પ્રતિશોધ તૃતીય અંક:
ભાગ-18
માધવપુર કિલ્લો, રાજસ્થાન
આજથી બસો વર્ષ પહેલા જે માધવપુર કિલ્લામાં ભાનુનાથે પોતાનો જીવ આપીને કલરાત્રીને ખતમ કરી માનવતાને શૈતાની શક્તિઓના હાથમાં સપડાવવાથી ઉગારી લીધી હતી એ જ માધવપુર કિલ્લામાં આજે પુનઃ કાલરાત્રીને જીવિત કરવાની વિધિ થવાની હતી.
સમીરની સાથે એની પત્ની આધ્યા, આધ્યાની બહેન જાનકી, અને સમીરના કલીગ રાઘવને કેદ કરી રેહાના નક્કી કરેલા સમયથી પહેલા માધવપુર આવી પહોંચી હતી. કિલ્લાના રાજમહેલની નજીક આવેલા એક વિશ્રામખંડમાં એ ચારેયને મુશ્કેટાટ બાંધીને રાખવામાં આવ્યા હતાં.
રણપ્રદેશની મધ્યમાં આવેલા માધવપુરના જર્જરિત કિલ્લામાં કોઈ નહિ આવે એવા અનુમાન સાથે રેહાના, જુનેદ અને યુસુફ ક્રિસ્ટોફર, વલીદ અને ગ્રુપ ઓફ ઈવિલના અન્ય સભ્યોની વાટ જોતા સ્કોર્પિયોમાં જ બેસી રહ્યા.
સમીરની સાથે બાકીનાં લોકો જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એમને પોતાની જાતને બંધનાવસ્થામાં જોઈ. એકબીજાનો ચહેરો તકતા એ લોકો મનોમન પોતાને અહીં કોણ લાવ્યું હશે એની ગણતરી કરવા લાગ્યા. મોંની અંદર ડૂચો ભરાયેલો હોવાથી સમીર બાકીનાં લોકોને જણાવવામાં અસમર્થ હતો કે આ બધું કરનાર રેહાના, યુસુફ અને એમની સાથે ઊભેલો ત્રીજો વ્યક્તિ છે.
આધ્યાની નોકરાણી સકીનાને પોઈઝન સ્પેલ કરનાર વ્યક્તિનું નામ વાંચતી વખતે રઝા લખેલું દેખાયું હતું. રેહાના અને યુસુફની સરનેમ રઝા હોવાનું જાણતી સકીના આ અંગે આધ્યાને માહિતગાર કરે એ પહેલા તો ફ્લેટમાં રહેતો કાબરા જીન્ન દ્વારા સકીનાને જન્નત પહોંચાડી દેવામાં આવી. જો સકીના આધ્યા જોડે સંપર્ક સાધી શકી હોત તો શાયદ રેહાના અને યુસુફનો ભાંડો બહુ વહેલો ફૂટી ગયો હોત. પણ એમના નસીબે આવું કંઈ ના થયું અને અત્યારે એ લોકો એમની યોજનાના આખરી ચરણમાં આવી પહોંચ્યા હતાં.
કેદમાં રહેલા સમીર અને આધ્યાને એકબીજાને ઘણા પ્રશ્નો પૂછવા હતા, ઘણું બધું કહેવું હતું પણ અત્યારે તેઓ આમ કરવામાં અસમર્થ હતા. આમ છતાં સમીરની આંખોમાં દ્રશ્યમાન થતો પસ્તાવો અને પોતાના માટેનો અગાઢ પ્રેમ જોઈ આધ્યા એટલું તો સમજી ગઈ કે એને પોતાનો એ સમીર પાછો મળી ગયો હતો જેને એ જીવથી વધુ પ્રેમ કરતી હતી.
ગયા જન્મે મનુષ્ય અવતારમાં શૈતાની શક્તિઓના લીધે માધવપુર કિલ્લામાં જ પોતાના પતિને ગુમાવ્યા બાદ આજે ફરી એવું ના થાય એવી આધ્યા પ્રભુને પ્રાર્થના તો કરી રહી હતી..પણ, જે સંજોગો અત્યારે પોતાની સામે ઊભા થયા હતા એમાં તો આધ્યાને પોતાની પ્રાર્થના પર પણ શંકા ઊભી થઈ હતી.
સમય ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો હતો, મધ્યાહ્નને પહોંચેલો સૂર્ય હવે મંદ ઝડપે પશ્ચિમ તરફ અગ્રેસર થઈ રહ્યો હતો. માધવપુર કિલ્લામાં જ્યારથી સમીરને લાવવામાં આવ્યો હતો ત્યારથી એને એવું લાગી રહ્યું હતું કે આ સ્થાન સાથે એને ઘનિષ્ઠ સંબંધ છે. પોતે જ માધવપુરનો વારસદાર છે એ વાતથી બેખબર સમીરને એના ગયા જન્મની ધૂંધળી છબીઓ હવે પરેશાન કરી રહી હતી. આધ્યા સમીરની અસલિયત એને જણાવવા માંગતી હતી, પોતે ગયા મનુષ્ય અવતારમાં મહારાણી અંબિકા હતી અને સમીર રાજા વિક્રમસિંહ હતો એ જણાવવાની બેતાબી આધ્યાને પરેશાન કરી રહી હતી.
