વર્તુળથી પાંચેક ફૂટ દૂર ચાર અલગ-અલગ દિશામાં ચાર ખાડા કરવામાં આવ્યા જેની અંદર ક્રિસ્ટોફરે થોડું સોનું નાંખી એ ખાડાને પાછા પુરાવી દીધા.
"જાઓ, હવે સમીરને અહીં લેતા આવો." રાતના સાડા દસ થયા હતા ત્યારે ક્રિસ્ટોફરે જુનેદ અને વલીદને ઉદ્દેશીને કહ્યું.
ક્રિસ્ટોફરનો હુકમ માથે ચડાવી એ બંને સમીર જ્યાં કેદ હતો એ તરફ અગ્રેસર થયા. ભૂખ અને તરસથી થાકીને ચકનાચૂર થયેલા સમીરને એ લોકો ઢસડીને બહાર લઈ આવ્યા. આધ્યા, જાનકી અને રાઘવે એમને આમ કરતા અટકાવવા માટે કોશિશ કરવાનું વિચાર્યું પણ એ લોકોને જે રીતે બાંધવામાં આવ્યા હતા એના લીધે એ લોકો આમ કરી ના શક્યા.
આધ્યાના આંસુઓથી ખરડાયેલા ચહેરા પર ધ્યાન આપ્યા વિના જ વલીદ અને જુનેદે સમીરને બાવડેથી પકડ્યો અને એને લઈને બહાર નીકળી ગયા.
સમીરનું મોત હવે ખૂબ નજીક છે એમ વિચારી આધ્યાની આંખે અંધારા આવી ગયા અને આઘાતથી એ બેહોશ થઈ ગઈ. જાનકીની પણ દશા કંઈક આવી જ હતી. એક ખાલી રાઘવ જ હતો જે આવી પરિસ્થિતિમાં પણ શાંતિથી વિચારવાની કોશિશ કરી રહ્યો હતો. અચાનક રાઘવની નજરે દીવાલમાં રહેલો એક પથ્થર ચડ્યો..કોઈક કલાકૃતિના ખંડન બાદ વધેલો એ પથ્થર ધારદાર હતો એ નજરે ચડતા જ રાઘવે છેલ્લી કોશિશ કરવાનું મન બનાવી લીધું અને એ પોતાની પૂંઠે ઘસડાતો-ઘસડાતો પથ્થર ભણી આગળ વધ્યો.
************
રેહાનાના કહેવાથી જુનેદે ગુજરાલની સર્વિસ રિવોલ્વર વડે ગુજરાલ અને ગણપતના શરીરમાં એક-એક ગોળી ધરબી દીધી હતી. જુનેદને હતું કે બેભાનવસ્થામાં પડેલા ગુજરાલ અને ગણપત આટલી નજીકથી ગોળી વાગવાના લીધે પ્રભુને પ્યારા થઈ ગયા હશે. જુનેદે છોડેલી ગોળી ગણપતને તો છાતીમાં વાગી હતી પણ ગુજરાલ પર ચલાવેલી ગોળી એના ખભામાં ઉતરી ગઈ હોવાથી એ જીવિત બચી ગયો હતો.
ઝાડીઓમાં ઘોર અંધકાર હોવાથી જુનેદ આ જોવામાં અસમર્થ નીવડ્યો અને ગુજરાલ તથા ગણપત બંનેનું પોતે કામ તમામ કરી દીધું છે એવા અનુમાન સાથે રેહાના અને યુસુફ સાથે સ્કોર્પિયોમાં આવી ગોઠવાઈ ગયો.
બેહોશ પડેલો ગુજરાલ ગોળી વાગવાના લીધે વધુ ઊંડી બેહોશીમાં સરી પડ્યો. સતત લોહી વહી જવાનાં લીધે ગુજરાલની શક્તિ હણાઇ ગઈ હતી. આમ છતાં મક્કમ ઈરાદા અને ઉમદા શારીરિક ક્ષમતાના લીધે ગુજરાલ ભાનમાં આવી ગયો. ગુજરાલે જોયું તો એની બાજુમાં લોહીથી ખરડાયેલી ગણપતની લાશ પડી હતી અને પોતાનો ખભો પણ રક્તભીનો થઈ ચૂક્યો હતો.
