Slave - 10 in Gujarati Fiction Stories by Mehul Mer books and stories PDF | ગુલામ – 10

Featured Books
Categories
Share

ગુલામ – 10

ગુલામ – 10

(અભયની વાતો)

દસ મિનિટ સુધી બધાં કૂદતાં રહ્યાં. આખરે અભયે સોંગ બંધ કર્યા અને પાળીનાં કાંઠે જઈને ચુપચાપ બેસી ગયો. અભયને અચાનક ચુપ થઇ ગયેલો જોઈને બધાંને આશ્ચર્ય થયું. એક પછી એક બધાં અભય પાસે પહોંચવા લાગ્યાં. અભય બે પગ વચ્ચે માથું દબાવીને બેઠો હતો.

“હૂ થયું અલા ?” ઉદયે તેની પાસે બેસીને, ખભા પર હાથ રાખીને પૂછ્યું, “ હાલને, ગરબા નથી લેવા ?”

અભયએ કંઈ જવાબ ન આપ્યો.

“હૂ થયું ઇ તો કે !” જીગાએ પુછ્યું.

અભય હજી મૌન જ હતો.

“માથું ઊંચું કરાય તો એનું” જીગા કહ્યું. ઉદયે બે હાથ વચ્ચે અભયનું માથું લઈને ઊંચું કર્યું. અભય રડતો હતો. તેની આંખમાંથી નદીનાં પાણીની જેમ આંસુ વહેતાં હતા.

“હુ કામ રોવે છે અલા ?” ઉદયે ગભરાઈને પુછ્યું.

“તમી જાવ બધાં” અભયે છંછેડાયેલા અવાજે કહ્યું અને ફરી બે પગ વચ્ચે માથું દબાવીને રડવા લાગ્યો.

“તમે લોકો જાવ, હું બેઠો છું એની હારે” ઉદયે બધાં દોસ્તોને કહ્યું. જીગો ઉદયને સાઈડમાં લઈ ગયો અને કહ્યું, “એને ચડી ગયું છે, થોડીવાર રોઈને બકબક કરવા મંડશે. હું હમણાં છાશ કે શરબત લઈ આવું છું એટલે ઉતરી જાહે”

ઉદયે યંત્રવત માથું ધુણાવ્યું. બધાં દોસ્તોનાં ગયાં પછી ઉદય ફરી અભય પાસે આવીને બેઠો.

“અલા ભલા માણહ, આવા જુવાનિયા રોવે કોઈ દિવસ !” ઉદયે અભયને શાંત કરવાનો પ્રયાસ કરતાં કહ્યું, “જે હોય ઇ છાતી ઠોકીને કય દેવાનું હોય, એમાં છોકરીયુંની જેમ રોવા નો બેહવાનું હોય”

“રોવ નય તો હૂ કરું !” અભયે આખરે મૌન તોડ્યું, “મારાં બાપા મને હમજતાં જ નથી”

“તું પેલાં રોવાનું બંધ કર અને પછી જે કહેવું હોય બોલ” ઉદય ઉભો થયો અને સામે પડેલી પાણીની બોટલ લઈ આવ્યો, “આલે મોઢું ધોઈને પાણી પી લે”

અભયે મોઢું થયું, બે કોગળા કર્યા અને એક ઘૂંટડો ગળા નીચે ઉતારીને બોટલ બાજુમાં રાખી. થોડીવાર બંને મૌન બેસી રહ્યાં. આખરે ઉદયે જ ચૂપકીદી તોડતાં કહ્યું, “શું પેટમાં દુઃખે છે બોલ હવે”

“તને બધી જ ખબર છે તો પણ બોલાવશે મને” અભયે અણગમા અને કંટાળાજનક અવાજે કહ્યું.

“તો પણ બોલી નાંખને, મન હળવું થઈ જશે”

“શ્રીમંતમાં બાપાએ મને જે શબ્દો કહ્યા એ જ મારાં મગજમાં ઘુમે છે, તેઓએ મારું કેરેક્ટર જસ્ટિફાઇ કરી નાંખ્યું, હકીકત શું છે એ જાણ્યા વિના ન કહેવાનું બધું કહી દીધું.

