Revenge 3rd Issue: - 17 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ તૃતીય અંક: - 17

Featured Books
Categories
Share

પ્રતિશોધ તૃતીય અંક: - 17

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-17

છ મહિના પહેલા, દુબઈ

સમીર માધવપુર રાજપરિવારનો વારસદાર છે એ વાત વલીદના ધ્યાનમાં આવી એ સાથે જ એને ગ્રુપ ઓફ ઈવિલના મુખ્ય કર્તાહર્તા એવા ક્રિસ્ટોફરને આ વિશે જાણ કરી. પોતે જ્યાં સુધી દુબઈ ના આવે ત્યાં સુધી સમીર પર નજર રાખવાનું ક્રિસ્ટોફરે વલીદને કહ્યું હોવાથી એ પડછાયાની માફક સમીરની જોડે થઈ ગયો.

આ કામ કરતા વલીદે ત્રીજા દિવસે જાણ્યુ કે સમીરની પત્ની રેહાનાના ત્યાં નોકરી કરતી હતી. પહેલા તો વલીદે આ તરફ વધુ ધ્યાન ના આપ્યું પણ જેવી એની નજર રેહાના પર પડી એ સાથે જ એનું હૈયું ધબકારો ચૂકી ગયું.

બીજા દિવસે આધ્યાના ઘરે જતા જ વલીદ રેહાનાને મળવા એના બુકસ્ટોર આવી પહોંચ્યો.

"જનાબ, બોલો તમારે કઈ બુક જોઈએ છે?" નવા આગંતુકને જોઈ રેહાના વિનયપૂર્વક વલીદને ઉદ્દેશીને બોલી.

"મારે બુક નથી લેવી." વલીદ નિર્લેપ ભાવે બોલ્યો.

"તો તમારે.." અચાનક વલીદની ઓળખાણ પડી ગઈ હોય એમ રેહાના ચમકીને બોલી. "ઓહ..વલીદ હક, અચાનક અહીંયા.!"

"કેમ હું અહીં આવ્યો એ ના ગમ્યું તને?"

"ગમ્યું તો ખરું પણ દસ વર્ષ બાદ અચાનક તને જોઈને નવાઈ લાગી." રેહાના બોલી. "જગતમાંથી શૈતાની શક્તિઓનો સફાયો થવાની જ્યારે ઘડીઓ ગણાય રહી છે ત્યારે ગ્રુપ ઓફ ઈવિલના એક સભ્યનું મારી ત્યાં આમ આવી ચડવું એ નક્કી વગર કારણે તો નહીં જ હોય.!"

"તારી ગણતરી સાચી છે રેહાના, હું ખૂબ અગત્યના કામ હેતુ અહીં આવ્યો છું." વલીદે કહ્યું. "શૈતાની શક્તિઓને પુનઃ જાગૃત કરવાનો એક ઉમદા અવસર આપણા હાથમાં છે અને એમાં સૌથી વધુ અગત્યનો ફાળો તારે આપવાનો છે."

"જો વલીદ, મારી પાસે મજાકનો સમય નથી." રેહાના બોલી. "હવે એ શક્ય જ નથી કે શૈતાની શક્તિઓ આ દુનિયા પર રાજ કરી શકે; અત્યારે તો તારા અને મારા જેવા શૈતાનને પૂજનારા લોકો હયાત છે એ જ બહુ મોટી વાત છે."

"મને વિશ્વાસ નથી આવતો તો મહાન તાંત્રિક આકા વઝુમની વંશજ આમ બોલે છે." વલીદે આશ્ચર્યાઘાત સાથે કહ્યું. "શું થઈ ગયું છે તને? તારા પૂર્વજોએ શૈતાનના અસ્તિત્વને ટકાવી રાખવા આપેલી કુરબાનીઓ તું ભૂલી ગઈ..!!"

"વલીદ, હું કંઈ નથી ભૂલી." ઊંચા અવાજે આટલું બોલ્યા બાદ રેહાનાનો અવાજ તરડાઈ ગયો. "આકા વઝુમને મળેલી દેહાંતદંડની સજા બાદ અમારા પરિવાર સાથે શું બન્યું હતું એ બધું મને મારી દાદીએ જણાવ્યું હતું. આકા વઝુમની બે જુડવા દીકરીઓ હતી એ વાત જો નાદિરશાહને ખબર પડી જાત તો શાયદ આજે આકા વઝુમનું પૂરું ખાનદાન ખતમ થઈ ગયું હોય."

