Hume tumse pyar itna - 10 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | હમેં તુમસે પ્યાર ઇતના - 10

Featured Books
Categories
Share

હમેં તુમસે પ્યાર ઇતના - 10

પ્રકરણ-દસમું/૧૦

‘લીસન.. ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિગ આજ પછી મારી સાથે આવી ચીપગીરી કરી છે ને તો એવી હાલત કરીશ કે તારી મા ને તને પેદા કરવા પર અફસોસ થશે.
અન્ડરસ્ટેન્ડ ? આઈ હોપ યુ બેટર અન્ડરસ્ટેન્ડ.

‘અંતરા નાણાવટી નામ છે મારું યાદ રાખજે,’

સોહમે તેના જડબાને લેફ્ટ રાઈટ સાઈડમાં મુવ કરી દાઢી પર હાથ ફેરવીને ખાતરી કરી કે..બત્રીસી તો સહી સલામત છે ને ? પછી મનોમન બોલ્યો અલ્યા આ તો બહારથી બોબી અંદરથી લક્ષ્મી બોંબ જેવી નીકળી.

અંતરા બેન્ચ પરથી તેની બૂક્સ લઈને ચાલવાં લાગી. એટલે સોહમ સ્વસ્થ થઈને તેની સદબહાર અદામાં બોલ્યો,

‘અનઇન્સ્ટોલ ન થાય એવા લાઇસન્સ વર્જન વાળા ઇન્ટ્રોડોકટ્રી સોફ્ટવેર સાથે હથોડાછાપ વીઝીટીંગ કાર્ડ આપવાની તમારી આ યુનિક અને લીમીટેડ એડીશન જેવી સ્ટાઈલ આપણને ગમી મિસ. અંતરા નાણાવટી.’

અંતરાને હતું કે અગિયાર હજાર વોટના ઝટકા જેવો રીપ્લાય રસીદ કર્યા પછી આ ઋત્વિક રોશનની નબળી આવૃત્તિ ચાર પગે ભાગી છૂટશે, પણ, જાણેકે કંઈ બન્યું જ નથી એ રીતે અંતરાના પ્રકોપના પ્રતિકારના પ્રત્યુતરમાં બરફના ઠંડક જેવી પાણીની વાણીમાં સોહમએ ઉત્તર આપતાં અંતરાને સ્હેજ નવાઈ લાગી એટલે પાછળ જોઇને બોલી,

‘તારા અને મંદિરના ઘંટામાં કંઈ ફરક નથી લાગતો.’
ચહેરા પર ચીડાયેલા ભાવ સાથે અંતરાએ પૂછ્યું

‘ના, હું તો નાનકડી ઘંટી છું, આ રેગીંગ કરતાં ગ્રુપ એ મને તમારી તરફ ગાજરની માફક લટકાવ્યા બાદ તમારા પ્રહારના નાદ પરથી સૌને ખ્યાલ આવી ગયો કે ઘડીકમાં ઘંટી માંથી ઘંટો થયા પછી તમને લિંગ પરિવર્તન કરતાં પણ સારું આવડે છે.’
બાદશાહ પર એક્કા જેવો જવાબ ફેંકતા શાંત સોહમ બોલ્યો.

અંતરાના તેજાબી પ્રહાર સામે સોહમે તેની હાજરજવાબી પ્રકૃતિથી અંતરાના પ્રકોપ પર ઠંડા પ્રત્યુતરથી પાણી રેડી દીધું.
અંતરાને થયું કે કોઈ બીગડેલ બાપની ઔલાદ બાપના બેનંબરના હરામની કમાઈ ઓછી કરીને અહીં અક્કલનું પ્રદર્શન કરવા આવ્યો લાગે છે. એટલે કોઈ પણ જાતનો ઉત્તર આપ્યા વગર લાઈબ્રેરી તરફ ચાલવા લાગી.

સોહમ શર્મા.

જન્મસ્થળ દિલ્હી પણ, તેના જન્મના બે મહિના પછી એક આકસ્મિક સંજોગોવસાત તેમના માતા-પિતા શિફ્ટ થઇ ગયા સાઉથ આફ્રિકા. ત્યાં સોહમના પિતા અનંત શર્માએ તેમના એક મિત્રએ આપેલા બે,પાંચ લાખના સહકારથી શરુ કરેલો બિઝનેસ આઠ થી દસ વર્ષમાં કરોડોના આંકડાને આંબી ગયો.

સોહમના પરિવારમાં બધું જ એક પરિકલ્પનાની માફક ગોઠવાઈ રહ્યું હતું. પણ..