ગોળી વાગવાના લીધે ખભામાં પીડાના સણકા આવી રહ્યા હોવા છતાં ગુજરાલ હિંમત એકઠી કરીને ઝડીઓમાંથી બહાર નીકળ્યો અને મદદ મેળવવાની આશાએ મુખ્ય માર્ગની શોધમાં નીકળી પડ્યો.
શરીરમાં હવે થોડીઘણી શક્તિ પણ બચી નહોતી છતાં માધવપુરના રાજકુમાર સમીર અને એની શોધમાં આવેલા એના સ્નેહીજનોને બચાવી લેવાના ઈરાદાથી કોઈપણ ભોગે ગુજરાલ માધવપુર પહોંચવા માંગતો હતો. રેહાના અને એનો પતિ પોતાની આ દશા માટે જવાબદાર હોવાનું તારણ ગુજરાલ કાઢી ચૂક્યો હતો.
આ જ સમયે અનાયાસે ગુજરાલ અદિત્યની કાર સામે આવી ચડ્યો, અર્ધબેહોશીની હાલતમાં પોતાની સામે આવતી કારથી બચવાનું તત્કાળ ગુજરાલને ના સૂઝ્યું અને એ રસ્તાની મધ્યમાં જ ખોડાઈ રહ્યો. એના મુખેથી કાલરાત્રી..બલી..માધવપુરનું રટણ સાંભળી આદિત્ય અચંબિત થઈ ગયો. આદિત્ય પોતાની કારમાંથી પાણી ભરેલી બોટલ લઈ આવ્યો; થોડું પાણી ગુજરાલને પીવડાવી અને થોડું એના ચહેરા પર છાંટી આદિત્યએ એને ભાનમાં લાવવાની કોશિશ કરી.
ગુજરાલે મહાપરાણે પોતાની આંખો ખોલી અને દબાયેલા સ્વરે આદિત્યને ઉદ્દેશીને કહ્યું.
"મને જલ્દીથી માધવપુર લઈ ચલો, નહિ તો બહુ મોટો અનર્થ થઈ જશે."
"તમારી સ્થિતિ બહુ ખરાબ છે ઈન્સ્પેકટર.. કૃપયા તમે કારમાં બેસો. હું તમને પહેલા હોસ્પિટલ લઈ જાઉં પછી આપણે માધવપુર જઈશું."
ગુજરાલ અદિત્યની વાતનો સ્વીકાર કરતો હોય એમ અદિત્યની મદદથી ઊભો થયો અને ડ્રાઈવર સીટની બાજુમાં આવીને ગોઠવાઈ ગયો. એના બેસતા જ આદિત્યને મોબાઈલમાં નિયર બાય હોસ્પિટલ સર્ચ કરી અને કારને હોસ્પિટલના રસ્તે દોડાવી મૂકી.
દાનીશ ગુજરાલ નામનો આ પોલીસકર્મી નક્કી માધવપુર અને કાલરાત્રીને અવતરિત કરવાની વિધીનો ભેદ જાણે છે એમ વિચારી આદિત્યએ કાર હંકારતા-હંકારતા ગુજરાલને પૂછ્યું.
"તમે માધવપુરમાં થનારી કોઈ વિધિ વિશે કહેતા હતા..શું તમે એ વિશે કંઈ જાણો છો.?"
"હા, હું જાણું છું એ વિશે..પણ હું એ વિષયમાં તમને કેમ જણાવું." ગુજરાલે ઠાવકાઈથી કીધું. "તમારે એ વાત સાથે શું લેવા-દેવા છે?"