તેઓ સમજે છે કે હું ખેતરમાંથી ઘરે આવવા માટે ઉતાવળથી કામ કરૂં છું પણ મારાં બાપાને એ નથી ખબર કે તેઓને ઓછું કામ કરવું પડે એટલે હું ઝડપથી કામ કરતો હોઉં છું અને કંઈ છોકરી સાથે લફરું કર્યું મેં ?, લફરાની વાત તો દૂર રહી, સામે કોઈ છોકરી આવે તો પણ ટાંટિયાં એકબેકી રમવા માંડે છે.

ફોનમાં કોઈ જોક્સ વાંચ્યો હોય તો હસવું તો આવે જ ને ?, મારાં બાપાને એની સાથે પણ વાંધો છે. હું હસતો હોઉં તો એમ કહે કે શું એકલો એકલો હસ-હસ કરે છો, ઉદાસ બેઠો હોઉં તો એમ કહે કે કોઈ મરી ગયું હોય એમ કેમ મોઢું લટકાવીને બેઠો છો. મતલબ મને એ જ નથી સમજાતું કે મારે કરવું શું ? એ કહે તો હસું છું, એ કહે તો ચૂપ રહું છું તો પણ મારી સાથે જ પ્રોબ્લેમ હોય.

મારાં બાપાનાં વ્યવહારની તો તને ખબર છે ?, પ્રતાપગઢ કે તારપાળામાં કોઈ મરણ થાય એટલે બાર દિવસ પલાંઠીવાળીને બેઠાં રહેશે, કોઈ દવાખાનાનું કામ હશે તો લોકો પહેલા મારાં બાપાને બોલાવશે, કોઈનું સમાધાન કરાવવાનું હશે તો મારાં બાપા પહેલાં હશે. મોટો વ્યવહાર રાખે એમાં મને કોઈ જ વાંધો નથી. એ બધા એનાં સંબંધ છે પણ પછી આવક ઓછી થાય તો રોદણાં શું કામ રોતાં હશે ?, મહિનામાં દસ દિવસ તો વ્યવહાર સંભાળવામાં જાય છે તો આવક ઓછી જ થાયને. માણસ બંનેમાંથી એક વસ્તુ કરી શકે, કાં તો વ્યવહાર સંભાળી શકે અને કાં તો વ્યવહાર ભૂલીને આવક વધારી શકે. મારાં બાપાને બંને એક સાથે જોઈએ છે. વ્યવહારમાં પણ રહેવું છે અને આવક પણ વધારવી છે, એ કેવી રીતે શક્ય છે ?

મારાં બાપા વડીલો સાથે બેઠાં હોય ત્યારે એક વાક્ય બોલે છે, ‘સાચું તો પોતાનાં બાપને પણ કહેવું પડે.’ જ્યારે હું મારી કોઈ વાત કહેવાની કોશિશ કરું છું તો ‘એટલો મોટો થઈ ગયો કે બાપા સામે બોલવા મંડયો’ એમ કહીને મારું મોઢું સીવી લે છે. સાચું બોલવાની તો વાત દૂર રહી, મને બોલવા જ નથી દેતાં. હું ખેતરમાં કામ કરતો હોઉં ત્યારે સુપરવાઈઝરની જેમ માથે ઊભાં રહે. માણસ કામ કરતો હોય ત્યારે કોઈ વારંવાર ટોકે એ કોઈને ના ગમે. મારાં બાપા વાતવાતમાં ટોકે રાખે છે.

