Revenge Third Issue: - 15 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ તૃતીય અંક: - 15

Featured Books
Categories
Share

પ્રતિશોધ તૃતીય અંક: - 15

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-15

વર્તમાન સમય, કાલી સરોવર, રાજસ્થાન

'રામ રાખે તેને કોણ ચાખે' આ કહેવતને ચરિતાર્થ કરતો હોય એમ સમીર એક પછી એક મુશ્કેલીઓમાંથી બચીને રાકાની પકડમાંથી છટકી આવ્યો હતો. પોતે માધવપુર સામ્રાજ્યનો આખરી વંશજ છે એ વાતથી બેખબર સમીર જીવ બચાવવા સાપોથી ભરેલા કાલી સરોવરમાં ચાલુ ટ્રેઈનમાંથી કૂદી પડ્યો હતો.

સમીરનું નસીબ જોર મારતું હતું, નદીમાંથી તરીને એ સફળતાપૂર્વક બહાર આવી ગયો અને એને કોઈ ઝેરી સર્પનો ભેટો પણ ના થયો. આ ઉપરાંત એક બીજી વસ્તુ પણ સમીરના પક્ષે રહી, રાકા અને એના માણસો સમીર જે તરફ કુદ્યો હતો એનાંથી વિપરીત દિશામાં એની શોધખોળ કરવામાં લાગ્યા હતાં. જેના લીધે સમીર માટે છટકી જવાનો પૂરતો સમય હતો.

ભાનુનાથનો પુત્ર સોમનાથ પોતાની પત્ની અને જોરાવરને લઈને પોતાનું પૈતૃક ગામ છોડીને પહેલા ભોપાલ અને પછી પુણે જઈ પહોંચ્યો હતો. પોતાની દીકરી વૈદીહીની સાથે જ સોમનાથે જોરાવરનો પણ કાળજીપૂર્વક ઉછેર કર્યો. માધવપુર રિયાસતની સાથે-સાથે પોતાના પિતાજીનો પણ અંત થઈ ગયો છે એ જાણ્યા બાદ સોમનાથે પુણેમાં જ બાકીનું જીવન પસાર કરવાનો મક્કમ નિર્ધાર કરી લીધો.

લગ્નને લાયક થતા સોમનાથે જોરાવર અને વૈદીહીના લગ્ન કરાવી દીધા. આ લગ્નને પરિણામે માધવપુર રાજપરિવારને એનો વંશજ મળ્યો સિદ્ધાર્થસિંહ. સિદ્ધાર્થસિંહની સાતમી પેઢીએ સમીરનો જન્મ થયો. રાજપરિવારની નિશાનીરૂપે સમીરને વારસામાં બાજની આકૃતિ વાળું લોકેટ અને હાથ પર તલવારનું છૂંદણું તો મળ્યું પણ એ કયા કારણથી એને ધારણ કરવું પડ્યું એ વિષયમાં એને કંઈપણ ખબર નહોતી.

પોતે રાજપરિવારમાંથી આવે છે એની કોઈ સાબિતી ન હોવાથી અથવા તો આટલા વર્ષે એ વાતનું ઝાઝું મહત્વ રહ્યું ના હોવાથી સમીરના પરદાદા વખતથી આ અંગે એમના આગામી વંશજોને કોઈ જાતની જાણકારી આપવામાં આવી ન હતી. આથી જ સમીરને ક્યારેય એ અંગે ખબર ના પડી કે પોતે કંપનીના કામ માટે જે કિલ્લાને જમીનદોસ્ત કરવા ગયો હતો એનો માલિક એ પોતે જ હતો.

 

રાજપરિવારનો વંશજ હોવાથી એનું રક્ત કાલરાત્રી નામક શૈતાનને પુનઃ ધરતી પર અવતરિત કરવામાં સહાયરૂપ થશે એ માની ગ્રુપ ઓફ ઇવિલ નામની સંસ્થાના લોકો સાથે મળીને ક્રિસ્ટોફરે સમીરને પોતાની ફાંસમાં લેવાની યોજના તૈયાર કરી. ક્રિસ્ટોફરની દરેક ગણતરી સાચી ઠરી અને કાલરાત્રીની જીવિત કરવાની વિધિ પહેલા જ સમીર એમની પકડમાં આવી ગયો.