આકા વઝુમને સાત સંતાનો હતી જેમાં કુબા અને ઝુબા બે જુડવા બહેન હતી, જે નાનપણથી જ પોતાની માસીના ઘરે ઊછરી હોવાથી નાદિરશાહ એમના વિશે જાણતો ન હતો. પોતાના પિતાની મોતનો બદલો લેવા નાદિર શાહે આકા વઝુમની સાથે એના તમામ અનુયાયીઓ અને પરિવારનો ખાત્મો કરી દીધો.

પોતાની ફોઈના કહેવાથી કુબા અને ઝુબા ઈરાન છોડીને બે અલગ-અલગ દિશામાં ભાગી ગઈ.  કુબા ઈરાનથી ભાગીને બાડમેર આવી અને અર્જુનસિંહના પિતાની રહેમ નજર હેઠળ પોતાનું જીવન પસાર કરવા લાગી. પોતાના પિતાનું અધૂરું કાર્ય પૂરું કરવાની મંછા સાથે કુબાએ કાલરાત્રીને સૃષ્ટિ પર મનુષ્ય રૂપે અવતરિત કરવાની યોજના ઘડી જેને ભાનુનાથે નિષ્ફળ બનાવી. કુબાની સાથે કાલરાત્રીનો પણ અંત કરી ભાનુનાથે આ જગતને કાળી શક્તિઓના આતંકથી ઉગારી લીધું.

 

કુબાની બહેન ઝુબા પણ પોતાના પિતાની માફક મેલી વિદ્યા અને તાંત્રિક વિધિમાં નિપુણ હતી. ઈજીપ્ત પહોંચેલી ઝુબા પોતાના પરિવારની તારાજી જોઈ હેબતાઈ ચૂકી હતી એટલે પોતાના પરિવાર સાથે જે કંઈપણ બન્યું હતું એ વિષયમાં ભૂલીને ઝુબાએ શાંતિથી જીંદગી જીવવાનું નક્કી કર્યું. ઈજીપ્તના એક વેપારી સાથે નિકાહ કરી ઝુબાએ ઈજીપ્તમાં જ પોતાનું બાકીનું જીવન પસાર કર્યું.

 

રેહાનાની દાદીનું નામ હતું આબરા, જે ગ્રુપ ઓફ ઈવિલની પ્રથમ સભા વખતે હાજર હતી. આબરા મનોમન બદલાની આગમાં સળગતી હતી. પોતાના પૂર્વજો સાથે જે કંઈપણ થયું એનો બદલો પૂરી માનવજાત સાથે જોડવાની ઈચ્છા સાથે આબરા ગ્રુપ ઓફ ઈવિલમાં જોડાઈ હતી. પણ દસેક વર્ષમાં ગ્રુપ ઓફ ઈવિલ દ્વારા કોઈ નક્કર કાર્ય ના થતા આબરા માનસિક રીતે હતાશ થઈ ગઈ અને એને શાંતિથી સામાજીક જીવન જીવવાનું મન બનાવી લીધું..

 

રેહાનાને પણ તેઓ પોતાની સાથે બે-ત્રણ વખત ગ્રુપ ઓફ ઈવિલની સભાઓમાં લઈ ગયા હતાં અને માનવજાત પોતાની વિરોધી છે એ વાત રેહાનાના મગજમાં એમને ભરાવી દીધી હતી. રેહાના ગ્રુપ ઓફ ઈવિલમાં જોડાઈ તો હતી પણ હવે આ સંગઠન શૈતાનને પુનઃ જીવિત કરવાની વાતોથી વિશેષ કંઈ કરતું નથી એવું લાગતા જ રેહાનાએ દસ વર્ષ પહેલા ગ્રુપ ઓફ ઈવિલ છોડી દીધું હતું. વલીદ સાથે પણ એની મુલાકાત દસ વર્ષ પહેલા થઈ હતી, ત્યારબાદ વલીદ કે ગ્રુપ ઓફ ઈવિલનો એકપણ સદસ્ય રેહાનાને મળ્યો નહોતો. પણ, આજે આમ અચાનક વલીદને પોતાની બુકસ્ટોર પર આવી ચડેલો જોઈ રેહાના નવાઈમાં મુકાઈ ગઈ.