અચનાક જ શર્માના પરિવારના આયુષ્યની આવરદામાં એરર આવતાં એક મોડી રાત્રિએ ચિક્કાર વરસતાં વરસાદમાં હાઇવે પર કાર હંકારીને ઘર તરફ આવતાં અનંત શર્મા કાર પરનો કાબુ ગુમાવી બેસતાં જે ગમખ્વાર અકસ્માત સર્જાયો તેમાં સોહમના માતા-પિતા બન્ને ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવી બેઠા.
અને સોહમ જયારે એક મહિના પછી હોશમાં આવ્યો ત્યારે આંખ ઉઘાડીને જોયું તો તે તેના પિતા અંતત શર્માના ફેમીલી ફ્રેન્ડથી વિશેષ એવા એક મિત્ર કુંદન કોઠારીને ત્યાં ઇન્ડિયામાં હતો. ત્યારે સોહમની ઉંમર હતી માત્ર અગિયાર વર્ષ. સોહમને એ આઘાત માંથી નીકળતાં ખાસ્સો સમય લાગ્યો. પણ કુંદન કોઠારીએ જે ઢબથી સોહમની પરવરીશ કરી તેના પરથી સોહમને કયારેય વાત્સલ્યની ઉણપનો સ્હેજ પણ અણસાર નહતો આવવા દીધો.

તેના પાલક પિતા કુંદન કોઠારીને એક વાતની ખુશી અને ગર્વ હતો કે સોહમ નિર્વ્યસની અને આજ્ઞાંકિત હતો. સોહમમાં કોઈ અભિમાનનો અંશ નહતો. ધનાઢ્ય પરિવારમાં ઉછરેલો, સુખ સાહ્યબી, એશો આરામ, લક્ઝરી લાઈફ, સીમાડા વગરની સવ્તંત્રતા હોવાં છતાં પણ સોહમ એટલો સોમ્ય અને સહજ હતો કે, કોઈ એકવાર પણ તેના પરિચયથી અવગત થયા બાદ સતત તેનો સંગાથ ઝંખતો. કોલેજની ગર્લ્સને સોહમની અનુપમ પૌરુસ્ત્વ ના પાઠ કંઠસ્થ હતા.

અંતે.. હસતાં હસતાં.. સોહમ બોલ્યો,

‘આ ઊંધા હાથની થપ્પડથી...આગળની વાર્તા સીધી અને સરસ પક્કડ જમાવશે.’

આઈના સામે ઊભા રહીને અશ્વેત કેશની આડમાં શ્વેત કેશ સંતાડતા, પિસ્તાળીસ પાર કરી ચુકેલી મેઘના સ્વ સાથે સંવાદ સાંધતા બોલી,

‘વીસ વર્ષ.....’

ક્યાં જતા રહ્યા ? ક્યાં ગઈ એ મેઘના જેને જોઇને ફ્રેન્ડસ કહેતા કે.. આ હરખઘેલી હાથણી તો સાંકળે પણ બંધાય એમ નથી. અને આજે.. વીસ વર્ષ પછી તો હવે આ કટાઈ ગયેલી સાંકળ પણ આઝાદીની ઝંખનામાં જર્જરીત થઇ ગઈ છે.

એક અરસા પછી જયારે...અભરખાના અંબરને આંબવાનું ટાણું આવ્યું ત્યાં.. લગીમાં તો પીંજરા સાથે પ્રીત બંધાઈ ગઈ.

શોકમાં પણ સજીને, હદ બહારના સદમાને અવગણીને, સંતાપ, સંકટને સંજીવની સમજીને ગટકાવી, નારાજગી નીચવી, દુઃખ ખેંચીને સુખ સીંચ્યું, માત્ર અંતરા અંકુરને ખીલતાં જોવા. મેઘનાના મનોરથ પર મુકાયેલા અલ્પવિરામને ભૂંસીને પૂર્ણવિરામ મુકવાની સાથે સાથે મેઘના તેના અંશને તેના થી ચાર ચાસણી ચડીયાતી જોવા માટે બે દાયકાની કારાવાસ જેવી કાળી રાતો બાદ ઊંડી ઉતરી ગયેલી આંખોની ફરતેના કાળા કુંડાળા તેના આકરા તપ જેવી પ્રતિક્ષાની સંજ્ઞાના પુરાવાની ખાતરી પૂરાવતા હતા.