 

એ લોકોના કમનસીબે અને પોતાના સદનસીબે સમીર ક્રિસ્ટોફરના ભાડૂતી ગુંડાઓની કેદમાંથી આબાદ છટકીને ભાગી છૂટ્યો હતો.

 

પચ્ચીસ લાખની સાથે શાયદ પોતાનો જીવ પણ જશે એવું અનુમાન કરતા રાકા અને એના સાગરિતો સમીરને કાલરાત્રી સરોવરની નજીકના જંગલોમાં શોધી રહ્યા હતા. પણ, સમીર તો એ લોકોના શોધન પ્રદેશથી વિપરીત દિશાના જંગલોમાં પ્રવેશી ચૂક્યો હતો.

 

વદ ચૌદશ થઈ હોવાથી ચંદ્રનો પ્રકાશ ન હોવા બરાબર હતો, ભયંકર અંધકારમાં સમીર હાંફળો-ફાંફળો બની જીવ બચાવવા આમ-તેમ દોડી રહ્યો હતો. એનું શરીર હવે જવાબ આપવા લાગ્યું હતું, એક તો સરોવરમાં સતત અડધો કલાક તરીને સામે કાંઠે આવવા લગાવવું પડેલું જોર અને હવે ઝાડી-ઝાંખરામાં થઈને એકાદ કલાકથી એકધાર્યું દોડવા પર સમીરના શ્વાસ ફૂલી ગયા હતાં. શરીર પરના કપડાં ઠેકઠેકાણે તરડાઈ ગયા હતાં અને આખા શરીર પર ઉઝરડા પડ્યા હતાં.

 

વધેલી દાઢી, ઊંડી ઉતરી ચૂકેલી આંખો, નિસ્તેજ ચહેરાના લીધે સમીરને એની અસલ ઉંમર કરતા દસેક વર્ષ વધારે મોટો લાગતો હતો. એકવાર તો સમીરને થયું કે હવે ત્યાં જ બેસીને મોતની રાહ જોવે પણ આધ્યાને મળીને એને ગળે લગાવવાની ખેવના અને આધ્યા જોડે કરેલા વ્યવહાર માટે એની માફી માંગવાની મંછાએ સમીરની જીજીવિષા અકબંધ રાખી હતી. બસ આ કારણથી એ જીવવા માંગતો હતો અને એટલે જ એ અત્યારે રહીસહી ઊર્જા ખર્ચી ભાગી રહ્યો હતો.

 

પાણીમાં ભીંજાયો હોવાથી હવે રાતે વાતા ઠંડા પવનોને લીધે સમીરને પુષ્કળ ઠંડી લાગી રહી હતી, છતાં એ આ બધું ગણકાર્યા વિના કોઈ બચવાનો રસ્તો નજરે ચડી જાય એવી આશાએ દોડી રહ્યો હતો.

 

અચાનક સમીરના કાને કારના એન્જીનની ઘરઘરાટી સંભળાઈ, એ સાંભળી જાણે નવું જોમ પેદા થયું હોય એમ સમીર મુઠ્ઠીઓ બંધ કરી અવાજની દિશામાં ભાગ્યો. કારનો અવાજ વધુને વધુ નજીક આવી રહ્યો હતો. જો પોતે આ વખતે મદદ મેળવી ના શક્યો તો પોતે જીવિત નહિ બચે અને એનો અર્થ હતો આધ્યાને સદાયને માટે ખોઈ દેવી. આધ્યાને છેલ્લી વાર મળી લેવાની ઈચ્છા બળવત્તર બનતા સમીર કોઈ દોડવીરની માફક એ તરફ ભાગ્યો જે તરફથી કાર પસાર થતી હતી.