બે વર્ષથી ખેતીમાં કામ કરૂં છું, મોટર શરૂ કરવા જાઉં ત્યારે ખબર જ હોય છે કે પહેલાં ઍર કાઢવાનો હોય છે તો પણ દર વખતે ઍર કાઢવાની સલાહ આપે. નાકું વાળતો હોઉં ત્યારે માથે ઊભાં રહીને કેવી રીતે નાકું વાળવું એની શિખામણ આપે. આવી વાતો ધ્યાનમાં ના લેવાની હોય પણ ચોવીશ કલાક એનું એ જ ચાલતું રહે તો પછી મગજમાં કેસેટ સેટ થઇ જાય”

“તું નોકરી કેમ નથી શોધી લેતો ?” અભયની વાત સમજીને ઉદયે પુછ્યું.

“કરતો જ હતોને, કોલેજ પુરી કરી પછી છ મહિના નોકરી કરી હતી. ત્યાં વધુ શોષણ કરવા લાગ્યાં એટલે નોકરી છોડી દીધી. નોકરી છોડી એટલે ‘કાંઈ વાંધો નય, બીજી નોકરી નો મળે ત્યાં હુધી ખેતરમાં કામ કરજે’ એમ કહીને ખેતીમાં લઈ લીધો. પછી બીજી નોકરી શોધવાનો મોકો જ નથી આપ્યો”

“તારાં પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે, થોડાં મહિના માટે ઘરથી દૂર રહીને બીજે નોકરી કરવા ચાલ્યો જા” ઉદયે કહ્યું,” થોડાં મહિના દૂર રહીશ મગજ પણ શાંત રહેશે અને બાપા તરફનો ગુસ્સો પણ ઓછો થઈ જશે”

“નોકરી મળે તો મારે જવું જ છે પણ બાપા ખેતરમાંથી બહાર નીકળવા દે તો ને ?”

“રવજીકાકાનો દીકરો કૉલેજ કરીને અમદાવાદ નોકરી કરે છે, હું વાત કરીશ. તારું સેટિંગ થઈ જાય તો ચાલ્યો જજે”

અભયે હકારમાં માથું ધુણાવ્યું.

“હવે થોડી ઉતરી ગઈ હોય તો જઈએ આપણે” ઉદયે હળવું હસીને કહ્યું.

“મને ચડ્યો જ નથી” અભયે કહ્યું, “બધું બોલી દેવાની ઈચ્છા થતી હતી બસ”

“ચડી ગયો હોય એનું કોઈ સબુત નથી હોતું” ઉદય હસ્યો, “મનમાં આવે એ બોલી દેવાની જ ઈચ્છા થાય”

“તું કે એમ બસ” અભયે કહ્યું, “હાલ હવે નીકળીએ”

“પકડવો તો નહીં પડે ને ?” ઉદયે ઉભા થઈને પુછ્યું.

અભયે નકારમાં માથું ધુણાવ્યું. બંને ઊભાં થઈને બીજાં દોસ્તો હતા એ તરફ ચાલ્યાં.

બીજાં દિવસે બધાં ફોર્ટ, ચર્ચ, અને નાગોઆ બીચ ફર્યા. નાગોઆ બીચે બધાં મન ભરીને નાહ્યા. અભય રડ્યો હતો એ ઘટનાને યાદ કરીને વારે વારે બધાં દોસ્તો અભયને ચીડવતાં હતાં. અભયને પણ રડવા બાબતે આશ્ચર્ય થતું હતું. એ દિવ પહોંચીને આવું કરશે એવું તેણે વિચાર્યું પણ નહોતું. ત્રીજા દિવસે સવારે હોટલમાંથી ચૅક-આઉટ કરીને નક્કી કરેલા પ્લાન મુજબ મહુવા પહોંચ્યા અને ત્યાંથી ટ્રેન મારફતે ધોળા પહોંચી ગયાં. ઘરે બધાને એમ જ હતું કે છોકરાઓ સોમનાથ ફરીને આવ્યાં છે. અભય સોમનાથ જ ફરીને આવ્યો છે તેની સાબિતી રૂપે દિવથી શંખલાઓ જડિત કાચ લઈ આવ્યો હતો. જેને જોઈને તેનાં ભાભી તથા બા ખૂબ જ ખુશ થયાં હતાં.

(ક્રમશઃ)