હજુ ગતકાલીનનો ગાંગડો ચૂસે એ પહેલાં બેડરૂમમાં દાખલ થતાં લલિતનો સ્વર સંભળાયો,

‘મારા માટે ચા લઇ આવજે.’
બેડ પર લંબાવતા થાકેલા સ્વરમાં લલિત બોલ્યો.
લલિતના કર્મગતિની ગતિશીલતા તેનું સીમાંકન તોડીને એ રીતે ઉર્ધ્વદિશામાં પરિવર્તિત થઇ ગઈ કે, આજે લલિત મહદ્દઅંશે મેઘના પર નિર્ભર થઇ ગયો. મેઘના એ ભારોભાર અંતઃકરણશુદ્ધિ થી કરેલા પુનિત પસ્ચ્યાતાપનું લલિતે અભિમાનના ઐરાવત પર આરૂઢ થઈને કરેલા હળાહળ અપમાનનું આ પરિણામ હતું. મેઘના પ્રત્યેની નક્કર નઠારી નફરતથી ધૂંધવાઈને ચાંપેલી મિથ્યાભિમાનની અગ્નિમાં મેઘનાનું જીવતર ખાખ કરવા ઉઠેલી અગનજવાળા અંતે લલિતને જ ભરખી ગઈ.

પિતાજી દિનકરના નિધન બાદ મેઘનાને પાઠ ભણાવવાના ચક્કરમાં પિતાજીનો કારોબાર પણ ઠપ્પ થઇ ગયો. લલિતની આર્થિક હાલત પણ દયનીય પરિસ્થિતિમાં પર આવી ગઈ હતી. મેઘનાએ સરદય સ્વીકારેલી ભૂલના બીજને તેના ઘવાયેલા સ્વાભિમાનથી લલિતે હદે સીંચ્યું કે, આજે એ જ વેરી બનેલા વટના વટવૃક્ષ તળે ખુદ પોતે જ દટાઈ માર્યો હતો.

આંખો મીંચીને બેડ પર પડેલાં લલિતની બાજુમાં ચા નો કપ લઈને બેસતાં મેઘના બોલી,

‘લલિત, ચલ ઉઠ ચા પી લે. કેમ મજા નથી ?’
‘ના બસ એમ જ.’ લલિત શુષ્ક ઉત્તર આપ્યો

વીસ વર્ષ પછી પણ દિવસ દરમિયાન બન્ને વચ્ચે ખપ પૂરતાં બે ચાર વાક્યોની આપ લે થઇ જતી. વીસ વર્ષમાં મેઘનાએ લલિતને તેના પંડ માંના ભૂતકાળના ભૂતાવળથી અલગ કરવાના પણ અથાગ પ્રયત્નો કર્યા લલિત તેના શુષ્ક સ્વાભિમાનને પોષવામાં તેનું તન, મન અને ધન સર્વસ્વ ગુમાવી બેઠો. લલિત આર્થિક બાબતને લઈને એ હદ સુધી બરબાદ થઇ ગયો હતો કે તે લાખો રૂપિયાનો દેવાદાર થઇ ગયો હતો. અને એ વાતથી મેઘના અજાણ હતી. પારિવારિક હક્ક હિસ્સામાં મેળવેલી સંપતિના સહારે મેઘનાએ તેનું અને અંતરાનું ભવિષ્ય સુરક્ષિત કરી લીધું હતું.

કંગાળ થઇ જવા છતા કડકાઈથી કચકચાવીને બાંધેલી, કાટ ખાઈ ગયેલી ગર્વના કંઠીની ગાંઠ છોડવા લલિત તૈયાર નહતો.

સૂવાનો સમય થવાં છતાં અંતરાનો કોલ ન આવતાં મેઘનાએ કોલ જોડ્યો અંતરાને.

‘કેમ, અંતરા ક્યાં બીઝી છે આજે ?’
‘ના, મમ્મી બીઝી નથી પણ થોડી ડીસ્ટર્બ છું.’
‘ઓહ ! શું થયું ? ચિંતા સાથે મેઘના એ પૂછ્યું

‘કંઈ નહીં, કાર્ટુન ચેનલનું એક કેરેક્ટર કોલેજ કેમ્પસમાં ભૂલું પડીને મને ભટકાઈ ગયું. ઊંધાં હાથનો ફેરવીને એવો તમાચો જડી દીધો કે બીજી વાર કોઈની સામે વાનરવેડા કરતાં બે વાર જરૂર વિચારશે.’
‘અરે, દીકરા આવું ન કરાય. સારી ભાષામાં વોર્નિંગ આપીને લેટ ગો કરવાનું.’
મેઘનાએ શાંતિ થી સમજાવતા કહ્યું.

‘એ તને ખબર ન પડે મમ્મી, તને તારી લાઈફમાં આવા અનુભવ નહીં થયા હોય ને એટલે તું આવી ડાહી ડાહી વાતો કરે છે. અને તું એક મહિનાથી મને મળવા કેમ નથી આવી ?