 

એક ઊંચાણવાળા ભાગ પર સમીર પહોંચ્યો તો એને જોયું કે નીચે રસ્તો હતો અને સામેથી એક સ્કોર્પિયો ખાડા-ટેકરા વાળા રસ્તા પરથી દોડતી આવી રહી હતી. મદદ માંગી લેવાની ઉતાવળમાં સમીર ફટાફટ એ ઊંચાણ પરથી નીચે ઉતરવા લાગ્યો, ઉતાવળમાં ને ઉતાવળમાં એને પગમાં ઠેસ આવી અને એ નીચે ગબડી પડ્યો.

 

સમીરના થાકેલા શરીરને નીચે પડવાથી પડેલા બેઠા મારની કળ વળે એ પહેલા સ્કોર્પિયો પસાર થઈ ચૂકી હતી. આ જોઈ સમીર હિંમત કરી ઊભો થયો અને રસ્તાની મધ્યમાં આવી 'હેલ્પ મી...હેલ્પ મી'ની બૂમો પાડવા લાગ્યો.

 

લગભગ બસો મીટર દૂર પહોંચેલી સ્કોર્પિયો પોતાના અવાજ આપવા છતાં ના અટકી એટલે સમીર ફસડાઈ પડ્યો. ઘૂંટણભેર બેસીને એ જોરજોરથી આક્રંદ કરવા લાગ્યો. એનું આ હૃદયદ્રાવક કલ્પાંત દર્શાવતું હતું કે હવે એ હિંમત હારી ગયો છે અને એના જીવવાની ઈચ્છાઓ મરણ પામી છે. દુઃખ અને હતાશાના વાદળો મન પર ઘેરાવા લાગ્યા, આખરે સમીર બેહોશ થઈને ઢળી પડ્યો.

************

"સમીર, આંખો ખોલ.. જો હું છું, આધ્યા."

"તારી આવી હાલત કેમ થઈ? કોને તારી આવી દશા કરી?"

 

બેભાનવસ્થામાં જમીન પર પડેલા સમીરના કાને પોતાની પત્ની આધ્યાનો ચિંતિત અવાજ અફળાયો. પોતાને નક્કી મતીભ્રમ થઈ ગયો છે એમ માની સમીરે આંખો ખોલવાની કોશિશ સુધ્ધાં ના કરી, એનામાં એટલી શક્તિ જ નહોતી.

 

સમીરને અચાનક એવું લાગ્યું કે કોઈ એને બોટલ વાટે પાણી પીવડાવી રહ્યું છે, પાણીની બુંદ હોઠે અડતા જ સમીરનું મોં ખુલી ગયું અને એ આખી બોટલ પાણી પી ગયો. શરીરમાં પાણી જતા જ સમીરને વાસ્તવિકતાનું ભાન થયું અને એને હળવેકથી પોતાની આંખો ખોલી. આંખો ખોલતા જ એને જોયું કે આધ્યા સજળ આંખે પોતાની તરફ હુંફભરી નજરે જોઈ રહી હતી.

"સમીર..સમીર..!" સમીર વધુ કંઈ સમજે એ પહેલા તો આધ્યાએ એને પોતાના આલિંગનમાં સમાવી લીધો. આધ્યાનો પ્રેમભર્યો સ્પર્શ મેળવી સમીર જાગ્રત અવસ્થામાં આવી ગયો. આધ્યાના આલિંગનમાંથી મુક્ત થયા બાદ સમીરે ચારે તરફ નજર ઘુમાવી તો એને નિહાળ્યું કે આધ્યાની બહેન જાનકી, એનો કલીગ રાઘવ, એનો મિત્ર યુસુફ અને યુસુફની પત્ની રેહાના પણ ત્યાં મોજુદ હતાં.

