Amasno andhkar - 27 in Gujarati Adventure Stories by શિતલ માલાણી books and stories PDF | અમાસનો અંધકાર - 27

Featured Books
Categories
Share

અમાસનો અંધકાર - 27

શ્યામલીને પણ કાળના સંજોગે કાળી હવેલીમાં ધકેલી દીધી હતી. આજ એના વિધવા જીવનનું પહેલું પરોઢિયું હતું. ઠંડા પાણીએ સ્નાન કરાવ્યાં બાદ એને ભગવાન સમક્ષ ઊભી રાખી એના જીવનની મનોમન મંગલ પ્રાર્થના થઈ. હવે એને બધાની માફક પોતપોતાના કામકાજ સંભાળવાના હતા.હવે આગળ...

શ્યામલીએ પણ બધાની માફક કાનુડાના રંગને અપનાવી મનને મનાવ્યું. એ નીચી નજરે અને મક્કમ ડગલે કાળા વસ્ત્રોમાં સજ્જ થઈ બધાની સાથે ભળી. તેણે પોતાની કુણી કેડ પર કાળું મટકું લીધું અને પોતે આ જીવનને જીવવા તૈયાર છે એવી માનસિકતા દર્શાવી. એની સાથે રહેનારી બે વિધવાઓ પણ એની સાથે ચાલી. હવેલીના પાછલાં ભાગમાં ઊંડો કૂવો હતો. એના નીર એણે બધાને પીવડાવવાના હતા.

એ ગોઝારા કૂવો કેટલીય લાચાર વિધવાઓને ભરખી ગયો હતો. જુવાનસંગે એ કૂવો એટલે જ બનાવ્યો હતો કે
'જે સ્ત્રીઓનો વિરોધ વધે, જે સ્ત્રીઓ જાતે જ નિર્બળતા પૂરવાર કરે અને જે જાતે જ જીંદગીથી થાકે એ જ એ કૂવામાં ઝંપલાવે.' ત્યારે નદીઓના નીરને અડકવાની આ સ્ત્રીઓને છૂટ નહોતી. આ એક કૂવો જ એમના માટે અમૃતકુંડ કે મોતની ચીતા બનતો. એ કૂવો કેટલો ઊંડો હતો એ તો બનાવવાવાળો જ જાણતો હશે. શ્યામલી પણ આ કૂવા સુધી પહોંચી મૂંગા મોંઢે.

શ્યામલીએ જેવું સિંચણીયું પકડ્યું કે સખીઓની સાથે કરેલી ગોષ્ઠિ યાદ આવી. શ્યામલી ત્યારે વટથી કહેતી કે " હું તો એ ઘરનું પાણી ભરીશ. જ્યાં વરૂણદેવની આશિષ અપરંપાર વરસતી હોય. મારા પાણીના બેડાં તો મારો શામળો સાંવરિયો મારા માથે ચડાવશે અને હું લટકારી ચાલે એના ઘરના પાણિયારા ઉજળાં કરીશ." આ શબ્દો હવે કાનમાં શૂળની જેમ ભોંકાતા હતા. સાથે આવેલી રામીએ સિંચણીયું
હાથમાં લેતા કહ્યું, " બેન, હટી જા..તારી મહેંદી જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી તું એનો રંગ નીરખી લે. હવે આ રંગ કદાચ તને ક્યારેય ફરી જોવા ન મળે." શ્યામલીને આંચકો લાગ્યો. એ અંદરથી ઊભરતા ગુસ્સાને ઠલવવા એ સિંચણીયા
સાથે પાતાના હાથને જોરદાર ઘસી ફટાફટ પાણીને સિંચવા લાગી.

