Slave - 17 in Gujarati Fiction Stories by Mehul Mer books and stories PDF | ગુલામ – 17

Featured Books
Categories
Share

ગુલામ – 17

ગુલામ – 17

લેખક – મેર મેહુલ

( દોસ્ત સાથેની મુલાકાત )

ઓગસ્ટ, 2020

એક દિવસ ઋષિનો ફોન આવ્યો અને અભયને ઇન્ટરવ્યૂ માટે ભાવનગર આવવા કહ્યું. અભય ડોક્યુમેન્ટની ફાઇલ લઈને ભાવનગર પહોંચી ગયો. સ્પંદના નામની માઈક્રો ફાઇનાન્સ કંપનીમાં ફિલ્ડ ઑફિસરની જરૂર હતી. અભયે કોઈ દિવસ માર્કેટમાં પગ પણ નહોતો રાખ્યો, એનાં માટે આ અલગ જ વિષય હતો પણ કોરોનાંને કારણે લોકો બહાર ફરવામાં ડરતાં એટલે અનુભવી અને બિનઅનુભવી માટે આ એક સારી તક હતી.

ત્રણ જગ્યા માટે કુલ અઢાર રિસ્યુમ લેવામાં આવ્યાં હતાં, તેમાં માર્કેટનાં અનુભવનાં ચાર લોકો હતાં. પોતાને આ નોકરી નહિ મળે એ વાત અભય જાણતો હતો છતાં તેણે પ્રમાણિકથી ઇન્ટરવ્યૂ આપ્યું અને ઋષિનાં રૂમે ચાલ્યો ગયો.

ઋષિ એક્સીસ બેન્કમાં લોન ડિપાર્ટમેન્ટમાં હતો એટલે હાલ મોટેભાગે એ રૂમે જ રહેતો. અભય તેનાં રૂમે જઈને ફ્રેશ થયો પછી બંને સામસામે બેસીને વાતો કરી રહ્યાં હતાં.

“હવે તારાં પપ્પાનો ત્રાંસ કેવો છે ?” ઋષિએ વાત શરૂ કરી.

“એવોને એવો જ છે, રૂપિયા નથી રૂપિયા નથીનો કક્કો ભણે છે હાલ તો” અભયે નિઃસાસો નાંખીને કહ્યું, “મારાં પપ્પા શું કરવા ઈચ્છે છે એ જ નથી ખબર પડતી મને. ભાઈનો પગાર, મારો એક મહિનાનો પગાર અને અન્ય આવક બધી જ ખેતરમાં રોકી રાખે છે. પાકને દિવસમાં બે વાર દવા છાંટે છે અને અઠવાડિયામાં ત્રણ વાર ખાતર નાંખે છે. જમવા માટે ભલે ફાંફા પડતાં હોય પણ ખેતરમાં રૂપિયા રોકતાં નહિ અટકે. હવે ત્રીસ હજારનું રોકાણ કરે ત્યારે છ મહિના પછી માંડ પચાસ હજારનું વળતર મળે છે. એમાં ચાર લોકોની છ મહિનાની મજૂરી ગણવાની, આવકનાં રોકેલા રૂપિયા ગણવાનાં અને ખેતરની ફાર્મ ગણવાની. સરવાળે શૂન્ય થઈ જાય છે તો ક્યાંથી રૂપિયા વધે ?”

“તું તારાં પપ્પાને સમજાવને પણ, ખેતરમાં આટલો બધો ખર્ચો કરવો એનાં કરતાં બીજે ક્યાંક રોકાણ કરી દેવાયને” ઋષિએ કહ્યું.

“રૂપિયાનો વહીવટ મારાં હાથમાં હોતો જ નથી, પપ્પાને પગાર આપીએ ત્યારે મોટો હાથ રાખે અને જ્યારે આપણે કંઈ જરૂર હોય ત્યારે મહેરબાની કરતાં હોય એવું મહેસુસ કરાવે છે. હું તો કંટાળી ગયો છું” અભયે પૂર્વવત ભાવે કહ્યું.

“તારે બ્રેકની જરૂર છે” ઋષિએ કહ્યું, “આજે અહીં જ રોકાઈ જા, કાલે સવારે ઘરે જજે”

“ના ભાઈ, આજે કેમેય કરીને એક દિવસ માટે બાઇક મળી છે. જો સાંજ સુધીમાં ઘરે ના પહોંચ્યો તો પાપા ઘર માથે લેશે”

“તું પાલિતાણા ઇન્ટરવ્યૂ માટે ગયો હતોને, ત્યાં શું થયું ?”