"કેમકે મારા સિવાય એ વિધિને કોઈ નહિ રોકી શકે. તમે મને બધું નહિ જણાવો તો હું કાલરાત્રી નામક શૈતાનને આ દુનિયામાં આવતા નહીં રોકી શકું." આદિત્ય અકળામણભર્યા સૂરમાં બોલ્યો.
"તમે આ વિષયમાં ક્યાંથી જાણો છો..?" આદિત્યની વાત સાંભળી ગુજરાલ સ્તબ્ધ થઈ ગયો હતો.
"હું તમને કઈ રીતે સમજાવું.?" આદિત્ય ખિન્નતાથી બોલ્યો. "તમારે મને બધું જણાવવું જ પડશે કે તમારી આ દશા કોને કરી અને આખરે તમને આ વિષયમાં ક્યાંથી ખબર, ક્યાંક તમે શૈતાનની પૂજા કરનારા એ નીચ લોકોના સાથીદાર તો નથીને?"
આદિત્યનો આ પ્રશ્ન સાંભળી ગુજરાલે ક્રોધવેશ પોતે જે કંઈપણ જાણતો હતો એ વિષયમાં ટૂંકમાં જણાવી દીધું..સમીર અને આધ્યાનો ઉલ્લેખ થતા જ આદિત્ય સમજી ગયો કે એ નક્કી જાનકીના દીદી અને જીજુ છે. સમીર અને આધ્યા રાજા વિક્રમસિંહ અને રાણી અંબિકાનો પુનર્જન્મ છે એ સાંભળી આદિત્યનું મગજ ચકરાવે ચડી ગયું. વિધિનો આ ગજબ ખેલ એની સમજ બહાર હતો. સમયનું પૈડું ફરીને બસો વર્ષ પહેલાના પ્રસંગોને પુનરાવર્તિત કરતું હોવાનું આદિત્ય અનુભવી રહ્યો હતો. જાનકી પણ સમીર અને આધ્યાની સાથે શૈતાનને પૂજનારા લોકોની ચુંગાલમાં છે એ સાંભળી આદિત્ય માધવપુર પહોંચવા વધુ ઉતાવળો બન્યો.
પોતે પણ માધવપુરના રાજગુરુ ભાનુનાથનો પુનર્જન્મ છે એવું જ્યારે આદિત્યએ ગુજરાલને જણાવ્યું ત્યારે ગુજરાલનું મસ્તક આપમેળે આદિત્ય સામે ઝૂકી ગયું. આ વિષયમાં એ લોકો વધુ ચર્ચા કરે એ પહેલા હોસ્પિટલ આવી ગઈ.
આદિત્યએ હોસ્પિટલ સ્ટાફ જોડે સ્ટ્રેચર મંગાવ્યું અને ગુજરાલને એડમિટ કરીને એની ટ્રીટમેન્ટ કરવાની વિનંતી ફરજ પરના ડોક્ટરને કરી. ગુજરાલ હજુ થોડો ઘણો ભાનમાં હતો એટલે એને પોતે જ ફરજ પરના ડૉક્ટરને જણાવ્યું કે પોતાની આ સ્થિતિ માટે આદિત્ય જવાબદાર નથી એ તો એક સજ્જન તરીકે પોતાની મદદ કરી રહ્યો છે.
ટ્રીટમેન્ટ માટે ગુજરાલને તાબડતોબ ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં જરૂરી ફોર્મલિટી પૂરી કરી આદિત્ય પાર્કિંગમાં રાખેલી પોતાની કારમાં બેઠો; કારમાં બેસતા જ આદિત્યએ કારના એક્સીલેટર પર પગ મૂક્યો અને કારને પુરપાટ વેગે માધવપુર તરફ દોડાવી મૂકી.
જગતને શૈતાનના ઓછાયાથી બચાવવા નીકળેલો આદિત્ય પોતાનું કાર્ય સફળતાપૂર્વક કરી શકશે કે નહીં એનો જવાબ તો સમયની ગર્તામાં છુપાયેલો હતો.!
***********
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)