અનાયાસે એનાથી કૂવામાં જોવાઈ ગયું. એ ડહોળાતા પાણીમાં એની પ્રતિકૃતિ ફેલાઈ ગઈ જેમતેમ...એના જીવનની જેમ. એ વિચારતી રહી કે ' આ કૂવો પણ અભાગિયો છે કે બે પ્રકારે બધાની તરસ છીપવે છે. તનને શાતા આપીને અને મોતની વેળાએ મનની શાતા આપીને..' તો ય ગોઝારો જ રહ્યો. 'શું સ્ત્રી હોવું અભિશાપ છે? સ્ત્રીનો સાથીદાર છીનવે એ મોત ..અને કાયમ દોષી ગણાય આ સ્ત્રી..આ શું વ્યાજબી છે ? '

આમ ને આમ વિચારતા વિચારતા પાણી બહાર આવી મટકાની અંદર ઠલવાય છે, છલકાય છે અને મટકું મલકાય છે હવે આ અભાગણ મારી કિંમત આ બધા જાણશે હવે આજીવન...ત્રણે સ્ત્રીઓ પાછી ફરે છે. વારાફરતી બધાના માટલા ભરાય છે પાણીથી. બધા શ્યામલીની વ્યથા સમજે છે પણ એને દુઃખી ન જોવી પડે એટલે એને કામમાં પરોવી દે છે..

ત્રણે સ્ત્રીઓને પાણી ભરીને આવતા જોતા જ અચાનક રૂકમણીબાઈનું ધ્યાન શ્યામલીના પગ તરફ જાય છે અને એક અફસોસનો ઉદગાર સરી પડે છે..' ઓહહહહહહહહ! બચાકડી, ખુલ્લા પગે પાણી ભરે છે '. એ નમણીના પગ કાળી અને ભૂરી માટીથી લથબથ છે. મહેંદી પણ વારંવાર એ બોજથી બહાર નિકળવા ઝોલા ખાય છે. પાયલથી શોભતા પગને આજ એ કાંટાળી અને કાંકરીવાળો માર્ગ બહુ તડપાવે છે. તો પણ એ અભાગણી નીચી નજરે, વિના ફરિયાદે અને મૌન વદને એની ફરજ નિભાવે છે.

બધા સાથે રહીને શ્યામલીના દુઃખને વિસરાવવાના પ્રયાસ કરે છે પણ ત્રણ દા'ડા થયાં છે તો એ થોડું ભુલાય! ત્યાં જ રાંધણીયામાંથી વાસણ પછડાવવાનો અવાજ આવે છે. ત્યાંથી દોડતી આવેલી એક મહિલાએ પોતે દાઝી ગઈ એવો ઊંહકારો કર્યો. હજી બધા વિચારે જ છે કે શું કરવું એમ ? ત્યાં તો શ્યામલીએ એક પાણીનું મટકું ઢોળીને નીચે પડેલી માટી ભીંજવી. તરત જ એ મહિલાના હાથ એમાં ખૂંપી દીધા અને વધૂ ભીની માટી તૈયાર કરવા લાગી. મહિલાને જ્યારે બળતરા ઓછી થઈ તો એણે શ્યામલી સામે હળવું સ્મિત આપ્યું. શ્યામલીએ પણ એની માથે હાથ રાખી બીજું પાણીનું માટલું એની હથેળીમાં ઢોળ્યું.

બધાએ શ્યામલીને આટલી વાતે જ ઓળખી લીધી કે એ બધાની રક્ષક બની શકે એમ છે. પણ, એનું મૌન સૌને ખૂંચતું હતું. રળિયાત બાએ કહ્યું, " ક્યાં સુધી એ એની જીભ અને પીડાને દબાવી રાખશે. એને જાતે જ બોલવા દો. બધા એને સહકાર આપો એ જાતે જ બોલશે અને સચવાય જશે."

શ્યામલીનું જીવન હવે ધીમે-ધીમે સ્થિર થઈ રહ્યું હતું. મન તો ચકડોળે જ ચડેલું હતું. એને એક જ વાત મુંઝવી રહી હતી કે 'ક્યાં પાપની સજા આ બધા સાથે હું પણ ભોગવી રહી છું.'

------------ ( ક્રમશઃ) --------------

લેખક : શિતલ માલાણી

૧૫-૧૦-૨૦૨૦

ગુરુવાર