ભાગ.. 21
યોગેશે પાયલને એના મિત્રના જીવન વિશે વાત કરી. એનો મિત્ર ડાયવર્સી છે. પાયલને રેખાના પુનઃલગ્નનો વિચાર આવે છે. આ વિચાર એ સીમાને પણ જણાવે છે. રેખા શું આ વાત માટે રાજી થશે? હવે આગળ...
પાયલ અને સીમાની વાત થયા મુજબ બન્ને ફરી એકવાર બધા મળવા તૈયાર થશે કે કેમ? આવા સવાલ સીમાને મુંઝવણમાં મૂકે છે. એને રેખાની વાત યાદ આવે છે કે મોહનના ઘરના બધા રેખાના બીજા લગ્નની વિરુદ્ધમાં છે. રેખા પણ સમાજથી ડરનારી વ્યક્તિ છે. સમાજના ભયથી રેખાનું ભવિષ્ય ધુંધળી છાંયા સમાન છે. પણ રેખા જ હા ન પાડે તો?
કોઈને કાંઈ ધરાર તો ન મનાવી શકાય! હવે શું કરવું એ વિચારે સીમા ચકરાવે ચડી છે. એને યાદ આવ્યું કે સુહાની આ સમસ્યાનો સરળતાથી હલ લાવી શકશે..લાવ ને એને જ વાત કરું.
સીમા સુહાનીને કોલ લગાવે છે અને સુહાની રિસીવ કરે છે.
સીમા : "દીદી, હું સીમા બોલું છું. કેમ છો તમે ?"
સુહાની : " અરે ,વાહ..આજ તો અત્યારે આપનો ફોન..મજા આવી આપનો મીઠો અવાજ સાંભળીને !
સીમા : " શું દીદી, તમે પણ..પાયલે પણ અત્યારે મસ્તી કરી લીધી અને હવે -
સુહાની : " જેની સાથે મસ્તી કરી શકાતી હોય ત્યાં જ કરાય.. સાચું ને ! "
સીમા : " દીદી, એક કામ હતું તમારું..
સુહાની : " બેજીજક બોલી દો. આપને માટે સમયે હાજર રહીશ જ."
સીમા : " આજ પાયલને એના ફીયાન્સ જોડે વાત થઈ હશે તો એમાં કોઈ સાથે રેખાને લગ્નગ્રંથિથી જોડવાની વાત છે."
સુહાની : " એમ જોયા જાણ્યા વગર જ-"
સીમા : "અરે, એમ નહીં.. પહેલા રેખાની મંજુરી વગર કશું જ નહીં."
સુહાની : " એના દીકરાનું પણ વિચારવાનું કે નહીં ?"
સીમા : " પાયલે કંઈક વિચાર્યું જ હશે ને !"
સુહાની : " બધી વાત બરાબર છે પરંતુ, માધવની જીંદગીભરની જવાબદારી લઈ શકે એવી પહેલી શરત હોય તો જ. રેખા દૂધની દાઝેલી છે એટલે આપણે એને પણ સલામતી રહે એવું પાત્ર જ પસંદ કરવું પડે ને ! "
સીમા : " એ જ તો, રેખાના સાસરિયા , રેખા એના ભાઈ-ભાભી બધાની સહમતિ હોય તો જ આ શક્ય બને."
સુહાની : " હું તો કહું છું કે રેખાની સહમતિ હોય તો કોઈની જરૂર ન પડે. બધા સુખમાં ભાગીદાર હોય. દુઃખમાં કોઈ આપણું ન હોય. જો બધાને રેખાની એટલી જ પરવા હોત તો રેખાને એકલું થોડું જીવવું પડે ?"
સીમા : " સમાજના ડરે રેખા શું વિચારે એ શું ખબર ..પણ તમને જયારે પાયલનો કોલ આવે મળવા માટે તો આવજો જરૂર..મારા ઘરે મળશું આપણે !"
સુહાની : " હાં, મારા ઘરમાં પણ હવે એક નવી સમસ્યા આવી છે. એ ત્યારે જ વાત કરીશ જ્યારે આપણે મળીશું. એક સરસ સમાચાર બીજા એ કે મારા સાસુ અને મારા દિયર અમે બધા હવે અમારા ઘરે સાથે રહીશું. ચાર દિવસ પહેલા જ નક્કી થયું."
સીમા : " સરસ સમાચાર છે. પરિવાર એ જ આપણો આધાર..નાના મોટા વાસણ અથડાય અને રણકે પણ ખરા, એને ફેંકવાના થોડા હોય ! પરિવારથી જ કુટુંબ ગણાય બાકી તો એકલું તો આખું જગત છે જ. બાળકો માટે પણ પરિવારની આમન્યા જરૂરી છે."
સુહાની : " હા, સીમા તારી વાત સો ટકાની. હું તો હંમેશા પહેલી પ્રાથમિકતા જીવનસાથીની જ રાખું છું. આપણું થડ મજબૂત હોય તો ડાળી પણ નિયંત્રણમાં જ રહે."
સીમા :" આપણે બધા રેખાને એક યોગ્ય જીવનસાથી શોધવામાં મદદરૂપ બનીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ."
સુહાની : " રેખાને મળી જ જશે. એ પણ એક જવાબદાર વ્યક્તિ છે એના ઘરની એટલે હવે એની જવાબદારી લે એવો જીવનસાથી જ શોધવો રહ્યો."
સીમા :" સારૂં, આપની વાણી ફળે! " બોલો બીજું...
સુહાની : " કાંઈ જ નહીં.. સારું પછી મળ્યા..
આમ વાતચીત પતાવીને બેય કામે વળગે છે. સુહાનીને આ વાતચીત પછી એવો વિચાર આવે છે કે કદાચ મયંક પણ રેખા માટે યોગ્ય ગણાય પરંતુ, પાયલે જે છોકરાની વાત કરી છે એ એનાથી પણ ઉત્તમ હોય શકે. મારે આ વાત અહીં જ વિચારવાનું છોડી પહેલા પાયલની વાતને સમર્થન આપવું જોઈએ. પાયલે પણ કાંઈક સારું જ વિચાર્યું હશે.
આ વાતને પણ આઠ દિવસ વીતી જાય છે. કારણ યોગેશ ફરી એકવાર ટૂર પર નીકળી જાય છે. સુહાની પણ એના પરિવાર સાથે રહેવા માટે આતુર છે. એ વિચારે છે કે હવે એની એકલતાનો અંત આવશે. એને તો સાગરનું પણ દિલ જીતી લીધું હતું. પરિવારના ચારેય સભ્યો એક છત નીચે રહેશે એ વાતથી એ બહુ ખુશ છે. સીમા પણ હવે રાજ સાથે કોઈપણ ફરિયાદ વગર જ જીવે છે..એનો પણ ચાર વ્યક્તિનો પરિવાર ખુશખુશાલ છે. પાયલ પણ એક મહિના પછી યોગેશ સાથે લગ્નબંધને જોડાવા તત્પર છે. ... બાકીનું હવે આવતા ભાગમાં...
--------- ( ક્રમશઃ) ------------
લેખક : Doli modi✍️
Shital malani ✍️
5-10-2020