‘આવીશ, બે દિવસ પછી આવું છું. ઠીક છે. તારું ધ્યાન રાખજે.બાય.’
‘બાય મમ્મી.’

‘તને તારી લાઈફમાં આવા અનુભવ નહીં થયા હોય..’

અંતરા આ એક વાક્યથી મેઘનાના ચહેરા પર એક માર્મિક સ્મિત સાથે તેની ભીની આંખો સામે અતીતના અસંખ્ય દ્રશ્યોની ધૂંધળી હારમાળા સરકવા લાગી. રાજન સાથેના પ્રથમ વરસાદી માહોલમાં થયેલાં પરિચયથી લઈને છેક તેને ચોડેલા અંતિમ થપ્પડ સુધીની દાસ્તાં, ભીડેલા ભૂતકાળના બારણે દસ્તક દેવા લાગી. કયાંય સુધી આંસુના ટપકાં સાથે યાદોના ટકોરા પડતાં રહ્યા.

નેક્સ્ટ ડે સોહમ કોલેજના મેઈન ગેઇટ પાસે એવાં એંગલ પર ઊભો હતો કે, ત્યાંથી પસાર થતાં અંતરાનું ધ્યાન તેના તરફ ખેંચાય. અને અંતરાએ તે નોટ પણ કર્યું. એ રીતે કોલેજમાં જ્યાં જ્યાં થી અંતરા પસાર થતી રહી ત્યાં ત્યાં સોહમ તેની નજરે ચડતો રહ્યો. આવું ગાંધીજીના અહિંસક સત્યાગ્રહ સમાન છેલ્લાં આઠ,દસ દિવસથી સોહમનું સાઈલેન્ટ મુવી જેવું ચાલતાં નાટકને બન્ને ચુપચાપ જોતા રહ્યા.

એ દસ દિવસ દરમિયાન અંતરાએ સોહમના અતીત અને વર્તમાન સાથેની લેટેસ્ટ અપડેટ વર્જનની કુંડલી કાઢીને અભ્યાસ કરતાં માલુમ પડ્યું કે, આ બંદાનો તો વગર વાંકે વનેચંદ બનાવીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

એક દિવસ કોલેજના ફર્સ્ટ ફ્લોર પર ક્લાસરૂમની બહાર આવેવા વિશાળ પેસેજના કોર્નર પાસેના પિલરનો ટેકો લઈને મોબાઈલમાં કંઇક ખાંખાખોળા કરતાં સોહમ પાસે સાવ નજીક આવીને તેની સામું જોઈને અંતરા ઊભી રહી ગઈ. અંતરાની સામું જોતાં સોહમ એકદમ આશ્ચર્ય સાથે બોલ્યો,

‘ઓહ્હ, આજે કઈ ચીપગીરીના ચાર્જમાં ઊંધાં કે સીધાં હાથની ચોડવાના છો, મિસ. અંતરા નાણાવટી. ?

બે મિનીટ સુધી અંતરા સોહમને જોઈ રહ્યા પછી સોહમ સામે હાથ લંબાવતા બોલી,

‘હાથ ચોડવા નહીં જોડવા, અને ચીપગીરી નહીં સ્વીટગીરી માટે મિસ્ટર....’

સોહમને નવાઈ લાગી કે, આટલા ટૂંકાગાળામાં આ મર્દાની માંથી મીનાકુમારી કેમ થઈ ગઈ ? હૈરત સાથે હાથ મીલાવતાં સોહમે પૂછ્યું,

‘હાઈ, સોહમ. સોહમ શર્મા. તમે .... તે દિવસે ચોડેલી લપડાકની લાઈક, કોમેન્ટ કે ફીડબેક લેવા આવ્યા છો ?

‘એ તમારા પરિચય ને પ્રત્યુતર આપવાની સ્ટાઈલ પરથી મને ખ્યાલ આવી જ જશે.’

અંતરા એ તેના ફેઈસ પર આવતાં વાળને સરખાં કરતાં કહ્યું.

‘તમને લાગે છે કે સોહમ નામના પુષ્પના પમરાટને કોઈ પરિચયની આવશ્યકતા ખરી ? અંતરાની સામે જોતાં સોહમ બોલ્યો.

‘માન ગયે ગુરુ, એટલે તો સોરી કહીને, સોહમની સુગંધિત સૌરભને શેર કરવા આવી છું.’ સ્મિત સાથે અંતરા બોલી.

‘ઔપચારિકતાના શિરમોર ગણાતા ‘સોરી’ શબ્દને મેં મારા શબ્દકોશમાંથી બાકાત રાખ્યો છે. મિસ, અંતરા....’