“બસ એ જ જવાબ, સિલેક્ટ થશો તો ફોન આવશે”

અભયે છેલ્લાં એક મહિનામાં દસેક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યાં હતાં અને બધી જ જગ્યાએથી સરખો જ જવાબ મળતો હતો. જ્યારે અભય પરીક્ષાની તૈયારી કરતો ત્યારે સામેથી નોકરી માટે ફોન આવતાં હતાં અને હવે જ્યારે નોકરીની તાતી જરૂર હતી ત્યારે કોઈ જવાબ નહોતું આપતું.

“સિગરેટ ચાલશે ?” ઋષિએ પૂછ્યું.

“ વાતવરણ સારું છે, કદાચ વરસાદ પણ આવશે. લાવ બે દમ મારી લઈએ” અભયે કર્કશ અવાજે કહ્યું.

ઋષિ બે સિગરેટ લઈ આવ્યો. તેનો રૂમ ફ્લેટનાં બીજા માળે હતો. બહાર રોડ તરફ ગેલેરી પડતી હતી તેમાં ખુરશી નાંખીને બંને બેઠાં હતાં. સાંજના પાંચ વાગ્યા હતાં. આકાશમાં કાળા વાદળોએ ઘેરો બનાવી લીધો હતો. અભયે સિગરેટ સળગાવી અને ઊંડો કશ ખેંચ્યો.

“તારી જિંદગી કેવી હતીને કેવી થઈ ગઈ !!” ઋષિએ દરમાં જેમ નાગ છુપાયેલો હોય અને એને છંછેડવામાં આવે તેવી વાત શરૂ કરી. અભય બહાર વાદળોને નીરખીને જોતો રહ્યો.

“હું અત્યારે જિંદગીનાં એ પડાવ પર આવીને ઉભો છું જ્યાં ધૂમ્મસ સિવાય બીજું કશું જ નથી. એકવીશ – બાવીશ વર્ષની ઉંમર જ એવી હોય છે. જિંદગીમાં ઘણુંબધું કરવાની ઈચ્છા થાય છે પણ થતું કશું નથી. આપણે કોઈ ઉદ્દેશ સાથે આ દુનિયામાં આવ્યાં છીએ, એક મંજિલ નક્કી કરીને આપણે એ સફર નક્કી કરીએ છીએ પણ કદાચ હું રસ્તો ભટકી ગયો છું. જો અત્યારે મને સાચો રસ્તો નહિ મળે તો હું આ દુનિયામાં ફંગોળાય જઈશ. મારું વજૂદ જ નહીં મળે” અભય બે પગ વચ્ચે માથું નાંખીને ગળગળો થઇ ગયો..

“તું આવી વાતો કેમ કરે છે ?, દુનિયામાં ઘણાં બધાં માણસો તારી જેવાં થયાં છે. તું બધાથી અલગ નથી. તારે તારું વજૂદ મેળવવું પડશે. આ દુનિયાને દેખાડવું પડશે કે અભય સોલંકી કોણ છે. તું જો પોતાની જ જાત સાથે દગો કરીશ તો કેમ ચાલશે ?”

“મારે ઘણું બધું કરવું છે, ઘણું બધું. મારે નોકરી કરવી છે, બાપાનું લેણું કાઢવું છે, લગ્ન કરવા છે, તેઓને ચાર ધામની યાત્રા કરાવવી છે પણ અત્યારે હું ગુલામીની જિંદગી જીવું છું. જો બીજાં કોઈ પાસે ગુલામ બન્યો હોત તો કાવતરું કરીને આઝાદ થઈ જાત પણ પોતાનાં પરિવાર, પોતાનાં પિતાનો હું ગુલામ બની ગયો છું. એક વાત કહું ઋષિ, માણસ ભલે પુરી દુનિયા જીતી જાય પણ પરિવાર સામે હારી જાય તો માણસનું જીવન વ્યર્થ છે. પરિવારનો સાથ છૂટી જાય તો દુનિયામાં જીવવા જેવું કશું રહેતું જ નથી. પરિવારથી આપણી ઓળખાણ થાય છે. એક પિતા માત્ર પિતા નથી હોતો, બાળક નાનું હોય છે ત્યારે તેનો ગુરુ હોય છે, યુવાન થાય ત્યારે તેનો દોસ્ત હોય છે અને જ્યારે આધેડ થાય ત્યારે તેનો સલાહકાર બને છે. હું મારાં પિતાનો સાથ જ નથી મેળવી શકતો, તેઓને ખુશ જ નથી રાખી શકતો તો આ દુનિયામાં સૌથી બદનસીબ માણસ હું છું” રડતાં રડતાં અભય દિલ ઠાલવતો જતો હતો.