 

"રેહાના, મને પોતાને પણ મજાક પસંદ નથી." વલીદે સ્પષ્ટ શબ્દોમાં રેહાનાને ઉદ્દેશીને કહ્યું. "હું તો આપણા લોકોની સત્તા સ્થાપિત કરવાની એક યોજના સાથે અહીં આવ્યો છું જેમાં મુખ્ય ભાગ તારે ભજવવાનો છે."

વલીદના શબ્દોમાં રહેલી ગંભીરતા સમજાતા રેહાનાએ વલીદને બુક સ્ટોરની અંદર ગોઠવેલા સોફા પર બેસવા આગ્રહ કર્યો. રેહાનાનો આગ્રહ સ્વીકારી વલીદ સોફા પર ગોઠવાયો. વલીદની આનાકાની છતાં રેહાનાએ કોફી મશીનમાંથી બે કપ ભર્યાં, એક કપ વલીદને આપ્યો અને બીજો કપ પોતાના હાથમાં લઈ વલીદની વાત સાંભળવા એની સામે ગોઠવાઈ ગઈ.

"આપણા લોકોની સેવા કરવાનો અવસર મને જીંદગીના બદલામાં મળશે તો પણ મને એ મંજૂર રહેશે." રેહાનાના સ્વરમાં મક્કમતા હતી, કંઈક કરી છૂટવાની ભાવના હતી.

"તારા ત્યાં એક ભારતીય સ્ત્રી કામ કરે છે.."

"હા, એનું નામ આધ્યા છે અને એ યુસુફ, મારા ખાવિંદના દોસ્તની બીવી છે."

"સમીરને તું ઓળખે છે?" રેહાનાની વાત સાંભળી વલીદને આશ્ચર્ય થયું હોય એવું એના પ્રશ્ન પરથી પ્રતીત થતું હતું.

"હા." રેહાનાએ ટૂંકમાં પતાવ્યું.

"બહોત ખૂબ..!" પ્રશંસાના સૂરમાં વલીદે કહ્યું.

 

આ સાથે જ વલીદે કાલરાત્રીને જીવિત કરવા માટે આવશ્યક માધવપુરના વારસદારના રક્તની અને સમીર જ માધવપુરનો વારસદાર છે એની વિસ્તારે વાત કરી. વલીદની વાત સાંભળતી વખતે રેહાનાના ચહેરાના ભાવ બદલાઈ ગયા, એનો સદાય હસતો રહેતો ચહેરો કરડાકીભર્યો બની ગયો.

 

"મારે શું કરવાનું છે એ જણાવ." વલીદની વાત પૂરી થતાં જ રેહાનાએ આતુરતા સાથે પૂછી લીધું.

"કાલરાત્રીને જીવિત કરવાનો સમય હજુ છ મહિના છેટે છે..માટે સમીરને ત્યાં સુધી કંઈ કરવું હિતાવહ નથી." વલીદે યોજના અંગે જણાવતા કહ્યું. "યોગ્ય સમય આવતા અમે સમીરને ભારત મોકલવાની વ્યવસ્થા કરી દઈશું. તારે ત્યાં સુધી એક કામ કરવાનું છે. સમીર અને એની આ પત્ની જે તારા ત્યાં કામ કરે છે, એમની વચ્ચેના સંબંધોમાં ખટાશ ઊભી કરી દેવાની છે. ભારતીય પતિવ્રતા નારીનો પ્રેમ એના પતિનું રક્ષણ કરતો હોય છે, માટે એ પ્રેમનો અંત કરીને એ બંનેને અલગ કરવાના છે. આમ કરવાથી આગળ જતાં જો સમીરને કંઈ થશે તો એની ચિંતા કરનારું કોઈ નહીં હોય."

 

"હું સમજી ગઈ.!" લુચ્ચાઈભર્યું સ્મિત કરી રેહાના બોલી.

 

રેહાના જોડે બીજી થોડી ઘણી ચર્ચા કર્યાં બાદ વલીદ ત્યાંથી રવાના થયો. કાલરાત્રીને પુનઃ અવતરિત કરવાની વલીદની યોજના પૂર્ણ કરવા રેહાનાએ પોતાના પતિ યુસુફને પણ પોતાની વાતોમાં ભોળવી પોતાની યોજનામાં સામેલ કરી લીધો.