‘ઓન્લી અંતરા.’
સોહમની વાત કાપતાં અંતરા બોલી.

‘ઓ.કે. અંતરા હું અત્યારે જરા જલ્દીમાં છું. મારા ડેડ ત્રણ મહિના માટે આઉટ ઓફ ઇન્ડિયા જાય છે એટલે હું તેમને ડ્રોપ કરવા એરપોર્ટ જઈ રહ્યો છું. ફિર મિલતે હૈ.. બ્રેક કે બાદ.’
સસ્મિત હાથ મિલાવીને સોહમ જતો રહ્યો અને અંતરા વળી ક્લાસ તરફ.

સબળ કારણ આપીને સોહમ જતો રહ્યો તે છતાં પણ સ્વભાવાધીન અંતરાને થોડું ખૂંચ્યું.

અંતરા.

અંતરાના જોઇને કોઈ એમ જ કહે કે, આ મેઘનાની પ્રતિકૃતિ છે. એ જ બોડી લેન્ગવેજ, એ જ મસ્તી ભર્યો તરવરાટ, બેબાક, ડર શબ્દ અંતરાએ તેની ડિક્શનરીમાંથી ડિલીટ કરી નાખ્યો હતો.
પણ તેની એક અનન્ય ખાસિયતથી તેને મેઘના અને રાજનથી અલગ પાડતી હતી. અંતરા ભાગ્યેજ કોઈને તેના મૂળ સ્વભાવગત પ્રકૃતિના પરિઘની પરિક્રમા કરવાની પરવાનગી આપતી. અમુક બાબતમાં તે અત્યંત ચૂઝી હતી. તેના સાવ અંગત ગણી શકાય તેના મેલ કે ફીમેલ ફ્રેન્ડસની ગણતરી કરતાં વેઢા નહી પણ આંગળીઓ વધી પડતી.

એક દિવસ...રાત્રિના સાડા દસ નો સમય થયો. લલિત હજુ ઘરે પરત નહતો ફર્યો.
રોજિંદા નિયમિત સમય અનુસાર કરતાં કાફી મોડું થઇ ચુક્યું હતું. એટલે સ્વભાવગત ચિંતિત થઈને મેઘનાએ કોલ જોડ્યો,
પણ લલિતનો સેલ ઓફ હતો. બે થી ત્રણવાર પ્રયત્ન કર્યો પણ, વ્યર્થ.

બૂક સેલ્ફ માંથી હાથમાં આવ્યું એ પુસ્તક લઈને વિચારોને સકારાત્મક દિશા તરફ વાળવાની કોશિષ કરતી પુસ્તકના પાના ફેરવતાં ફેરવતાં દિવસ ભરના શારીરિકની સાથેના માનસિક થાકના બોજ તળે દબાઈને ક્યારે આંખ લાગી ગઈ તેનો ખ્યાલ ન રહ્યો.

આશરે કલાક પછી... ડોરબેલ વાગતાં ઝબકીને જાગી ગઈ. ફટાફટ દોડીને દાદરો ઉતરીને મુખ્ય દ્વાર ખોલતાં લલિતની હાલત જોઇને મેઘનાની મોઢાં માંથી એક તીણી ચીસ નીકળી ગઈ.

કપાળ અને મોઢાં માંથી વહેતાં લોહીથી ખરડાયેલા અને ફાટેલાં વસ્ત્રોમાં માંડ માંડ દરવાજાનો ટેકો લઈને અધ્ધખુલ્લી આંખો સાથે પીડાથી કણસતા લલિતને જોઇને મેઘના ડરી ગઈ.

‘ઓહ્હ.. માય ગોડ’ આટલું બોલીને લલિતના જમણા હાથને તેના ખંભા પર મુકતા રીતસર ઢસડાતી હાલતમાં લાવીને લલિતને પરસાળમાં પડેલી આરામ ખુરશીમાં બેસાડ્યો.

દરવાજો બંધ કર્યો. દોડીને રસોડામાંથી પાણી લાવીને મુશ્કિલથી પાણી પીવડાવતાં રીતસર ધ્રુજી રહેલી મેઘનાએ પૂછ્યું,

‘લલિત... લલિત .. આ શું ? કેમ થયું ? લલિત ?
કંઈ પ્રત્યુતર આપવાનો પ્રયાસ કરે એ પહેલાં તો લલિતએ આંખો મીંચી દીધી.

અને કાળી રાત ચીરતી મેઘનાની કારમી રાડ ફાટી ગઈ.

-વધુ આવતાં અંકે

© વિજય રાવલ

'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484