“પણ ભૂલ તારી ક્યાં છે ?, તું તારાં પપ્પાને સમજે જ છે ને!, તેઓ નથી સમજી શકતાં તો આપણે શું કરી શકીએ ?”

“એ પણ મારી જ ભૂલ છે ને, મારે મારાં પપ્પા જેમ જીવે છે એવી જિંદગી નથી જીવવી. પેઢીની વિચારસરણીમાં જમીન-આસમાનનું અંતર હોય છે આ વાત હું મારાં પપ્પાને નથી સમજાવી શકતો. જો કદાચ આ વાત તેઓનાં ગળે ઉતારી શક્યો હોત તો અત્યારે દ્રશ્ય કંઈક જુદું હોત”

“તું આટલું બધું ના વિચાર, સમય પોતાનું કામ કરે જ છે. એક દિવસ એવો આવશે જ જ્યારે તારાં પપ્પા તને સમજશે. તારી કદર થશે જ બસ યોગ્ય સમયની રાહ જો”

વીજળીનો મોટો કડાકો થયો અને એક સાથે મોટે છાંટે વરસાદ શરૂ થઈ ગયો. અભય અને ઋષિ ખુરશી લઈને રૂમમાં આવ્યાં અને કાચ બંધ કરી દીધો.

“છોડ એ બધી વાત, બીડી રાખે છો ?” અભયે પુછ્યું.

ઋષિએ ગાદલાં નીચેથી ઝૂડી કાઢી. બંનેએ સાથે બીડી સળગાવી. વરસાદ તેનાં મિજાજમાં વરસી રહ્યો હતો. થોડીવારમાં સર્વત્ર પાણીપાણી થઈ ગયું. અનરાધાર વરસતાં વરસાદને કારણે રોડ પરની અવરજવર પણ શૂન્ય થઈ ગઈ. કલાક થઈ ગઈ પણ વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો.

“હવે મારે નીકળવું જોઈએ” અભયે સમય જોઈને કહ્યું.

“આવા વરસાદમાં પલળતો પલળતો ક્યાં જઈશ, રોકાઈ જા આજે” ઋષિએ આગ્રહ સાથે કહ્યું.

“ના, હું નહિ રોકાય શકું. મારી પરિસ્થિતિ સમજ તું” અભયે વિનંતી મિશ્રિત ભાવે કહ્યું.

“સારું, એક કામ કર. તારું આ બેગ અહીં જ છોડી દે. આવતાં-જતાં લઈ લેજે અથવા કોઈ આવતું હશે તો હું મોકલાવી દઈશ” ઋષિએ અભયની વાત સમજીને જવા માટે મંજૂરી આપી.

“સારું” કહેતાં અભયે બેગ સાઈડમાં રાખ્યું, મોબાઈલને પ્લાસ્ટિકની થેલીમાં નાંખીને ગજવામાં રાખ્યો અને બહાર નીકળ્યો. અભયે મોટરસાયકલ પર સવાર થઈને કિક મારી પણ વરસાદને કારણે મોટરસાયકલ શરૂ ના થઇ. અભયે ઘણી કિક મારી પણ પરિણામ શૂન્ય મળ્યું. વધુ પડતું જોર લગાવવાને કારણે કિક ચવાઈ ગઈ અને કિક લાગતી બંધ થઈ ગઈ. અભય મોટરસાયક દોરીને ગેરેજમાં લઈ ગયો. ગેરેજવાળાએ પ્લગ કાઢીને સાફ કર્યો અને કિકમાં નવો બોલ્ટ નાંખી દીધો. મોટરસાયક શરૂ થઈ એટલે અભય પ્રતાપગઢનાં રસ્તે અગ્રેસર થયો.

(ક્રમશઃ)