રાઘવ અને જાનકી પણ આ આ વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયા બદલ મનોમન અકળાઈ રહ્યા હતા. રેહાના, યુસુફ અને જુનેદની ગેરહાજરી હવે એ ત્રણેયને આધ્યા, જાનકી અને રાઘવના શંકાના દાયરામાં મૂકી રહી હતી. ગુજરાલ અને ગણપત પણ એમના શક હેઠળ હતાં. સમીર રેહાનાના ભેદને પામી ગયો હતો પણ એ આ અંગે જણાવી શકવાની પોઝિશનમાં નહોતો.
"લો, પાણી પી લો..!" બપોરના બે વાગ્યા હશે ત્યાં જુનેદ હાથમાં પાણીની બે બોટલ લઈને ત્યાં પ્રવેશ્યો જ્યાં એ લોકોને કેદ કરવામાં આવ્યા હતા.
"આ બધું શું માંડ્યું છે?" જેવું જુનેદે રાઘવનું મોં ખોલ્યું એ સાથે જ રાઘવ જુનેદ પર તાડુક્યો..જેના જવાબમાં જુનેદે રાઘવના ચહેરા પર એક જોરદાર તમાચો લગાવતા ઊંચા અવાજે કહ્યું.
"ચૂપચાપ પાણી પીવાનું કર.." આટલું કહી જુનેદે રાઘવને થોડું પાણી પીવડાવી એના મોં પર કપડાનો ડૂચો પાછો લગાવી દીધો.
"મહારાજ વિક્રમસિંહ તમે પણ થોડું જળપાન કરી લો..કેમકે, આજ રાત સુધી તમારું જીવવું આવશ્યક છે." સમીરનું મોં ખોલતા જુનેદ કટાક્ષમાં બોલ્યો.
"મહારાજ વિક્રમસિંહ..! જુનેદ દ્વારા પોતાના માટે વપરાયેલો આ શબ્દપ્રયોગ સમીરને કંઈક યાદ અપાવતો હતો પણ એ હજુ એ નિષ્કર્ષ પર પહોંચી નહોતો શક્યો કે આ સ્થાન અને આ નામનો એની જોડે આખરે શું સંબંધ છે.
સમીરે જેવું પાણી પી લીધું એ સાથે જ જુનેદે બળજબરીથી એના મોંમાં પાછો કપડાનો ડૂચો ઠુસાવી દીધો. ત્યારબાદ એને આધ્યાના મુખમાંથી કપડું નિકાળ્યું અને પાણીની બોટલ એના હાથમાં મૂકતાં બોલ્યો.
"બતાવ તારા ઘરવાળાને કે એ આખરે કોણ છે, પછી હું કહું કે અમે એને અહીં કેમ લાવ્યા છે."
ખૂબ તરસ લાગી હોવાથી અધ્યાએ પહેલા ચાર-પાંચ ઘૂંટ પાણી પીધું અને ત્યારબાદ ખૂબ ઝડપે, ટૂંકમાં સમીરને એના ગયા જન્મની બધી જ વાતો જણાવી દીધી. આ સત્ય પચાવવું સમીર માટે અઘરું હતું પણ જ્યારે જુનેદે સમીરને ત્યાં કેદ કરવામાં આવવા પાછળનું સાચું કારણ જણાવ્યું ત્યારે સમીર આધ્યાની જણાવેલી દરેક વાત પર વિશ્વાસ કરવા મજબૂર બન્યો.
"રાતના બાર વાગે સમીર ઉર્ફ રાજા વિક્રમસિંહની બલી આપી, એમના રક્ત વડે કાલરાત્રીના આખરી અવશેષને સ્નાન કરાવતા જ આ જગત પર શૈતાનનું અવતરણ થઈ જશે." જાનકીને પાણી પીવડાવ્યા બાદ જુનેદ ઉત્સાહિત સ્વરે બોલ્યો. "માનવતા મરી જશે અને શૈતાની શક્તિઓ આ જગત પર રાજ કરશે."
આટલું કહી જુનેદ ત્યાંથી ચાલતો થયો. જુનેદના ત્યાંથી ગયા બાદ હવે સમીર, આધ્યા, જાનકી અને રાઘવના દરેક પ્રશ્નોનું નિવારણ થઈ ગયું હતું. પણ આ નિવારણથી સાથે એક ભયંકર ડર એમના મનને ઘેરી વળ્યો હતો.
**********
બ્રહ્મરાક્ષશ જોડેથી ભેટ સ્વરૂપે ત્રિશૂળ મેળવી આદિત્ય માધવપુર તરફ પ્રયાણ કરી ચૂક્યો હતો. કોઈપણ ભોગે કાલરાત્રીને પુનઃ જીવિત થતા રોકવાના પ્રબળ નીર્ધાર સાથે આદિત્ય તારાપુરથી નીકળી માધવપુર તરફ આગળ વધી ચૂક્યો હતો.