 

આ ઉપરાંત એને એક અજાણ્યા યુવક અને પોલીસ યુનિફોર્મમાં સજ્જ બે પોલીસકર્મીઓને પણ જોયા. ભંડારીબાબાને મળ્યા બાદ એ લોકો મોહનગઢ પાછા ફરી રહ્યા હતા ત્યારે જ સમીર એમની સ્કોર્પિયોને જોઈ ગયો હતો. એ સ્કોર્પિયોમાં બેસેલા લોકો પોતાને જ શોધી રહ્યા છે એ વાતથી અજાણ સમીરની મદદ માટેની બુમો આધ્યા અને રાઘવના કાને પડી.

 

કોઈ અજાણ્યો વ્યક્તિ કોઈ મુસીબતમાં મુકાયો છે, જેની મદદ કરવી જ રહી. એમ માની રાઘવે યુટર્ન મારી સ્કોર્પિયો સમીરની દિશામાં લીધી. જમીન પર બેહોશ ઢળેલા વ્યક્તિની સ્થિતિ જોવા બધા ગાડીમાંથી નીચે આવ્યા.

 

રાઘવે બેહોશ વ્યક્તિનું શરીર જેવું જ સીધું કર્યું એ સાથે જ ગણપત અને ગુજરાલ સિવાયના બાકીનાં લોકોની આંખો પહોળી થઈ ગઈ. પોતે જેને શોધી રહ્યા હતા એ વ્યક્તિ આવી હાલતમાં પોતાને મળશે એવી કલ્પના પણ કોઈને ક્યાંથી હોય!

 

સમીરને જોતા જ બધા એને ભાનમાં લાવવાના પ્રયત્નમાં લાગી ગયાં. એ લોકોનું વર્તન જોઈ ગુજરાલ અને ગણપત પણ સમજી ગયા કે એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ માધવપુર સામ્રાજ્યની વંશજ સમીર રાજપૂત હતી.

 

એક સફરજન ખાધાની પાંચેક મિનિટ બાદ સમીરને થોડું ઠીક લાગ્યું, રાઘવે પોતાનું જેકેટ સમીરને પહેરાવી દીધું જેના લીધે પણ સમીરને ઠંડીમાંથી થોડી રાહત મળી.

 

"તું અહીં આ હાલતમાં કઈ રીતે?" આધ્યા અને રાઘવના મનમાં આ પ્રશ્ન હતો તો "એ લોકો અહીં આ જગ્યાએ શું કરે છે?" આ પ્રશ્ન સમીરને પણ હતો.

 

આ ઉપરાંત પણ ઘણા પ્રશ્નો હતા, ઘણી વાતો હતી જે પરસ્પર એ લોકો આદાનપ્રદાન કરવા માંગતા હતાં. સમીર માધવપુર રિયાસતનો વંશજ છે અને એના પૂર્વજ વિક્રમસિંહનો પુનઃ જન્મ એ જણાવવાની આધ્યાને ઉત્કંઠા હતી. સામે પક્ષે સમીર આધ્યાની માફી માંગવાની ઈચ્છા ધરાવતો હતો.

 

પણ, આ બધી વાતોની પરસ્પર વહેંચણી થાય એ પહેલા તો આધ્યા, રાઘવ, ગણપત, જાનકી અને ગુજરાલે પોતાની ગરદન પર કોઈ અણીદાર સોંય ભોંકાતી અનુભવી. એ લોકો કંઈ સમજે એ પહેલા તો એમની આંખે અંધારા આવી ગયા અને એ લોકો જમીન પર ફસડાઈ પડ્યા.

 

વિસ્ફારીત આંખે સમીર ચહેરા પર કટુ સ્મિત અને હાથમાં સિરિન્જ લઈને ઊભેલાં યુસુફ, રેહાના અને જુનેદને જોતો રહી ગયો. સમીર કંઈ કરે એ પહેલા તો જુનેદે એની ગરદનમાં પણ એક સોંય ઉતારી દીધી હતી.

 

ફર્શથી અર્શ પર અને અર્શથી પાછા ફર્શ પરની સફરને દસ મિનિટમાં પૂર્ણ કરી સમીર પાછો બેહોશ થઈ ગયો.!

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)