 

સમીર અને આધ્યા નવા ફ્લેટમાં રહેવા આવે એ પહેલા રેહાના અને યુસુફે મળીને એમના પર પોઈઝન સ્પેલની વિધિ કરી દીધી હતી. પોતાના ફ્લેટના ઈન્ટીરિયલ ડેકોરેશનની જવાબદારી સમીરે યુસુફને સોંપી હોવાથી સમીરના ફ્લેટની ચાવી યુસુફ જોડે હતી, જેથી રેહાના અને યુસુફ સરળતાથી પોતાનું કામ કરી શક્યા.

 

આ સ્પેલના લીધે જ પોતાના નવા ફ્લેટ પર આવતાની સાથે જ રેહાના અને સમીરના સંબંધોમાં ખટાશ આવી ગઈ. એ બંનેનું લગ્નજીવન ભાંગી પડ્યું. નોબત ત્યાં સુધી આવી પહોંચી કે આધ્યા સમીરને ડાયવોર્સ આપવા તૈયાર થઈ ગઈ.

 

આ દરમિયાન કાબરા નામક જીન્નને પણ રેહાનાએ સમીરના ફ્લેટ પર નિવાસ કરવા મનાવી લીધો હતો. સમીરના ફ્લેટ પર બનતી અગોચર ઘટનાઓ આ કાબરા જીન્નની દેન હતી. જ્યારે આધ્યાને મળવા આદિત્ય જાનકી સાથે દુબઈ આવ્યો ત્યારે એની અંદર રહેલી ઉમદા નેકીની અસર વર્તાવાના લીધે કાબરા જીન્ન દ્વારા જ એને બાલ્કનીમાંથી ધક્કો મારી, એનો જીવ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આધ્યાના બેડરૂમની બારીમાં બેસતો કાગડો કાબરાનો દૂત હતો, જે કાબરાના સંદેશા રેહાના અને વલીદ સુધી પહોંચાડતો.

 

આદિત્યને ભારત પાછો બોલાવવા માટે આ લોકોએ પોતાની કાળી શક્તિઓની મદદથી આફતાબને મરાવી નાંખ્યો. જો આ લોકોને આદિત્યની અસલિયત ખબર હોત તો શાયદ આદિત્ય દુબઈથી જીવિત પાછો ગયો જ ના હોત.!

 

સમીર અને આધ્યા સતત આ લોકોની નજર હેઠળ રહેતા. એડવોકેટ સિદ્દીકીની ઓફિસ બહાર કારમાં બેસેલો વ્યક્તિ પણ યુસુફના કહેવાથી જ આધ્યાની જાસૂસી કરતો હતો..જેથી એમની યોજના પર અંત સમયે પાણી ના ફરી વળે. માધવપુર કિલ્લામાંથી જે મૃતદેહો રાતોરાત ગાયબ થયા એમાં પણ યુસુફ અને રેહાનાનો જ હાથ હતો. ગુજરાલ ત્યાં આવીને તપાસ કરે ત્યારે એના હાથમાં કંઈપણ સબૂત ના આવે એવી ગણતરી સાથે એમને જ ક્રિસ્ટોફરને કહી એ મૃતદેહો ત્યાંથી દૂર કરાવ્યા હતાં.

 

રાકાની કેદમાંથી ભાગી નીકળેલો સમીર અનાયાસે જ પોતાના હાથમાં આવી ગયો હતો એ વાતથી ખુશ રેહાના મનોમન શૈતાન દ્વારા આ જગતને પોતાની છત્રછાયા નીચે લઈ લેવામાં આવશે એવા સપના જોવા લાગી હતી. આખરે પોતાના પૂર્વજોનો પ્રતિશોધ પોતે પૂરો કરવાના કગાર પર આવી પહોંચવાના ઉત્સાહ સાથે આધ્યાએ સ્કોર્પિયો હંકારી રહેલા પોતાના પતિ યુસુફને ઉદ્દેશીને રુવાબથી કહ્યું.

 

"લાગે છે તું બુઢ્ઢો થઈ ગયો છે. આ ગાડી છે બળદગાડું નહિ..ઝડપી દોડાવ.!"

રેહાનાની વાત સાંભળી યુસુફે સ્કોર્પિયોને ટોપ ગિયરમાં નાંખી અને માધવપુર કિલ્લા તરફ ભગાવી મૂકી.

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

 

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)