પોતે સમય પહેલા માધવપુર અવશ્ય પહોંચી જશે એવી ગણતરી સાથે આદિત્ય તારાપુરથી માધવપુર સુધીનું અડધું અંતર કાપી ચૂક્યો હતો. સતત સાત-આઠ કલાક કાર હંકારવાના લીધે આદિત્યનું શરીર દુઃખવા લાગ્યું હતું અને માથું ભારે થઈ ગયું હતું.
જ્યાં સુધી શરીરે ટક્કર આપી ત્યાં સુધી આદિત્ય કાર હંકારતો રહ્યો, પણ જ્યારે થોડો આરામ લેવો જરૂરી બની ગયો ત્યારે આદિત્યએ પ્રાતઃકાળ એક નાની હોટલ જોડે કાર થોભાવી અને ચા-નાસ્તો કરી કારમાં જ સુઈ ગયો.
ચારેક કલાક બાદ આદિત્ય જ્યારે જાગ્યો ત્યારે એના શરીરમાં સ્ફૂર્તિ પાછી આવી ચૂકી હતી. પોતે માધવપુર જવા શારીરિક અને માનસિક રીતે તૈયાર છે એવું લાગતાં આદિત્યએ ઠંડા પાણીથી મોં ધોયું અને કારને પુનઃ માધવપુર તરફ ભગાવી મૂકી.
આ જ સમયે ક્રિસ્ટોફર, વલીદ અને જુમાન નામનો તાંત્રિક કાલરાત્રીની ખોપડી લઈને ત્યાંથી પસાર થયા હતા. પોતે સાંજે ચાર વાગ્યાના સુમારે માધવપુર પહોંચી જશે એવી આદિત્યની ગણતરી ત્યારે ખોટી પડી જ્યારે એક સુમશાન રસ્તે એની કારમાં પંક્ચર પડ્યું. કારમાં કોઈ જેક, સ્ટેપની કે વધારાનું વ્હીલ નહિ હોવાથી કોઈ મદદ મળે ત્યાં સુધી રાહ જોયા સિવાય કોઈ છૂટકો નહીં હોવાથી આદિત્ય મદદની આશાએ દોઢ-બે કલાક કાર જોડે જ ઊભો રહ્યો. આખરે બે કલાકે એને મદદ મળી.
એક ટ્રક ડ્રાઈવર અદિત્યની કારને ટોઈંગ કરી નજીકના ગેરેજ સુધી લઈ ગયો જે અદિત્યની કાર પંક્ચર થઈ ત્યાંથી વીસ કિલોમીટર દૂર હતું. કાર ગેરેજના વૃદ્ધ માલિક દ્વારા પંક્ચર બનાવવામાં બીજો કલાક નીકળી ગયો..ચાર થી પાંચ કલાકની બરબાદી બાદ જ્યારે આદિત્ય માધવપુર જતા રસ્તે પુનઃ આગળ વધ્યો ત્યારે સાંજના પાંચ વાગી ગયા હતાં. ક્રિસ્ટોફર, વલીદ અને તાંત્રિક જુમાન આ દરમિયાન માધવપુર પહોંચી ચૂક્યા હતા.
ગુસ્સા અને અકળામણને મનમાં દબાવી આદિત્ય વહેલામાં વહેલી તકે માધવપુર પહોંચવા માંગતો હતો. પણ કહ્યું છે ને જ્યારે કિસ્મત તમારી સાથે રમત રમતી હોય ત્યારે ધાર્યું ફક્ત કિસ્મતનું જ થતું હોય છે.
સાંજના સાત વાગ્યા હતા અને હવે માધવપુર માંડ બે કલાકના અંતરે હતું ત્યાં આદિત્યની કારની સામે અચાનક એક વ્યક્તિ આવી ગઈ. સમયસર આદિત્યને બ્રેક મારી, સ્ટેયરિંગ ઘુમાવી ના લીધું હોત તો નક્કી એ વ્યક્તિના રામ રમી ગયા હોત.
કારને થોભાવી એ વ્યક્તિને સંભળાવી દેવાની ઈચ્છા સાથે આદિત્ય કારમાંથી હેઠે ઉતરીને રસ્તાની મધ્યમાં આવ્યો તો એની નજર રસ્તાની મધ્યમાં પડેલ પોલીસકર્મી પર પડી. ખાખી વર્દીમાં સજ્જ એ પોલીસકર્મીના ખભેથી લોહી નીકળી રહ્યું હતું અને એ અર્ધબેહોશીની હાલતમાં કંઈક બબડી રહ્યો હતો.
આદિત્યએ મોબાઈલની ફ્લેશલાઈટના પ્રકાશમાં એ પોલીસકર્મીની નેમ પ્લેટ વાંચી.
'ગુજરાલ..પી.એસ.આઈ દાનીશ ગુજરાલ.' આદિત્ય નામ વાંચી રહ્યો હતો ત્યાં એના કાને ઘાયલ ગુજરાલના ત્રુટક-ત્રુટક શબ્દો પડ્યા.
"કાલરાત્રી..બલી..માધવપુર.."
***********
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)